અનિલે આગામી ટીવી-શો માટે ઉતાર્યું સારું એવું વજન

30 November, 2012 06:10 AM IST  | 

અનિલે આગામી ટીવી-શો માટે ઉતાર્યું સારું એવું વજન



હાલમાં અનિલ કપૂર અમેરિકન સિરીઝ ‘૨૪’ની હિન્દી આવૃત્તિમાં કામ કરવાની પુરજોશમાં તૈયારી કરી રહ્યો છે. આ સિરીઝમાં તે સ્પેશ્યલ એજન્ટનો રોલ કરી રહ્યો છે જેના માટે તેણે સારું એવું વજન પણ ઉતાર્યું છે. આ રોલ માટે ફિટનેસ મેળવવા અનિલ કડક ડાયેટિંગનું અને ફિટનેસ-ટ્રેઇનિંગના નિયમોનું પાલન કરી રહ્યો છે. અનિલે આ ફિલ્મ માટે વજન ઉતાર્યું છે, પણ તે પોતાના નવા લુકને હમણાં જાહેર કરવાના મૂડમાં નથી.

અનિલે સ્પષ્ટતા કરી છે કે જો તક મળશે તો તેની દીકરી સોનમ પણ આ ટીવી-સિરીઝમાં જોવા મળશે. આ વિશે વાત કરતાં અનિલ કહે છે, ‘આ શોનો કાસ્ટિંગ ડિરેક્ટર છે રેન્સિલ ડિસિલ્વા. તે આમાં નવા ચહેરાને તક આપવા માગે છે, પણ જો તેમને લાગશે કે સોનમ આ રોલ માટે યોગ્ય છે તો તેઓ તેને પણ લઈ શકે છે. હવે તો મારે પણ સોનમ સાથે તેની મૅનેજર મારફત જ વાત કરવી પડે છે.’

આ ટીવી-સિરીઝ માટે આગામી ૯ મહિના સુધી અનિલે કોઈ બીજું કામ હાથમાં નથી લીધું. આ કામ પૂરું થશે એ પછી જ તે ‘મિસ્ટર ઇન્ડિયા’ અને ‘નો એન્ટ્રી’ની સીક્વલનું કામ હાથમાં લેશે.