તું મહેમાન છે, સંભાળજે

09 January, 2022 03:08 PM IST  |  Mumbai | Hiten Anandpara

વડા પ્રધાન મોદીના સુરક્ષા-કવચમાં પડેલા ભંગાણે અનેક પ્રશ્નો પેટાવ્યા

પ્રતીકાત્મક તસવીર

વડા પ્રધાન મોદીના સુરક્ષા-કવચમાં પડેલા ભંગાણે અનેક પ્રશ્નો પેટાવ્યા. માર્ગદર્શિકા પ્રમાણે સુરક્ષાની ગોઠવણ રાજ્ય સરકારની પોલીસે કરવાની હોય છે. એમાં થયેલી ચૂક ભારે પડી શકે એનો અનુભવ પંજાબમાં થઈ ગયો. અમરત્વ પામેલા આંદોલનકારીઓ અચાનક ક્યાંથી પ્રગટે છે એની જ ખબર નથી પડતી. ૨૦ મિનિટ સુધી વડા પ્રધાનની ગાડી બ્રિજ પર અટવાયેલી રહી અને એ પણ પાકિસ્તાનની સરહદથી માત્ર થોડાં કિલોમીટર દૂર. બાળકબુદ્ધિ રાહુલ ગાંધી પણ જો વડા પ્રધાનપદે હોય તો હોદ્દાની રૂએ તેમની દરકાર રાખવી પડે, જ્યારે આ તો વિઝનરી મોદીસાહેબ છે. ચૅરનું માન જળવાવું જોઈએ. મરીઝસાહેબનો સવાલ સરળ, છતાં વેધક છે...
સંભાળજે ઓ દિલ આ કટોકટની ઘડી છે
આ દુનિયા મને એકીટશે જોઈ રહી છે
સૌ પાકા ગુનેગાર સુખી છે, હું દુખી છું
શું મારા ગુનાહોમાં કોઈ ચૂક થઈ છે?
કોની ચૂક થઈ છે એની વાતો તો અખબારી અહેવાલમાં આવી જ રહી છે, પણ ચૂક થવા પાછળનું કારણ ગંભીર બને છે. મેજર જનરલ જી. ડી. બક્ષીએ સાફ શબ્દોમાં પ્રતિભાવ આપ્યો છે કે આપણા દેશે બે વડા પ્રધાનોને હુમલામાં ખોયા છે, હવે ત્રીજા વડા પ્રધાન ન જવા જોઈએ. ખરેખર, આપણે ત્યાં રાજકારણનું સ્તર એટલી હદે ઊતરતું જાય છે કે એ ક્યારે તારાજકારણ બની જાય એ કહેવાય નહીં. હિમલ પંડ્યા વાસ્તવિકતા છતી કરે છે...
સ્મિત આપો તો સમર્પણ માગશે
રીત છે દુનિયા તણી, સ્વીકારજો
છે અનોખાં આ જગતનાં ધોરણો
જીવવું પડશે, છતાં સંભાળજો
માત્ર જગતનાં જ નહીં, જાતનાં ધોરણો પણ સમયાંતરે બદલાતાં રહે છે. થોડા મહિના પહેલાં સમાજવાદી ઈત્રની અખિલેશી અહંકાર સાથે જાહેરાત થઈ હતી. રેઇડ પડ્યા પછી સુગંધ પાછળની સુરંગ ખૂલવા માંડી. આ ડિજિટલ યુગમાં કિલોના ભાવે પૈસા નીકળે એ કૌભાંડકારીઓનું શાતિરપણું દર્શાવે છે. પ્રવીણ શાહની પંક્તિઓમાં સાંપ્રત ઘટનાઓ અનુભવી શકાશે... 
રાખ ચિનગારી છુપાવી રાખશે
એનાથી સંભાળવું અઘરું નથી
એટલે તો વાંકમાં આવ્યા તમે
ક્યાંક કાચું કાપવું અઘરું નથી
સુરક્ષા-વ્યવસ્થામાં શું કાચું કપાયું એ જેટલું અગત્યનું છે એટલું જ જાણવું અનિવાર્ય છે કે કોને કારણે કાચું કપાયું. દુશ્મનો ઘણી વાર એવા ભળી ગયા હોય કે કોણ પોતાનું ને કોણ પારકું એની ખબર જ ન પડે. કેન્દ્ર તરફથી પંજાબ પોલીસને અગાઉથી ચેતવવામાં આવી હતી છતાં તે નિર્દેશોને દરકિનાર કરાયા. સૈફ પાલનપુરી પ્રેમના સંદર્ભે જે વાત કરે છે એમાં વહેમ ભેળવશો તો ગેમ સમજાશે...
ચાલ તમારા જેવી જ્યારે કોઈ લલના ચાલે છે
એવી હાલત થાય છે, બસ મિત્રો જ મને સંભાળે છે
પણ આ છેલ્લી વાત કહ્યા વિના મારાથી રહેવાતું નથી
કોના નામે પત્ર લખ્યો છે એ જ મને સમજાતું નથી
ઘણું નજરે દેખાય છતાં સમજાય નહીં એવું પણ બન્યા કરે. દેશનું રાજકારણ પાંચેક વર્ષમાં કંતાયેલા કંતાન જેવું બન્યું છે. ટીવી અને સોશ્યલ મીડિયાને કારણે વામન પણ વિરાટ બની જાય છે. જેમની કારકુન થવાની હેસિયત ન હોય એ લોકો પણ કાનૂન વિશે વટાણા વેરી શકે. કવિ સલીમ શેખ સાલસની પંક્તિઓ આપણને બે જુદી-જુદી સદીનો અનુભવ કરાવશે...  
કો’ વધૂને બાળતા હાથો વિશે બોલ્યાં સતી
પાનબાઈ! તેમને માટે હજી ‘પોટા’ નથી?
ભ્રૂણહત્યા લાગશે, સંભાળજે પાગલ પવન
કૂખમાં જળની હવા છે, સિર્ફ પરપોટા નથી
હવાની રૂખ જે-તે પ્રદેશના કર્તાઓના કર્તૃત્વ અથવા કરતૂત પ્રમાણે બદલાતી રહેવાની. એક તરફ વિધાનસભાની ચૂંટણીની પડઘમ વાગી રહી છે તો બીજી તરફ કોરોનાની વિષાદસભા ફરી ભરાવાની શરૂ થઈ ગઈ છે. નેહા પુરોહિત અસમજંસને નિરૂપે છે... 
ડગમગેલું મન અને અંધારપટ્ટ 
લઈને રૂની કાખઘોડી ક્યાં જઈશું?
લાકડી થઈ અંધને સંભાળીએ 
આંખ ગાંધારીશી ફોડી ક્યાં જઈશું?
ક્યા બાત હૈ
માણસ નથી તું મ્યાન છે, સંભાળજે
તું પણ બધે દરમ્યાન છે, સંભાળજે

એકાદ-બે સિક્કા જ તારા હાથમાં
ચારે તરફ દુકાન છે, સંભાળજે

તારુંય મન જાણ્યું નથી ક્યારેય તેં
એ પણ હજી બેધ્યાન છે, સંભાળજે

મોં ફેરવી ચાલ્યા જવાની વાતમાં
સૌથી સવાયું માન છે, સંભાળજે

ડૂબી જવા માટે જ તરતા આપણે
જળનેય એનું ભાન છે, સંભાળજે

રોકાઈ જા - રોકાઈ જા - કહેશે તને
જ્યાં માત્ર તું મહેમાન છે, સંભાળજે
વારિજ લુહાર 
ગઝલસંગ્રહ ઃ જલરવ

columnists hiten anandpara