યોગ ઑનલાઇન

04 April, 2020 07:06 PM IST  |  Mumbai Desk | ruchita shah

યોગ ઑનલાઇન

ઘરમાં રહીને શું કરવું એ ન સમજાતું હોય તો મુંબઈના યોગશિક્ષકોએ પોતાની ફરજ તરીકે ઘરમાં રહેતા લોકોને હેલ્ધી અને સ્ટ્રેસ-ફ્રી રાખવા માટે વિડિયો ઍપ્લિકેશનના માધ્યમે ફ્રી યોગ ક્લાસ શરૂ કર્યા છે. કેવી રીતે જૉઇન કરશો ઑનલાઇન યોગ ક્લાસ એ વિશે પણ જાણી લો આજે

આવશ્યકતા આવિષ્કારની માતા છે. અત્યારે એના અઢળક દાખલાઓ તમે જોઈ રહ્યા હશો. ઘરમાં જ રહેવાનું અને છતાં ઘરમાં રહીને પોતાનાં રૂટીનનાં કામો કરતા જવાનાં અનેક નવા અખતરાઓ તમે પણ કરી લીધા હશે. મૉર્નિંગ વૉક હોય, જિમ હોય કે પછી યોગ ક્લાસ હોય; અત્યારે ત્યાં પણ અવરજવર બંધ છે તો પછી હેલ્ધી રહેવા માટે શું કરશો? કેટલાક યોગશિક્ષકો ઘરમાં રહેતા લોકોને યોગ્ય માર્ગદર્શન આપીને યોગ શીખવી રહ્યા છે એ પણ નિઃશુલ્ક. કેટલાક એવા શિક્ષકો સાથે અમે વાત કરી અને તેમના ક્લાસમા જોડાવા શું કરવું એ પણ તેમની પાસેથી જાણ્યું જે તમારી સમક્ષ પ્રસ્તુત છે

બપોરે બારથી એક યોગ કરવા હોય સેજલ શાહના ક્લાસમાં જોડાઓ
ઘાટકોપર (ઈસ્ટ)માં રહેતાં સેજલ શાહ છેલ્લાં દસ વર્ષ સુધી પોતાના ઘરે જ લોકોને યોગની ફ્રી ટ્રેઇનિંગ આપી રહ્યાં હતાં. જોકે વિદ્યાર્થીની સંખ્યા વધવા માંડી એટલે તેમણે રેન્ટલ હૉલમાં ટ્રેઇનિંગ ચાલુ કરી. અત્યારે લગભગ ૧૩૦ લોકોને તેઓ નો પ્રૉફિટ નો લૉસના ધોરણે યોગ શીખવી રહ્યાં છે. લૉકડાઉન થયું એ પછીથી તેમણે ઑનલાઇન ક્લાસ શરૂ કર્યા છે. સેજલ કહે છે, ‘અત્યારના સમયમાં લોકો પ્રાણાયામ કરે એ ખૂબ જરૂરી છે. અમે લૉકડાઉન શરૂ કર્યું ત્યારથી ઑનલાઇન ક્લાસ શરૂ કર્યા છે અને લોકોનો ખૂબ સારો રિસ્પૉન્સ છે. લોકોને ધીમે-ધીમે વિડિયોના માધ્યમે ક્લાસની આદત પડી રહી છે. એમાંથી પણ તેઓ શીખી રહ્યા છે.’
સેજલ શાહ લગભગ બે કલાકમાં ૫૦૦ સૂર્ય નમસ્કાર કરવાનો લિમકા બુક ઑફ રેકૉર્ડ્સ બનાવી ચૂક્યાં છે.

વડીલો પણ એન્જૉય કરે છે પ્રભૂતિ વાઢૈયાનાં ક્લાસમાં
સાઉથ મુંબઈમાં રહેતી પ્રભૂતિ વાઢૈયા પોતાના ક્લાસ હૅન્ગઆઉટ નામના પ્લૅટફૉર્મ પર લઈ રહી છે. આડોશી-પાડોશી, ફ્રેન્ડ્સ અને તેના ફૅમિલી મેમ્બર્સને તેણે આ એક પર્યાય સાથે જોડી દીધા છે. પ્રભૂતિ કહે છે, ‘અત્યારે લોકો જો કંઈ નહીં કરે તો જે પ્રકારનો માહોલ છે એમાં વધુ નિરાશા તરફ જશે. દુનિયામાં ઘણું સારું પણ છે. અમે લોકો ભરપૂર એન્જૉય કરી રહ્યા છીએ. દિવસમાં ત્રણ કલાક હું ફ્રી ઑનલાઇન ક્લાસ માટે આપું છું. સવારના ક્લાસમાં વડીલો હોય છે. બપોરના ક્લાસમાં અને સાંજના ક્લાસમાં વર્ક ફ્રૉમ હોમ કરી રહેલા ફ્રેન્ડ્સ હોય છે. આસન, પ્રાણાયામ, મુદ્રા એમ બધું જ ઑનલાઇન ક્લાસમાં શીખવું અને શીખવવું શક્ય છે.’

હમણાં નહીં તો ક્યારે અદા કરીશું અમારી પોતાની ફરજ?
મુલુંડમાં પોતાનો સ્ટુડિયો ધરાવતાં ૩૦ વર્ષનાં અનુભવી શિક્ષક ફાલ્ગુની શેઠ રોજના લગભગ ૩૦થી ૪૦ લોકોને વિડિયો ઍપ્લિકેશન થ્રૂ યોગ કરાવે છે. ફાલ્ગુની કહે છે, ‘હું સ્કાઇપના માધ્યમે યોગ લઉં છું જે ઓપન ફૉર ઑલ હોય છે. એ સિવાય જે મારી પાસે પહેલેથી શીખી રહ્યા છે એવા ૭૦થી ૮૦ સ્ટુડન્ટ્સને પણ જુદા-જુદા માધ્યમથી યોગ કરાવું છું. અત્યારે એક કંપનીએ પોતાના ૯૦૦ એમ્પ્લૉઈને એકસાથે યોગ કરાવવાનું શરૂ કર્યું છે. લોકો પાસે અત્યારે નવરાશ છે અને અન્ય કોઈ ઍક્ટિવિટી નથી એટલે તેઓ હોંશે-હોંશે યોગ કરી લે છે. અહીં સારી વાત એ છે કે માત્ર એ લોકો જ મને નહીં પણ હું પણ તેમને જોઈ શકું જેથી કોઈ વર્બલ કરેક્શન હોય તો એ કહી શકાય જે વનવે વિડિયોમાં શક્ય નથી.’
ફાલ્ગુનીબહેન બોલી અને સાંભળી નહીં શકતાં બાળકોની સ્કૂલમાં પણ નિઃશુલ્ક યોગની નિયમિત ટ્રેઇનિંગ આપે છે. રોજ સવારે સાડાસાત વાગ્યે સ્કાઇપ પર તમે પણ ફાલ્ગુની શેઠના ક્લાસ જૉઇન કરી શકો છો.

થેરપી માટે યોગ શીખવા હોય તો સંતોષભાઈ છેને!
જ્યારથી સમજણા થયા ત્યારથી યોગ, પ્રાણાયામ અને મેડિટેશન કરી રહેલા અને ગળથૂથીમાં એનો વારસો મેળવનારા સંતોષ બશેટી ઝૂમ ઍપ પર ફ્રી યોગ ક્લાસ લઈ રહ્યા છે. ૨૦૦૫થી એની ઑફિશ્યલ ટ્રેઇનિંગ લઈને શીખવવાનું શરૂ કર્યું જે આજ સુધી ચાલુ છે. યોગ સર્ટિફિકેશન બોર્ડ સાથે સંકળાયેલા, પોલીસોને યોગની ટ્રેઇનિંગ આપી ચૂકેલા અને કૉર્પોરેટ ટ્રેઇનર સંતોષ કહે છે, ‘શરૂઆતનાં સાતેક વર્ષ તો મેં સંપૂર્ણ ફ્રી ટ્રેઇનિંગ જ આપી છે. જેવું લૉકડાઉન જાહેર થયું એટલે સ્ટુડન્ટ્સ મૂંઝવણમાં હતા. ઑનલાઇન ઑપ્શન એક ટેનિસ ઍકૅડેમીએ આપ્યો. પહેલાં મને કામચલાઉ લાગતું હતું પણ હવે લોકો એન્જૉય કરી રહ્યા છે. લૉકડાઉન પત્યા પછી પણ ઑનલાઇન ક્લાસ ચાલુ રહેશે. કોઈ પણ રોગ પહેલાં મન પર આવી થાય છે પછી શરીર પર. જો આપણે મનથી હકારાત્મક હોઈએ અને રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો ઘણી વિપદાથી બચી શકીએ. અત્યારે હું પ્રાણાયામ પર વધુ ફોકસ કરું છું. પાંચ-દસ મિનિટનું મેડિટેશન લઉં છું. પૉઝિટિવ અફર્મેશન બોલાવડાવું છું.’

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ યોગ ટીચિંગમાં કરે છે અલ્પા પટેલ
ચર્ની રોડમાં રહેતાં અલ્પા પટેલ રોજ સવારે સાડાદસથી સાડાઅગિયાર દરમ્યાન ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ઑનલાઇન યોગ ક્લાસ લે છે. અલ્પાબહેન કહે છે, ‘હું બીજી વિડિયો ઍપ ક્લૅરિટીના અભાવને કારણે પ્રિફર નથી કરતી. તેમ જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની ટેક્નૉલૉજીથી લોકો પરિચિત છે જેથી સરળતાથી ફૉલો કરી શકે છે. અત્યારે હેલ્થ માટે સમય કાઢવો જરૂરી છે. હું મોટા ભાગે પ્રાણાયામ, મુદ્રા, સૂર્ય નમસ્કાર, શીર્ષાસન જેવાં સેશન પણ લઈ ચૂકી છું. નૉલેજ પણ વધે અને લોકો પ્રૅક્ટિકલી પણ કરી શકે એવા મારા પ્રયત્ન હોય છે.’
અલ્પાબહેન ૨૦૧૧થી યોગ સાથે સંકળાયેલાં છે. વિવિધ સ્કૂલમાં તેઓ શીખવે છે અને ઘરમાં પણ જુદા-જુદા સમયે ક્લાસ લે છે. તેમની સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોડાવા માટે આ રહી લિન્કઃ

health tips yoga ruchita shah columnists