યોગ બની શકે સ્ટ્રોકનું રક્ષાકવચ?

29 October, 2020 03:38 PM IST  |  Mumbai | Ruchita Shah

યોગ બની શકે સ્ટ્રોકનું રક્ષાકવચ?

૧૯૯૬માં સ્ટ્રોક મૃત્યુનાં કારણોમાં બારમા નંબર પર હતો. ૨૦૧૬માં એ પાંચમા ક્રમે પહોંચી ગયો.

સંપૂર્ણપણે તો નહીં પરંતુ નિયમિત અને સ્વાસ્થ્યવર્ધક આહારવિહાર સાથે યોગિક ક્રિયાઓ આ બ્રેઇન-અટૅકની શક્યતાઓ ઘટાડી શકે છે. કેટલાંક સર્વેક્ષણો મુજબ સ્ટ્રોક પછીના રીહૅબિલિટેશનમાં અન્ય થેરપીની સાથે યોગ થેરપી પણ ઉમેરાય તો લાભ થયાનું નોંધાયું છે. આજે વર્લ્ડ સ્ટ્રોક ડે નિમિત્તે આ વિશે વિસ્તારપૂર્વક વાત કરીએ...

વર્લ્ડ સ્ટ્રોક ઑર્ગેનાઇઝેશન અને ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઍન્ડ વેલબિઇંગ દ્વારા ગયા વર્ષે આપણે પહેલી સ્ટ્રોક સમિટનું આયોજન થયું હતું જેમાં દર્શાવાયેલા આંકડા અનુસાર ૧૯૯૬ની તુલનાએ ૨૦૧૬માં સ્ટ્રોકના કેસમાં સો ટકાનો વધારો થયો છે. ૧૯૯૬માં સ્ટ્રોક મૃત્યુનાં કારણોમાં બારમા નંબર પર હતો. ૨૦૧૬માં એ પાંચમા ક્રમે પહોંચી ગયો. દર વર્ષે ભારતમાં સરેરાશ અઢાર લાખ કરતાં વધુ લોકોને સ્ટ્રોક-અટૅક આવે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર દર વર્ષ લગભગ દોઢ કરોડ લોકોને સ્ટ્રોક-અટૅક આવે છે જેમાંથી લગભગ પચાસ લાખ લોકો મૃત્યુ પામે છે અને પચાસ લાખ લોકો કોઈ પણ રીતે કાયમી અક્ષમ બને છે. સ્ટ્રોકનાં મુખ્ય કારણોમાં હાઈ બ્લડ-પ્રેશર પહેલા ક્રમાંકે છે. સ્ટ્રોક એટલે સાદી ભાષામાં કહીએ તો બ્રેઇનનો અટૅક. કોઈ પણ કારણસર બ્રેઇનને લોહી મળતું બંધ થઈ જાય અને મગજના કોષો ઑક્સિજનયુક્ત લોહીના પુરવઠાને અભાવે મરવા માંડે. આજે વર્લ્ડ સ્ટ્રોક ડે છે ત્યારે આ તકલીફને યોગથી નિવારી શકાય કે નહીં અને ધારો કે સ્ટ્રોક-અટૅક આવે પછી રીહૅબિલિટેશન માટે યોગ કેટલો ઉપયોગી છે એના પર વાત કરીએ.
એક્ઝૅક્ટ્લી શું થાય?
સ્ટ્રોક એટલે તમે એને એક જાતનો બ્રેઇન-અટૅક પણ કહી શકો છો. જસલોક હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર ઑફ ન્યુરો સર્જરી ડૉ. પરેશ દોશી કહે છે, ‘જ્યારે બ્રેઇનને મળતી બ્લડ-સપ્લાય બંધ થઈ જાય એનાં કોઈ પણ કારણ હોઈ શકે, બ્લડ ક્લૉટને કારણે પણ આવું થઈ શકે કે પછી આર્ટરીમાં રપ્ચર થયું હોય. પરંતુ જ્યારે તમારા મસ્તિષ્કને લોહી મળવાનું બંધ થાય એટલે એની અંદર રહેલા કોષો મરવાના શરૂ થાય જેથી તમારી યાદશક્તિ, મસલ કન્ટ્રોલ જેવી મગજ સાથે સંકળાયેલી ઍક્ટિવિટી ખોરવાવા માંડે. તાત્કાલિક જો એને ઇલાજ મળે તો હજી વધુ બગાડ થાય એ પહેલાં જ એને રોકી શકાય, પરંતુ જો એને અવગણવામાં આવે તો કાયમી લક્ષણો પણ રહી શકે. બીજું, સ્ટ્રોકની શરીર પર કેવી અને કેટલી અસર થશે એ બ્રેઇનના કેટલા હિસ્સામાં ડૅમેજ થયું છે એના પર નિર્ભર કરે છે. મોટા ભાગે પ્રારંભિક અવસ્થામાં એનાં ત્રણ લક્ષણો જોવા મળતાં હોય છે. બોલવામાં તકલીફ એટલે કે સ્પીચ રિલેટેડ પ્રૉબ્લેમ, હાથ અને પગ પરથી નિયંત્રણ ખોરવાઈ જવું અને મોઢું વાંકું વળી જવું. આવાં કોઈ પણ લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકની મોટી હૉસ્પિટલમાં જવું જ્યાં આ પ્રકારનાં લક્ષણો માટે ટ્રીટમેન્ટ અવેલેબલ હોય. લગભગ ત્રણથી છ કલાકના વિન્ડો ટાઇમમાં જો સારવાર આપી દેવાય તો પેશન્ટને મોટા નુકસાનમાંથી બચાવવો શક્ય છે. જેમ છાતીમાં દુખે તો આપણે એક વાર વિચારમાં પડીને પ્રારંભિક તપાસ કરાવી લઈએ છીએ એમ બ્રેઇન- સ્ટ્રોકનાં આવાં લક્ષણોને ધ્યાનમાં રાખવાં જરૂરી છે. સંપૂર્ણ પ્રિવેન્શન થાય છે એવું તો નહીં કહું, પરંતુ યોગ અને મેડિટેશનથી સ્ટ્રોકના ચાન્સ ઘટી શકે છે. જો એને સાચી રીતે અને તમારા શરીરની સ્થિતિને સમજીને વૈજ્ઞાનિક ઢબથી કરવામાં આવે. હાઈ બ્લડ-પ્રેશર અને સ્ટ્રેસ એ સ્ટ્રોકનાં બે મુખ્ય કારણો છે. પ્રૉપર મેડિટેશનને લગતી પદ્ધતિ અને યોગ તથા પ્રાણાયામ સ્ટ્રેસને દૂર કરવામાં અને હાઈ બ્લડ-પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે.’
આફ્ટર ઇફેક્ટ
એક વાત તો દેખીતી છે કે યોગનાં આસનો, પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિઓ તમારા મગજને શાંત કરે, આસનો શરીરમાં બ્લડ-સર્ક્યુલેશન સુધારે છે, સંતુલન અને કૉન્સન્ટ્રેશન વધારે છે. પ્રાણાયામ હાર્ટની હેલ્થ માટે સારા ગણાય છે અને ધ્યાનથી માઇન્ડની અવેરનેસ વધે છે અને એ વધુ શાંત થાય છે. ટૂંકમાં ડાયાબિટીઝ, હાઈ બ્લડ-પ્રેશર, સ્થૂળતા જેવા સ્ટ્રોકને આમંત્રણ આપતા એના સાથી રોગોને કાબૂમાં રાખે છે. એનાથી આપમેળે સ્ટ્રોકની શક્યતા ઘટી જાય છે. જોકે સ્ટ્રોક-અટૅક આવી જાય તો બ્રેઇન અને બૉડીના ફંક્શન વચ્ચેનું સામંજસ્ય તૂટે છે, જેને કારણે કેટલીક તકલીફ કાયમી પણ રહી શકે છે. જેમ કે શરીરની ડાબી અથવા જમણી એમ કોઈ એક બાજુમાં લકવો આવી જવો, એક-એક અંગ સુન્ન પડી જવું, ખૂબ થાક લાગવો, મોઢું વાંકું વળી જવું, શરીરમાં સંતુલન ન રહેવું, શરીરના કોઈ હિસ્સામાં બળતરા કે ઝણઝણાટી થવી જેવાં લક્ષણોમાંથી બહાર આવવામાં પછી અન્ય થેરપીનો સહારો લેવો પડતો હોય છે. આ સંદર્ભે એમબીબીએસ ડૉક્ટર અને યોગ થેરપિસ્ટ ડૉ. મનીષા સૂર્યવંશી કહે છે, ‘અહીં પરિણામ જોઈતું હોય તો હોલિસ્ટિક અપ્રોચ રાખવો પડે. શક્ય હોય તો શુદ્ધિ ક્રિયા, મિતાહાર અને યોગિક કાઉન્સેલિંગનો આમાં મહત્ત્વનો રોલ છે. સામાન્ય સુખાસન પણ જો પૂરી જાગૃતિ સાથે થાય તો એના અવર્ણનીય લાભ છે. જેટલી તેનામાં એકાગ્રતા વધશે એટલી જ તેના બ્રેઇનની સેલ્ફ-હીલિંગની ક્ષમતા વધશે. સૂક્ષ્મ વ્યાયામનો આમાં બહુ મોટો રોલ હોય છે. સિમ્પલ શોલ્ડર રોટેશન પણ કરાવો તો કાર્ડિઍક કૅપેસિટી વધે છે. એક-એક સ્નાયુઓની મૂવમેન્ટ સાથે અવેરનેસ વધુ સુદૃઢ બને છે. બ્લડ-સર્ક્યુલેશન સારું થાય છે, જેનાથી બ્રેઇન સુધી રક્તનો ફ્લો વધે છે.’

રીહૅબિલિટેશનમાં યોગિક પ્રૅક્ટિસમાં આટલું કરી શકાય
સ્ટ્રોક આવે ત્યારે ડૉક્ટર પાસે જઈ રહ્યા હો એ સમયે અને હૉસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી સતત સમય મળે ત્યારે અપાન વાયુ મુદ્રા કરો. બ્રેઇન સ્ટ્રોક ન આવે એ માટે, આવ્યા પછી વધુ ડૅમેજ ન થાય એ માટે અને સ્ટ્રોક આવી ગયા પછી જલદી રિકવરી થાય એ માટે આ અતિશય ઉપયોગી મુદ્રા છે. હમણાં જ મારા પિતાને સ્ટ્રોક-અટૅક આવ્યો ત્યારે આ હસ્તમુદ્રાનાં ચમત્કારિક ફળ અમે પોતે જોયાં છે. થઈ શકે એટલા સૂક્ષ્મ વ્યાયામ કરો. ધારો કે ડાબો પગ, ડાબી બાજુ સુન્ન પડી ગઈ છે અને તમને જો જમણા પગમાં ચેતના છે તો જમણી બાજુ કસરતો કરો. ધીમે-ધીમે તમને એની અસર ડાબી બાજુએ દેખાવાની શરૂ થશે.
ચંદ્રભેદન પ્રાણાયામ અને અનુલોમ-વિલોમ પ્રાણાયામથી લાભ થશે.
બહુ લાંબા નહીં પણ બહુ લાંબા સમય માટે શ્વાસ છોડવાના પ્રયાસ કર્યા વિના ટૂંકા અંતરાલમાં મધ્યમ અવાજ સાથેના ભ્રામરી પ્રાણાયામથી લાભ થશે. શ્વાસ બહુ રોકાય નહીં એ રીતે અને એનો ધ્વનિ પણ સૉફ્ટ હોય એ રીતે.
મૂલબંધ આ અરસામાં ખૂબ કારગત નીવડશે. મૂલાધાર ચક્ર આ સમયે નબળું પડી જાય છે એવા સમયે મૂલબંધથી એ દિશામાં પ્રાણિક ફ્લો વધારીને મૂલાધારને સ્ટ્રૉન્ગ કરી શકાય તેમ જ ફિઝિયોલૉજિકલ લેવલ પર પેલ્વિક રીજનની સ્ટ્રેંગ્થ વધારવા માટે પણ મૂલબંધ ખૂબ કામ આવશે.
ફિઝિયોથેરપી, યોગ થેરપીની સાથે ઍક્યુપ્રેશર થેરપી પણ આ અવસ્થામાંથી બહાર આવવા માટે બહુ જ ચમત્કારિક પરિણામ આપી શકે છે.
આવા સમયે પરિવારે વ્યક્તિને ગમે એવાં કાર્યોમાં તેનું મન પરોવાય એનું ધ્યાન રાખવું તેમ જ તેનામાં વિલપાવર વધારવાના પ્રયાસો તેના થેરપિસ્ટે પણ કરવા. રિકવરીમાં વિલપાવરનો બહુ મોટો રોલ હોય છે.
શરૂઆતમાં ઝડપથી રિકવરી થતી દેખાય, પરંતુ છેલ્લે પાંચ-દસ ટકા રિકવરી થવામાં સમય લાગી શકે છે. એવા સમયે ઉતાવળા થઈને સ્ટ્રેસ ન વધારવું જોઈએ.
સ્ટ્રોક-અટૅક આવ્યા પછી હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા પછી તરત જ અન્ય થેરપીઓની ટ્રીટમેન્ટ શરૂ કરી દેવી જોઈએ. એનાથી રિકવરીના ચાન્સ વધી જાય છે.
સ્ટ્રોક-અટૅક આવી ગયો છે એની ખબર પડ્યા પછી હૉસ્પિટલમાં જતી વખતે પેશન્ટને ઓછામાં ઓછું એક્ઝર્શન પડે એનો ખ્યાલ રાખવો.

health tips ruchita shah columnists yoga