સંસ્કૃતિ બચાવવા કરતાં એને બદલવાની દિશામાં કામ કરવું

05 December, 2021 07:23 AM IST  |  Mumbai | Swami Sachidanand

માતા હોય કે પછી પત્ની, બહેન કે દીકરી હોય; તેમણે હંમેશાં પુરુષોએ નિર્ધારિત કરેલા માર્ગે જ ચાલવાનું હોય. એમાં જો ભૂલ કરે તો તેઓ તિરસ્કૃત થઈ જાય

મિડ-ડે લોગો (પ્રતીકાત્મક તસવીર)

આપણે વાત કરીએ છીએ તિરસ્કૃત સ્ત્રીની. ભલે તે કોઈ પણ રૂપ કે સ્વરૂપમાં હોય, પણ તેણે તિરસ્કારનો ભાવ જોવો પડે છે. માતા હોય કે પછી પત્ની, બહેન કે દીકરી હોય; તેમણે હંમેશાં પુરુષોએ નિર્ધારિત કરેલા માર્ગે જ ચાલવાનું હોય. એમાં જો ભૂલ કરે તો તેઓ તિરસ્કૃત થઈ જાય. અરે, મારી નાખે સાહેબ અને એમાં તેમને કોઈ અફસોસ પણ ન હોય! 
અત્યાર સુધીમાં લાખો સ્ત્રીઓ પતિઓ, પિતાઓ, ભાઈઓ અને પુત્રોના હાથે કમોતે મરાઈ છે. ભલું થજો કે તમે મહારાષ્ટ્ર અને ગુજરાત જેવાં વિકસિત વિચારધારા ધરાવતાં રાજ્યો સાથે સંબંધ ધરાવો છો કે આવી ઘટના ઓછી જોવા-સાંભળવા મળે છે, પણ આજેય જાઓ દેશનાં એ રાજ્યોમાં જ્યાં પુરુષત્વ જ સૌથી ઉપર છે અને દરેક સ્ત્રીએ એનું પાલન કરવું પડે છે. દુ:ખ એ વાતનું છે કે પુરુષો સ્ત્રીને રિબાવી-રિબાવીને જિવાડવામાં કે પછી શંકા-કુશંકાથી તેની હત્યા કરી નાખવામાં પાપ નથી સમજતા. ઊલટાનું મર્યાદા સાચવી, સંસ્કૃતિ બચાવી, ઘરની ઇજ્જત-આબરુનું જતન કર્યું એવી મિથ્યા ધારણામાં પુરુષો રાચે છે. જોકે એને શારીરિક તથા માનસિક રિબાતી બંધ કરી સુખમય જીવન જીવી શકે એવી વ્યવસ્થાને અમર્યાદા કે કુસંસ્કૃતિ માને છે અને એટલે એનું ઘડતર કરવા પણ રાજી નથી.
મને યાદ છે કે એક પોલીસ ઑફિસરની કન્યા વીસ વર્ષે વિધવા થયેલી. એકાદ વર્ષ પતિસુખ ભોગવીને આવેલી કન્યાએ એકાદ વર્ષ તો જેમતેમ કરીને ખેંચી કાઢ્યું, પણ પછી તે વધુ ને વધુ લાચાર થઈને આવેગમાં તણાતી ગઈ. આખો દિવસ પહેલા માળે તેને આપવામાં આવેલા રૂમની બારીએ બેસીને આવતા-જતા પુરુષોને તે જોયા કરે. તેનો પિતા ભારે રુઆબદાર અને કડક ઑફિસર. જમાનો પણ જૂનો અને માનસિકતા તો એનાથી પણ જૂની એટલે હાક પડતી હોય એવા પોલીસ ઑફિસરના બંગલા સામું પણ લોકો તાકીને જુએ નહીં. અરે, કોની હિંમત હોય કે બારીમાં બેઠેલી પેલી કન્યા સામું તાકી શકે! સામા પક્ષે કન્યાની વાત જુદી હતી.
તે કન્યા તો એટલા મોટા વંટોળિયામાં ઊડતી હતી કે જો કોઈ મળે તો બારીમાંથી કૂદીને નીકળી જવા તૈયાર હતી. ઑફિસર નિશ્ચિંત હતો પોતાના રુઆબ પર. એટલે તે પોતાના ઘરને પૂર્ણ રક્ષિત સમજતો હતો. તેને કોણ સમજાવે કે પ્રબળ વાસના ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે રીતે ગાબડું પાડે છે. એની સામે હજાર તોપો પણ ઝોકાં ખાતી રહી જાય છે. પેલી કન્યાનો નિરાશ થયેલો અને ભભૂકી ઊઠેલો કામ ઘરના પાળેલા જાનવર તરફ વળ્યો. બાપની નજરે પણ ચડ્યો. બાપ તમતમી ઊઠ્યો. પોતાની ઉચ્ચતાના ખ્યાલે તેને આંધળો બનાવ્યો. પેલી કન્યાનું તેણે કાસળ કાઢી નાખ્યું. હાશ, હવે શાંતિ થઈ! મર્યાદાનું રક્ષણ થઈ ગયું, સંસ્કૃતિ બચી ગઈ! 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝ પેપરનાં નહીં.)

columnists