જગત સફળતાને અને સફળતા પછી મળેલા તમારા સ્થાનને જ માન આપે

07 July, 2020 01:42 PM IST  |  Mumbai | Manoj Joshi

જગત સફળતાને અને સફળતા પછી મળેલા તમારા સ્થાનને જ માન આપે

પ્રતીકાત્મક તસવીર

દિશાશૂન્ય અને દિશાવિહીન બન્ને શબ્દો બિલકુલ જુદા છે અને આ બન્ને શબ્દોના અર્થ સમજવા જરૂરી છે. દિશાશૂન્ય હોવું એટલે કઈ તરફ જવું એની ખબર ન હોવી અને ગમે ત્યાં ભાગાભાગી કરવી, જ્યારે દિશાવિહીન હોવાનો અર્થ થાય છે કે તમે, તમારી જાતે, તમારી મરજીથી કોઈ દિશા પકડ્યા વિના એમ જ દોડી રહ્યા છો. આ પ્રકારની દોટ મૂકવાનો કોઈ અર્થ નથી. આવી દોટ મૂકનારાઓ સાથે રહેવું પણ અર્થહીન અને નુકસાનકર્તા છે. હું કહીશ કે દિશાશૂન્ય સાથે હશો તો એવું બની શકે કે તમે તમારા નિર્ધાર સાથે તે વ્યક્તિને પણ સાચી દિશા દેખાડી દો, પણ જો કોઈ દિશાવિહીન હોય તેની સાથેની સોબતમાં હો તો તમે તમારી દિશાથી પણ ભટકી જાઓ એવું બની શકે છે. બહુ જ જાણીતી ઉક્તિ છે કે સપનું જોવું સારું છે, પણ વધુ સારું એ છે કે સપનું જોઈને ઝડપથી કામ પર લાગી જવું.

દિશાવિહીનનો સંગાથ કામ પર લાગવા નથી દેતો અને કેટલીક વખત તો કામને પણ ભુલાવી દેવાનું કામ કરે છે. દિશા હોવી જોઈએ અને દિશાની સાથોસાથ ધ્યેય પણ વાજબી રીતે હોવું જોઈએ. મારે બિલ્ડર બનવું છે એ એક દિશા થઈ, પણ મારે બિલ્ડર બનીને ફલાણું કામ કરવું છે અને ઢીકણા સ્થાને પહોંચવું છે એ ધ્યેય છે. જો તમે ધ્યેયમાં સ્પષ્ટ નહીં હો તો ઈંટ, ચૂનો અને રેતીની વાતોથી આગળ નહીં વધો, પણ જો તમે ધ્યેયમાં સ્પષ્ટ હશો તો ક્યારેય એ બધામાં પડ્યા રહેવાને બદલે એ બધાની વાત પડતી મૂકીને ધ્યેય પર ધ્યાન આપવાનું શરૂ કરશો. દિશાશૂન્ય હો તો દિશા શોધવાનું કામ કરો અને દિશાવિહીન હો તો તમારી દિશા તરફ ફરી વળી જાઓ. ભટકનારાઓ ક્યારેય મંજિલ સુધી પહોંચતા નથી અને અટકનારાઓ ક્યારેય મંજિલને નજીકથી જોઈ નથી શકતા. આપણે ભટકવું પણ નથી અને અટકવું પણ નથી. મંજિલના અંતિમ પડાવ સુધી પહોંચવું છે અને એ પડાવ સુધી પહોંચવા માટે જે મહેનત કરવાની હશે એ કરવી પણ છે, કારણ કે ઍટ ધ ઍન્ડ ઑફ ધ ડે, દુનિયા તમારી સફળતા અને તમારા સ્થાનને જોઈને જ તમને માન આપે છે, માન આપતી રહેવાની છે. જો તમે એ માનને લાયક અને હકદાર બનવા માગતા હો તો બધું ભૂલીને આગળ વધજો અને એ દિશામાં આગળ વધતાં પહેલાં દિશાવિહીનનો સંગાથ છોડીને તમારો પંથ જાતે નક્કી કરો. એ પથ પર એકલા હશો તો ચાલશે, પણ એ પથથી દૂર લઈ જનારાઓનાં ટોળાં હશે તો એ નહીં ચાલે. એ ટોળું તમને તમારી મંજિલ સુધી પહોંચવા પણ નહીં દે અને એ નહીં પહોંચ્યાની પીડા જિંદગીભર તમને રહેશે. જો તમે એ પીડા ભોગવવા ન માગતા હો, જો તમે તમારી જિંદગીનો સાચો અર્થ કરવા માગતા હો અને જો તમે વાસ્તવ‌િકતા પચાવીને ભવિષ્યને એક આકાર આપવાની દિશામાં આગળ વધવા માગતા હો તો તમારે એક જ કામ કરવાનું છે. દિશાવિહીનના રસ્તેથી હટી જવાનું છે અને દિશાવિહીનનો સાથ છોડવાનો છે. ભલે પછી એ તમારા સ્વજનના લિસ્ટમાં સમાવિષ્ટ હોય.

columnists manoj joshi