માનવજાતિનાં હાજાં ગગડાવતા પ્લેગ સામે ઝૉમ્બી વર્લ્ડ વૉર

08 August, 2020 07:06 PM IST  |  Mumbai | Raj Goswami

માનવજાતિનાં હાજાં ગગડાવતા પ્લેગ સામે ઝૉમ્બી વર્લ્ડ વૉર

પૉપ્યુલર ફિક્શન એટલે કે લોકપ્રિય વાર્તા સાહિત્યમાં ઝૉમ્બી અપોકલિપ્સ નામનો એક પ્રકાર છે; ઝૉમ્બી એટલે સજીવન શબ અને અપોકલિપ્સ એટલે કયામતનો દિવસ, પ્રલય. એમાં કલ્પના એવી કરવામાં આવે કે ઝૉમ્બીઓના ઝુંડના કારણે સામાજિક, કાનૂની અને લશ્કરી વ્યવસ્થાઓ પર એટલું ભારણ આવી જાય કે સભ્યતા તૂટી પડે. એમાં મુઠ્ઠીભર લોકો અથવા નાનકડી ટોળકી બચી જાય. અમુક વાર્તાઓમાં ઝૉમ્બીઓ જેને બચકું ભરે અથવા એમનો ચેપ જેને લાગે તે ઝૉમ્બી બની જાય. જે મરી જાય તે સજીવન શબ બની જાય! અમુક વાર્તાઓમાં પરજીવીઓ માણસોને મારી નાખીને હાડપિંજરમાં જીવતા રહે.

ટૂંકમાં આનાથી ઝૉમ્બી પ્લેગ ફેલાય અને ધીમે-ધીમે પૂરી વસ્તીને ભરડામાં લઈ લે અને પૂરી સ્વાસ્થ્ય વ્યવસ્થા ખોરવાઈ જાય, જીવનજરૂરી ચીજવસ્ત્તુઓ ખૂટી જાય, નળમાં પાણી આવતું બંધ થઈ જાય, ઇલેક્ટ્રિસિટી જતી રહે, ટેલિવિઝન અને સરકારી સંસ્થાઓ નિષ્ક્રિય થઈ જાય. જે મુઠ્ઠીભર લોકો બચી ગયા હોય તે ઔદ્યોગિકીકરણ પહેલાંના સૂમસામ, ભૂતિયા શહેરમાં કચરામાંથી ખાવાનું વીણતા હોય. શહેરમાં એક વિસ્તાર એવો હોય જ્યાં ચેપ ન હોય અને એ લોકો ત્યાં શરણ લઈને નવેસરથી નવા યુગનો આરંભ કરે.

૨૦૧૩માં હૉલીવુડના એ-લિસ્ટેડ સ્ટાર બ્રૅડ પિટને લઈને ડિરેક્ટર માર્ક ફોસ્ટરે (મૉન્સ્ટર બોલ, ફાઇન્ડિંગ નેવરલૅન્ડ, સ્ટ્રેન્જર ધૅન ફિક્શન, ધ કાઇટ રનર અને ક્વૉન્ટમ ઑફ સોલાસ) આલાગ્રૅન્ડ હૉરર ફિલ્મ ‘ઝૉમ્બી વૉર ઝેડ’ બનાવી હતી. એ સમયે બ્રૅડ પિટની કારકિર્દીની આ સૌથી મોટી બૉક્સ-ઑફિસ હિટ ફિલ્મ હતી. તેણે ત્યારે કહ્યું હતું, ‘મારાં બાળકો ૧૮ વર્ષનાં થાય એ પહેલાં તે જોઈ લે અને તેમને મજા આવે એવી એક ફિલ્મ મારે કરવી હતી. એમાંથી આ ઝૉમ્બીનો વિચાર આવ્યો હતો.’ એનું શૂટિંગ દુનિયાનાં અલગ-અલગ શહેરોમાં કરવામાં આવ્યું હતું એ અર્થમાં એ આંતરરાષ્ટ્રીય બ્લૉકબસ્ટર હતી.

સંયુક્ત રાષ્ટ્રસંઘનો ભૂતપૂર્વ કર્મચારી ગેરી લાન ફિલાડેલ્ફિયામાં (બ્રૅડ પિટ) તેની પત્ની અને બે દીકરીઓ સાથે કારમાં જઈ રહ્યો હોય છે ત્યારે તેને સંદેશો મળે છે કે શહેરમાં હડકવા ફેલાયો છે. ગેરી કશું કરે એ પહેલાં એક ટ્રક આવીને ટકરાય છે. ટ્રકનો ડ્રાઇવર ઝૉમ્બી છે અને જ્યાંથી પણ અવાજ આવે એ તરફ એની ટ્રક ખેંચાય છે. એનો એના શરીર પર કાબૂ નથી. એમાં રોડ પર ધમાચકડી મચી જાય છે. ગેરી અને તેનો પરિવાર એમાંથી માંડ બચે છે. ગેરી નજીકના એક કૉમ્પ્લેક્સમાં છુપાઈ જાય છે જ્યાંથી તેના ભૂતપૂર્વ સાથી અને મિત્ર ડેપ્યુટી જનરલ સેક્રેટરી થીયેરી ઉમ્નુંટોની તેને હેલિકૉપ્ટર મારફત બચાવે છે.

ગેરીને ઍટ્લાન્ટિક સમુદ્રમાં તહેનાત યુએસ નૌસેનાના જહાજ પર લઈ જવામાં આવે છે જ્યાં વૈજ્ઞાનિકો અને લશ્કરના અધિકારીઓ દુનિયામાં ફેલાઈ રહેલી મહામારીનું વિશ્લેષણ કરી રહ્યા છે. એની ચર્ચા કરી રહ્યા છે. ત્યાં ઍન્ડ્ર્યુ ફાસ્સબાક નામનો યુવાન વાયરોલૉજિસ્ટ સૂચન કરે છે કે આ એક પ્લેગનો વાઇરસ છે અને એનો ઉપાય અથવા એની રસી એ પ્લેગ જ્યાંથી શરૂ થયો હોય એ મૂળને જાણવામાં છે. ગેરી તેનું મૂળ શોધવા માટે ઍન્ડ્ર્યુને સહયોગ આપવા તૈયાર થાય છે.

ગેરી, ઍન્ડ્ર્યુ અને સૈન્યની નાનકડી ટુકડી દક્ષિણ કોરિયાના સૈનિક થાણા પર પહોંચે છે. ત્યાં તેમની પર ઝૉમ્બીઓ હુમલો કરે છે અને એમાંથી બચવા જતાં ઍન્ડ્ર્યુ અકસ્માતે ખુદને જ ગોળી મારી બેસે છે અને મરી જાય છે. ગેરીને થાણાના સૈનિકો બચાવે છે. ગેરીને ત્યાં ખબર પડે છે કે ઝૉમ્બીનો પ્રકોપ એક ડૉક્ટર થાણા પર લઈ આવ્યો હતો જેને એક ઘાયલ સૈનિક તરફથી એનો ચેપ મળ્યો હતો. ગેરીને ત્યાં કહેવામાં આવે છે કે ઇઝરાયલમાં મોસાદ સંગઠને એક ઇલાકાને પ્રકોપથી સુરક્ષિત રાખ્યો છે. ગેરી ત્યાં જવાની યોજના બનાવે છે ત્યાં તેની પત્ની કેરીનો ફોન આવે છે અને તેના અવાજથી સાવધ થઈ ગયેલા ઝૉમ્બીઓ સૈનિકોને મારી નાખે છે, પણ ગેરી અને તેનો પાઇલટ બચીને નાસી છૂટે છે.

જેરુસલેમમાં ગેરી મોસાદના વડાને મળે છે, જે કહે છે કે મહિનાઓ પહેલાં તેમણે ભારતીય સૈન્યની એક ‘ઈ-મેઇલ’ ઝડપી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય સૈનિકો રાક્ષસો (ઝૉમ્બી) સામે લડી રહ્યા છે. એટલે ઇઝરાયલે જેરુસલેમની આસપાસ વિશાળ દીવાલો ઊભી કરી દીધી છે. ગેરી નિરીક્ષણ કરે છે કે ઝૉમ્બીઓથી બચીને લોકો જેરુસલેમમાં આશ્રય લઈ રહ્યા છે, ત્યાં જ નાચવા-ગાવાનો અવાજ સાંભળીને ઝૉમ્બીઓ દીવાલ ચડીને અંદર કૂદી આવે છે અને લોકો પર હુમલો કરે છે. મોસાદનો વડો તેના સૈનિકોને આદેશ કરે છે કે ગેરીને સહીસલામત તેના પ્લેન પાસે લઈ જાય. રસ્તામાં ગેરીની એક સુરક્ષાકર્મી સેગેનના હાથમાં એક ઝૉમ્બી બચકું ભરી લે છે અને પેલી ઝૉમ્બી બની ન જાય એટલે ગેરી ઝડપથી તેનો હાથ કાપી નાખે છે. ગેરી અને સેગેન પ્લેનમાં નાસે છે ત્યારે પાછળ ઝૉમ્બીઓ જેરુસલેમ પર છવાઈ જાય છે.

ગેરી તેના સંયુક્ત રાષ્ટ્રસંઘના સાથી થીયેરીનો સંપર્ક કરે છે અને પ્લેનને બ્રિટનના વેલ્સમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના મથક તરફ વાળવામાં આવે છે. પ્લેન ત્યાં ઊતરે છે ત્યાં તો પ્લેનમાં છુપાયેલો એક ઝૉમ્બી હુમલો કરે છે અને એનો નાશ કરવા ગેરી ગ્રેનેડ ફેંકે છે એમાં પ્લેન તૂટી પડે છે. ગેરીને ઈજા થાય છે પણ તે અને સેગેન બચી જાય છે અને મથકમાં જાય છે જ્યાં ગેરી બેભાન થઈ જાય છે.

ત્રણ દિવસ પછી તે ભાનમાં આવે છે અને આરોગ્ય સંગઠનના લોકોને તેના અનુભવ પરથી સમજાવે છે કે ઝૉમ્બી ગંભીર રીતે જખમી અથવા મરવા પડેલા બીમાર લોકોને બચકાં નથી ભરતાં, કારણ કે ઝૉમ્બી વાઇરસનો ફેલાવો કરવા માટે તેવા લોકો અયોગ્ય છે. ગેરી સૂચન કરે છે કે આ સિદ્ધાંતની પરીક્ષા કરવા માટે મથકમાં સંગ્રહ કરવામાં આવેલા વિષાણુથી કોઈકને બીમાર કરવામાં આવે, પણ મુસીબત એ થાય છે કે વિષાણુ જે વિભાગમાં રાખવામાં આવ્યા છે ત્યાં ઝૉમ્બીઓએ કબજો લઈ લીધેલો છે.

બધા લડતા-ઝઘડતા એ તરફ જાય છે અને છૂટા પડી જાય છે. ગેરી વિભાગ તરફ કુચ ચાલુ રાખે છે, જ્યારે સેગેન અને ડૉક્ટરો મુખ્ય બિલ્ડિંગમાં પાછા આવે છે. ભોંયરામાં એક ઝૉમ્બી રસ્તો રોકીને ઊભો હોય છે એટલે ગેરી ખુદને એક અજાણ્યા વિષાણુનું ઇન્જેક્શન લગાવી દે છે અને ખુદને જ તેના સિદ્ધાંતની પરીક્ષા માટે તૈયાર કરે છે. તેણે કહ્યું હતું એમ પેલો ઝૉમ્બી ગેરીની ઉપેક્ષા કરે છે અને ગેરી પાછો મુખ્ય બિલ્ડિંગમાં આવે છે ત્યારે પણ બીજા ઝૉમ્બી તેને ‘સૂંઘતા’ પણ નથી.

વિશ્વ આરોગ્ય સંગઠનના ડૉક્ટરો ગેરીની સારવાર કરે છે અને ઠીક થઈ ગયા પછી સેગેન સાથે ગેરી લૉન્ગ આઇલૅન્ડ પર ઝૉમ્બીઓથી સુરક્ષિત ફ્રીપોર્ટ નામના ગામમાં તેના પરિવારને મળે છે. બીજી બાજુ પેલા ઘાતક વિષાણુના સફળતા પરીક્ષણથી પ્રેરાઈને ઝૉમ્બી માટેની ‘રસી’ બનાવવામાં આવે છે અને દુનિયાભરમાં લોકોને આપવામાં આવે છે. હવે ઝૉમ્બીઓનો પરાજય શરૂ થાય છે.

વાસ્તવમાં ફિલ્મનો અંત જુદો કલ્પવામાં આવ્યો હતો. એમાં ગેરીનું પ્લેન વેલ્સના બદલે મૉસ્કોમાં પડે છે અને ત્યાં મુસાફરોને ભેગા કરીને જે વૃદ્ધ અને બીમાર હોય તેમને ગોળીએ મારવામાં આવે છે. ગેરીને રશિયન સૈન્યમાં ભરતી કરવામાં આવે છે. તેને ખબર પડે છે કે ઝૉમ્બીઓ ઠંડીની ઋતુ હોય ત્યારે નબળા પડી જાય છે. એ પછી ગેરી પાછો અમેરિકા જાય છે અને ઝૉમ્બીઓ સામે લશ્કરી મોરચો આરંભે છે. જોકે આ અંતને બદલી નાખીને ‘રસી’ મળી ગઈ હોય એવો અંત વિકસાવવામાં આવ્યો હતો જેથી ફિલ્મ થોડી ઓછી હિંસક બની હતી.

૨૦૦૬માં, લેખક મૅક્સ બ્રુક્સે ‘વર્લ્ડ વૉર ઝેડ: ઍન ઓરલ હિસ્ટરી ઑફ ઝૉમ્બી વૉર’ નામની નવલકથા લખી હતી, જેમાં સોલાનુમ નામનો એક વાઇરસ ચીનમાં પેદા થઈને પૂરી દુનિયામાં ફેલાઈ જાય છે અને સેંકડો લોકોને ઝૉમ્બી બનાવી દે છે. આવું વીસ વર્ષ ચાલે છે અને છેવટે માનવજાતિ એના પર વિજય મેળવે છે. દસ વર્ષ પછી લેખક પોતે અને સંયુક્ત રાષ્ટ્રસંઘનો યુદ્ધ એજન્ટ દુનિયાભરમાં જઈને લોકોના ઇન્ટરવ્યુ કરે છે અને ઝૉમ્બી પ્લેગ અને એની લડાઈ કેવી હતી એનાં બયાન નોંધે છે. ‘વર્લ્ડ વૉર ઝેડ’ ફિલ્મનો આધાર આ પુસ્તક હતું.

કોઈને એવું લાગે કે આ પુસ્તક (અને ફિલ્મ) જાણે ભવિષ્યવાણી હતું. હમણાં એક ઇન્ટરવ્યુમાં લેખક મૅક્સ બ્રુક્સે કહ્યું હતું, ‘હું કોઈ ભવિષ્યવાણી કરવા માગતો નહોતો. મારે તો ખાલી ઇતિહાસમાં નજર નાખવી હતી. આવી આપદાઓનો

ઇતિહાસ લગભગ સરખો જ હોય છે. પહેલાં તમે ના પાડો કે ‘કશું ન થાય’ અને પછી તમે જેટલો લાંબો વખત ઇનકારમાં જીવો એટલી જ તીવ્રતાથી ગભરાટ પેદા થાય.’

બ્રુક્સે યુરોપ-એશિયાના બ્લૅક ડેથ અને ઇન્ફ્લુએન્ઝા તેમ જ એચઆઇવી-એઇડ્સનો વ્યાપક અભ્યાસ કરીને આ પુસ્તક લખ્યું હતું. બ્રુક્સને અત્યારની પરિસ્થિતિ સાથે કોઈ સામ્ય દેખાય છે? તે કહે છે, ‘અત્યારે આપણો સૌથી મોટો દુશ્મન સામૂહિક માનસિક આતંક છે. આપણે ઘણા સમયથી નિશ્ચિંત બનીને ઘોરતા હતા અને હવે મુસીબત આવી પડી છે ત્યારે હાંફળાફાંફળા થઈ ગયા છીએ. આ શાહમૃગવૃત્તિ છે. રેતીમાં મોં ખોસી રાખો તો આપદાનો સામનો કરવાનો થાય ત્યારે કોઈ સાધન ના મળે.’

‘વર્લ્ડ વૉર ઝેડ’માં એક જગ્યાએ સંવાદ છે કે ‘યુદ્ધમાં તમારું શ્રેષ્ઠ હથિયાર ડર છે, પણ વાઇરસ જેવા દુશ્મનને એનો અહેસાસ જ ન હોય તો ડરનું હથિયાર શું કામનું?’

બ્રુક્સ કહે છે, ‘મોટા ભાગનું યુદ્ધ માનસિક હોય છે. તમારે દુશ્મનનાં હાજાં ગગડાવી દેવાનાં હોય. એટલા માટે તો આપણે ડેઝર્ટ સ્ટૉર્મ (પ્રથમ ખાડી યુદ્ધ) શરૂ કર્યું હતું. આપણે બીજા વિશ્વયુદ્ધ પ્રકારના ધૂમધડાકા કરીને એને ટીવી પર લાઇવ બતાવવા હતા જેથી દુનિયામાં સંદેશો જાય કે અમારી સાથે પંગો ન લેતા, નહીં તો આવી હાલત થશે. ગભરાટ એ યુદ્ધની એક વ્યૂહરચના છે, પણ જે દુશ્મન ડરથી મુક્ત હોય તેની સાથે કેવી રીતે લડવું? તમે વાઇરસનાં હાજાં ગગડાવી ન શકો. તમે વાઇરસ સાથે વાટાઘાટો ન કરી શકો. તમે વાઇરસ સાથે શાંતિ-કરાર કરી ન શકો. એક વાઇરસની બાયોલૉજિકલ ભૂમિકા જ ઇન્ફેક્શન કરીને ફેલાવાની છે. એટલે હવે આપણાં હાજાં ગગડવાનો વારો નીકળ્યો છે.’

columnists raj goswami