કેવું બોલવું? કેટલું બોલવું?

06 January, 2019 09:53 AM IST  |  | Bhavya Gandhi

કેવું બોલવું? કેટલું બોલવું?

પ્રતીકાત્મક તસવીર

આરંભ હૈ પ્રચંડ 

વિઅર્ડ કહેવાય, ઘણાને વિચિત્ર લાગે કે પછી અળવીતરો લાગે એવા સબ્જેક્ટ પર લખવાનું આજે મને સૂઝ્યું છે. મને નથી ખબર કે હું સાચું લખીશ કે નહીં, પણ મને જે ફીલ થયું છે એ જ મારે લખવું છે અને એ જ વાત મારે આજે તમને કહેવી છે.

થોડા સમય પહેલાં મેં ક્રિસમસ પર વાત કરી ત્યારે હું એક કૅફેમાં હતો અને ત્યાં બેસીને આપણે કૅફેની એ દુનિયા એક્સપ્લોર કરી હતી. કૅફેની એ દુનિયા એક્સપ્લોર કરતાં મને બીજો એક વિચાર આવ્યો હતો. એવું તે કયું કારણ છે કે લોકો કૅફેમાં આવે અને અહીં કલાકો સુધી બેસી રહે? કેમ પોતાનો સમય પસાર કરી શકે?

મારું ઑબ્ઝર્વેશન છે કે કૅફેમાં બે પ્રકારના લોકો જ આવતા રહે છે. એક એવા જે ગ્રુપમાં આવ્યા હોય અને ગ્રુપમાં આવીને પણ સાવ ચૂપ બેસી રહે છે. માત્ર ગ્રુપ જ નહીં, કપલમાં આવ્યા હોય એ પણ કૅફેમાં આવીને તો એકદમ ચૂપ જ થઈ જાય છે અને જાણે કે બોલવાની મનાઈ હોય એવી રીતે વર્તે છે. કૅફેમાં આવનારા બીજા પ્રકારના લોકો એ છે જેઓ સતત બોલતા જ હોય. તેમને એવું જ લાગે કે જાણે આ તેમનું ઘર છે. આ જે બીજા પ્રકારના લોકો છે તેમને કૅફેનો અડધો સ્ટાફ ઓળખતો પણ હોય અને એ લોકો તેમને નામથી જ બોલાવતા હોય. એવું વર્તન કરે જાણે આ કૅફે તેમની પોતાની જ છે. તમારે પણ જઈને જોવું હોય તો તમે જોજો, કૅફેમાં તમને પણ આ બે પ્રકારના લોકો જ જોવા મળશે. એક, એકદમ ચૂપ રહેનારા અને બીજા, કૅફેને પોતાનું ઘર માનનારા.

ખરેખર, મારું આ માર્કિંગ તમને એકદમ સાચું લાગશે. આ બીજા પ્રકારના લોકોને ચૂપ રહેવું જ નથી. મેં જ્યારે માર્ક કરવાનું શરૂ કર્યું ત્યારે મને એવા ઘણા લોકો મYયા કે કૅફેમાં હોય અને સાથે કોઈ ન હોય તો કોઈને કૉલ લગાડીને બેસી જાય. આ બીજા પ્રકારના લોકો તો તમને મૂવીમાં પણ જોવા મળે. જો ભૂલથી પણ તે એકલો (કે એકલી) આવ્યો હોય અને મૂવીમાં ઇન્ટરવલ પડે કે તરત જ તે ફોન કાઢીને કોઈને ને કોઈને ફોન લગાડીને તેની સાથે ફિલ્મની વાતો કરવા માંડશે. તેને ફિલ્મને ઉતારી પાડવામાં રસ નથી હોતો, પણ તેને બોલવા જોઈતું હોય છે. આ પ્રકારના લોકો એક્સ્ટ્રોવર્ટ કૅટેગરીમાં આવતા હશે એવું મારું માનવું છે. તેમને બોલ્યા વગર નહીં ચાલતું હોય અને કાં તો તેમને બોલવા ન મળે તો તેઓ બેચેન બની જતા હશે. ઘણી વખત એવું પણ બનતું મેં જોયું છે કે આ રીતે બહાર સતત બોલતી રહેતી વ્યક્તિ ઘરમાં કોઈની સાથે વાત ન કરતી હોય, પણ ઘરમાંથી બહાર નીકળે કે પછી કોઈ પર્ટિક્યુલર કંપનીમાં આવી જાય કે તે તરત જ ખીલવા માંડે અને બહુબધી વાતો કરવા માંડે. આ પ્રકારના લોકોને હું રિઝર્વડ પસર્નાલિટી ગણાવીશ. તેમને કહેવું ઘણું છે, પણ ફક્ત પોતાની વ્યક્તિની સામે જ બોલે જે તેને સમજવાની કોશિશ કરે છે કે પછી તેને સમજે છે. આવા લોકોની મને દયા આવતી રહી છે. તેમને બોલવાનો મોકો નથી મળતો કે પછી તે બોલે તો કોઈ તેને સાંભળતું નથી. આ જ કારણે તે ધીમે-ધીમે પોતાના કમ્ફર્ટેબલ ઝોનમાં આવી જાય છે. આ કમ્ફર્ટેબલ ઝોન પહેલાં આવી વ્યક્તિ એકલી પડી જતી હોય છે, જેને લીધે તેની જીભ પણ આપોઆપ પોતાની વ્યક્તિઓની સામે જ ખૂલતી થઈ જાય છે.

આ પ્રકારના લોકોમાં આપણા વડીલો પણ આવી જતા હોય છે. મારું માનવું છે કે વડીલોને ખાસ સાચવવા, કારણ કે ઉંમરને કારણે જો તેમને ઘરમાં બોલવાની છૂટ ન મળે તો તમારે તમારો થોડો સમય તેમને સાંભળવામાં આપવો જોઈએ. તેમના મનમાં રહેલી વાત તે લોકો કહી શકશે, જે વાત તે પોતાના ઘરે નથી કરી શકતા. તેઓ ચોક્કસ હળવાશ અનુભવશે અને તમને તેમની દુઆ મળશે એ બોનસ હશે.

લોકોને વધારે પડતું બોલવાની કે પછી સાવ ચૂપ રહેવાની બીમારી હોતી હશે એવું હું ધારી લઉં છું. જે સતત બોલે છે તેઓ રેસ્ટલેસ મેન્ટાલિટી ધરાવતા હોય છે. તે લોકો સતત ઉતાવળમાં હોય છે અને દરેક કામને જલદી પૂરું કરવાની માનસિકતા ધરાવતા હોય છે. એનાથી સાવ ઊલટું જે લોકો વિચારીને બોલે છે કે પછી ઓછાબોલા છે તેઓ શાંત કે પછી ગંભીર સ્વભાવના હોય છે અને ક્યારેય કોઈ નર્ણિય ઉતાવળમાં નથી લેતા. આ મારું પર્સનલ ઑબ્ઝર્વેશન છે. બને કે મારી આ ધારણા ખોટી પણ હોય, પરંતુ તમે જોશો તો તમને પણ દેખાશે કે જેઓ સતત બોલે છે તેઓ વિચારવાની આદત નથી ધરાવતા. જે લોકો ઓછું બોલતા હશે તેઓ દરેક કામ વિચારીને કરતા હશે.

આપણે ત્યાં તો બોલવાની વાત પર બે કહેવત છે. એક, બોલે એનાં બોર વેચાય અને બીજી, ન બોલવામાં નવ ગુણ.

આ બન્ને કહેવતો પરથી મને હંમેશાં એક વાત સમજાય છે કે આપણે જે બોલીએ એની સામેવાળા પર સાચી અસર થવી જોઈએ અને આપણા શબ્દોથી કોઈને દુ:ખ ન લાગવું જોઈએ. તમે જોયું હશે કે દોસ્તીમાં આપેલી મોટી ગાળનું પણ ક્યારેય ખોટું નથી લાગતું અને રસ્તામાં બાઇક સહેજ અડકી ગઈ હોય અને અજાણ્યો સામાન્ય બૅડ વર્ડ કહેવાય એવા શબ્દો બોલી જાય તો પણ આપણને તરત જ હાડોહાડ લાગી આવે. કહેવાનો અર્થ એટલો જ કે ખાસ ધ્યાન રાખવું કે તમારા બોલવાથી ક્યારેય કોઈને દુખ ન થાય કે ખરાબ ન લાગે અને પ્રયાસ એવો પણ કરવો કે એવું જ બોલવું કે તમારી વાત સાંભળીને સામેની વ્યક્તિ ખુશ થાય. એક નાનકડી સ્પષ્ટતા પણ કરી લઉં. હું ખુશામત કરવાનું નથી કહી રહ્યો. ખુશામત અને સારા શબ્દોમાં ફરક છે એટલે આ વાતને ખોટી રીતે પણ ન સમજતા.

હમણાં એક ખૂબ સરસ વાત મેં વાંચી. ગુજરાતીમાં હતી અને મારી મમ્મીએ મને વંચાવી હતી. સરસ ક્વોટેશનમાં લખ્યું હતું કે શું બોલીએ છીએ એના પર જ બધું આધારિત છે, બાકી કક્કો તો બધાનો એક જ છે. વાત કેટલી સરસ છે. ક્યારે શું બોલવું એની સમજદારી હોવી જરૂરી છે. જો તમને બોલતાં આવડે છે, પણ શું બોલવું અને કેવું બોલવું એની ખબર નથી તો એનો અર્થ એ જ થયો કે તમે માત્ર બોલતાં શીખ્યા છો, વાત કરતાં નહીં. તમને માત્ર કક્કો આવડે છે, પણ તમને કઈ વાત ક્યારે કહેવી અને કેવા શબ્દોમાં કહેવી એની સમજદારી નથી. અમુક લોકો એવા છે જેઓ ઉત્સાહમાં આવીને કંઈ પણ બોલી નાખે છે અને પછી જ્યારે સમજાય ત્યારે અફસોસ કરતા બેઠા હોય છે. સીધો અર્થ એ છે કે તમારા મૂડને પણ તમારા બોલવા સાથે, તમારા શબ્દો સાથે અને તમારા કમિટમેન્ટ સાથે સીધો સંબંધ છે. લોકો એવી ભૂલ કરતા હોય છે કે અમુક જગ્યાએ બોલવામાં ખાસ છૂટછાટ લઈ લે અને એ છૂટછાટ પછી તેમને પોતાને જ નડે છે. ઑફિસમાં બૉસની સાથે કેવી મર્યાદા રાખવી જોઈએ કે બીજા કોઈ કલીગ સાથે કેટલા અંતરથી વાત કરવી એ ક્યાંય શીખવવામાં નથી આવતું. એ તો તમારે તમારી સમજદારી સાથે જ શીખવાનું હોય. જો એ શીખવામાં તમે પાછા પડો તો તમારે એ ભૂલનું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડે. જો તમારામાં એ કૌવત ન હોય, એ આવડત ન હોય, એ કુનેહ ન હોય તો તમારે પછડાટની પૂરી તૈયારી રાખવી પડે. મને હમણાં જ એક ફ્રેન્ડે બિઝનેસ માટે પૂછ્યું ત્યારે મને કહેવાનું મન થયું હતું કે કેવી રીતે બોલવું અને કેટલું બોલવું એ શીખવવાનું શરૂ કરી દે, જબરી ઇન્કમ થશે.

columnists