મેટાવર્સ અત્ર, તત્ર, સર્વત્ર

14 November, 2021 08:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘરે બેસીને ઑફિસ-મિત્રો સાથે લાઇવ ગપ્પાં મારી શકાશે, નવી લૉન્ચ થયેલી કારનો આંટો મારી શકાશે અને જુદા રહીને પણ ‘સાથે સાથે’ થ્રી-ડી ગેમની મજા માણી શકાશે!

મેટાવર્સ અત્ર, તત્ર, સર્વત્ર

પાલિતાણામાં બેસીને ફ્રાન્સની કળાકૃતિઓ જોઈ શકાશે અને અંજારમાં બેસીને મોટા મૉલનાં બ્રૅન્ડેડ કપડાં પહેરીને ચેક કરી શકાશે. ઘરે બેસીને ઑફિસ-મિત્રો સાથે લાઇવ ગપ્પાં મારી શકાશે, નવી લૉન્ચ થયેલી કારનો આંટો મારી શકાશે અને જુદા રહીને પણ ‘સાથે સાથે’ થ્રી-ડી ગેમની મજા માણી શકાશે! આ છે ‘મેટાવર્સ’ની વર્ચ્યુઅલ દુનિયા. આવો, મેટાવર્સનું અતથી ઇતિ ફટાફટ જોઈએ

થોડા દિવસ પહેલાં ફેસબુકના ફાઉન્ડર અને ઇન્સ્ટાગ્રામ તથા વૉટ્સઍપના માલિક (સોશ્યલ સાઇટજીવી સામાન્ય મનુષ્યની જિંદગીનો મોટા ભાગનો સમય લઈ જતા સૉફ્ટવેર્સ!) માર્ક ઝકરબર્ગે જાહેર કર્યું કે હવે ફેસબુકનું નવું નામ ‘મેટા’ રહેશે. એટલે સોશ્યલ સાઇટનું નામ ફેસબુક જ રહેશે, પરંતુ એની પેરન્ટ કંપની મેટાવર્સ તરીકે ઓળખાશે. હવે ફેસબુક એની સોશ્યલ મીડિયા દુનિયાથી આગળ વર્ચ્યુઅલ રિયલિટીમાં પોતાનો પગપેસારો કરવા જઈ રહી છે.
એક્ઝૅક્ટ્લી ફેસબુક શું કરવાનું છે?
આમ તો ભવિષ્યની વાતો છે, પણ આજકાલ ભવિષ્ય બહુ ઝડપથી આવી જાય છે. ઇન્ટરનેટ અને પછી કોરોનાએ જાણે ઉત્ક્રાંતિને ધક્કો માર્યો છે. મેટાવર્સ એટલે સમજો કે જીવતું થઈ ગયેલું ઇન્ટરનેટ! અત્યારે ઇન્ટરનેટના માધ્યમથી લોકો વિડિયો કૉલ કરે છે (એમાં ફ્રૉડ પણ કરે છે. ચેતતો નર સદા સુખી), પણ મેટાવર્સમાં તમે વિડિયો કૉલની અંદર હશો. તમે જે-તે રેસ્ટોરાં કે ક્લબ કે સિનેમાહૉલ વિશે માત્ર જોઈ, વાંચી નહીં શકો પણ સોશ્યલી ત્યાં જઈ શકશો - ઇન્ટરનેટના માધ્યમથી. આ મેટાવર્સ. કલ્પના રિયલ થશે એમાં. આ વિશ્વ ખાસું મોટું હશે. શૉપિંગથી લઈને સોશ્યલ મીડિયા સુધીની તમામ ઑનલાઇન ઍક્ટિવિટી એમાં સામેલ હશે. તમામ ચીજવસ્તુઓ એક આભાસી દુનિયાનો રિયલ હિસ્સો બની જશે. જે રીતે લોકો અસલ જિંદગી જીવે છે એમ વર્ચ્યુઅલ જિંદગી જીવશે અને ફેસબુકનો કર્તાહર્તા માર્ક ઝકરબર્ગ આ દુનિયામાં પોતાનું ભવિષ્ય જોઈ રહ્યો છે. 
માત્ર માર્ક ઝકરબર્ગ જ નહીં, દુનિયાભરની તકનીકી કંપનીઓ અત્યારે મેટાવર્સમાં જ પોતાનું ભવિષ્ય જોઈ રહી છે. માઇક્રોસૉફ્ટ અને નિવિડિયા જેવી કંપનીઓ મેટાવર્સ પર કામ કરી રહી છે. પહેલાં ટપાલ, પછી ટેલિફોન, પછી મોબાઇલ, પછી વૉટ્સઍપ કૉલ, પછી વિડિયો કૉલ અને હવે વર્ચ્યુઅલ રિયલિટી દ્વારા સીધા મળવાનું. નવા વર્ષે ‘સાલ મુબારક’ કહેવા કોઈના ઘરે નહીં જવાનું, તેમને પોતાના જ ઘરે અનુભવવાનું. એના જેવું!
 મેટાવર્સ કામ કઈ રીતે કરશે?
મેટાવર્સ એક કન્સેપ્ટ છે જે અત્યારે તો ઇન્ટરનેટનું ભવિષ્ય લાગી રહ્યું છે. જેમ ટેલિફોનનાં ડબલાં સ્માર્ટ ફોન સામે વામણાં લાગે છે એમ ઇન્ટરનેટ મેટાવર્સ સામે ઘૂંટણિયાં ટેકવી દેશે એવું નિષ્ણાતો માની રહ્યા છે. મેટાવર્સમાં-વર્ચ્યુઅલ વર્લ્ડમાં દાખલ થવા માટે કમ્પ્યુટરને બદલે હેડસેટનો ઉપયોગ કરવામાં આવશે, જેમ અત્યારે કોઈ ગેમ રમવા માટે હાથમાં રિમોટ આપવામાં આવે છે. સામે સ્ક્રીન પર ગેમ ચાલુ હોય અને હાથમાં એનાં ઉપકરણો ફિટ કરેલાં હોય. સ્ક્રિન પર બૅડ્મિન્ટન રમનારો ઑપોઝિટ પ્લેયર હોય. તે મારે અને સામે તમે હાથ ઉલાળો એટલે બૅડ્મિન્ટનનું શટલકૉક સામે જાય. આ થઈ વર્ચ્યુઅલ રિયલિટી. મેટાવર્સ આનાથી આગળ સંગીત કાર્યક્રમ, સિનેમા, બહાર હરવા-ફરવા વગેરેમાં મોટો ભાગ ભજવશે. 
આ હેડસેટ જેવું જ હેડસેટ ફેસબુકે બનાવ્યું છે જેનું નામ છે ઓકુલસ. જાણકારી અનુસાર ફેસબુકે વર્ચ્યુઅલ રિયલિટીના ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. એ સોશ્યલ હૅન્ગહાઉટ અને વર્કપ્લેસ માટે વર્ચ્યુઅલ રિયલિટીની અમુક ઍપ બનાવી રહ્યું છે જેના દ્વારા વાસ્તવિક દુનિયા સાથે જોડાઈ શકાશે.
વર્ચ્યુઅલ ઑફિસ : વર્ક ફ્રૉમ હોમ
એક વખત મેટાવર્સ અસ્તિત્વમાં આવી ગયું ત્યાર બાદ હદ વગરની વસ્તુઓ આભાસી રીતે થઈ શકશે. તમે કોઈ નાટક કે ઑપેરા કે મ્યુઝિકલ કૉન્સર્ટ જોવા જઈ શકશો. ફ્રાન્સની મોંઘીદાટ કલાકૃતિઓ પાલિતાણામાં બેઠાં-બેઠાં જોઈ શકશો. કપડાં, પગરખાં વગેરે તમે તમારા ઘરના વરંડામાં બેસીને ટ્રાય કરીને ખરીદી શકશો.
કહેવાઈ રહ્યું છે કે વર્ક ફ્રૉમ હોમની દુનિયામાં આ ટેક્નિકને સૌથી મોટા બદલાવ તરીકે જોવામાં આવી રહી છે. અત્યારે તમે અને હું વર્ક ફ્રૉમ 
હોમ કરતાં-કરતાં કલિગ્સ સાથેની મીટિંગ કે મિત્રો સાથેની (ચાલુ ઑફિસે) ગપસપ ઑન કૉલ કે વિડિયો કૉલ મારફત કરી શકીએ છીએ. મેટાવર્સમાં આપણે આપણા ઑફિસ-મિત્રોની સાથે બેસી શકીશું. બધા ઘરે બેઠાં-બેઠાં વર્ચ્યુઅલ ઑફિસમાં સાથે રહીને કામ કરી શકશે.
ગેમિંગની દુનિયા, આફ્ટર મેટાવર્સ
૨૦૧૭માં એપિક ગેમ્સે ‘ફોર્ટનાઇટ’ (Fortnite) નામની ગેમ લૉન્ચ કરી હતી જેમાં પ્લેયર સામસામે લાઇવ રમી શકે, લડી શકે. જે છેલ્લે જીવતો રહે તે વિજેતા. યસ, પબજીની જેમ. આ એપિક ગેમ્સના ફાઉન્ડર ટિમ સ્વિની મેટાવર્સમાં એન્ટ્રી મારવાનું વિચારી રહ્યા છે. એક અબજ ડૉલર જેટલું રોકાણ તેમણે ઇન્વેસ્ટરો પાસેથી મેટાવર્સ માટે લીધું હોવાના રિપોર્ટ છે. તેમણે કહ્યું કે તેઓ એક એવી દુનિયાની કલ્પના કરી રહ્યા છે જ્યાં કાર બનાવનારી કોઈ કંપની પોતાના નવા મૉડલનો પ્રચાર વર્ચ્યુઅલી કરે અને જેવી કાર આ વર્ચ્યુઅલ વર્લ્ડમાં રાખવામાં આવે, તમે એને ચલાવીને એ કેવી છે, તમારે લેવી છે કે નહીં એ ચેક કરી શકો! એ જ રીતે ઑનલાઇન ખરીદી કરતી વખતે કપડાંને ડિજિટલી પહેરો, ચેક કરો! એની ગેમ તો ઑલરેડી ઇન્ટરૅક્ટિવ હતી જ. હવે તેઓ ડિજિટલ વર્લ્ડ અંતર્ગત સંગીત કાર્યક્રમ, બ્રૅન્ડ ઇવેન્ટ્સ વગેરેનું આયોજન કરી રહ્યા છે. રોબ્લૉક્સ નામની કંપની, જેમાં સેંકડો યુઝર્સ પોતે ગેમ ડિઝાઇન કરે છે અને તે ગેમ અન્ય યુઝર્સ રમી શકે છે - આ કંપની પણ વર્ચ્યુઅલ રિયલિટી – મેટાવર્સમાં ડગ માંડવાનું વિચારી રહી છે. રોબ્લૉક્સનું કહેવું છે કે મેટાવર્સ થકી કરોડો લોકો થ્રી-ડીનો અનુભવ લેતાં-લેતાં સાથે રમી શકશે, એકબીજાને ગેમ દ્વારા પણ મળી શકશે. આ સાથે થ્રી-ડી ટેક્નૉલૉજીમાં અગ્રેસર કંપની યુનિટી પોતાના ડિજિટલ ટ્વિન્સ (વાસ્તવિક દુનિયાની ડિજિટલ કૉપી)માં રોકાણ કરી રહી છે. ગ્રાફિક્સ બનાવતી એનવિડિયા કંપની પોતાના ઑમ્નીવર્સનો વિકાસ કરી રહી છે. ઑમ્નીવર્સના વાઇસ પ્રેસિડન્ટ રિચર્ડ કેરિસે કહ્યું છે, ‘અમને લાગે છે કે ઘણીબધી કંપનીઓ મેટાવર્સમાં પોતપોતાની વર્ચ્યુઅલ દુનિયા સર્જી રહી છે, જે રીતે વર્ષો પહેલાં કંપનીઓએ વર્લ્ડવાઇબ વેબમાં પોતાની વેબસાઇટ બનાવી. જેમ તમે એક વેબસાઇટ પરથી બીજી વેબસાઇટ પર જઈ શકો છો એમ તમે મેટાવર્સની મદદથી બીજી કંપનીમાં લટાર મારવા જઈ શકશો!’
ઇટલીની ફૅશનબ્રૅન્ડ કંપની ગુચીએ જૂન મહિનામાં રોબ્લૉક્સ સાથે ભાગીદારી કરી છે અને માત્ર ડિજિટલ ઍક્સેસરીઝ વેચવાની યોજના બનાવી છે. કોકા કોલા અને ક્લિનિકેએ પણ મેટાવર્સ માટે ડિજિટલ ટોકન વેચ્યાં છે.
ટેક્નિક અત્યારે આવી ગઈ છે?
પાછલાં થોડાં વર્ષોમાં આ દિશામાં ઝડપથી કામ થયું છે. ઉદાહરણ તરીકે તમને ચહેરા પર હેડસેટ પહેરાવીને થ્રી-ડી ફિલ્મ કે ઇમેજ બતાવવામાં આવે છે તે એક રીતે મેટાવર્સનો પ્રારંભ જ થયો. તમે વર્ચ્યુઅલ વર્લ્ડની વસ્તુઓ, તસવીરો વગેરે થ્રી-ડીમાં, સાચકલી રીતે જોઈ શકો છો. ગયા વર્ષે ક્રિસમસમાં માર્કેટમાં આવેલું ‘ઓકુલસ ક્વેસ્ટ 2’ વીઆર નામનો ગેમિંગ હેડસેટ ખાસો લોકપ્રિય થયો હતો. જોકે મેટાવર્સનો વિકાસ હજી શરૂઆતના તબક્કામાં છે. એના માટે ઇન્ટરનેટની સ્પીડ સતત અને ઔર વધારે જોઈશે.

‍મેટાવર્સની રેસમાં માઇક્રોસૉફ્ટ સૌથી આગળ?

માર્ક ઝકરબર્ગે મેટાનું નામ લીધા પછી જાણે જાયન્ટ તકનીકી કંપનીઓ વચ્ચે રેસ લાગી છે. બડી-બડી કંપનીઓ અબજો ડૉલર ખર્ચવાના મનસૂબા સેવી રહી છે. આ રેસમાં માઇક્રોસૉફ્ટ સૌથી આગળ છે. માઇક્રોસૉફ્ટનું વ્યક્તિ, સર્વિસ અને ઍપ્લિકેશન એકબીજા સાથે સંકળાયેલાં રહી શકે એ માટેનું ‘ડાયનૅમિક 365’ નામનું મૉડ્યુલ છે જેમાં અત્યારે લોકો પોતાના કમ્પ્યુટર, લૅપટૉપ કે મોબાઇલ દ્વારા રિયલ ટાઇમમાં જોડાઈ શકે છે. ડાયનૅમિક 365 એ એક વર્ચ્યુઅલ જગ્યા છે જ્યાં ડેટા સ્ટોર થઈ શકે છે. માઇક્રોસૉફ્ટના ચૅરમૅન અને સીઈઓ સત્યા નાદેલાએ આ વર્ષના (2021ના) ઇગ્નાઇટ સમારોહમાં કહ્યું હતું કે ‘અમે આ 365 ડાયનૅમિક કનેક્ટેડ સ્પેસ અને માઇક્રોસૉફ્ટ મેસ દ્વારા મેટાવર્સ પ્લૅટફૉર્મનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ જેમાં ઇન્ટરનેટ ઑફ થિન્ગ્સ (IOT)થી લઈને એજ્યોર ડિજિટલ ટ્વિન સુધીની સવલતો આપીશું.’ 
ઇગ્નાઇટ સમારોહમાં માઇક્રોસૉફ્ટે ૯૦થી વધારે નવી સર્વિસ અને અપડેટ રજૂ કર્યાં હતાં.

columnists parth dave