તમારી બેસ્ટ કંપની કોણ?

02 February, 2020 12:41 PM IST  |  Mumbai | Bhavya Gandhi

તમારી બેસ્ટ કંપની કોણ?

પ્રતીકાત્મક તસવીર

આપણે એકલા રહી શકીએ ખરા?

મિનિમલની દિશામાં આગળ વધ્યા પછી મને આ વિચાર સતત આવતો રહે છે અને એનો જવાબ હવે હું પૉઝિટિવ રીતે આપી શકું, પણ મને ખબર છે કે મોટા ભાગનાઓનો જવાબ આ બાબતમાં ના જ આવવાનો અને ધારો કે જેણે ‘હા’ પણ પાડી હશે તો તેની એ ‘હા’ને હું તરત જ સ્વીકારવાનો નથી, કારણ કે આપણે એકલા રહી શકીએ છીએ કે નહીં એમાં પણ અમુક શરતો સામેલ છે.

એકલા રહેવાનો અર્થ એવો નથી કે બધાથી કટ ઑફ થાઓ, જાત સાથે રહો. જરા પણ જરૂરી નથી કે જાત સાથે રહેવા માટે તમારે દુનિયાથી કટ ઑફ થવું પડે.

પણ હા, જાત સાથે રહેવા માટે તમારે એવા તમામ ઑબ્જેક્ટ્સથી દૂર રહેવાનું છે જે તમને ડિસ્ટ્રૅક્ટ કરતા રહે છે. ફૉર એક્ઝામ્પલ, મોબાઇલ. હા, આજે સૌથી વધારે કોઈ ગૅજેટથી પ્રૉબ્લેમ થતો હોય કે પછી પ્રૉબ્લેમની જડ બનીને રહેતો હોય તો એ છે ફોન. એક મિનિટ, પણ માણસ પોતાના ફોનથી દૂર નથી રહેતો.

 

એવા લોકો આપણે જોઈએ છીએ કે આંખ ખોલ્યા પછી સૌથી પહેલું કામ એ મોબાઇલ જોવાનું કરે છે. ભગવાનનું નામ પણ નહીં લેવાનું, ફ્રેશ થવાની પણ વાત નહીં. બસ, આંખ ખોલ્યા પછી પહેલું કામ, સીધો મોબાઇલ હાથમાં લેવાનો. એવી આદત પણ પડી જાય કે મોબાઇલમાં કશું ન થયું હોય, ન રિન્ગ વાગી હોય કે ન તો એમાં મેસેજ ટોન વાગ્યો હોય અને તો પણ મોબાઇલ હાથમાં લઈને એક વાર લાઇટ કરી બધું જોઈ લે અને પછી પાછો ફોન ટેબલ પર મૂકી દે. રસ્તામાં જતા હોય તો પણ આ પ્રક્રિયા ચાલતી હોય. ફુટપાથ પર પણ આ જ કામ થાય અને ઘરમાં બેઠા હોય તો પણ દર દસ મિનિટે આ કામ થયા કરે. કશું ન સૂઝે અને રોડ ક્રૉસ કરવાનો હોય તો પણ કાને હેડફોન હોય અને મસ્તીથી ગીતો ગાતાં રોડ ક્રૉસ કરવામાં આવે. કેમ એક મિનિટ માટે પણ ફોનથી દૂર નથી રહી શકતા આપણે, શા માટે?

ઘણાં ઘરમાં આન્ટી કિચનમાં રસોઈ કરતાં હોય અને કિચનમાં સ્ટૅન્ડ પર ફોન લગાવ્યો હોય અને એમાં વિડિયો ચાલુ હોય. શું કામ, કયું કારણ એવું છે કે આપણે ફોનથી ડિસકનેક્ટ થઈ નથી શકતા? હવે તમે વિચાર કરો કે આપણે એક મિનિટ પણ જાત સાથે એકલા નથી રહેતા અને પછી પણ આપણી ફરિયાદ તો એ જ છે કે એકલું લાગે છે.

હકીકત જુદી છે. એકલું લાગવા પાછળનું કારણ જુદું છે. એમાં કોઈ વ્યક્તિનો વાંક નથી, એમાં કોઈનો દોષ નથી; પણ દોષ ઑબ્જેક્ટ્સનો છે. આપણી આસપાસ આટલા ઑબ્જેક્ટ્સ આવી ગયા છે કે એ આપણને એકલા રહેવા જ નથી દેતા, આપણી પાસે મોકલવા માટે એટલા બધા ઇમોજીસ છે કે હવે આપણે આપણા ઇમોશન્સને પણ વ્યક્ત કરવામાં પાછળ પડીએ છીએ. આંખો કાઢવાની આવે ત્યારે પણ આપણને એ જ ઇમોજીસ યાદ આવે છે અને સ્માઇલ કરવાનું યાદ આવે ત્યારે પણ આપણી આંખ સામે એ સ્માઇલી આવી જાય છે. અહીં સુધી તો ઠીક છે પણ આપણે ખરેખર જે ઇમોશન્સ દેખાડતા નથી હોતા એવા ઇમોશન્સ પણ આપણે મોબાઇલમાં એકબીજાને મોકલતા રહીએ છીએ. ઇમોશન્સની આ વાત એટલા માટે તમને કહેવી છે કે આ વાતને સાચી રીતે અને સહજ રીતે સમજવાની જરૂર છે. ઇમોજીસે આપણને ઇમોશનલેસ કરી દીધા છે. ઇમોજીસને લીધે આપણે ખરેખર પ્લાસ્ટિકના ચહેરાવાળા બની ગયા છીએ. મોબાઇલ પર આપણે બધું મોકલીશું, પણ સામે મળતી વ્યક્તિને સ્માઇલ આપી નથી શકતા. આ ખરેખર મજબૂરી છે આપણી અને આપણી આ મજબૂરી મોબાઇલના કારણે ઊભી થઈ છે.

હવે આપણને લાગણી વ્યક્ત કરવામાં પણ મોબાઇલની જરૂર પડે છે.

મેં અનેક એવા લોકોની ફરિયાદ સાંભળી છે કે ફોન પર હોય ત્યારે એટલી વાતો કરે અને એવી વાતો કરે કે આપણને તેમના માટે માન જન્મે, તેમના માટે આપણને ખરેખર પ્રેમ જાગે; પણ રૂબરૂ હોય ત્યારે એ લાગણી અને ઉષ્મા ક્યાંય જોવા ન મળે. કારણ? કારણ એ જ કે આપણે એકલા નથી રહી શકતા અને તમે

ખરેખર ટ્રાય કરજો.

તમારા ફોનને કે પછી એવા બીજા ઑબ્જેક્ટ્સને દૂર કરીને એક વાર શાંતિથી બેસજો. એક મિનિટ, બે, ત્રણ અને પાંચ મિનિટ શાંતિથી બેસજો. થોડી વારમાં તમારા મનમાં વિચાર આવશે કે લાવ ફોન ચેક કરી લઉં. ચેક કરવાનું નહીં સૂઝે તો કોઈને મેસેજ કરવાનું યાદ આવશે અને એ યાદ નહીં આવે તો અગત્યનો કૉલ યાદ આવી જશે, વૉટ્સઍપ ચેક કરવાનું યાદ આવી જશે અને બીજી ઇમ્પોર્ટન્ટ ઍપ્સમાં જવાનું પણ યાદ આવી જશે. આજે તો એવી બધી ઍપ્લિકેશન પણ આવી ગઈ છે જે ખરેખર રોજબરોજની લાઇફમાં ઊપયોગી હોય છે. ડેઇલી એક્સપેન્સની ઍપ પણ છે અને વેઇટ અને તમારા ફૂડનું ધ્યાન રાખતી ઍપ પણ છે.

 

જેવા શાંત બેસશો કે તરત જ એ બધું યાદ આવશે અને એ ઍપમાં ડેટા સ્ટોર કરવાનું મનમાં સૂઝી આવશે.

સાચું તો એ જ છે કે આપણે આપણી જાત સાથે એકલા નથી રહી શકતા અને એનું કારણ એટલું જ કે કાં તો આપણે બોરિંગ થઈ ગયા છીએ અને કાં તો આપણે આપણને જ ખુશ રાખવાના રસ્તાઓ વીસરી ગયા છીએ અને એટલે જ આપણે મોબાઇલ નામના જમુરિયા સાથે વધારે વખત રહીએ છીએ. પણ એક વાત યાદ રાખજો, જો તમે તમારી કંપનીમાં રહી ન શકતા હો તો તમે બીજા કોઈની પણ કંપનીમાં રહેવાને લાયક નથી. જો તમે તમારી જાત સાથે રહી ન શકતા હો તો પછી બીજું કોઈ કેવી રીતે તમારી સાથે રહી શકે અને શું કામ રહે? તમે તમારી જ જાતને પ્લીઝ નથી કરી શકતા તો પછી બીજા કેવી રીતે તમારી જાતને ખુશી રાખી શકે, પ્લીઝ કરી શકે?

અંગ્રેજીમાં બે શબ્દ છે જેના દેખીતા અર્થ કોઈને સરખા લાગી શકે છે. લોન્લીનેસ અને સૉલિટ્યુડ.

આ બન્ને શબ્દના અર્થ એકદમ જુદા છે. લોન્લીનેસ એટલે એકલતા, જ્યારે તમે તરછોડાઈ ગયાની ભાવના સાથે જીવી રહ્યા છો અને તમારી સાથે, તમારી પાસે કોઈ નથી પણ સૉલિટ્યુડ એટલે જાત સાથે રહીને જાતને સાચવવાની. એકલા રહો કે એકલા બેસો કે તરત જ તમને એકલતાનો અનુભવ થાય તો એ એકલતા નથી અને ધારો કે એવી એકલતાનો અનુભવ થાય તો એ અનુભવ પણ લેવાનું રાખો. એ અનુભવ કરશો તો જ તમે તમારી લોન્લીનેસને સૉલિટ્યુડમાં કન્વર્ટ કરી શકશો, ફેરવી શકશો. જાતને ઓળખવાની આ પ્રક્રિયા કરવી પડશે. જાત સાથે રહેવાની આદત પાડવી પડશે. જો જાતની સાથે રહેશો તો જ ખબર પડશે કે

તમે જીવી રહ્યા છો, જો પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છો એ વાજબી છે કે નહીં?

જીવનમાં ઘણી વખત એવું બનતું હોય છે કે એક લાંબો પ્રવાસ કર્યા પછી ખબર પડે કે તમે આ મંઝિલ ખોટી કાપી લીધી. મ્યુઝિકમાં ઓતપ્રોત થઈને પુણે જવા નીકળેલી ગાડી જો માથેરાન પહોંચી જાય તો એ ગેરવાજબી છે. લાઇફનું પણ એવું જ છે. એટલા ઓતપ્રોત થવાની જરૂર નથી કે તમે તમારી દિશા, તમારી મંઝિલ કે તમારું ધ્યેય ભૂલી જાઓ. ના, જરા પણ નહીં. ઑબ્જેક્ટ્સ આ જ કામ કરે છે. ઑબ્જેક્ટ્સ પછી જે કોઈ સ્વરૂપમાં હોય એ સ્વરૂપમાં પણ એનું કામ તો આ જ છે.

પ્રૉબ્લેમ્સ અને ટેન્શનની ફરિયાદ કરનારાઓને પણ આ જ કહેવાનું કે જાત સાથે રહેતા નથી એ સૌથી મોટો પ્રૉબ્લેમ છે અને એ જ ટેન્શન વધારવાનું કામ કરે છે. સ્ટ્રેસની વાતો લઈને ઊભા રહેનારા સૌને પણ એ જ કહેવાનું કે જાત સાથે રહેવાનો સમય નથી કાઢતા એટલે જે સ્ટ્રેસ છે એ વિકરાળ બનીને સૌકોઈ ઉપર અસર કરે છે. સ્ટ્રેસ પહેલાં કોઈને લાગતું નહોતું અને હવે એક પણ વ્યક્તિ એવી નથી જેને સ્ટ્રેસનો અનુભવ થતો નથી. કારણ શું? કૉમ્પિટિશન?

ના, જરા પણ નહીં. કૉમ્પિટિશન ત્યારે પણ હતી અને આજે પણ છે. એ સમયે એની માત્રા એ સમય મુજબની હતી અને આજે એની માત્રા આજના સમય મુજબની છે એટલે કૉમ્પિટિશન જવાબદાર નથી, જવાબદાર આપણે છીએ. આપણે જાત સાથે રહેવાનું છોડી દીધું એટલે ગઈ કાલના બધા પ્રશ્નો મોટા થઈને હવે મસ્તક પર તાગડધિન્ના કરે છે. ગૅજેટ્સથી દૂર થઈને એક વખત જરા જાત સાથે રહો. તમારી કંપની બહુ સારી છે એવું સ્ટેટમેન્ટ કોઈ બીજો કરે એના કરતાં તમને પોતાને એ સ્ટેટમેન્ટ કરવાનું મન થાય એવું કરો. યાદ રાખજો, તમારા સાથી તમે પોતે છો અને તમારા માટે કંઈ બેસ્ટ હોય તો એ તમે પોતે જ છો.

columnists Bhavya Gandhi