વિનોદ ખન્નાને હવે ફક્ત દમદાર રોલ કરવાની ઇચ્છા

08 November, 2012 08:23 AM IST  | 

વિનોદ ખન્નાને હવે ફક્ત દમદાર રોલ કરવાની ઇચ્છા



ગયા અઠવાડિયે વિનોદ ખન્નાએ ૬૬ વર્ષ પૂરાં કરીને ૬૭મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. ‘મેરે અપને’, ‘અમર અકબર ઍન્થની’ અને ‘ઇન્કાર’ જેવી ફિલ્મોમાં દમદાર રોલ કરનાર વિનોદ ખન્ના હાલમાં ‘દબંગ ૨’માં કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં પણ તેઓ મૂળ ફિલ્મમાં ભજવેલો ચુલબુલ પાંડેના પિતા પ્રજાપતિ પાંડેનો રોલ જ કરી રહ્યા છે.

આ ફિલ્મમાં પોતાના રોલ વિશે વાત કરતાં વિનોદ ખન્ના કહે છે, ‘આ સીક્વલમાં મારા પાત્રમાં વાસ્તવિકતાના વધારે રંગ છે. ઓરિજિનલ ફિલ્મમાં પણ મારા અને ડિમ્પલના અનેક સીન હતા, પણ ફિલ્મ વધારે પડતી લાંબી થઈ જવાના કારણે એ કાપી નાખવા પડ્યા હતા. હવે સીક્વલમાં ડિમ્પલ મારી સાથે નથી, પણ તેની સાથે કામ કરવાનો અનુભવ હંમેશાં યાદગાર રહેશે.’

વિનોદ ખન્નાએ છેલ્લાં કેટલાંક વર્ષોથી લો-પ્રોફાઇલ રહેવાનું પસંદ કર્યું છે. એક સમયે વિનોદની ગણતરી બૉલીવુડના સૌથી વધારે હૅન્ડસમ અને ટૅલન્ટેડ ઍક્ટર તરીકે થતી હતી. તેમણે પોતાની કરીઅરમાં હીરોથી માંડીને વિલન સુધીના દરેક શેડનાં પાત્રો ભજવ્યાં છે. તેમણે પોતાના સમયમાં અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના અને ધર્મેન્દ્ર જેવા ટોચના હીરોને સારીએવી સ્પર્ધાર્ પૂરી પાડી હતી. જોકે હવે તેઓ થોડા પ્રયોગો કરવાના મૂડમાં છે.

પોતાની ફિલ્મોની પસંદગી અને ભવિષ્યના આયોજન વિશે વાત કરતાં વિનોદ કહે છે, ‘મારી મોટા ભાગની ફિલ્મો ઍક્શન થ્રિલર હતી, પણ હાલના તબક્કે હું આવી ફિલ્મો કરી શકું એમ નથી. આ તબક્કે જો તક આપવામાં આવે તો નવા પ્રયોગો કરવા માટે તૈયાર છું. હું નિરાશાવાદી નથી અને જ્યાં સુધી સારું કામ કરવાની તક મળે ત્યાં સુધી કામ કરવા માગું છું. છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતીય સિનેમાનું માધ્યમ વધારે સશક્ત બન્યું છે. હવે આ ઉંમરે હું માત્ર ચૅલેન્જિંગ અને મારી જાતને સારો ઍક્ટર સાબિત કરી શકું એવા દમદાર રોલ જ કરવા માગું છું.’