કૉલેજમાં ભણતી છોકરી અબૉર્શન કરાવીને આવે, ઘરનાને અણસાર પણ ન હોય એવું બને

05 April, 2019 10:34 AM IST  |  | રુચિતા શાહ

કૉલેજમાં ભણતી છોકરી અબૉર્શન કરાવીને આવે, ઘરનાને અણસાર પણ ન હોય એવું બને

પ્રતીકાત્મક તસવીર

યંગ વર્લ્ડ

તાજેતરમાં હાઈ કોર્ટે વીસ વર્ષની યુવતીની અબૉર્શનની અરજી ફગાવી દીધી. સેક્સ્યુઅલ રિલેશનશિપની બાબતમાં આજના યંગસ્ટર્સની ઉત્સુકતા વિશે આગળ ઘણી વાર વાતો થઈ છે. જોકે જે રીતે ઇમ્ફર્મેશન ટેક્નૉલૉજી અને ઇન્ટરનેટ હાથવગાં બન્યાં છે એ જોતાં ફિઝિકલ રિલેશનમાં સુરક્ષિતતા વિશે કિશોરાવસ્થામાં રહેલી પેઢીની બેદરકારી ચિંતાજનક છે. અત્યારે બે પ્રકારના કેસ ભારતમાં જોવા મળી રહ્યા છે. પહેલું, દેશના ગ્રામીણ વિસ્તારોમાં અઢાર વર્ષ પહેલાં લગ્નો થઈ રહ્યાં છે અને લગ્ન બાદ પંદરથી ઓગણીસ વર્ષની યુવતીઓમાં માતા બનવાનું પ્રમાણ વધ્યું છે. બીજી બાજુ શહેરોમાં ભણેલી-ગણેલી યુવતીઓમાં અનસેફ સેક્સને કારણે ગર્ભ ધારણ કરવાનું પ્રમાણ વધ્યું છે. વિશ્વની તુલનાએ ભારતમાં ૧૧ ટકા ટીનેજર યુવતીઓ માતા બને છે. નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વે મુજબ ભારતની ૨૭ ટકા છોકરીઓ ૧૮ની ઉંમર પહેલાં જ લગ્ન કરી લે છે. વહેલી અને અનવૉન્ટેડ પ્રેગ્નન્સીને કારણે અબૉર્શનનું પ્રમાણ પણ ઊંચું છે. આજે દેશની પ્રેગ્નન્સી ધરાવતી કુલ મહિલાઓમાંથી લગભગ પચાસ ટકા મહિલાઓ અબૉર્શન કરાવે છે. ભારતમાં દરરોજ ૧૩ મહિલાઓ અબૉર્શનની ખોટી રીતને કારણે મૃત્યુ પામે છે. દેશની એંશી ટકા મહિલાઓને ખબર જ નથી કે ભારતમાં અઠવાડિયાની પ્રેગ્નન્સી માટે ગર્ભપાત લિગલ છે. અનમૅરિડ છોકરીઓ કોઈને પોતાની પ્રેગ્નન્સીની ખબર ન પડી જાય એ ડરથી અનક્વૉલિફાઇડ વ્યક્તિ પાસે અબૉર્શન કરાવીને અથવા તો મેડિકલમાં મળતી હાનિકારક દવાઓ લઈને જાતને જોખમમાં મૂકે છે.

રાષ્ટ્રીય સ્તરે વકરી રહેલી આ સમસ્યામાં મુંબઈ ક્યાં છે? વીસ વર્ષની મુંબઈની યુવતીએ ૨૪ અઠવાડિયાંની પ્રેગ્નન્સી માટે કોર્ટનો દરવાજો પણ એટલે ખટખટાવવો પડ્યો, કારણ કે લીગલી વીસ અઠવાડિયાંથી વધુની પ્રેગ્નન્સીમાં ગર્ભપાત શક્ય નથી. હું માનસિક રીતે બાળકની જવાબદારી લઈ તેને ઉછેરી શકું એમ નથી જેવી દલીલને કોર્ટે કોઈ પ્રાધાન્ય ન આપ્યું. આજના કૉલેજિયનોની સેક્સ માટેની અધીરાઈ અને એમાંથી ઉદ્ભવેલી પ્રેગ્નન્સી જેવી અવસ્થાને કઈ રીતે ટૅકલ કરવી એ દિશામાં થોડીક ચર્ચા કરીએ.

ઘણા કેસ છે

૧૮ વર્ષની કૉલેજિયન યુવતીઓ જાણે કામ પતાવવાનું હોય એમ બેધડક આવીને અબૉર્શન કરાવીને જાય છે. એવું નથી કે અપર મિડલ ક્લાસની જ યુવતીઓની આ વાત છે. મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસમાં પણ આ જ ઘાટ છે. જાણીતાં ગાયનેકૉલૉજિસ્ટ ડૉ. અદિતિ પરમાર વાતને આગળ વધારતાં કહે છે, ‘મારા ક્લિનિકની નજીકમાં ઘણી કૉલેજો છે એટલે કૉલેજ ગોઇંગ છોકરીઓનું આવવું અને ગર્ભપાત કરાવવાનું ખૂબ જ સામાન્ય છે એ હું ચોક્કસપણે કહી શકું. પહેલી વાત એ લોકોને આ પ્રકારે અબૉર્શનની નોબત આવી એનો કોઈ અફસોસ કે વસવસો હોતો નથી. કાનમાં પિયર્સિંગ કે ટૅટૂ કરાવવા નીકળી હોય એમ તેઓ ગર્ભપાત કરાવતી થઈ છે. તેમના માટે આ અતિ સામાન્ય ઘટના છે. સેક્સ્યુઅલી ઍક્ટિવ હોવાનું તેઓ કબૂલે છે. કૉન્ટ્રેસેપ્ટિવ યુઝ કરવાનું તેમને ખબર છે અને છતાં ક્યારેક મિસ થઈ જાય એ વાત તેમના માટે સહજ છે. ૧૮ વર્ષથી મોટી ઉંમરની છોકરીઓ પોતાની કન્સેન્ટ આપીને અબૉર્શન કરાવી શકે છે. બેશક, ચૌદ-પંદર વર્ષની યુવતીઓ તેમની મમ્મી સાથે આવે. આવા કેસમાં પણ પેલી છોકરીઓને કંઈ ન પડી હોય, પણ તેમની માતાનો જીવ અધ્ધર હોય. એક વાત તો નક્કી છે કે આજની પેઢી આ બાબતમાં જરાય ગંભીર નથી.’

ઉંમર નાની હોય તો

પોતાની પાસે આવેલા કેટલાક પેશન્ટ વિશે વાત કરતા ડૉ. અદિતિ કહે છે, ‘૧૬ વર્ષની એક યુવતીને લઈને તેની મમ્મી મારી પાસે આવી હતી. મને કહે કે જુઓને તેના પેટમાં ટ્યુમર છે. મેં ચેક કર્યું તો કહ્યું કે તમારી દીકરી પ્રેગ્નન્ટ છે અને છઠ્ઠો મહિનો ચાલે છે. મા માટે આ બાબત આઘાતજનક હતી. દીકરીના ચહેરા પર કોઈ પ્રતિભાવ નહોતો. હવે શું કરવું?ની ચર્ચાઓ તેઓ મારી સાથે કરી રહ્યાં હતાં. સાચું કહું તો આ પ્રકારના કેસને અમે એન્ટરટેઇન નથી કરતા, કારણ કે અઢાર વર્ષથી નીચેની વયની છોકરીઓ જો પ્રેગ્નન્ટ હોય તો એ માટે પોલીસમાં જાણ કરવી પડે અને અબૉર્શન પોસિબલ હોય તો પણ ડાયરેક્ટ એ કરી ન શકાય, કારણ કે સગીર વયની યુવતીનું પ્રેગ્નન્ટ હોવું એ રેપ કેસ જ ગણાય છે. એવા સમયે અમે કોઈ પગલાં લીગલી પણ ન લઈ શકીએ. તેમને આ બધી જ વાતો કહીને સરકારી હૉસ્પિટલમાં જવાની જ સલાહ આપીએ. આવા કિસ્સાઓ વધી રહ્યા છે. નાની-નાની યુવતીઓને પહેલાં તો ઘરમાં ખબર ન પડે એ જ ઇચ્છા હોય. એવા કેસમાં તેઓ ફિઝિકલ રિલેશનના ૭૨ કલાકમાં લેવાની આઈ પીલ જેવી દવાઓ જાતે જ લઈ લે છે. કેટલીક વાર તો મેડિકલવાળા પાસેથી સીધી અબૉર્શનની દવા આપો એમ કહીને દવા લઈ લે છે, જે ઘણી વાર ગંભીર રીતે હેલ્થને ડૅમેજ પણ કરી શકે છે. ક્યારેક વધુ પડતું બ્લીડિંગ થઈ જાય, શરીરમાં અકલ્પનીય રીતે હૉમોર્નલ ઇમ્બૅલૅન્સ થઈ જાય જેવી ઘણી બાબતો ઘટી શકે છે, પણ યુવાન છોકરીઓ દેખાદેખીમાં અને કોઈને ખબર ન પડે એ રીતે આવાં પગલાં લેતાં અચકાતી નથી.’

એકથી વધુ વાર

આમ તો આજની પેઢી કૉન્ટ્રાસેપ્ટિવની બાબતમાં સભાન છે, પરંતુ એની પણ કંઈ સોએ સો ટકા ગૅરેન્ટી તો નથી જને! એમ જણાવીને ડૉ. અદિતિ કહે છે, ‘ઓરલ ટૅબ્લેટ લઈને પ્રેગ્નન્સી ટાળવાનું આજની યુવાન છોકરીઓ પ્રીફર નથી કરતી. જે પાર્ટનર પ્રિકોશન લે એવો તેમનો આગ્રહ હોય છે. કોઈક વાર સાંભળેલી વાતો મુજબ ડેટ્સને ધ્યાનમાં રાખીને ઓવરકૉન્ફિડન્સમાં ધ્યાન ન રાખ્યું હોય. મને યાદ છે કે એક છોકરી તેની મમ્મી સાથે મારી પાસે આવેલી. તેની માતાએ જ વાતની શરૂઆત કરીને કહ્યું કે આમ તો હવે છ મહિનામાં તેનાં લગ્ન કરવાનાં જ છે, પરંતુ અત્યારે બાળક નથી જોઈતું. મારી દીકરી અને પેલો છોકરો સાથે જ રહે છે. તમે ગમે તેમ કરીને આ બાળકને અબૉર્ટ કરી આપો. સાડાપાંચ મહિનાની પ્રેગ્નન્સી હોય તો હું અબૉર્શન ન કરી શકું એવું મે ચોખ્ખું કહી દીધું હતું. એ પછી તેઓ મારી પાસે કરગરવા લાગ્યાં. લગભગ ત્રીજી કે ચોથી વાર આ છોકરી અબૉર્શન કરાવી રહી હતી અને તેના ચહેરા પર કોઈ ગિલ્ટ નહોતું. લગભગ વીસેક વર્ષની તેની ઉંમર હતી. મેં તેમને કહ્યું કે આમેય તમે બન્ને લગ્ન જ કરવાનાં છો તો બાળક રાખોને. સોનોગ્રાફી દ્વારા મેં તેમને બાળકનો આકાર દેખાડ્યો. તેના ધબકારા સંભળાવ્યા, પણ તેમને એનાથી કોઈ ફરક નહોતો પડતો. હું દરેકને તમારા માધ્યમે પણ કહીશ કે આજના જમાનામાં અઢળક પ્રકારના કૉન્ટ્રાસેપ્ટિવ ઉપલબ્ધ છે, જે તમને ગર્ભપાતની નોબત નહીં આવવા દે. સાચું કહું તો આજની ટીનેજર છોકરીઓમાં અક્કલ જ નથી. તેઓ કંઈ કરતાં પહેલાં એક વાર વિચારતી પણ નથી. તેમના માટે બૉયફ્રેન્ડ સાથે ઇન્ટિમેટ થવું એ સ્ટેટસ સિમ્બૉલ છે. બસ મજા આવે છે એટલે કરવું છે.’

આ પણ વાંચો : કૉલમ : પુષ્પોનું પાણી કરી શકે તમારા મનનો ઇલાજ?

નહીં માને એવું લાગે ત્યારે

થોડાક સમય પહેલાં એક સંપન્ન પરિવારની મમ્મી તેની દીકરી સાથે મારી પાસે આવી. તેણે પોતાની દીકરીને કૉન્ટ્રાસેપ્ટિવ વિશે જાણકારી આપવી હતી એટલે મારી પાસે લઈ આવ્યાં હતાં. દીકરીએ મમ્મીને કહી દીધું હતું કે મારો બૉયફ્રેન્ડ છે અને અમે બધી રીતે સાથે રહીએ છીએ. દીકરીને રોકીશું તો દીકરી નહીં માને જ્યારે એવી ખાતરી થઈ ગઈ ત્યારે સુરક્ષિત ફિઝિકલ રિલેશન અને કૉન્ટ્રાસેપ્ટિવનો પ્રૉપર ઉપયોગ કેમ કરાય એની ઍડવાઇઝ આપવી તેને જરૂરી લાગી. આ પ્રકારની સલાહ હું દરેક પેરન્ટ્સને આપીશ. ધારો કે તમને સહેજ પણ અણસાર હોય કે તમારી દીકરીના જીવનમાં કોઈ છે તો સૌથી પહેલાં તેની સાથે ફ્રેન્ડલી થઈને વાત કરીને દરેક કાર્યની એક ઉંમર હોય છે એ સમજાવવાની કોશિશ કરો અને સાથે તેને આ શારીરિક રીતે આગળ વધીએ તો સુરક્ષાનું શું અને કેવી રીતે ધ્યાન રાખવું એની સાચી ઍડવાઇઝ આપવાનું ચૂકતાં નહીં. મલ્ટિપલ પાર્ટનર સાથે બન્નેમાંથી એકેય ફિઝિકલી આગળ ન વધ્યાં હોય એનું ધ્યાન રાખવું, કારણ કે એનાથી એચઆઇવી, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ જેવી સમસ્યાઓ થઈ શકે છે. - ડૉ. અદિતિ પરમાર, ગાયનેકૉલૉજિસ્ટ

columnists