સેલ્ફી ખેંચવામાં વેડફી નાખતા યુવાનોમાં કૉસ્મેટિક સર્જરી તરફ ઝુકાવ વધ્યો

07 June, 2019 01:18 PM IST  |  મુંબઈ | યંગ વર્લ્ડ - વર્ષા ચિતલિયા

સેલ્ફી ખેંચવામાં વેડફી નાખતા યુવાનોમાં કૉસ્મેટિક સર્જરી તરફ ઝુકાવ વધ્યો

સેલ્ફી

૨૦ વર્ષની મોનિકાને સ્નૅપચૅટ પર ફોટા પોસ્ટ કરવાનો જબરો ક્રેઝ છે. દિવસમાં લગભગ ૨૫ સેલ્ફી શૅર કરે છે. આમ કરવા પાછળનું કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે ઇન્સ્ટાગ્રામ પર એના ચાર હજાર ફૉલોઅર્સ છે. માત્ર મોનિકા જ નહીં, આવું ગાંડપણ આજકાલના લગભગ બધા જ યુવાનોમાં જોવા મળે છે. સોશ્યલ મીડિયાનો અતિરેક વધતાં બ્યુટી ઍન્ડ કૉસ્મેટિક ઇન્ડસ્ટ્રીને બખ્ખાં થઈ ગયાં છે. કૉસ્મેટિક ઇન્ડસ્ટ્રી આવી ઘેલછા ધરાવતા યુવાનોને ટાર્ગેટ કરે છે. સોશ્યલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલી સેલ્ફીને બહોળો પ્રતિસાદ મળે એ માટે આજની પેઢી કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. ફોટામાં સુંદર દેખાવા તેઓ ફેસ સર્જરી જેવાં જોખમ ઉઠાવતાં પણ અચકાતી નથી.

અમેરિકન એકૅડેમી ઑફ ફેશ્યલ પ્લાસ્ટિક ઍન્ડ રિક્ન્સ્ટ્રક્ટિવ સર્જરીના રિપોર્ટ અનુસાર સેલ્ફીના કારણે ૧૬થી ૩૦ વર્ષના યુવાનોમાં બૉટોક્સનાં ઇન્જેક્શન લેવાનો અને પ્લાસ્ટિક સર્જરી કરાવવાનો ટ્રેન્ડ વધતાં આ ઇન્ડસ્ટ્રીમાં વીસ ટકા જેટલો વધારો નોંધાયો છે. રિસર્ચ કહે છે કે વિદેશમાં તેર ટકા જેટલા યુવાનો પ્લાસ્ટિક સર્જરી તરફ વYયા છે. ગયા વર્ષે ઇન્સ્ટાગ્રામ પર બૉટોક્સ હેશટૅગ સાથે પચાસ લાખ અને ફિલર્સ હેશટૅગ સાથે પંદર લાખ ફોટા શૅર થયાં હોવાનું જાણવા મYયું છે.

બૉસ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિનના સંશોધકોનું કહેવું છે કે આ એક પ્રકારની માનસિક બીમારી છે. સંશોધકોએ આ રોગને સેલ્ફી ડિસમૉર્ફિયા તરીકે ઓળખાવી છે. યુવાન વયે પોતાના દેખાવ પ્રત્યે અસંતોષ અને કાલ્પનિક ઇમેજનો મોહ ચિંતાનો વિષય છે. મેન્ટલ ડિસમૉર્ફિક ડિસઓર્ડર તરફ દોરી જતી યુવાપેઢીને અટકાવવા કૉસ્મેટિક પ્રૅક્ટિશનર માટે ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે. શું ભારતના યુવાનો પણ આ પ્રકારની માનસિક બીમારીથી પીડાય છે? આપણે ત્યાં યુવાનોમાં કયા પ્રકારની સર્જરી પૉપ્યુલર બની છે તેમ જ એમાં કેવાં કેવાં જોખમો રહેલાં છે એ સંદર્ભે નિષ્ણાતો સાથે ચર્ચા.

વેસ્ટર્ન કલ્ચરથી પ્રભાવિત ભારતના મેટ્રોસિટીના યુવાનોમાં આ પ્રકારની ઘેલછા જોવા મળે છે એમ જણાવતાં પવઈના કાઉન્સિલર ઍન્ડ સાઇકોથેરપિસ્ટ જિજ્ઞા છેડા કહે છે, ‘સેલ્ફી ડિસમૉર્ફિયા એ કુદરતે આપેલા સૌંદર્ય પ્રત્યે નારાજગી દર્શાવતી માનસિક બીમારી છે. ઇન્ટરનેટના યુગમાં લોકો બાહ્ય દેખાવથી એકબીજાને જજ કરતા થયા છે એ સેલ્ફ લવ અને હૅપીનેસનો અભાવ દર્શાવે છે. દેશ-વિદેશના સેલિબ્રિટિઝ અને ફ્રેન્ડ્સને ફૉલો કરતાં યુવાનો તેમનો લુક જોઈ પોતાના શરીરની આલોચના કરવા લાગે છે. આ એવું ગ્લોબલ પ્લૅટફૉર્મ છે જ્યાં બ્યુટીની ચર્ચા થતી હોય છે તેથી પ્રેશર વધે છે. મારા પણ અઢળક ફૉલોઅર્સ હોવા જોઈએ એવી ચાહ તેમને આર્ટિફિશ્યલ બ્યુટી તરફ દોરી જાય છે.’

ફોટો એડિટિંગ ટેãક્નક્સ અને ઍપ્લિકેશનના કારણે સૌંદર્યની વ્યાખ્યા બદલાઈ ગઈ છે એ વાત સાથે સહમત થતાં મુંબઈના કૉસ્મેટિક સર્જન ડૉ. દેબરાજ શોમે કહે છે, ‘યુવાનોમાં સ્વંયના દેખાવને બદલવાની જે હોડ લાગી છે એ ડિસમૉર્ફિયા જેવી બીમારીને નોતરું આપે છે. એક રિસર્ચ અનુસાર મુંબઈમાં ૬૩ ટકા યુવાનો અને ૭૫ ટકા યુવતીઓ સેલ્ફી ડિસમૉર્ફિયાથી પીડાય છે. પોતાના નૅચરલ લુકથી ખુશ ન હોવાના કારણે ૭૦ ટકાથી વધુ યુવાનોના સેલ્ફ કૉન્ફિડન્સમાં ઘટાડો નોંધાયો છે. નૅચરલ સેલ્ફી અને રી-ટચ આપ્યા બાદ પોસ્ટ કરવામાં આવેલી સેલ્ફીથી તેમના આત્મવિfવાસમાં વધ-ઘટ થઈ હોવાનું પણ શોધી કાઢવામાં આવ્યું છે. મારો અંગત અનુભવ કહે છે કે મેટ્રોસિટીના ૧૬થી ૨૫ની વયના મોટા ભાગના યુવાનો અઠવાડિયાના પાંચ કલાક સેલ્ફી ખેંચવામાં અને પોતાનો પ્રોફાઇલ ફોટો ચેન્જ કરવામાં વેડફી નાખે છે. પોતાના નેચરલ બૉડી પ્રત્યે અણગમો એ માનસિક રોગનું કારણ તો બને જ છે, સાથે ઇટિંગ ડિસઓર્ડર, લો-સેલ્ફ એસ્ટીમ અને ડિપ્રેશનનાં પ્રાથમિક લક્ષણો છે.’

ઇન્ટરનેટ પર ફોટો શૅરિંગના વધતા ક્રેઝના કારણે યુવાનો બાહ્ય સૌંદર્યને સર્વાધિક પ્રાધાન્ય આપવા લાગ્યા છે એ વાત નિષ્ણાતો પણ સ્વીકારે છે. યુવાનોમાં કયા પ્રકારની ટ્રીટમેન્ટ તરફ ઝુકાવ વધ્યો છે તેમ જ આ ટ્રીટમેન્ટ કેટલી જોખમી છે એ વિશે માહિતી આપતાં ડૉ. દેબરાજ કહે છે, ‘પોતાના દેખાવને બદલવાના હેતુથી અમારી પાસે આવતા યુવાનોમાં રાઇનો પ્લાસ્ટી (નાકના આકારને બદલવાની સર્જરી), બ્લેફારોપ્લાસ્ટી (આંખની પાંપણની સર્જરી), હેર ટ્રાન્સપ્લાન્ટ અને લીપોસક્શનની ડિમાન્ડ વધુ છે. રાઈનો પ્લાસ્ટીમાં ત્રણથી ચાર કલાકનો સમય લાગે છે. મૉડર્ન લાઇફસ્ટાઇલના કારણે યુવાનીમાં વાળ ખરી જવાની સમસ્યા વધી છે તેથી હેર ટ્રાન્સપ્લાન્ટ પણ સામાન્ય છે. આ પ્રક્રિયામાં વ્યક્તિગત જરૂરિયાત અનુસાર ત્રણથી આઠ હજાર ફોલિકલ સુધી હેર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. કોઈ પણ સર્જરી હાથ ધરતાં પહેલાં બ્લડ ટેસ્ટ અને અન્ય રોગનું નિદાન કરવામાં આવે છે. જો કોઈ સમસ્યા હોય તો પહેલાં એને કંટ્રોલમાં કરવી પડે પછી જ સર્જરી થાય. આજકાલ કૉસ્મેસ્ટિક સર્જરી કૉમન થઈ ગઈ છે અને ટેક્નૉલૉજી એટલી આગળ વધી ગઈ છે કે કોઈ જાતનું જોખમ નથી. આપણે ત્યાં ૧૮ વર્ષથી નીચેની વયના લોકોની સર્જરી કરવાની પરવાનગી નથી. સામાન્ય રીતે સર્જરીની સલાહ ત્યારે જ આપવામાં આવે છે જ્યારે અનિવાર્યતા જણાતી હોય. કોઈ યુવતીનું નાક આડું હોય એના કારણે ચહેરો કદરૂપો દેખાતો હોય તો સર્જરી કરી એને સુંદર બનાવી શકાય. કુદરતે આપેલા સુંદર શરીર સાથે ચેડાં કરીને નહીં, પણ કુદરતી ખામીને દૂર કરવા કૉસ્મેટિક સર્જરી કરવી પડે છે.’

ગ્લૅમર વર્લ્ડથી અંજાયેલી યુવાપેઢી પોતાના શરીર સાથે ચેડાં કરવા લાગી છે એ ચિંતાનો વિષય છે એમ જણાવતા જિજ્ઞા કહે છે, ‘બ્યુટીના પૅરામીટરથી જ લોકો એકબીજાને પસંદ કરે છે એવા નેગેટિવ થોટ્સના કારણે હવે ૧૪-૧૫ વર્ષનાં ટીનેજર ચીક બોન્સ અને લિપ ફિલર કરાવવાનો આગ્રહ રાખતાં થયાં છે. એટલું જ નહીં, પર્ફેક્ટ ફિગર મેળવવા તેઓ ક્રશ ડાયટ પણ ફૉલો કરે છે. એક કેસમાં પંદર વર્ષની ટીનેજરે એડલ્ટ લુક મેળવવા સર્જરી કરાવી હતી. કૉસ્મેટિક ટ્રીટમેન્ટનો ખર્ચ ઉપાડી શકવા અસમર્થ યુવાનો લાઇમલાઇટમાં રહેવા પૉકેટ પ્રમાણે નિયમિતપણે હેર કલર, હેર એક્સટેન્શન, નેઇલ આર્ટ અને અન્ય ઓછી ખર્ચાળ ટ્રીટમેન્ટના સહારે બ્યુટિફુલ દેખાવાનો મોહ રાખે છે. જો આમ ન કરે તો તેઓ હતાશ થઈ જાય છે. એક સ્તર બાદ ડિપ્રેશનમાંથી બહાર લાવવા ક્લિનિકલ સારવારની જરૂર પડે છે. બ્યુટીને સ્કિન કલર સાથે કોઈ લેવાદેવા નથી. સોશ્યલ મીડિયા પર બ્યુટિફુલ દેખાવાથી ચાહકોની સંખ્યા વધે એવી વિચારધારામાંથી યુવાનોએ બહાર નીકળવાની જરૂર છે. તમારી કમ્યુનિકેશન સ્કિલ, ઇન્ટરેક્શન, નૉલેજ અને પ્રેઝન્ટેશન પણ લોકોમાં આકર્ષણ ઊભું કરી શકે છે.’

આ પણ વાંચો : બીકમિંગ: ઉચ્ચ સ્થાન પર પહોંચ્યા પછી પણ પગ જમીન પર રાખવાની કળાનું જ્વલંત ઉદાહરણ

આજના યુવાનો ગાડરિયા પ્રવાહમાં તણાતા જાય છે એ વાસ્તવિકતા છે એવો મત વ્યક્ત કરતાં ડૉ. દેબરાજ કહે છે, ‘મારી પાસે આવતા યુવાનોમાંથી ૩૦ ટકાને તો પાછા મોકલવા પડે છે. અનેક કેસમાં કાઉન્સિલિંગ કરી સમજાવવું પડે છે કે તમારું બૉડી બ્યુટિફુલ જ છે. કોઈ સર્જરીની આવશ્યકતા નથી. કેટલાક એવી હઠ લઈને બેસે છે કે કહેવું પડે કે તમને કૉસ્મેટિક સર્જનની નહીં, સાઇકિયાટ્રિસ્ટ પાસે જવાની જરૂર છે. આવા કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. સોશ્યલ મીડિયાનો અતિરેક દૂર થાય તો જ યુવાનો દેખાડાના કલચરમાંથી બહાર નીકળી શકશે. ટેક્નૉલૉજી આપણને દુનિયા સાથે કનેક્ટ કરવા વિકસાવવામાં આવી છે એ સાચું, પણ એના વગર જીવી જ ન શકાય એવું ન હોવું જોઈએ.’

Varsha Chitaliya columnists