04 October, 2025 05:46 PM IST | Mumbai | Ruchita Shah
મૂંગા જીવો માટે મુંબઈ નથી?
સતત દોડતા આ શહેરમાં માણસ પાસે માણસ માટે સમય નથી ત્યારે પશુઓની વાત તો શું, વિચાર પણ અજુગતો લાગી શકે છે. જોકે સર્જનહારે પૃથ્વીનું સર્જન માત્ર માનવજાત માટે નથી કર્યું, અહીં કો-એક્ઝિસ્ટન્સ એટલે કે સહઅસ્તિત્વનો ફંડા કામ કરે છે. બધા જ એકબીજા સાથે જોડાયેલા છે. એકના અસ્તિત્વ પર જોખમ એટલે આખી પૃથ્વી પર જોખમ. એટલે જ પશુઓના હિતનો વિચાર આપણી જવાબદારી જ નહીં, જરૂરિયાત પણ છે. આજે દુનિયાભરનાં પશુઓના હિતનો વિચાર કરવા માટે અને એ વિશે જાગૃતિ લાવવાના આશયથી ‘વર્લ્ડ ઍનિમલ વેલ્ફેર ડે’ ઊજવાઈ રહ્યો છે ત્યારે આપણા શહેરમાં બોલી ન શકતા જીવોની દશા કેવી છે એનું વિવરણ કરીએ
કોઈ પણ દેશની મહાનતા અને એના નૈતિક વિકાસનું મૂલ્યાંકન જે-તે દેશમાં પશુઓ સાથે કેવો વ્યવહાર થઈ રહ્યો છે એના પરથી આંકી શકાય.
બે દિવસ પહેલાં જ જેમનો જન્મદિવસ ઊજવ્યો એવા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા કહેવાયેલું આ વિધાન છે. હવે પ્રકૃતિ પ્રત્યે અને પ્રકૃતિના સંવર્ધન પ્રત્યે લોકોમાં સભાનતા આવી રહી છે અને લોકો પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પણ બૅક ટુ નેચરના રસ્તે છે, પરંતુ લીલી શાકભાજી ખાવી કે પાણીનો બગાડ અટકાવવો એટલાથી કામ નહીં પતે. તમારા શહેરમાં રહેતાં ગાય, કૂતરા, બિલાડાની સેફ્ટી પણ બૅક ટુ નેચરનો મહત્ત્વનો હિસ્સો છે કારણ કે પ્રકૃતિની સાઇકલમાં આ દરેક જીવનો એક નિશ્ચિત રોલ છે અને એમની ભૂમિકા સાથે આપણા જીવનનો આધાર પણ જોડાયેલો છે. આજે દુનિયાભરમાં ‘વર્લ્ડ ઍનિમલ વેલ્ફેર ડે’ ઊજવાઈ રહ્યો છે. જે પશુઓ બોલી નથી શકતાં, પોતાની વેદના કહી નથી શકતાં અને માનવો દ્વારા થઈ રહેલા પ્રકૃતિના એકધારા સંહારને કારણે પોતાના અસ્તિત્વ સાથે ઊભા થયેલા જોખમને સહી રહ્યા છે એ પશુઓના હિતનો વિચાર લોકો કરતા થાય, એને લગતી જાગૃતિ આવે એ માટે આજનો દિવસ છે. જ્યાં માણસોને રહેવા માટે જગ્યા નથી એવા મુંબઈ શહેરમાં પશુઓના શું હાલચાલ છે અને કઈ રીતે એમનું શોષણ થઈ રહ્યું છે એ વિષય પર પ્રાણીઓના હિત માટે કામ કરતા કેટલાક લોકો પાસેથી જાણીએ.
કરન્ટ સિનેરિયો
૨૦૧૯માં મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં ગાય, ભેંસ, ઘોડા જેવા પશુધનની સંખ્યા ૫૫,૦૮૨ છે. એ જ રીતે ૨૦૪૪ના સર્વે મુજબ રસ્તે રઝળતા કૂતરાની સંખ્યા ૯૦,૭૫૭ છે. સંજય ગાંધી નૅશનલ પાર્ક અને આરે કૉલોનીમાં દીપડાની વસ્તીગણતરી મુજબ મુંબઈમાં કુલ ૫૪ દીપડાઓ છે. ૧૧૫ હરણ, ૧૨ સાબર, તુલસી લેકમાં જોવા મળેલા સાત મગરમચ્છ જેવાં કેટલાંક જંગલી પ્રાણીઓ અને સરિસૃપ જીવો અને પક્ષીઓ પણ છે. આ સંદર્ભે વધુ વિગત આપતાં RAWW નામની વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન સાથે સંકળાયેલી સંસ્થાનો ફાઉન્ડર, પ્રેસિડન્ટ અને ઍડ્વોકેટ પવન શર્મા કહે છે, ‘મુંબઈમાં પશુઓના હિત વિશે ખાસ કામ નથી જ થઈ રહ્યું એ હકીકત છે. કાયદાઓ છે પણ એનું અમલીકરણ નથી. એ વિષય પર વાત કરતાં પહેલાં મુંબઈમાં કયા પ્રકારનાં પશુઓ છે અને એમના સંવર્ધનમાં આપણે શું ભૂલો કરીએ છીએ એ જાણવું જરૂરી છે.
અહીં રહેલાં ઍનિમલ્સને આપણે ચાર કૅટેગરીમાં વિભાજિત કરી શકીએ. વાઇલ્ડલાઇફ ઍનિમલ્સ જેમનું નિવાસસ્થાન નૅશનલ પાર્ક અને આરેનું જંગલ છે. એમાં માત્ર દીપડા કે હરણ નહીં પણ વાંદરા પણ આવી ગયા. દુનિયાની તુલનાએ હાઇએસ્ટ ડેન્સિટીમાં લેપર્ડ મુંબઈમાં છે. એમની સંખ્યા વધી રહી છે કારણ કે એ જેમના પર નભે છે એવાં એમનો ખોરાક ગણાતાં પશુઓની સંખ્યા પણ વધી છે અને એ નાનાં-નાનાં પશુઓ વધી રહ્યાં છે કારણ કે એમને પણ પૂરતું ભોજન મળી રહ્યું છે. એક રીતે જુઓ તો આ તમને સારી બાબત લાગે પરંતુ વાસ્તવિકતા એ છે કે અનનૅચરલ રીતે જ્યારે અમુક ફૂડચેઇનનાં પશુઓનું પ્રમાણ વધે ત્યારે એ ઇકોસિસ્ટમને નુકસાન કરી શકે. આજે આપણા કારણે પણ ઇકોસિસ્ટમને નુકસાન થઈ રહ્યું છે. જેમ કે જંગલમાં રહેતા વાંદરાઓને જ્યારે તમે ખવડાવો છો ત્યારે તમે એના ફૂડ શોધવાના નૅચરલ ઇન્સ્ટિંક્ટથી એને દૂર કરો છો. જંગલમાં રહેતા વાંદરાએ ખાવાનું જાતે જ શોધવાનું હોય. તમે એને રેડીમેડ ખાવાનું આપીને એના પ્રકૃતિમાં સર્વાઇવ થવાના ઇન્સ્ટિંક્ટને તોડી નાખો છો. આ પણ એક જાતની ક્રુઅલ્ટી જ છે. એ જ રીતે ઘણી સોસાયટીમાં આજે પણ સાપ નીકળે ત્યારે એને વાઇલ્ડલાઇફ કે ફૉરેસ્ટ ઑફિસરને સોંપવાને બદલે મારી નખાય છે. આ પણ એક દંડનીય અપરાધ છે જેમાં સાપના પ્રકાર પ્રમાણે સજા બદલાય છે. જેમ કે કોઈ અજગરને તમે મારો કે મારવાની વાત પણ કરો તો એક ટાઇગરની હત્યા જેવો એ ગુનો ગણાય છે અને એમાં એક લાખ રૂપિયા પેનલ્ટી અને સાત વર્ષની જેલ થઈ શકે છે.’
વાઇલ્ડ ઍનિમલની સેફ્ટી અને એમના એક્ઝિક્યુશનમાં મુંબઈનો ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઍક્ટિવ છે પરંતુ એ સિવાયનાં ઍનિમલ્સની સ્થિતિ જુદી છે. પવન શર્મા કહે છે, ‘સ્ટ્રે ઍનિમલ્સનો પ્રશ્ન વિકટ બની ગયો છે. એમનું પ્રમાણ વધી રહ્યું છે અને એની સાથે જ ડૉગ બાઇટ્સના બનાવો વધી રહ્યા છે. જોકે એમના વધી રહેલા પ્રમાણ માટે આપણે જ જવાબદાર છીએ. એમની સાથેના ક્રુઅલ્ટીના આપણી કલ્પના બહારના કિસ્સાઓ આવી રહ્યા છે. એક તો આ સ્ટ્રીટ ડૉગનો પ્રશ્ન આપણા કારણે પેદા થયો. ઘણા લોકોએ પહેલાં કૂતરા પાળીને માફક ન આવ્યા એટલે રસ્તે રઝળતા મૂકી દીધા. એ પછી ઘણા કેસમાં લોકોના અગ્રેશનનો શિકાર આ પશુઓ બન્યાં છે. એટલે મુંબઈમાં નેવું હજાર કરતાં વધુ રઝળતા કૂતરા અને એથીયે વધુ સંખ્યામાં બિલાડાઓ છે અને યસ, એમની સેફ્ટી કે વેલ્ફેર માટે કંઈ નથી થઈ રહ્યું.’
તબેલાનાં પશુઓની સ્થિતિ
આજે પણ મુંબઈમાં વિવિધ તબેલામાં પશુઓની જે સ્થિતિ છે એ પણ ઓછી પેઇનફુલ નથી. અહીં અખિલ ભારતીય કૃષિ ગૌસેવા સંઘના ટ્રસ્ટી કમલેશ શાહ કહે છે, ‘બે મહિના પહેલાં જોગેશ્વરીના એક તબેલામાં છાપામારી થઈ અને જે ગાયોની સ્થિતિ હતી એ દંગ કરનારી હતી. ભયંકર વરસાદમાં ગાયોને તબેલાની બહાર મૂકી દેવામાં આવી હતી. પ્લાસ્ટિક ખાઈ રહી હતી. એમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરી ત્યારે ઑલમોસ્ટ મરણતોલ હાલતમાં એમની સારવાર થઈ હતી. એ વાત હવે જગજાહેર છે કે આજે વધુ દૂધ મળે એ માટે પશુઓને ઑક્સિટોસિનનાં ઇન્જેક્શન આપવામા આવે છે. એમને કૃત્રિમ રીતે ગર્ભવતી બનાવવામાં આવે છે. ઇન ફૅક્ટ અત્યારે જે પશુઓ તબેલામાં છે એમનું જો હેલ્થ ચેકઅપ થાય તો નેવું ટકાથી વધારે પશુઓ બીમાર અવસ્થામાં મળે. અહીં ઍનિમલ વેલ્ફેરના કાયદાનો તો ભંગ થાય જ છે પણ સાથે ફૂડ સેફ્ટીના નિયમોની પણ ધજ્જીયા ઊડી રહી છે. આવાં બીમાર અને કેમિકલ્સનાં ઇન્જેક્શન સાથેનાં પશુઓનું દૂધ અને મીટ લોકો ખાશે તો એની ગુણવત્તા કેવી હશે એનું વર્ણન કરવાની જરૂર નથી. ભેંસ કે ગાયને જો મેલ બચ્ચું જન્મે તો જન્મતાની સાથે જ એને કતલખાને મોકલી દેવાય છે. ગાય દૂધ આપવાનું બંધ કરે તો એને પણ તાત્કાલિક કતલખાને મોકલાય છે. બે મહિના પહેલાં ઘાટકોપરમાં એક તબેલામાં રેઇડ દરમ્યાન ખૂબ જ ખરાબ સ્થિતિમાં ગાયો મળી હતી. મુંબઈમાં માત્ર એક જ સરકારી હૉસ્પિટલ છે એટલે બીમાર પશુઓને પૂરતો ઇલાજ પણ નથી મળતો.’
આ જ વિષય પર વધુ વાત કરતાં પવન શર્મા કહે છે, ‘પશુઓ માટે જરૂરી હૅબિટાટ ન હોય અને એમને ત્યાં રાખવામાં આવે તો પણ એ ક્રુઅલ્ટી જ ગણાય. જેમ કે ગાયો માટે ચરવા માટેની સ્પેસ જરૂરી છે. મુંબઈમાં તબેલામાં જે રીતે ગાયોને રાખવામાં આવે છે એમાં ચરવાની તો છોડો ઊભા રહેવાની જગ્યા મળે તો પણ ઘણું હોય છે. એ જ જગ્યાએ ગાયો ચરવાનું કામ કરે, ત્યાં જ એમનાં યુરિન અને પૉટી થતાં હોય. એ જ ગંદકીમાં પશુઓ રહેતાં હોય. આ લગભગ દરેક તબેલાનો હાલ છે. કાયદાકીય દૃષ્ટિએ આ ખોટું છે પરંતુ એમાં કોઈ ઍક્શન નથી લેવાતી એ પણ હકીકત છે.’
ગેરકાયદે કતલખાનાં
મુંબઈમાં ઑફિશ્યલ કતલખાના તરીકેની પરમિટ માત્ર દેવનારને છે પરંતુ આજે તમે જોશો તો દરેક ગલી-નુક્કડ પર તમને કતલખાનાંઓ દેખાશે જે ઑફિશ્યલી અલાઉડ નથી એમ જણાવીને કમલેશભાઈ કહે છે, ‘મુંબઈમાં મોટા ભાગનાં સ્લૉટર હાઉસ ઇલ્લીગલ છે. એ ઉપરાંત સ્લૉટરિંગના નિયમોનું પણ ભયંકર રીતે હનન થતું હોય છે. સ્લૉટર હાઉસની બહાર કતલ ન કરી શકાય, પબ્લિકની નજરે ચડે એમ કતલ થયેલાં પશુઓને ડિસ્પ્લે ન કરાય, પરંતુ તમે જોશો તો આ બધા જ નિયમોનો ખાતમો બોલાઈ રહ્યો છે. આ બધા તરફ આંખ આડા કાન થઈ રહ્યા છે. બીજી મહત્ત્વની વાત કે મુંબઈમાં મહારાષ્ટ્ર ઍનિમલ પ્રિઝર્વેશન ઍક્ટ અંતર્ગત ગાયોની કતલ પ્રતિબંધિત છે. છતાં એનું બીફ ખૂબ જ છૂટથી તમને મળી જશે. ઠૂંસી-ઠૂંસીને ગાયો અને અન્ય પશુઓને ખટારા કે ટેમ્પોમાં ભરીને ગેરકાયદે રીતે એમનું સ્થળાંતરણ કરવામાં આવે છે. એ રીતે પશુઓનું ટ્રાફિકિંગ પણ બહુ મોટા પાયે થાય છે. આ ટ્રાન્સપોર્ટેશનમા પણ પશુઓની હાલત તમે જુઓ તો કંપારી છૂટી જાય એવી હોય છે. સો-દોઢસો કિલોમીટરની જર્ની ભોજન કે પાણી વિના થતી હોય એ દરમ્યાન જ ગૂંગળાઈને કેટલાંય પશુઓ રસ્તામાં મરી જતાં હોય છે અને આ બધું જ મુંબઈમાં થઈ રહ્યું છે. શાકભાજીની ઓથમાં પશુઓની આવી હેરાફેરી થતી હોય એવી કેટલીય ગાડીઓ અમે પકડી છે.’
એક્ઝૉટિક પશુઓની અવદશા
હથિયાર અને આતંકવાદ, ડ્રગ્સ, હ્યુમન ટ્રાફિકિંગ, મની લૉન્ડરિંગ અને ઍનિમલ ટ્રાફિકિંગ આ પાંચ મુખ્ય ક્રાઇમ છે. એક્ઝૉટિક ઍનિમલ્સની તસ્કરીમાંથી મળતા પૈસાનો આતંકવાદને પોષણ આપવામાં પણ ઉપયોગ થાય છે. આજે મુંબઈમાં એક્ઝૉટિક ઍનિમલ્સની લે-વેચ સૌથી મોટા પ્રમાણમાં થાય છે. આ દિશામાં ભરપૂર કામ કરી રહેલા પવન શર્મા કહે છે, ‘ધારો કે તમારે કોઈ એક્ઝૉટિક સ્પીશીઝ રાખવી હોય તો એના માટે પણ કાયદો છે અને એનું પેપરવર્ક બહુ જ લાંબું છે. જોકે લીગલી રાખવા જાઓ તો એની કિંમત પાંચગણી વધી જાય છે. સૌથી પહેલી વાત કે એક્ઝૉટિક ઍનિમલ્સને અહીં લાવવાં એ જ સૌથી મોટી ક્રુઅલ્ટી છે કારણ કે એ પોતાના દેશમાં જે વાતાવરણ વચ્ચે રહે છે એનાથી તદ્દન વિપરીત વાતાવરણ એમને અહીં મળે છે, જે પણ ક્રુઅલ્ટી છે. એમને સંતાડીને લાવવા-લઈ જવાની પ્રોસેસમાં કેટલાંય પ્રાણીઓ મરી જાય છે.’
આ જ સંદર્ભે આરે કૉલોનીમાં વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર અને પ્રાણીહિતની સંસ્થા સાથે સંકળાયેલો પ્રસાદ ખંડાગલે કહે છે, ‘એવી અઢળક રેઇડ વખતે હું NGO વતી હાજર રહ્યો છું જેમાં આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય એ સ્થિતિમાં મેં જોયાં છે. થોડાક સમય પહેલાં એક બર્ડ ડીલરને ત્યાં છાપો માર્યો. લગભગ દોઢસો જેટલા પોપટ એને ત્યાં હતાં. પંદર-વીસ મરેલા પોપટ એના કચરાના ડબ્બામાં પડ્યા હતા. તેણે ડિસપ્લેમાં રાખેલા પોપટમાં પણ પાંચ-સાત પોપટ મરી ગયા હતા. મોટા ભાગે એવું થતું હોય છે કે અહીં જે પશુ-પક્ષીઓ વેચવા માટે લઈ આવતા હોય તેઓ ઇલ્લીગલ કામ હોવાથી બને એટલું સીક્રેટ કામ કરવાના ચક્કરમાં આ પશુ-પંખીઓને પૂરી રાખે છે અને વેચવાનું જ ધ્યેય હોવાથી એમને ખવડાવવા-પીવડાવવાની દરકાર પણ તેઓ નથી કરતા હોતા. ઘણી વાર કૂતરાઓને એનો માલિક જ મારી રહ્યો હોય એવા કેસ અમારી પાસે આવ્યા છે. તેઓ પ્રાણીઓને પોતાની મિલકત ગણતા હોય છે અને પોતાનું અગ્રેશન કાઢવાનું માધ્યમ માનતા હોય છે. વચ્ચે એક વાર એક મગરમચ્છના બાળકને વેચતા ડીલરને અમે ફૉરેસ્ટ વિભાગ, પોલીસ વિભાગ અને સામાજિક સંસ્થા વતી અમે બનાવટી બાયર બનીને સ્ટિંગ ઑપરેશન થકી પકડ્યો હતો. આવા તો અઢળક કિસ્સાઓ બને છે.’