ફાંદ હોય તોય ફૅશનેબલ રહી શકાય

16 March, 2020 12:36 PM IST  |  Mumbai Desk | Varsha Chitaliya

ફાંદ હોય તોય ફૅશનેબલ રહી શકાય

લગ્ન બાદ પેટનો આકાર બદલાઈ જવો એ કદાચ પુરુષોમાં સૌથી કૉમન પરિવર્તન છે. આપણી આસપાસ નજર કરીશું તો મોટા ભાગના પુરુષોનું પેટ બહાર નીકળેલું દેખાશે, જેને આપણે જેઠાલાલ કહીને ચીડવીએ પણ ખરા. એવું નથી કે તેઓ પેટ ઘટાડવા નથી માગતા, પરંતુ ખાણી-પીણીના શોખીન ગુજરાતી પુરુષો માટે આ કામ બહુ અઘરું છે. પરિણામે તેઓ લેટેસ્ટ ફૅશન ટ્રેન્ડને ફૉલો કરવામાં સંકોચ અનુભવે છે. વધેલા પેટ પર ટી-શર્ટ પહેરે તો ટાઇટમટાઇટ લાગે, શર્ટનાં બે બટન વચ્ચેથી ફાંદ ડોકાયા કરે, પૅન્ટને વારેઘડીએ ઉપર ચડાવતા રહેવું પડે વગેરે જાહેરમાં હાસ્યાસ્પદ લાગે છે. ખાસ કરીને ચાળીસની ઉપરના પુરુષોમાં આ બાબત સામાન્ય છે. જોકે ફાંદને કારણે કંઈ જોકરની જેમ જૂના જમાનાના લેંઘા-ઝભ્ભા તો ન જ પહેરાયને. ફાંદ હોવા છતાં તમે ફૅશનેબલ રહી શકો છો. ચાલો ત્યારે મોટું પેટ ધરાવતા પુરુષોએ ડ્રેસિંગમાં કેવી ચીવટ રાખવી જોઈએ એ જાણીએ.

બેસ્ટ આઉટફિટ્સ
પેટનો ઘેરાવો વધુ હોય એવા પુરુષો માટે શેરવાની અને નવાબી સૌથી બેસ્ટ આઉટફિટ છે એમ જણાવતાં બોરીવલીના ફૅશન-ડિઝાઇનર દુર્ગેશ સુરા કહે છે, ‘ટ્રેડિશનલ વસ્ત્રોની લેન્થ ઘૂંટણથી નીચે સુધી હોય છે એથી પેટનો ઘેરાવો ઢંકાઈ જાય છે. લગ્ન કે અન્ય પ્રસંગોમાં તેમણે આવાં જ આઉટફિટ્સ પહેરવાં જોઈએ. જોકે ડે ટુ ડે લાઇફમાં કુર્તા ન ચાલે. અહીં તમારે બેઝિક ટિપ્સને ધ્યાનમાં રાખવી જોઈએ. તમે જોજો જેઠાલાલ હંમેશાં શર્ટને આઉટ જ રાખે છે. કોઈક એપિસોડમાં સૂટ પહેરે છે ત્યારે જ શર્ટ ઇન કરે છે. એ વખતે તેમનું પેટ હોય એના કરતાં વધુ દેખાય છે. બીજું તેમના શર્ટની પૅટર્ન સ્ટ્રેઇટ હોય છે. મોટું પેટ ધરાવતા પુરુષોએ ઍપલ શેપના શર્ટ અવૉઇડ કરવાં જોઈએ. સૂટ પહેરતી વખતે ઑપ્શન નથી, પણ રેગ્યુલર વેરમાં ઇન કરવાનું ટાળવું જોઈએ. વેસ્ટલાઇન ઓછી દેખાય એ માટેની આ બેઝિક ટિપ્સ છે. જોકે ટી-શર્ટમાં તમે ગમે એટલું ધ્યાન રાખશો થોડું પેટ તો દેખાશે જ. પેટ વધુ હોય એવા પુરુષો પૅન્ટને વારેઘડીએ ચડાવ્યા કરતા હોય છે જે શોભતું નથી. બેલ્ટ કરતાં સસ્પેન્ડર પૅન્ટને વધુ સારી રીતે સપોર્ટ કરે છે. સસ્પેન્ડર શર્ટની અંદર પહેરશો તો દેખાશે નહીં અને પેટ પર પૅન્ટને ટકાવી રાખવામાં હેલ્પ કરશે.’

ફોકસ યૉર સાઇઝ
ફૅશન ટ્રેન્ડને ફૉલો કરતાં પહેલાં બૉડીશેપ પર વર્કઆઉટ કરવું જોઈએ એવી ભલામણ કરતાં કાંદિવલીનાં ઇમેજ-કન્સલ્ટન્ટ પાયલ બારભાયા કહે છે, ‘વધુ પેટ ધરાવતા પુરુષોના બૉડીશેપમાં ડાયમન્ડ, ટ્રાયેન્ગ્યુલર, રેક્ટેન્ગલ એમ ઘણા પ્રકાર હોય છે. ટ્રિકી ડ્રેસિંગ સેન્સ સાથે તેઓ લેટેસ્ટ ટ્રેન્ડને ફૉલો કરી શકે છે. આઉટફિટ્સ એવાં પસંદ કરવાં જોઈએ જેમાં ફોકલ પૉઇન્ટ એટલે કે પેટ પર લોકોની નજર ઓછી જાય. અહીં સાઇઝ વધુ મહત્ત્વની છે અને એમાં જ તેઓ થાપ ખાઈ જાય છે. પેટ ન દેખાય એ માટે કાં તો સ્લીમ સાઇઝ લે કાં તો બલૂન સાઇઝ લઈ આવે. મારી સલાહ છે કે જે સાઇઝ હોય એમાં જ રેગ્યુલર પસંદ કરો. દાખલા તરીકે ૪૪ની સાઇઝ પહેરતાં હો તો એમાં રેગ્યુલર ફિટમાં જાઓ. કેટલાક પુરુષોના શરીરનો આકાર વિચિત્ર હોય છે.

હાથ-પગ પાતળા અને પેટ ગાગર જેવું હોય છે. તેમણે ડ્રેસિંગ પર ખાસ ધ્યાન આપવું. ઑપન શોલ્ડર ધરાવતા પુરુષોને ફુલ સ્લીવ્ઝના શર્ટ કમ્પ્લીટ લુક આપે છે. હાથ-પગ પાતળા હોય એવા પુરુષો હાફ સ્લીવ્ઝના શર્ટ પહેરે તો વાંધો નથી. કૉર્પોરેટ મીટિંગ્સમાં જવાનું હોય ત્યારે થર્ડ લેયર ડ્રેસિંગ પર ફોકસ રાખવું જોઈએ. સૂટની લેન્થ થોડી વધુ હોય તો પેટ ઓછું દેખાય છે. એ જ રીતે ટી-શર્ટનો શોખ હોય તો કોલરવાળા પ્રિફર કરવા.’

ફૅબ્રિક ઍન્ડ ઍક્સેસરીઝ
થીન અને થીક ફૅબ્રિક તમારો લુક નક્કી કરે છે એમ જણાવતાં દુર્ગેશ કહે છે, ‘સામાન્ય રીતે પેટ વધુ હોય એટલે પુરુષોને એમ થાય કે પાતળું કાપડ પહેરીએ જેથી પાતળા લાગીશું. હકીકત સાવ જુદી છે. થીન ફૅબ્રિક પેટ પર ચોંટી જાય છે. પેટનો ઘેરાવો વધુ હોય કે ઓવરવેઇટ છો તોય જાડું મટીરિયલ જ પસંદ કરવું. એમાં તમારું બૉડી ફ્લૅટ દેખાશે અને કમ્ફર્ટ પણ ફીલ કરશો. લીનન કૉટન બેસ્ટ ઑપ્શન છે. આ ફૅબ્રિક તમારા શરીરથી દૂર રહે છે. શેરવાની, કુર્તા અને સફારીમાં પણ કૉટન ફૅબ્રિકની ડિમાન્ડ કરવી. મલમલના કુર્તામાં પેટ વધુ દેખાય છે જ્યારે જોધપુરીમાં ઓછું દેખાય.’

ફૅબ્રિકની જેમ ઍક્સેસરીઝ પણ મહત્ત્વની છે એમ જણાવતાં પાયલ કહે છે, ‘ટમી ટક્સ વધુ ન દેખાય એ માટે અમે ઍક્સેસરીઝ પર ધ્યાન આપીએ છીએ. ક્લાયન્ટ્સના ટેસ્ટને અનુરૂપ કફલિંગ્સ, પૉકેટ રૂમાલ, ટાઇપિન વગેરે એવાં હોવાં જોઈએ કે લોકોની નજર પહેલાં એના પર પડે. ઍક્સેસરીઝ અટ્રૅક્ટિવ હશે તો આપોઆપ પેટ પરથી ધ્યાન હટી જશે. તમારી જાતને એ રીતે ઑર્ગેનાઇઝ રાખો કે પેટનો ઘેરાવો નોટિસમાં ન આવે.’

ઇમેજ બદલો
તમારા વીક પૉઇન્ટને ખરેખર છુપાવવું જ હોય તો ફૅશન ટ્રેન્ડની સાથે બૉડી લેંગ્વેજ અને એટીકેટ શીખવી અત્યંત જરૂરી છે એમ જણાવતા પાયલ કહે છે, ‘ગુજરાતી પુરુષોમાં ડાઇનિંગ એટીકેટનો સદંતર અભાવ છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. એના કારણે તેમની પબ્લિક ઇમેજ ખરડાય છે. ડ્રેસિંગની સાથે ડાઇનિંગ એટીકેટ મૅચ થશે તો જ જાહેરમાં તમારી ઓવરઓલ પર્સનાલિટી ખીલી ઊઠશે. ઘણા પુરુષોને એવી આદત હોય છે કે સાથે જમવા બેઠા હોય તોય પોતાનું જમવાનું પૂરું થાય કે ઊઠી જાય. આ પ્રકારનો વ્યવહાર ન હોવો જોઈએ. જમતી વખતે વાતો ઓછી કરવી, મોઢું બંધ રાખી ખાવું અને શક્ય હોય ત્યાં સુધી ફૉર્ક તેમ જ સ્પૂનનો ઉપયોગ કરવો. મહિલાઓ સાથે વાત કરતી વખતે ડિસ્ટન્સ જાળવી રાખો. પુરુષોને મળો ત્યારે ટાઇટ હેન્ડશેક કરો. પ્લેઝર પર્સનાલિટી માટે ડ્રેસિંગ સેન્સ જેટલું જ મહત્ત્વ તમારી સ્માઇલનું છે. ચહેરા પર કોઈ સ્ટ્રેસ ન હોવું જોઈએ. પેટ વધુ છે એવું ગિલ્ટ ન રાખો. આઉટફિટ્સની ચોઈસથી પચાસ ટકા પ્રશ્નો સૉલ્વ થાય છે. એમાં એટીકેટ ભળે તો તમારી વીકનેસ કે બૉડી શેપને લોકો ચોક્કસ નજરઅંદાજ કરશે. જોકે શરૂઆત ઘરથી કરવી જોઈએ. રોજબરોજની લાઇફમાં ડાઇનિંગ એટીકેટ અપનાવો. આજે પ્રસંગ છે કે કોઈ મોટી હસ્તીને મળવાનું છે એટલે એટીકેટ રાખવાની છે એવું કરવા જશો તો બનાવટી લાગશે. કરેક્ટ ડ્રેસઅપ વિથ એટીકેટ તમારી ઇમેજ બદલી નાખશે.’

ટમી વધુ હોય એવા પુરુષો પર શેરવાની અને નવાબી ડ્રેસ વધુ ખીલે છે. ડે ટુ ડે લાઇફમાં તેમણે સ્ટ્રેઇટ શર્ટ પહેરવાં જોઈએ તેમ જ શર્ટને આઉટ રાખવું. પેટ પરથી પૅન્ટ ઊતરી ન જાય એ માટે શર્ટની અંદર દેખાય નહીં એમ સસ્પેન્ડર પહેરવું જોઈએ. ફૅબ્રિકમાં તેમને માટે લીનન કૉટન બેસ્ટ ઑપ્શન છે. આ મટીરિયલ શરીરથી દૂર રહે છે એથી પેટનો ઘેરાવો જલદીથી નજરમાં આવતો નથી. - દુર્ગેશ સુરા, ફૅશન-ડિઝાઇનર

ફોકલ પૉઇન્ટ એટલે કે પેટનો ઘેરાવો, નોટિસમાં ન આવે એવાં આઉટફિટ્સ પસંદ કરતી વખતે સાઇઝ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. શર્ટ કે ટી-શર્ટની જે સાઇઝ હોય એમાં જ રેગ્યુલર સાઇઝ પસંદ કરો. ટી-શર્ટમાં કોલરવાળા પ્રિફર કરો. કૉર્પોરેટ મીટિંગ્સમાં જવાનું હોય ત્યારે થર્ડ લેયર ડ્રેસિંગ અને ઍક્સેસરીઝ પર ફોકસ રાખો. પ્લેઝર પર્સનાલિટી માટે ડ્રેસિંગની સાથે ડાઇનિંગ એટીકેટ શીખવી પણ એટલી જ જરૂરી છે. - પાયલ બારભાયા, ઇમેજ-કન્સલ્ટન્ટ