ઝેરનો પ્યાલો : સૉક્રેટિસ અને મીરાંબાઈ

21 November, 2021 02:42 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

મીરાંબાઈએ ઝેર પીધું એ પછી તેમને અમીના ઓડકાર આવેલા એવું લોકકથા કહે છે. ઍથેન્સવાસીઓએ સૉક્રેટિસને ઝેરનો પ્યાલો આપેલો. સૉક્રેટિસ હસતાં-હસતાં એ ઝેર પી લીધેલું, પણ તેને અમીના ઓડકાર નહોતા આવ્યા

ઝેરનો પ્યાલો : સૉક્રેટિસ અને મીરાંબાઈ

પાંચ કે છ શતાબ્દી પહેલાં મીરાંબાઈ ઝેરનો પ્યાલો પી ગયાં હતાં. લોકકથા કહે છે કે આ ઝેર અમૃત થઈ ગયું હતું અને મીરાંબાઈને અમીના ઓડકાર આવ્યા હતા. ઝેરના પ્યાલામાંથી અમીના ઓડકાર ભારે અદ્ભુત વાત છે. ૨૫૦૦ વર્ષ પહેલાં ઍથેન્સ નામના નગરમાં સૉક્રેટિસ નામનો એક માણસ વસતો હતો. મીરાંબાઈની જેમ જ ઍથેન્સવાસીઓએ આ સૉક્રેટિસને ઝેરનો પ્યાલો પાઈ દીધો. સૉક્રેટિસ હસતાં-હસતાં એ ઝેર પી ગયો હતો. તેને અમીના ઓડકાર નહોતા આવ્યા.
કહે છે કે ઍથેન્સવાસીઓ સૉક્રેટિસથી બહુ નારાજ હતા. સૉક્રેટિસ ઍથેન્સવાસીઓને પ્રશ્નો પૂછતો હતો. આ પ્રશ્નોથી ઍથેન્સવાસીઓ અકળાઈ જતા હતા. આકાશ શું છે? પૃથ્વી શું છે? સૂર્ય શું છે? ચંદ્ર શું છે? જીવન શું છે? મૃત્યુ શું છે? આવા–આવા અનેક પ્રશ્નો ઍથેન્સવાસીઓને અકળાવતા હતા. સૉક્રેટિસ કહેતો હતો, ‘આ બધા પ્રશ્નોનો ઉત્તર તમારું મન છે. મન શું છે એ સમજી લો. જો એ સમજાઈ જશે તો આવા બધા પ્રશ્નો પણ નહિ ઊઠે.’ પણ મનને શી રીતે સમજવું? 
ઍથેન્સનો સૌથી શાણો માણસ કોણ છે
ઍથેન્સવાસીઓએ ગ્રીક દેવતાને જ પૂછ્યું, ‘ હે દેવ, ઍથેન્સનો સૌથી શાણો માણસ જે આવા બધા પ્રશ્નોનો ઉત્તર જાણતો હોય તેનું નામ આપો.’ 
કહે છે કે એ વખતે આકાશવાણી થઈ. આકાશી દેવે કહ્યું, ‘ હે નગરજનો, તમારી વચ્ચે સૉક્રેટિસ નામનો જે માણસ વસે છે તે બધી વાતનો જાણકાર છે. તે બધું જાણે છે. તમે તેને પૂછો.’ 
અકળાયેલા ઍથેન્સવાસીઓએ સૉક્રેટિસને જ પૂછ્યું, ‘હે સૉક્રેટિસ, અમે તારા પ્રશ્નોથી મૂંઝાઈ જઈએ છીએ. આકાશવાણી કહે છે કે તું બધું જ જાણે છે તો અમને કહે તું શું જાણે છે?’
સૉક્રેટિસ નગરજનોના આવા હુમલાથી અકળાયો. તેને આશ્ચર્ય થયું. તેણે વળતો પ્રશ્ન કર્યો, ‘હે નગરજનો, હું તો માત્ર એટલું જ જાણું છું કે હું કંઈ જાણતો નથી.’ 
સૉક્રેટિસના ઉત્તરથી નગરજનો વધુ અકળાઈ ગયા. જો દેવ પોતે જ આકાશવાણીથી કહેતા હોય કે સૉક્રેટિસ બધું જાણે છે તો પછી સાચું કોણ? આકાશવાણી કે સૉક્રેટિસ? સૉક્રેટિસે આકાશને જ પૂછી લીધું, ‘હે આકાશી દેવ, તમને અસત્યભાષી તો કેમ કહેવાય? પણ હું બધું નથી જાણતો. ખરેખર તો હું કંઈ નથી જાણતો એ જ પરમ સત્ય છે.’
હું કંઈ નથી જાણતો એટલે શું?
વ્યવહારમાં આપણને એવા કેટલાક માણસો વાતવાતમાં અથડાઈ જાય છે. વાત ફલાણી હોય કે વાત ઢીંકણી હોય, વાત ગમે તે હોય પણ એ વાતની બધી વાત હું જાણું. આવો છાતીપઢો દાવ કરનારા માણસો તમને ક્યાંક ને ક્યાંક મળ્યા હશે. મને બધી ખબર છે એવું છાતી ઠોકીને કહેનારા માણસો આપણી વચ્ચે છે જ. આપણા મુઠ્ઠીઊંચેરા હાસ્યસાહિત્યના સર્જક જ્યોતીન્દ્ર દવેએ આવા એક માણસની વાત લખી છે. આ માણસને તમે કંઈ પણ કહો તેને બધી જ ખબર હોય. શૅરબજારોના એક મહિના પછીના ભાવતાલ પણ જાણતો હોય અને ક્યારે અને ક્યાં શું બનશે એની જાણકારી પણ તેને હોય. જ્યોતીન્દ્રભાઈએ એક વાર એક પુસ્તકનું નામ લઈને તેને પૂછ્યું. પેલા ભાઈએ આ વિદેશી પુસ્તકના અજાણ્યા નામને એક દવાનું નામ સમજીને ઘણીબધી માહિતી આપી. જ્યોતીન્દ્રભાઈ લખે છે કે કશું જાણ્યા વિના બધું જાણતા હોવાનો દાવો કરવો બહુ સહેલો છે, પણ બધું જ જાણતા હોવા છતાં કશું નહીં જાણતા હોવાનું મૌન જાળવવું ભારે અઘરું છે. હું કંઈ નથી જાણતો આટલું કહેવા માટે પહેલાં ઘણું બધું જાણી લેવું પડે છે.
જાણવું એટલે શું?
એક પાદરી વિશે એવું કહેવાતું કે આ પાદરી દર રવિવારે ચર્ચમાં જે વ્યાખ્યાન આપતા એમાં દુનિયાની બધી જ જાણકારી આપવામાં આવતી. થોકબંધ લોકો રવિવારની સવારે તેમને સાંભળવા ઊમટતા. આ પાદરીનો એક જિગરજાન મિત્ર ક્યારેય તેમના પ્રવચનમાં આવતો નહીં. પાદરીએ એક વાર પેલા મિત્રને કહ્યું, ‘દોસ્ત, એક વાર મારા પ્રવચનમાં આવી તો જો. સંખ્યાબંધ નવી વાતું તને સાંભળવા મળશે.’ 
પાદરીની આ વાત મિત્રએ સ્વીકારી અને તેણે બીજા રવિવારે આખું વ્યાખ્યાન સાંભળ્યું. વ્યાખ્યાન સાંભળ્યા પછી પાદરીએ મિત્રને પૂછ્યું, ‘બોલ દોસ્ત, તને કેટલી બધી નવી વાતો જાણવા મળી?’ 
મિત્રએ પોતાના હાથમાં એક પુસ્તક 
રાખીને કહ્યું, ‘ફાધર, તમે જે કંઈ કહ્યું એ બધું અક્ષરેઅક્ષર આ ગ્રંથમાં છપાયેલું છે. આમાં નવી કોઈ વાત નથી.’
ફાધર હેબતાઈ ગયા. પેલા મિત્રના હાથમાં શબ્દકોશ હતો. તેણે હસીને કહ્યું, ‘ફાધર, તમારો એકએક શબ્દ આમાં છપાયેલો છે. તમે નવું શું કહ્યું?’
બને છે એવું કે જાણકારીના ખડકલાને માણસ જ્ઞાન માની લે છે. જાણકારીનો ખડકલો એ જ્ઞાન નથી. જાણકારી વ્યાવહારિક ધોરણે ઉપયોગી અવશ્ય છે, પણ એ ઉપયોગિતાને જ્ઞાનનાં ધોરણો સાથે સાંકળી શકાય નહીં. પોતાને અમુક-તમુક વાતની ખબર નથી એવી જાણકારીથી માણસ  સંકોચાઈ જાય છે. હકીકતે ખબર ન હોવી એ અજ્ઞાન નથી પણ જ્ઞાનની દિશામાં પહેલું પગથિયું છે.
દર્શન, નીચેથી અને ઉપરથી
પૃથ્વીનો આકાર ગોળ છે એમાં આપણને કોઈને કશી શંકા નથી. આપણે બહાર ઊભા રહીએ તો ક્યાંયથી આ ગોળાકાર જોઈ શકાતો નથી. જેમ-જેમ સપાટી ઉપરથી ઉપર ઊઠતા જઈએ એમ-એમ ગોળાકાર નજરે પડતો જાય છે. પૃથ્વીના આ સત્યને સમજવા માટે ઉપર ઊઠવું પડે છે. જાણકારીના ખડકલાથી સત્ય સમજાતું નથી. એના માટે વધુ ને વધુ ઉપર ઊઠવું પડે છે. સૉક્રેટિસ ઍથેન્સવાસીઓને આ સત્ય સમજાવવા માગતો હતો. સૉક્રેટિસ સફળ ન થયો, તે નિષ્ફળ ગયો અને છતાં આજે ૨૫૦૦ વર્ષ પછી પણ સૉક્રેટિસની નિષ્ફળતાને આપણે યાદ કરવી પડે છે, કારણ કે તેણે જાણકારી નહોતી આપી. તેણે સત્યની શોધ કરતાં શીખવ્યું.
સત્યની શોધ અને ઝેરનો પ્યાલો
માણસ જ્યારે હું કંઈ નથી જાણતો એટલું અંદરથી સમજી લેશે ત્યારે તેની સત્યની શોધ માટેની યાત્રા શરૂ થશે. આ આરંભ અઘરો છે. આખો શબ્દકોશ કડકડાટ મોઢે કરી લઈએ એ યાત્રાનો આરંભ નથી. ઝેરના પ્યાલાને ‘ચિયર્સ’ ન કહેયાય. જ્ઞાન સીમિત છે, અજ્ઞાન અપાર છે. અજ્ઞાનના સીમાડેથી આપણે જ્ઞાનના દરવાજે પહોંચવું છે. ઝેરનો પ્યાલો ઍથેન્સવાસીઓએ સૉક્રેટિસને આપ્યો. દેવની આકાશવાણી હોવા છતાં સૉક્રેટિસ એ પ્યાલો પી ગયો. ૨૫૦૦ વર્ષ પછી પણ સૉક્રેટિસનો એ પ્યાલો પ્રતીક્ષા કરે છે મીરાંબાઈની, જેને ઝેરનો પ્યાલો પીધા પછી પણ અમીના ઓડકાર આવે. 

અકળાયેલા ઍથેન્સવાસીઓએ સૉક્રેટિસને જ પૂછ્યું, ‘હે સૉક્રેટિસ, અમે તારા પ્રશ્નોથી મૂંઝાઈ જઈએ છીએ. આકાશવાણી કહે છે કે તું બધું જ જાણે છે તો અમને કહે તું શું જાણે છે?’ 
સૉક્રેટિસ નગરજનોના આવા હુમલાથી અકળાયો. તેને આશ્ચર્ય થયું. તેણે વળતો પ્રશ્ન કર્યો, ‘હે નગરજનો, હું તો માત્ર એટલું જ જાણું છું કે હું કંઈ જાણતો નથી.’

columnists dinkar joshi