દિલમાં બેઠેલા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ટકાવી રાખવાનું કાર્ય

15 August, 2020 07:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલમાં બેઠેલા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ટકાવી રાખવાનું કાર્ય

પર્યુષણ વ્યાખ્યાન માળા: ૧

મુંબઈ, તને લાખ-લાખ નમસ્કાર

પદ્મભૂષણ જૈનાચાર્ય વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મ. સા

‘મહારાજસાહેબ, વિશ્વાસઘાતના વાતાવરણ વચ્ચેય જ્યારે વિશ્વાસપાલનનું કોઈક જ્વલંત દૃષ્ટાંત જોવા મળે છે ત્યારે હૈયું એવું આનંદવિભોર બની જાય છે કે જેનું વર્ણન કરવા માટે તમામ શબ્દો ઓછા પડતા હોય એવું લાગે છે.’

‘એવો કોઈ અનુભવ?’

‘એ તો કહેવા આપની પાસે આવ્યો છું. મારા એક પરિચિત મિત્ર છે. ઉંમર હશે તેમની પ૩ આસપાસ. આર્થિક સ્થિતિ બહુ ખરાબ નહીં પણ બહુ સારીયે નહીં.’

‘હંમ...’

છેલ્લાં પાંચેક વર્ષથી એક પાર્ટીમાં તેમના બે લાખ રૂપિયા ફસાઈ ગયેલા. ખૂબ-ખૂબ પ્રયત્નો કર્યા પછી એ રકમ એ પાર્ટીએ તેમને પોતાની ઑફિસે બોલાવીને આપી. રકમ લઈને ટૅક્સીમાં તે પોતાના ઘરે આવી રહ્યા હતા. મનમાં રાહતનો ભાવ હતો, સંતોષ હતો અને હૈયે ટાઢક હતી. પણ ઘરમાં દાખલ થયા પછી તેમને ખ્યાલ આવ્યો કે બે લાખની એ સંપૂર્ણ રકમ તો પોતે ટૅક્સીમાં ભૂલી ગયા છે.

તેમના હોશ ઊડી ગયા. તેમની આંખમાં આંસુ આવી ગયાં.

રે નસીબ!

પાંચ વર્ષે રકમ હાથમાં આવી એનો આનંદ તેં પંદર કલાક પણ ભોગવવા ન દીધો? આખી રાત તેમણે તરફડિયાં મારીને પસાર કરી. સવારે સાતેક વાગ્યે તે પથારીમાં બેઠા થયા અને અચાનક ઘરનો દરવાજો ખખડ્યો. ટૅક્સી-ડ્રાઇવર પોતાના હાથમાં પોતાની બે લાખની રકમનું પૅકેટ લઈને ઊભો હતો. પ્રેમથી ટૅક્સી-ડ્રાઇવરને અંદર આવકાર્યો.

‘શેઠ! આ તમારું જ પૅકેટ છેને?’

‘હા.’

‘રાતે ઘરે પહોંચ્યા બાદ મારી ટૅકસી તપાસતાં અંદરથી તમારું આ પૅકેટ મળ્યું. મેં ખોલ્યું. રૂપિયા નીકળ્યા, મેં ગણ્યા. પૂરા બે લાખ, હું સ્તબ્ધ થઈ ગયો.’

‘રૂપિયા જોયા પછી પહેલો વિચાર શો આવ્યો?’

‘આ જ કે જેના પણ આ રૂપિયા હશે તેનું અત્યારે શું થતું હશે? કારણ કે આ રૂપિયા કોઈ શ્રીમંતના તો નથી જ. જો શ્રીમંતના હોત તો તે પોતાની ગાડીમાં હોત. ટૅક્સીમાં મુસાફરી કરનાર માણસ પાસે આટલા રૂપિયા હોવા એ એટલું જ સૂચવે છે કે કાં તો તે સામાન્ય માણસ હોવો જોઈએ અને કાં તો એ કોઈકની ઉઘરાણીના પૈસા તેની પાસે હોવા જોઈએ. બસ, આ એક જ ખ્યાલે આ તમામ રકમ તેના માલિકને પરત કરવાનો મેં નિર્ણય કરી લીધો. નસીબ મારું સારું કે પૅકેટની અંદર તમારા ઘરના સરનામાવાળો એક કાગળ નીકળ્યો. આખી રાત હું તમારા ખ્યાલે સૂતો નથી. ગણી લો શેઠ તમારી રકમ અને મને છૂટો કરો.’

ટૅક્સી-ડ્રાઇવરની આ મહાનતા અને ઉદારતા નિહાળી મારા એ મિત્ર ગળગળા થઈ ગયા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. પળભર તો તે કંઈ બોલી શક્યા નહીં પણ ટૂંક સમયમાં તેમણે સ્વસ્થતા મેળવી લીધી.

ટૅક્સી-ડ્રાઇવરને સામે બેસાડીને તેને પાણી આપ્યું, ચા-નાસ્તો કરાવ્યાં.

આગતા-સ્વાગતા પૂરી થઈ એટલે તેમણે પેલા ટૅક્સી-ડ્રાઇવરને પૂછ્યું.

‘દોસ્ત! અત્યારે તારી સ્થિતિ કેવી?’

‘ધંધાઓમાં સખત મંદી હોવાના કારણે મોટા ભાગના લોકો ટૅક્સીને બદલે બસ અને ટ્રેન પસંદ કરવા લાગ્યા છે. આવક મારી તૂટી છે. બે દીકરા ઉંમરલાયક થઈ ગયા છે પણ રકમ ન હોવાના કારણે નવરા બેઠા છે. જો હું તેમને ટૅક્સી લઈ આપું તો બધુંય બરાબર ગોઠવાઈ જાય.’

‘ટૅક્સી કેટલાની આવે?’

‘જૂની લઉં તોય ૯૦,૦૦૦ તો લાગે જ લાગે.’

‘તો એક કામ કર. તું જે બે લાખ અત્યારે મને પાછા આપી રહ્યો છે એ બે લાખ હું તને ભેટ આપી દઉં છું. એક ટૅક્સી-ડ્રાઇવર હોવા છતાં તું જો મારો વિચાર કરી શક્યો છે તો હું તારો વિચાર કેમ ન કરું?’

ટૅક્સી-ડ્રાઇવર આ સાંભળતાં રડી જ પડ્યો. તે ઊભો થઈને મારા મિત્રના પગમાં પડી ગયો.

‘શેઠ! આટલું બધું મોટું ઇનામ ન હોય.’

‘દોસ્ત! આ ઇનામ નથી. માણસના દિલમાં બેઠેલા ભગવાનની શ્રદ્ધા ટકાવી રાખવામાં તું જે નિમિત્ત બન્યો છે એના આનંદની ખુશાલીમાં આ બે લાખ તને ભેટમાં આપું છું. તારા જેવા વિરલાઓ જ માણસના દિલમાં બેઠેલા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ટકાવી રાખવાનું કામ કરે છે. તું અને તારો સમસ્ત પરિવાર સુખી હો એ જ પરમાત્માને પ્રાર્થના.’

columnists