આજે કામ, ત્રણ મહિને પેમેન્ટ, ટીવી-ઇન્ડસ્ટ્રીની આ નીતિ સામે વિરોધનો સમય

01 July, 2020 04:27 PM IST  |  Mumbai | Manoj Joshi

આજે કામ, ત્રણ મહિને પેમેન્ટ, ટીવી-ઇન્ડસ્ટ્રીની આ નીતિ સામે વિરોધનો સમય

પ્રતીકાત્મક તસવીર

જગતમાં ક્યાં એવો નિયમ છે કે તમે આજે કામ કરો અને કરેલા એ કામનું પેમેન્ટ તમને ૯૦ દિવસે આપવામાં આવે? ક્યાં અને ક્યારે આવું બને છે? ઇન્ડિયન ટીવી-ઇન્ડસ્ટ્રીનો આ નિયમ છે અને આ નિયમની સામે હવે વિરોધ નોંધાવવાનો સમય આવી ગયો છે. આમ તો આ બાબતે અંદરખાને વિરોધ શરૂ થઈ પણ ગયો છે અને પહેલી હરોળમાં આવતા ઍક્ટર આ પ્રકારે કામ કરવા રાજી પણ નથી એટલે તેમને સૅલેરી ચૂકવવામાં આવતી હોય એ રીતે પેમેન્ટ ચૂકવવામાં આવે છે, પણ એ એવો વર્ગ છે જેમને તમે ૯૦ દિવસે પેમેન્ટ ચૂકવો તો ચાલે. નાનો વર્ગ, જે આ ઇન્ડસ્ટ્રી પર જ મદાર રાખીને બેઠો છે, જે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને પોતાનો રોજબરોજનો ખર્ચ કાઢે છે એ બિચારો પૈસા માટે હવાતિયાં મારતો રહે છે અને એની સામે પ્રોડક્શન-હાઉસ તેના પૈસે એપિસોડ બનાવીને પોતાનું કામ રોળવે છે. બહુ ખોટી નીતિ છે અને જો આ ચૅનલની નીતિ હોય, એવું છે નહીં પણ એમ છતાં, ધારો કે આ ચૅનલની નીતિ હોય તો એની સામે પ્રોડક્શન-હાઉસે વિરોધ કરવાની જરૂર છે. એ વિરોધ ન કરે તો પણ ચાલી શકે, કારણ કે એ એનો બિઝનેસ છે, તેમને પોસાય એ રીતે તે કામ કરે, કોઈ ના ન પાડી શકે, પણ તમે કલાકાર-કસબીના પૈસા ૯૦ દિવસ સુધી ન આપો એ કોઈ રીત નથી.
કેટલા નાના માણસો એવા છે જેના પૈસા ખાઈ જવામાં આવ્યા છે. કેટલા નાના કસબીઓ એવા છે જેઓ આજે પણ પોતાના પૈસા માટે બિચારા પ્રોડક્શન-હાઉસના ધક્કા ખાઈ રહ્યા છે. આ બદદુઆ બહુ અઘરી છે સાહેબ. તમે નાના માણસ પાસે કામ કરાવીને તમારું નામ મોટું કરવાનું કૃત્ય કરો છો, પણ એ જ નાનો માણસ પોતાના ઘરમાં અનાજ લેવા માટે, તેલ લેવા માટે ટળવળતો હોય છે અને તમે તેને તેના હકના પૈસા માટે ધક્કા ખવડાવો છો. નહીં કરો આવું કામ, નહીં લો આવી બદદુઆ. જો એક બદદુઆ ખરેખર કામ કરી ગઈ તો તમે ક્યાંયના નહીં રહો? ધનોતપનોત નીકળી જશે તમારું. ઝી ટીવીના એક પ્રોજેક્ટની વાત કહું તમને. ‘હમારી બહૂ સિલ્ક’ સિરિયલ પૂરી થઈ ગયાને આજે એક વર્ષ થવા આવ્યું, પણ હજી સુધી કોઈને પેમેન્ટ ચૂકવવામાં નથી આવ્યું. ચૅનલ પોતાની મજબૂરી વર્ણવી રહ્યું છે અને પ્રોડક્શન-હાઉસ ચૅનલના નામે બિલ ફાડે છે. કૂતરાં-બિલાડાંની આ લડાઈમાં મરે છે નાનો ઍક્ટર, નાનો ટેક્નિશ્યન, જેનું ઘર આ આવક પર ચાલે છે, જેનાં છોકરાંઓની ફી આ ઇન્કમમાંથી ભરવામાં આવે છે અને જેના ઘરના ઈએમઆઇ આ આવકમાંથી કટ થતા હોય છે. તમે પૈસા નહીં ચૂકવીને શું પુરવાર કરવા માગો છો? તમારી હલકટાઈ કે પછી તમારી બેદરકારી? તમારી પહોંચ કે પછી તમારી આછકલાઈ? કલાકારની આવી હેરાનગતિમાં બીજું કોઈ નહીં, કલા દુઃખી થાય છે. કલાને વાંઝિયા થઈ ગયાનું નાસુર ભીંસે છે અને ભીંસાયેલા એ નાસુરમાં વેદના પ્રજ્વળે છે. જો તમે ઇચ્છતા હો કે તમે કલાને સાચવી રહો, જો તમે ચાહતા હો કે તમારા થકી કલાનું અસ્તિત્વ અકબંધ રહે અને જો તમે કલાના કદરદાન તરીકે તમારી જાતને પ્રસ્થાપિત કરવા માગતા હો તો પ્લીઝ, બે હાથ જોડીને વિનંતી કે તમારા બૅન્ક-બૅલૅન્સને તગડું બનાવવાની લાયમાં તમારા જીવનના ખાતામાં આ કલાકારોની, ટેક્નિશ્યનોની બદદુઆઓ જમા નહીં કરાવો. નહીં કરો કલાનું શોષણ. યાદ રાખજો કે કલાનું શોષણ કરનારાના જીવને નરક પણ સ્વીકારવા રાજી નથી હોતું.

manoj joshi columnists