આ દરદીઓની દાસ્તાન તમને અચૂક રક્તદાન કરવા માટે પ્રેરશે

08 May, 2021 04:13 PM IST  |  Mumbai | Jigisha Jain

મુંબઈમાં થૅલેસેમિયા મેજરના લગભગ ૨૫૦૦ દરદીઓ છે જેમને ઑલમોસ્ટ દર મહિને નવું લોહી ચડાવવું પડે છે. કોરોનાનો ભય અને વૅક્સિન સમયે રક્તદાનની ગાઇડલાઇન્સની ખોટી સમજણને કારણે આ દરદીઓ પારાવાર હાડમારી વેઠી રહ્યા છે ત્યારે જાગરૂક મુંબઈગરા તરીકે આપણે શું કરી શકીએ

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના વાવરની વચ્ચે બીજા કેટલાક રોગોના દરદીઓની પરિસ્થિતિ ખૂબ નાજુક થઈ ગઈ છે. આવા કેટલાક રોગોમાંનો એક છે થૅલેસેમિયા. એના બે પ્રકાર છે : થૅલેસેમિયા માઇનર અને થૅલેસેમિયા મેજર. ભારતમાં ૩.૯ ટકા લોકો થૅલેસેમિયા મેજરથી પીડાય છે, જ્યારે ૨૫ ટકા લોકો થૅલેસેમિયા માઇનર છે. થૅલેસેમિયા માઇનર ધરાવતી વ્યક્તિઓ એકદમ નૉર્મલ જીવન જીવે છે. જેમ કે અમિતાભ બચ્ચન. જ્યારે થૅલેસેમિયા મેજર એક એવો જન્મજાત રોગ છે જેમાં જન્મ વ્યક્તિને જીવે ત્યાં સુધી સતત દર ૩-૪ અઠવાડિયે લોહી ચડાવતા રહેવું પડે છે. ક્યારેક દર અઠવાડિયે પણ લોહી ચડાવવાની જરૂર પડતી હોય છે, કારણ કે આ દરદીઓના શરીરમાં હીમોગ્લોબિન ખૂબ જ વધુ માત્રામાં ઘટી જાય છે જે જીવલેણ બની શકે છે.

મુંબઈમાં ૨૫૦૦ વ્યક્તિઓ છે જે થૅલેસેમિયા મેજર છે. આ દરદીઓને છેલ્લા એકાદ વર્ષથી લોહી મેળવવા માટે ઘણી તકલીફો પડી છે. કેટલીક સંસ્થાઓએ લૉકડાઉનની શરૂઆતથી જ થૅલેસેમિયાના દરદીઓને મુશ્કેલી ન પડે એ માટે કમર કસવી શરૂ કરી દીધી છે અને એને રિસ્પૉન્સ પણ સારો મળ્યો છે. 

માત્ર ૧૦૦ કૅમ્પ થયા

થૅલેસેમિયાના દરદીઓ માટે કામ કરતી સંસ્થા થિન્ક ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડન્ટ વિનય શેટ્ટી કહે છે, ‘જ્યારથી કોરોના શરૂ થયો છે ત્યારથી લોકોના મનમાં ભય બેસી ગયો છે. બધા પોતાની ઇમ્યુનિટી વધારવાની ચિંતામાં રક્તદાન નથી કરી રહ્યા. બીજું એ કે જે લોકોને રક્તદાન કરવું છે તેઓ બહાર નીકળતાં ડરે છે. ત્રીજી તકલીફ એ છે કે મોટા પાયે બ્લડ-કૅમ્પનાં આયોજન કરી શકાતાં નથી. આમ છેલ્લા એક વર્ષમાં બ્લડ-બૅન્કને ખૂબ તકલીફો પડી છે. અમારી સંસ્થા જ વર્ષમાં આશરે ૪૦૦ બ્લડ-કૅમ્પ કરે છે. મુંબઈની બ્લડ-બૅન્કને અમે ઘણી મદદ કરીએ છીએ, પરંતુ ઘણા પ્રયત્નો છતાં પણ અમે ૪૦૦ને બદલે આશરે ૧૦૦ કૅમ્પ કરી શક્યા હોઈશું.’

આ કપરી પરિસ્થિતિમાં સમાજસેવી સંસ્થાઓએ કઈ રીતે મદદ કરી એ વિશે જણાવતાં વિનય શેટ્ટી કહે છે, ‘લોકો ઘરની બહાર નહોતા

નીકળી શકતા તો અમે કૅમ્પ તેમના બિલ્ડિંગ કે સોસાયટીમાં લગાવ્યા. અમે લોકોને કહ્યું કે તમારી સોસાયટીમાં જો ૨૦-૨૫ જણ કન્ફર્મ રક્તદાન કરે એમ હોય તો અમે કૅમ્પ લગાડવા આવીએ. અમે મોટા ભાગે

કૉલેજમાં કૅમ્પ લગાડતા, પરંતુ કૉલેજો બંધ છે તો અમે એ વિદ્યાર્થીઓને કહ્યું કે તમે તમારા બિલ્ડિંગમાં કૅમ્પ લગાડો. આ રીતે સોમૈયા કૉલેજના ૧૦૦ વૉલન્ટિયર્સ ઊભા થયા અને તેમણે મળીને ૧૨ કૅમ્પ કર્યા. આ સિવાય જે લોકોને ટ્રાન્સપોર્ટનો પ્રૉબ્લેમ હતો તેમને ટ્રાન્સપોર્ટ પૂરું પાડ્યું. રોટરી અને લાયન્સ ક્લબની પણ એમાં અમે મદદ લીધી. આ સિવાય લોકોને તેમના ઘરથી નજીકના સેન્ટર્સમાં લોહી મળી રહે એની વ્યવસ્થા કરી.’

ઇમ્યુનિટી ઘટી જવાનો ડર

૩૨ વર્ષની એરોલીમાં રહેતી મંજુલા ભાનુશાલી પોતે થૅલેસેમિયા મેજર છે અને સાથે-સાથે થૅલેસેમિયાના દરદીઓ માટે સમાજસેવાનું કામ પણ કરે છે. હાલમાં તે બોરીવલીમાં આવેલા કૉમ્પ્રિહૅન્સિવ થૅલેસેમિયા સેન્ટરમાં મેડિકલ સોશ્યલ વર્કર તરીકે કાર્યરત છે. મંજુલા પરિણીત છે. તેના પતિ પણ થૅલેસેમિયા મેજર છે. મંજુલા પોતે A પૉઝિટિવ બ્લડ-ગ્રુપ ધરાવે છે અને તેના પતિ B નેગેટિવ. તે બન્નેને છેલ્લા એક વરસથી લોહી મેળવવા માટે ઘણી તકલીફ પડી રહી છે. એ વિશે મંજુલા કહે છે, ‘લોકો લોહી આપવા તૈયાર જ નહોતા, જેને કારણે બ્લડ-બૅન્ક પાસે લોહી જ નહોતું. બ્લડ-બૅન્કની શરત એ હતી કે તમે કોઈનું બ્લડ લઈ આવો તો અમે તમને એક્સચેન્જમાં બ્લડ આપી શકીએ. એના માટે અમે આકાશ-પાતાળ એક કર્યાં. જેમને પણ લોહી માટે હું ફોન કરું એ લોકો કંઈ ને કંઈ બહાનાં બતાવતા. કહેતા કે તબિયત સારી નથી કે પછી ડૉક્ટરોએ ના પાડી છે કે પછી કોઈ કહેતા કે અમે મુંબઈમાં જ નથી. અમે તેમને બ્લેમ નથી કરતા. કોરોનાને લીધે બધા ડરેલા હતા કે લોહી દાનમાં દઈશું તો અમારી ઇમ્યુનિટી ઓછી થઈ જશે. જોકે આ તકલીફને લીધે અમારા જીવન પર ખતરો તોળાઈ રહ્યો હતો. માંડ-માંડ મેળ પાડ્યો અને અમુક સારા લોકોને કારણે અમે બચી શક્યા છીએ.’

સતત લોહીની સગવડ

૨૦ વર્ષના બોરીવલી (વેસ્ટ)માં રહેતા હર્ષિતસિંહ રાઠોડ માટે તકલીફ ખૂબ વધારે હતી, કારણ કે તેને દર અઠવાડિયે લોહી ચડાવવું પડે એમ હતું. ગયા વર્ષે લૉકડાઉન થયું ત્યારે જે સેન્ટર પર તે લોહી લેતો હતો એ સેન્ટર પરથી ફોન આવી જતા કે લોહી મળવું મુશ્કેલ છે, તમે અરેન્જ કરો. એ વિશે વાત કરતાં હર્ષિતસિંહ કહે છે, ‘મારો આખો સમય બ્લડ મેળવવામાં જ જતો. દૂરના જુદા-જુદા પરિવારજનો અને મિત્રોને હું ફોન કરતો કે મને લોહીની જરૂર છે. ઘણા લોકો લોહી આપવા તૈયાર થતા, પણ મોટો પ્રશ્ન એ આવતો કે અમે લોહી આપીએ કઈ રીતે? કોઈ ટ્રાન્સપોર્ટ હતું નહીં. ઘરની બહાર નીકળીએ કઈ રીતે? પછી હું તેમને લેવા જતો, મૂકવા જતો. એક ડોનર પાસેથી એક પૅકેટ લોહી મળે. એક અઠવાડિયું ફરીને હું માંડ લોહી ભેગું કરું ત્યાં સમય આવી જાય કે બીજી વાર લોહીની જરૂર પડે. આમ આખો સમય બસ આમાં જ જતો.’

દરદીઓ દ્વારા જ સેવા

થૅલેસેમિયા મેજર વ્યક્તિએ નાનપણથી ઘણી તકલીફો જોઈ હોય છે. આ પરિસ્થિતિમાં તેઓ પોતાની જ નહીં, બીજાની પણ મદદ કરી રહ્યા હતા. એ વિશે વાત કરતાં મંજુલા ભાનુશાલી કહે છે, ‘મારી પાસે મદદની જરૂર માટે ઘણા ફોન આવતા હતા. ઘણા થૅલેસેમિયા મેજરના દરદીઓ છેક કલ્યાણ રહેતા હોય અને તેમનું કાયમી થૅલેસેમિયા સેન્ટર કે એની હૉસ્પિટલ છેક પરેલમાં હોય. લોકલ તો બંધ હતી ત્યારે. એટલે એ આટલું લાંબું ટ્રાવેલ કઈ રીતે કરે? બીજો પ્રશ્ન એ હતો કે તે બહાર નીકળે તો તેને પણ કોવિડનું રિસ્ક રહે. એટલે મેં ઘણા લોકોને તેમના એરિયાની નજીકના સેન્ટરમાં અપૉઇન્ટમેન્ટ લઈ આપી, જેથી તેમનું ટ્રાવેલિંગ બચે.’

આ સિવાય આ સમય દરમિયાન બ્લડ-કૅમ્પ થતા જ નહોતા. જોકે સોસાયટીની અંદર કે કૉલોનીમાં જે નાના પાયે નાના-નાના કૅમ્પ યોજાતા ત્યાં જઈ-જઈને હર્ષિતસિંહે લોકોને મોટિવેટ કરવાનું કામ કર્યું. એ વિશે વાત કરતાં હર્ષિતસિંહ કહે છે, ‘મેં નાના વિડિયો બનાવ્યા અને જુદા-જુદા વૉટ્સઍપ ગ્રુપ્સમાં પોસ્ટ કર્યા. એના દ્વારા મેઇન લોકોને અપીલ કરી કે દેશને રક્તની જરૂર છે, તમે મહેરબાની કરીને રક્તદાન કરો. ઘણા લોકોની રક્તદાનની નાને મેં તેમને સમજાવીને હામાં બદલાવી.’

એક ડોનર પાસેથી એક પૅકેટ લોહી મળે. એક અઠવાડિયું ફરીને હું માંડ લોહી ભેગું કરું ત્યાં સમય આવી જાય કે બીજી વાર લોહીની જરૂર પડે. આમ આખો સમય બસ લોહીની વ્યવસ્થા કરવામાં જ જાય - હર્ષિત સિંહ રાઠોડ, થૅલેસેમિયા મેજર દરદી

વૅક્સિનના બે ડોઝની વચ્ચે પણ રક્તદાન

જે વ્યક્તિ વૅક્સિન લે છે એ ૨૮ દિવસ સુધી રક્તદાન કરી શકે નહીં. આ ગાઇડલાઇનને લોકોએ બરાબર સમજી નથી. એટલે વૅક્સિનના બન્ને ડોઝ લઈ લીધા પછી જ લોકો રક્તદાન કરવા જાય છે. એને ૬૦ દિવસથી પણ વધુનો સમય થઈ જાય છે અને એટલે લોહીની તંગી વર્તાઈ રહી છે. જો બીજો ડોઝ એકદમ ૨૮ દિવસ પછી જ ન લેવાના હો અને વચ્ચે ૧-૨ દિવસની કે પછી એકાદ અઠવાડિયાની વાર હોય તો તમે રક્તદાન કરીને પછી પણ બીજો ડોઝ લઈ શકો છો. આમ કરો તો લોહીની તંગી નહીં થાય.

૧૮ વર્ષથી ઉપરના લોકોની વૅક્સિન ચાલુ થઈ ગઈ છે ત્યારે આ તંગી ખૂબ વર્તાઈ શકે છે, કારણ કે રક્તદાન કરવાવાળા લોકો મોટા ભાગે ૧૮-૪૫ વર્ષની વચ્ચેની ઉંમરના જ હોય છે. આવું ન થાય એ માટે થૅલેસેમિયા મેજરના તમામ દરદીઓ દ્વારા જ નહીં, પરંતુ સરકાર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે લોકો રક્તદાન પહેલાં કરીને પછી રસી લે. વળી બે ડોઝની વચ્ચે જે ગૅપ આવે એમાં પણ રક્તદાન કરી શકાય છે.

columnists Jigisha Jain