ઑલરાઉન્ડર બનવાની સિમ્પલ ટિપ યોગ કરો

26 December, 2019 05:38 PM IST  |  Mumbai Desk | ruchita shah

ઑલરાઉન્ડર બનવાની સિમ્પલ ટિપ યોગ કરો

દુનિયામાં કોઈ સર્વગુણ સંપન્ન નથી. આપણે પણ ન હોઈએ. એમાં કશું ખોટું નથી. કોઈકનું માઇન્ડ શાર્પ હોય તો કોઈકની સોશ્યલ સ્કિલ લાજવાબ હોય. કોઈક બહુ સારા વિચારક હોય તો કોઈક સારા વક્તા હોય. કોઈક બોલબચ્ચન હોય તો કોઈક કર્મયોગી હોય. મોટા ભાગની દરેક વ્યક્તિની પર્સનાલિટીમાં પૉઝિટિવ અને નેગેટિવ બન્ને બાજુ હોય. જોકે જો તમે ધારો અને સજાગ પ્રયાસો કરો તો નેગેટિવ સાઇડને પૉઝિટિવ અથવા તો ઓછી નેગેટિવ કરી શકાય છે. યોગથી એ કેવી રીતે શક્ય છે એ જાણી લઈએ. 

પર્સનાલિટીને બગાડે કોણ?
યોગ સંપૂર્ણ જીવનશૈલી સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. જીવનશૈલીની વાત આવતી હોય તો એમાં વ્યક્તિના વ્યક્તિત્વને કેમ ભૂલી શકાય? યોગ ક્ષેત્રમાં છેલ્લાં ૨૫ વર્ષથી સક્રિય અને યોગ સર્ટિફિકેશન બોર્ડના ટીચર અને એક્ઝામિનર નીતિન અને સંધ્યા પટકી કહે છે, ‘યોગનાં આઠેય અંગ માણસની ફિઝિકલ અને મેન્ટલ પર્સનાલિટી પર કામ કરે છે. મહર્ષિ પતંજલિએ વ્યક્તિત્વમાં આવતા ફેરફાર અને એ ફેરફારને કેવી રીતે દૂર કરવા એ દિશામાં ભરપૂર ચર્ચા કરી છે, જેમ કે પર્સનાલિટીને ખરાબ કરનારા પંચ ક્લેશનો કન્સેપ્ટ મહર્ષિ પતંજલિએ આપ્યો છે. સાદી ભાષામાં કહીએ તો સૌથી પહેલાં મહર્ષિ પતંજલિએ પહેલાં પ્રૉબ્લેમનાં કારણો આપ્યા પછી એનું સોલ્યુશન આપ્યું. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ આ પાંચ ક્લેશ વ્યક્તિની પર્સનાલિટીમાં ગાબડાં પાડવાનું કામ કરે છે. પર્સનાલિટીને પાવરફુલ કેમ બનાવવી એની ચર્ચા કરતાં પહેલાં એને ક્ષતિયુક્ત કરવાની ક્ષમતા ધરાવતા ક્લેશ વિશે જાણવું જરૂરી છે. સૌથી પહેલાં તેઓ અવિદ્યાની વાત કરે છે. અવિદ્યા એટલે ખોટું નૉલેજ. અસત્યને સત્ય માનવું, ભૂલભરેલી આપણી સમજ હોય તો કેવી રીતે યોગ્ય રીતે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી શકીએ. અવિદ્યાને મહર્ષિ પતંજલિ મધર ઑફ ઑલ ક્લેશ માને છે. પાયો જ કાચો હોય તો ઉપરની ઇમારતમાં કેવી રીતે ભરોસો થાય? એ પછી અસ્મિતા આવે. અગેઇન અવિદ્યા સાથે લાગતું-વળગતું. પોતાના માટે ખોટી ભ્રમણા હોવી. એક આનાની બુદ્ધિ ન હોય અને પોતાને બુદ્ધિશાળી સમજનારા લોકોને તમે શું કહેશો? તેમનું વ્યક્તિત્વ કેવું ગણાય? વ્યક્તિની પર્સનાલિટીની આ ખામી પાછળ કારણ અસ્મિતા નામનો ક્લેશ છે. એ પછી રાગ અને દ્વેષ બે ટ્વિન ક્લેશનો નંબર આવે. રાગ એટલે કોઈક વ્યક્તિ કે વસ્તુ માટે ઘેલા થવું, અતિશય આકર્ષણ અને તેના પ્રત્યેનો ઝુકાવ. બાકી બધી જ પરિસ્થિતિ પ્રત્યે જાણે અંધાપો આપી દે એવું જ દ્વેષનું. કોઈના માટે ભયંકર ક્રોધ વાસ્તવિકતા, આપણી વિવેકબુદ્ધિને બુઠ્ઠી કરી નાખે. આ પણ પર્સનાલિટીનો ફૉલ્ટી પાર્ટ થયોને? છેલ્લે અભિનિવેશ. યોગસૂત્રમાં એને મૃત્યુના ભય સાથે સરખાવ્યો છે, પરંતુ જીવનમાં કોઈ પણ પ્રકારની અસલામતીને તમે આમાં ગણી શકો. તમે સતત અસુરક્ષિત જ હો, તમને સતત કંઈક છીનવાઈ જવાનો ડર જ સતાવતો હોય તો તમારુ ઇન્સિક્યૉર વ્યક્તિત્વ કેવી છબિ ઊભી કરે? ટૂંકમાં પતંજલિએ સૌથી પહેલાં પર્સનાલિટીને ઝાંખી કરતાં, પર્સનાલિટીમાં ગાબડું પાડનારાં તત્ત્વો તરફ અંગુલી નિર્દેશ કર્યો. એ પછી તેમણે આઠ અંગ દ્વારા તમારા વ્યક્તિત્વને કઈ રીતે હૅન્ડલ કરી શકાય એની ચર્ચા કરી છે.’
કેવી રીતે બૅલૅન્સ કરશો?
આપણી પર્સનાલિટીને પાંચ વિભાગમાં ડિવાઇડ કરી શકાય એમ જણાવીને નીતિન અને સંધ્યા પટકી ઉમેરે છે, ‘સૌથી પહેલાં ફિઝિકલ પર્સનાલિટી આવે. તમે ફિઝિકલી હેલ્ધી હો એની તમારા વ્યક્તિત્વ પર ખૂબ અસર પડતી હોય છે. એના માટે અન્નમય કોષની વાત પણ યોગમાં આવે છે. ફિઝિકલ આસનો અને યોગ્ય આહાર પદ્ધતિને ફૉલો કરો તો ફિઝિકલ પર્સનાલિટી સ્ટ્રૉન્ગ થાય. એના પછી આવે ઇમોશનલ અને મેન્ટલ પર્સનાલિટી. તમારી માનસિક અને ઇમોશનલ હેલ્થ કેવી છેૅ દરેક સંજોગમાં માનસિક અને ઇમોશનલ રીતે કેટલા સંતુલિત રહી શકો છો એ વ્યક્તિત્વના આ પાસા પરથી ખબર પડે. યોગમાં એના માટે પ્રાણાયામ, પ્રતિપક્ષ ભાવના, ચિત્ત પ્રસાદનમ જેવી ટેક્નિક આપી છે. એ પછી આવે છે સોશ્યલ પર્સનાલિટી. તમે સમાજમાં કેવી રીતે રહો છો? તમારી ઇન્ટરૅક્ટિવ સ્કિલ કેવી છે? તમે તમારી આસપાસના માહોલમાં તમારી જવાબદારીઓ કેવી રીતે નિભાવો છે? તમારી લીડરશિપ ક્વૉલિટી, તમારી ક્રીએટિવિટી વગેરેનો આધાર તમારી સોશ્યલ પર્સનાલિટી પર રહેલો છે. એ પછી ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી એટલે તમારી વિવેકબુદ્ધિ. ક્યારે શું બોલવું અને ક્યારે ન બોલવું, ક્યારે શું કરવું અને ક્યારે શું ન કરવું એનું વિવેકભાન એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી. છેલ્લે સ્પિરિચ્યુઅલ પર્સનાલિટીની વાત આવે. સાચી સમજ, જે નિરર્થક છે એમાં મનને પરોવ્યા વિના દૂરંદેશી થવું, આત્માના જ્ઞાનની દિશામાં સક્રિય થવું એ નિશાની છે સ્પિરિચ્યુઅલ પર્સનાલિટીની.’

પર્સનાલિટીને બૂસ્ટ કરવા શું કરશો?
ફિઝિકલ પર્સનાલિટી : યોગાસનો હેલ્પ કરશે. એમાં શું કરવું એ સમજાય તો સૂર્યનમસ્કાર શ્રેષ્ઠ. સૂર્યનમસ્કાર સર્વઅંગ સાધના કહેવાય છે. શુદ્ધિ ક્રિયાઓ કરો. કફ રહેતો હોય તો જલનેતિ અને સૂત્રનેતિ કરો. ઍસિડિટી રહેતી હોય તો વમન કરો. કબજિયાત રહેતી હોય તો શંખ પ્રક્ષાલન કરો.
મેન્ટલ અને ઇમોશનલ પર્સનાલિટી : માનસિક રીતે અને લાગણીની દૃષ્ટિએ સ્ટેબલ થવા માટે પ્રાણાયામ કરો. મનને કન્ટ્રોલ કરવા માટે અનુલોમ-વિલોમ, ઉજ્જયી જેવા પ્રાણાયામથી બહેતર કોઈ સાધન નથી. ત્રાટક ક્રિયા પણ ઇમોશનલ અને મેન્ટલ સ્ટેટને સ્થિર કરે છે. પ્રત્યાહારનું પાલન કરો એટલે કે મનને બહારથી અંદરની તરફ લઈ જાઓ. ઇમોશનલી સ્ટ્રૉન્ગ થવા માટે મનને પ્રસન્ન રાખે એવી યોગશાસ્ત્રમાં આવેલી ટેક્નિકને વાપરો. પ્રતિપક્ષ ભાવના એટલે નકારાત્મક વિચારોને સકારાત્મક વિચારોથી રિપ્લેસ કરતા રહો.
સોશ્યલ પર્સનાલિટી : પાંચ યમ અને પાંચ નિયમનું પાલન સોશ્યલ પર્સનાલિટીને બેટર કરવામાં મદદ કરશે. યમ એટલે સામાજિક ધારાધોરણો અને નિયમ એટલે વ્યક્તિગત ધારાધોરણો. જો સમાજની દરેક વ્યક્તિ ખોટું ન બોલે, હિંસા ન કરે, પરિગ્રહ ન કરે, ચોરી ન કરે અને ઇચ્છાઓને કાબૂમાં રાખે તો સમાજમાં એકેય જાતનાં દૂષણ આવે? એ જ રીતે જો કોઈ વ્યક્તિ સ્વચ્છતા, સંતોષ, તપ એટલે કે ગમે તે સંજોગોમાં સહેવાની ક્ષમતા કેળવે, સ્વાધ્યાય એટલે જાતને ઑબ્ઝર્વ કર્યા કરે અને ઈશ્વરપ્રણિધાન એટલે કે ઈશ્વરને તથા તેની વ્યવસ્થાને શ્રદ્ધા સાથે સંપૂર્ણ સમર્પિત થઈ જાય તો તેનું વ્યક્તિત્વ ક્યારેય દોષપૂર્ણ બને? યોગક્ષેત્રના વિદ્વાનો કહે છે કે યમ અને નિયમ જ જો યોગ્ય રીતે પળાય તો સમાજમાં અને વ્યક્તિમાં સહજ રીતે સંવાદિતા આવી જશે.
ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી : દરરોજ ત્રણ-ત્રણ મિનિટ બાહ્ય અને આંતર ત્રાટકની ક્રિયા કરો. દીવા સામે પાંપણ ઝબકાવ્યા વિના જોવાની ક્રિયા કરવાના અનેક ફાયદામાં એક ફાયદો બૌદ્ધિકતાનો વિકાસ પણ છે.
સ્પિરિચ્યુઅલ પર્સનાલિટી : સ્પિરિચ્યુઅલ થવા માટે પ્રયાસો કરવાથી કંઈ ન થાય. એના માટે શ્રેષ્ઠ ઉપાય છે કે સત્સંગ અને બીજો કર્મયોગ. નિ:સ્વાર્થ ભાવે કોઈકના માટે કંઈક કરી છૂટવાની ભાવના એટલે કર્મયોગ, જે તમને સહજ રીતે આધ્યાત્મિક દિશામાં લઈ જશે.

તમે ચેક કરી શકો તમારી પર્સનાલિટી
પ્રત્યેક વ્યક્તિમાં સત્ત્વ, રજસ અને તમસ એમ ત્રણ ગુણો હોય છે. એ સંતુલિત વ્યક્તિત્વ માટે આ ત્રણેય અનિવાર્ય છે. સત્ત્વ એટલે સત્ય તરફ ઝુકાવ, રજસ એટલે મૂવમેન્ટ અને તમસ એટલે સ્ટેબિલિટી. સાચી દિશામાં ગતિ કરવા અને જરૂર પડ્યે સ્થિર થવામાં આ ત્રણેય તત્ત્વ મહત્ત્વનાં છે. જો ત્રણમાંથી એક તત્ત્વ વધે તો પ્રૉબ્લેમ શરૂ. હવે મૂળ સમસ્યા એ છે કે આ ત્રણેય ગુણોના પ્રમાણમાં થોડું ઊંચનીચ તો દરેકમાં સ્વાભાવિક રીતે હોય છે. જોકે અસંતુલન પણ જરૂર કરતાં વધારે હોય તો એ નજરે પડવા માંડે છે. હવે તમે ઑબ્ઝર્વ કરશો તો તેમના વર્તનમાંથી આ ત્રણમાંથી કોઈ એકાદ ગુણની પ્રધાનતા તમે જોઈ શકશો.

health tips yoga columnists