ગઈ કાલે ભાઈબંધીનો દિવસ ઊજવી લીધા પછી માંડીને વાત ધ્યાનથી સાંંભળો

03 August, 2020 11:33 AM IST  |  Mumbai | Manoj Joshi

ગઈ કાલે ભાઈબંધીનો દિવસ ઊજવી લીધા પછી માંડીને વાત ધ્યાનથી સાંંભળો

પ્રતીકાત્મક તસવીર

હૅપી ફ્રેન્ડશિપ ડે.
ગઈ કાલે સવારથી રાત સુધીમાં આ મેસેજ એટલી વાર આવી ગયો કે મૂંઝવણમાં મુકાઈ ગયો કે સાલું આટલા બધા ભાઈબંધો જગતમાં છે તો પછી હું શું કામ ચિંતા કરું છું. શું કામ હું કોરોના અને લૉકડાઉનની ફિકર કરતો બેસી રહ્યો છું! આ બધા તો હાજર છે, સાક્ષાત્ બેઠા છે. જરૂર પડશે ત્યારે એ બધા પાસેથી જરૂરિયાત મુજબની મદદ માગીશ તો પણ એકેય કામ અટકશે નહીં. અટકશે નહીં અને કોઈ જાતની તકલીફ પણ નહીં પડે. એક આછુંસરખું લિસ્ટ પણ મનમાં બનાવવાનું શરૂ કર્યું, જેનાથી તો એવો વિચાર પણ મનમાં આવી ગયો કે જેટલા લોકોએ મને ફ્રેન્ડશિપ વિશ કરી એ બધા લોકો પાસેથી ખાલી, ફક્ત અને માત્ર એકેક લાખ રૂપિયા ઉછીના લઉં તો પણ મારી પાસે ઓછામાં ઓછા બેથી ત્રણ કરોડ રૂપિયા ભેગા થઈ જાય.
ઓછામાં ઓછા બેથી ત્રણ કરોડ.
કારણ કે લાખ રૂપિયા ઉછીના આપી શકવાને સમર્થ હોય એવા જ લોકોની યાદી બનાવી એટલે અને લાખથી પણ વધારે આપી શકે એવા લોકો પાસેથી પણ લાખની જ અપેક્ષા રાખી એટલે બેથી ત્રણ કરોડ... અને આમ પણ આટલા રૂપિયા ઘણા છે. વિચારને અમલમાં મૂકવાનું પણ મન થઈ આવ્યું. થયું કે બીજું કંઈ ન કરું, માત્ર વૉટ્સઍપ પર કૂદાકડા મારતા આ મિત્રોને એક મેસેજ કરીને લાખ રૂપિયાની જરૂરિયાત છે એવું લખું.
કૃષ્ણ અને સુદામાની ભાઈબંધીના સમ, ગઈ કાલે યાદ કર્યા હતા એ કર્ણ અને દુર્યોધનની દોસ્તીના સમ. જો ભૂલથી પણ મેસેજ કરું તો એ બધામાંથી ૮૦ ટકા લોકો પહેલાં તો મનોમન પોતાની જાતને ગાળો ભાંડી દે અને પછી પહેલું કામ વૉટ્સઍપ-મેસેન્જરમાં આપણને બ્લૉક કરવાનું કરે. મને જ નહીં, તમને પણ, જો તમે માગો તો, અને તમારી બાજુમાં બેઠેલા પ્રવીણભાઈ અને દિનેશભાઈને પણ બ્લૉક કરી દે. યાદ રાખજો કે ભાઈબંધી માત્ર એક મેસેજ નથી, ભાઈબંધી ત્રણ શબ્દોનું એક વાક્ય પણ નથી. ભાઈબંધી એક અનુભવ છે અને એ અનુભવને સાથે લઈને જીવવાનું હોય. ઉછીના રૂપિયા માગો અને વ્યક્તિ દૂર ભાગે એને ભાઈબંધી કોઈ દિવસ કહી પણ ન શકાય. એને તો વ્યવહાર કહેવાય. કહેવાનો અર્થ એ નથી કે ભાઈબંધી હોય એટલે રૂપિયા આપવા પડે. જરાય જરૂરી નથી. સગવડ ન હોય ત્યારે મોઢા પર કહી દેવામાં આવે અને એ પછી પણ જરૂરિયાત કેવી રીતે પૂરી કરવી એની ચર્ચા બાજુમાં બેસીને કરે એનું નામ ભાઈબંધ. ભાઈબંધીનો દિવસ તો ગઈ કાલે પૂરો થઈ ગયો. ગઈ કાલના દિવસે એવા-એવા લોકોએ ફ્રેન્ડશિપ ડે માટે મેસેજ કર્યા, જેને જોઈને કહેવાનું મન થઈ આવ્યું હતું કે ભલા માણસ, આખું વર્ષ તું કઈ કુંડીમાં સ્નાન કરવા ઘૂસી ગયો હતો કે દેખાયો જ નહીં અને આજે અચાનક આમ ટપકી પડ્યો. ફૉર્માલિટી જ્યાં ન હોય એ ભાઈબંધી અને જ્યાં વગર બોલાવીએ માથે પડવાનો હક પણ ભોગવી લેવામાં આવતો હોય એ ભાઈબંધી. ભાઈબંધીનો કોઈ દિવસ ન હોય, એ તો હરઘડી ઊજવાતી હોય.
યાદ રાખજો કે દિવસને નહીં, પણ દસકાઓને મોહતાજ રહેવું પડે એનું નામ ભાઈબંધી.

manoj joshi columnists