કવિતા તો પલાંઠી, પાલવે તો લગાવો નહીં તો છાપરે જઈ પતંગ ચગાવો

11 October, 2020 07:40 PM IST  |  Mumbai | Rajani Mehta

કવિતા તો પલાંઠી, પાલવે તો લગાવો નહીં તો છાપરે જઈ પતંગ ચગાવો

કવિતા લખવી એટલે

આકાશમાં પગલાં પાડવાં...

આવે

નહીં તો

બિછાનામાં પડેલા બીમારની જેમ

કણસતી પોતાની સંવેદનાને જોયા કરવાની

નર્સની જેમ

કવિતા લખવી એટલે નીકળી જવું

બારાખડીની બહાર...

- જયા મહેતા

કવિતાકર્મ એટલે પરકાયાપ્રવેશ. બારાખડીના સીમાડા ઓળંગીને શાશ્વતીની પગદંડી પર પગલાં પાડવાની તાકાત કવિમાં હોય છે. પારકી પીડાને પોતીકી ગણીને જેમ આગમાં સીતાનો પ્રવેશ થાય એમ શબ્દમાં કવિની કલમનો પ્રવેશ થાય તો કવિતા બને. કવિમિત્ર સુરેશ દલાલની વાત યાદ આવે છે. ‘કવિતા લખવી એટલે જાણે દીવો ઠરવો ન જોઈએ એ શરતે વાવાઝોડાની આરતી ઉતારવી.’ કવિનું કામ આસાન નથી અને એટલે જ તો કવિ નલિન રાવળ કહે છે...

કવિતા તો પલાંઠી

પાલવે તો લગાવો

નહીં તો છાપરે જઈ પતંગ ચગાવો.

હિન્દી ફિલ્મ-સંગીતમાં આવા અનેક હોનહાર ગીતકારોમાં ઇંદીવરનું નામ આગળપડતું હતું. રોજબરોજની રૂટીન વાતોમાં કવિને ક્યાંક ને ક્યાંક કવિતા છુપાયેલી દેખાય છે. એનું મુખ્ય કારણ એ હોય છે કે એક સાધારણ લાગતી ઘટના કવિની સમગ્ર ચેતનાને ખળભળાવી મૂકે છે. એ અવસ્થામાં જેમ વૃક્ષને ફૂલ ખીલે એમ તેની કલમને શબ્દો અવતરે. હિન્દી ફિલ્મોનાં એવાં અનેક અમર ગીતો છે જેની રચના પાછળ કોઈ ને કોઈ રોચક ઘટના ઘટી હોય. સંગીતકાર આણંદજીભાઈ આવા જ એક અમર ગીત ‘કસમે વાદે પ્યાર વફા સબ, બાતેં હૈં બાતોં કા ક્યા’ની પરદા પાછળની  વાત કરતાં કહે છે...

‘આફ્રિકાથી એક યુવાન મુંબઈ આવ્યો હતો. અમારો તેની સાથે પરિચય હતો. તેની ઇચ્છા હતી કે હિન્દી ફિલ્મમાં કરીઅર બનાવવી છે. અહીં તેની એક યુવતી સાથે ઓળખાણ થઈ. મૈત્રી આગળ વધી. થોડા સમય બાદ બન્નેએ લગ્ન કરવાનું  નક્કી કર્યું. એ દરમ્યાન પેલા યુવાનને આફ્રિકા જવું પડ્યું. ત્યાંનું કામકાજ આટોપવામાં તેને થોડો સમય લાગે એમ હતો એટલે બન્નેએ એકમેકના સોગંદ ખાઈને નિર્ણય લીધો કે યુવાન પાછો આવે ત્યાર બાદ લગ્ન કરીશું. સંજોગવશાત્ પેલાને પાછો આવતાં ધાર્યા કરતાં વધારે સમય લાગ્યો. તેના કમનસીબ એવા કે તે મુંબઈ પાછો આવ્યો ત્યારે યુવતીનાં લગ્નની કંકોતરી હાથમાં આવી. તેની હાલત કેવી થઈ હશે એ તમે સમજી શકો છો.’

આણંદજીભાઈની વાત સાંભળતાં મને આ પંક્તિઓ યાદ આવી ગઈ...

કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા

કહીં ઝમીં તો કહીં આસમાં નહીં મિલતા

તેરે જહાન મેં ઐસા નહીં કિ પ્યાર ન હો

જહાં ઉમીદ હો ઇસકી વહાં નહીં મિલતા

(આહિસ્તા આહિસ્તા - ખૈયામ — ભૂપીન્દર સિંઘ / આશા ભોસલે - નિદા ફાઝલી)

કહેવાય છે કે પ્રેમની કુંડળી હંમેશાં શાપિત હોય છે. મિલનનો અંચળો ઓઢીને મોટા ભાગે વિરહ સામે આવે છે. ઘણી વાર એ પ્રશ્ન ઊભો થાય કે દરેક મુલાકાતનો અંજામ જુદાઈ કેમ હોય છે? હકીકત એ છે કે જે નામ આપણી કુંડળીમાં હોય એ જ નામ આપણી કંકોતરીમાં હોય એવું દરેક વખતે બનતું નથી.

આ વાતનું અનુસંધાન સાધતાં આણંદજીભાઈ કહે છે, ‘એ યુવતી સાથે અમારે પરિચય હતો. તેનાં લગ્નનું રિસેપ્શન તાજમહલ હોટેલમાં હતું. હું ત્યાં ગયો ત્યારે ઇંદીવર મારી સાથે હતા. પાછા ફરતી વખતે રસ્તામાં આ વાતનો ઉલ્લેખ કરતાં હું બોલ્યો, ‘કસમે, વાદે, પ્યાર, વફા, સબ બાતેં હૈ;  બાતોં કા ક્યા?’ આ શબ્દો સાંભળીને ઇંદીવરના કાન ચમક્યા. એ વખતે અમે રિગલ થિયેટરના સર્કલ પાસે હતા. ઇંદીવર ડ્રાઇવરને કહે, ‘આગે મત જાના. બસ, ઇધર હી ગોલ ગોલ ઘુમાતે રહો.’ અમારી ગાડી ત્યાં જ ચક્કર મારતી રહી. ઇંદીવર બોલતા જાય, ‘કસમે વાદે પ્યાર વફા સબ બાતેં હૈ બાતોં કા ક્યા’ અને એમ કરતાં-કરતાં થોડી વારમાં મુખડું પૂરું કર્યું. ‘કોઈ કિસી કા નહીં યે ઝૂઠે નાતે હૈ નાતોં કા ક્યા.’ પછી ખુશ થતાં બોલ્યા, ‘અભી આગે ચલો. અપને ગાને કા મુખડા મિલ ગયા.’

અમે ઘરે આવ્યા. મને કહે, ‘આજે આ ગીત પૂરું કરવું છે.’ અમે વાતો કરતા બેઠા હતા. એમાંથી ભારતીય સંસ્કૃતિની ચર્ચાએ ચડી ગયા. મેં કહ્યું, ‘આપણા કલ્ચરમાં કેવું છે? પિતાનું મૃત્યુ થાય તો દીકરો અગ્નિદાહ આપે. મતલબ આપકા બેટા હી આપકો જલાતા હૈ.’ મારી વાત સાંભળીને તેઓ ઊછળી પડ્યા, ‘મિલ ગયા, મુઝે અંતરા મિલ ગયા...’ અને લખ્યું...

હોગા મસીહા સામને તેરે,

ફિર ભી ન તૂ બચ પાયેગા

તેરા અપના ખૂન હી આખિર

તુઝ કો આગ લગાએગા

આસમાન કે ઉડનેવાલે

મિટ્ટી મેં મિલ જાએગા

વહેલી સવારે ચાર વાગ્યે આ ગીત પૂરું કર્યું. મને હસતાં-હસતાં કહે, ‘આજે ઘરે જતાં ડર

લાગે છે. આ જે પંક્તિ લખાઈ છેને ‘તેરા અપના ખૂન હી આખિર તુઝ કો આગ લગાએગા...’ એનો વિચાર આવે છે અને મને ભવિષ્યની ચિંતા થાય છે.’

‘ઇંદીવરનાં ગીતોની એક ખાસિયત એ હતી કે એમાં ‘ક્યા’ શબ્દ ઘણી વાર આવતો. જેમ કે આ ગીત. એ ઉપરાંત ‘ક્યા ખૂબ લગતી હો, બડી સુંદર દિખતી હો’ (ધર્માત્મા), ‘ક્યા દેખતે હો, સૂરત તુમ્હારી, ક્યા ચાહતે હો, ચાહત તુમ્હારી’ વગેરે વગેરે.

આ ગીતના ગાયક મન્ના ડે સાથેની મારી મુલાકાતમાં તેમણે મને કહ્યું કે ફિલ્મ ‘ઉપકાર’ના આ ગીત માટે કલ્યાણજી–આણંદજીની પહેલી પસંદગી કિશોરકુમાર હતા. એ દિવસોમાં કિશોરકુમાર કેવળ પોતાની ફિલ્મો માટે અને વધુમાં વધુ દેવ આનંદ માટે જ પ્લેબૅક આપતા. તેમણે આ ઑફર ન સ્વીકારી એમ કહીને કે હું એક અભિનેતા છું, પ્લેબૅક સિંગર નહીં. એ ઉપરાંત આ ગીત અભિનેતા પ્રાણ પર પિક્ચરાઇઝ થવાનું છે એ જાણીને તેમનો રસ ઓછો થઈ ગયો. તેમણે કહ્યું, ‘યે તો મુઝે ભજન લગતા હૈ, મન્નાદા સે ગવા લો.’ 

ગીતકાર ઇંદીવર સાથેનાં સંસ્મરણોની રજેરજ વાતો આજે પણ આણંદજીભાઈને યાદ છે. ‘ઇંદીવરને ગીત લખવા માટે ‘ઇન્સ્પિરેશન’ આપવું પડે એટલે તેમને પાનો ચડાવવો પડે. શૃંગારરસનું ગીત લખવાનું હોય તો કહીએ, ‘સોચિયે, એક જવાન ખૂબસૂરત લડકી હૈ’ એટલે ‘આ હા હા’ કહેતાં તાનમાં આવી જાય. અમે આગળ કહીએ, ‘ઉમ્ર હૈ અઠરા સાલ, સુંદર ચહેરા, ખૂલે હુએ બાલ’ એટલે કહે, ‘લાજવાબ, ક્યા બાત હૈ, મૈં સમઝ ગયા.’ આટલું કહેતાં મૂડમાં આવીને ગીત લખવાનું શરૂ કરી દે.

ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’નું ગીત ‘ચંદન સા બદન, ચંચલ ચિતવન’ ખૂબ જ લોકપ્રિય થયું. શરૂઆતમાં સિચુએશન સાંભળી તેમણે આ પંક્તિઓ લખી હતી. ‘ચહેરે પે દમક, હોઠોંપે નમક’. અમને સમજાવે, ‘આપકો રોમૅન્ટિક ગાના ચાહિએ ના. લડકી કે ચેહરે પર દમક (પરસેવો) ઔર હોઠોં પે નમકિન હંસી હૈં.’ અમે કહ્યું, ‘કાંઈ જામતું નથી’ તો કહે, ‘આપ બનિયે હો. આપ કો પતા નહીં. ઇસકો નમકિન ગાના કહતે હૈં. આજકલ ઐસે હી ગાને ચલતે હૈં.’ અમે કહ્યું, ‘અમારે કોઈ ચીપ ગીત નથી જોઈતું. આ ફિલ્મની સ્ટોરી વર્ષો પહેલાંની છે. એક એવું ગીત જોઈએ છે જે ચંદનની સુવાસની જેમ ધીમે-ધીમે પ્રસરે અને લાંબો સમય યાદ રહે.’ અમારી વાત સાંભળીને તેમણે કહ્યું, ‘ઠીક હૈ, કુછ સોચતા હૂં.’ તેમને થોડો સમય લાગ્યો અને એક સુંદર ગીત આપ્યું.

‘ચંદન સા બદન, ચંચલ ચિતવન

ધીરે સે તેરા યે મુસકાના

મુઝે દોષ ન દેના જગવાલોં

હો જાઉં  અગર મૈં દીવાના...’

 ‘સરસ્વતીચંદ્ર’નું આ ગીત ફિલ્મનું ગીત ન હોત તો પણ સ્વતંત્ર કવિતા તરીકે એક સક્ષમ કૃતિ ગણાય એ કક્ષાનું હતું. આ ગીતને અમર બનાવવામાં કલ્યાણજી—આણંદજી અને ઇંદીવરની સાથે મુકેશના મધુર સ્વરનું યોગદાન કેમ ભુલાય? જ્યારે કોઈ પણ સંગીતકારને આવાં મીઠાંમધુરાં ગીતો રેકૉર્ડ કરવાનાં હોય ત્યારે તેમને અચૂક મુકેશની યાદ આવે. સંગીતની અધકચરી સમજ ધરાવતા શ્રોતાઓ એમ માને છે કે મુકેશનાં ગીતો આપણને દુઃખનો અહેસાસ કરાવે છે. તેમને કોણ સમજાવે કે જે દુઃખની તમે વાત કરો છો એ હકીકતમાં દુઃખ નહીં, દર્દ છે; એક ગમતીલી  પીડા છે, જે સહજતાથી અને સરળતાથી મુકેશ એની રજૂઆત કરતા કે એ દર્દ પણ શ્રોતાઓને વારંવાર પંપાળવાનું ગમતું.

વાંકદેખા વિવેચકો હંમેશાં કહેતા કે મુકેશની રેન્જ લિમિટેડ છે, તેઓ નાકમાંથી ગાય છે. (આ આરોપ બીજા ગાયકો પર પણ લાગ્યો છે) અને છતાં છેવટ સુધી તેમની લોકપ્રિયતા ટકી રહી. એનું કારણ શું એનો કોઈની પાસે જવાબ નથી. આ પ્રશ્નનો સીધો-સાદો જવાબ એક જ છે. મુકેશનું ગીત સાંભળીને કોઈ પણ વ્યક્તિ એમ કહી શકે, ‘અરે, આ ગીત તો હું પણ ગાઈ શકું એટલું સહેલું છે.’ બસ, આ એક જ વાત એવી છે જે તેમને બીજા ગાયકોથી અલગ પાડે છે. તેમની ગાયકીની અનેક મર્યાદા હોવા છતાં એ તેમની વિશિષ્ટતા બની ગઈ. તેમના અવાજમાં એક એવું અસામાન્યપણું હતું જે હૃદયને સ્પર્શી જતું. સંગીતકાર કલ્યાણજીભાઈ એક ઇન્ટરવ્યુમાં તેમની આ ક્વૉલિટીની વાત કરતાં કહે છે...   

‘અમારી રિહર્સલ-રૂમમાં સંગીત સાથે સંકળાયેલા અનેક લોકો આવતા. એક દિવસ મુકેશ સાથે અમે ગીતનું રિહર્સલ કરતા હતા ત્યાં એ જમાનાના વિખ્યાત શાસ્ત્રીય સંગીતના ગાયકનું આગમન થયું. રિહર્સલ પૂરું થયું અને મુકેશ ગયા એટલે પેલા દિગ્ગજ કલાકારે મુકેશ સામેની પોતાની હૈયાવરાળ કાઢી.

‘કલ્યાણજીભાઈ, નસીબનો આ કેવો ખેલ છે? જેને શાસ્ત્રીય સંગીતનો ‘સ’ નથી આવડતો તે મર્સિડીઝમાં ફરે છે અને અમારા જેવા હજી બેસ્ટની બસમાં ફરે છે.’

મેં તેમની વાત શાંતિથી સાંભળી અને કહ્યું, ‘ગમે એ હોય; લોકોને તેમનાં ગીતો ખૂબ જ પસંદ પડે છે. તમને પણ હશે. તેમનું સૌથી વધુ કયું ગીત ગમે છે?’

થોડુંક ખચકાતાં તેમણે કહ્યું, ‘હા, તમારી વાત તો સાચી છે. મને ‘ચંદન સા બદન’  સાંભળવું ગમે છે, પરંતુ એ તો તમારી સંગીતરચના અદ્ભુત છે એટલે.’

આ સાંભળતાં મેં હાર્મોનિયમ શરૂ કરતાં સૂર મેળવીને ‘ચંદન સા બદન’ શરૂ કર્યું અને કહ્યું, ‘જરા આ રીતે ગાઓ તો.’ તેમના મનમાં થયું હશે કે આ તો રમતવાત છે. તેમણે શરૂ કર્યું. પોતે ક્લાસિકલના જાણકાર એટલે વચ્ચે તાન મારતા જાય, હરકત લેતા જાય. એક અંતરો ગાયો અને ત્યાં હાજર રહેલા બીજા લોકોના ચહેરા પરના હાવભાવ જોઈને તેમને એટલું તો સમજાઈ ગયું કે વાત જામતી નથી. અધવચ્ચેથી ગીત બંધ કરતાં તેમણે કબૂલાત કરી કે સરળ અને સીધી રીતે ગાવું એ બહુ મુશ્કેલ કામ છે.’

કોઈ પણ જાતની ચર્ચા કર્યા વિના, સામી વ્યક્તિને જોઈતો મેસેજ પહોંચાડી દેવો એ જ તો કલ્યાણજી–આણંદજીની ખાસિયત હતી; ભલે પછી ઇંદીવર તેમને મજાકમાં ‘અનપઢ બનિયાસ’  કહેતા હોય. તેમની સાથેના બીજા કિસ્સા આવતા રવિવારે.

columnists rajani mehta