મને લાગે છે કે મહત્વાકાંક્ષી હોવું એમાં કંઈ જ ખોટું નથી : કરીના

26 November, 2012 06:05 AM IST  | 

મને લાગે છે કે મહત્વાકાંક્ષી હોવું એમાં કંઈ જ ખોટું નથી : કરીના




કરીના કપૂરની આગામી રિલીઝ છે આમિર ખાન સાથેની ‘તલાશ’. સૈફ અલી ખાન સાથેનાં લગ્ન પછીની આ પહેલી ફિલ્મ હોવાથી બેબો એની રિલીઝ માટે બહુ ઉત્સાહી છે. આ ફિલ્મના પોતાના પાત્ર વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કરીના પ્રેમ વિશે તેમ જ સહકલાકાર રાની વિશેના પોતાના વિચારો વ્યક્ત કરે છે.

લગ્ન પછી તારા જીવનમાં કેવું પરિવર્તન આવ્યું?

મારા જીવનમાં કોઈ પરિવર્તન નથી આવ્યું, પણ પત્રકારો દ્વારા મને જે સવાલો કરવામાં આવે છે એમાં ચોક્કસ પરિવર્તન આવ્યું છે. મને ખબર નથી પડતી કે લગ્ન પછી જીવનમાં પરિવર્તન શું કામ જ આવવું જોઈએ? હું મૅરિડ છું એ વાતનો મને ગર્વ છે.

લગ્ન વિશે તું શું માને છે?

લગ્ન વિશે દરેક વ્યક્તિના વિચાર અલગ-અલગ હોય છે. હું સૈફને બહુ પ્રેમ કરું છું અને અમારા સંબંધને વધારે મજબૂત કરવા માગતી હોવાને કારણે મેં તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. મને એ વાતની ખુશી છે કે મેં માત્ર અત્યંત નજીકના પરિવારજનો વચ્ચે ખાનગીમાં બહુ નાના પાયે લગ્ન કર્યા છે. મારા માટે લગ્ન એ આદરણીય સંસ્થા છે જેમાં પ્રેમ સૌથી અગત્યની બાબત છે. લોકો લગ્ન કરવા માટે શું કામ ગભરાય છે એની મને  ખબર નથી પડતી.

તને નથી લાગતું કે લગ્ન કરવાથી કરીઅર પર એની અસર પડી શકે છે?

હું પહેલાંની જેમ અત્યારે પણ મારે જે ફિલ્મોમાં કામ કરવું હશે એ ફિલ્મોમાં કામ કરીશ અને જેમાં નહીં કરવું હોય એમાં કામ નહીં જ કરું. મારો અંતિમ હેતુ હંમેશાં સારી ફિલ્મોનો હિસ્સો બનવાનો છે. મને નથી લાગતું કે મૅરિડ હોવાથી મને મળનારી ઑફરો પર કોઈ અસર પડશે. મારી પર્સનલ લાઇફ અને પ્રોફેશનલ લાઇફ એકમેકથી સાવ અલગ છે અને બન્ને વચ્ચે કોઈ કનેક્શન નથી.

તું આ બન્ને લાઇફમાં કઈ રીતે સંતુલન રાખે છે?


અમે કલાકારો બહુ લાલચુ હોઈએ છીએ. અમને સફળતા, પ્રેમાળ જીવન અને સારા રોલ એમ બધું જોઈએ છે. હું નસીબદાર છું કે મારી પાસે આજે બધું છે. મને લાગે છે કે મહત્વાકાંક્ષી હોવામાં કાંઈ ખોટું નથી.

શું તેં સમજી-વિચારીને જ હવે હિરોઇનકેન્દ્રી ફિલ્મો કરવાનો નિર્ણય લીધો છે?

હું આવી ફિલ્મોની સાથોસાથ ‘બૉડીગાર્ડ’ જેવી ફિલ્મો પણ કરી રહી છું જેમાં મારું કામ માત્ર સુંદર દેખાવાનું છે. ઍક્ટિંગ મારું પૅશન છે. મારા માટે અભિનય કરવો જરૂરી છે, પણ પર્ફોર્મન્સ ઓરિયેન્ટેડ રોલના નામે હું એક જેવા જ રોલ તો ન કરી શકુંને.

તું તારી જાતને ઍક્ટ્રેસ તરીકે ૧૦માંથી કેટલા માર્ક આપે?

સાત.

તેં ‘ચમેલી’ અને આગામી ‘તલાશ’ બન્નેમાં દેહવ્યવસાય સાથે સંકળાયેલી મહિલાનો રોલ કર્યો છે. તને બન્નેમાં કોઈ ફરક દેખાયો છે?


બહુ જ ફરક છે. ચમેલી એક સીધીસાદી દેશી સેક્સવર્કર હતી જે દિલથી બહુ સારી હતી. ‘તલાશ’ની રોઝીના પાત્રના સંખ્યાબંધ શેડ્સ છે. ‘તલાશ’ની વાર્તા સેક્સવર્કરની વાર્તા નથી, પણ મારો રોલ મહત્વનો છે.

રાની સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

મને જ્યારે ખબર પડી કે ફિલ્મમાં મારા અને રાની વચ્ચે એક પણ સીન નથી ત્યારે હું બહુ નિરાશ થઈ ગઈ હતી. મને તે ગમે છે અને ઍક્ટ્રેસ તરીકે તેની ટૅલન્ટનો હું આદર કરું છું. હું અને રાની જ્યારે પણ મળીએ છીએ ત્યારે લાંબી ગપસપ માટે બેસી જઈએ છીએ. અમે ૧૦ વર્ષ પહેલાં ‘મુઝ સે દોસ્તી કરોગે!’માં સાથે કામ કર્યું હતું અને ત્યારથી અમારી દોસ્તીમાં કોઈ બદલાવ નથી આવ્યો.