વર્ક ફ્રૉમ હોમનું ચલણ કાયમી ન જ રહેવું જોઈએ

07 May, 2021 03:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક તો તમને ઑફિસ જેવું વાતાવરણ નથી મળતું અને બીજું, ઘરે તમારા કામની ગતિ ધીમી પડી જાય છે. કોઈ મૉનિટર કરનાર ન હોય એને કારણે પણ ઘણી વાર કામ પર અસર પડે છે. 

GMD Logo

કોરોના મહામારીને કારણે આખા વિશ્વમાં વર્ક ફ્રૉમ હોમનું કલ્ચર ડેવલપ થયું છે, પણ દરેક ક્ષેત્રમાં એ પૉસિબલ નથી થઈ શકતું. વર્ક ફ્રૉમ હોમની સૌથી મોટી અસર પ્રોડક્ટિવિટી પર પડી છે. એક તો તમને ઑફિસ જેવું વાતાવરણ નથી મળતું અને બીજું, ઘરે તમારા કામની ગતિ ધીમી પડી જાય છે. કોઈ મૉનિટર કરનાર ન હોય એને કારણે પણ ઘણી વાર કામ પર અસર પડે છે. 
મુંબઈમાં બધા જ લોકોનાં ઘર વર્ક ફ્રૉમ હોમ માટે સુટેબલ નથી હોતાં. કોઈકનું ઘર નાનું હોય, તમારી આજુબાજુ દસ વસ્તુઓ ચાલતી હોય, કૂકરની સીટી વાગતી હોય, નાના છોકરાઓ ધમાલ મચાવતા હોય તો કામમાં ફોકસ કેવી રીતે થાય? ઑફિસમાં તમારા માટે ખાસ ફાળવેલી જગ્યા હોય છે. એક એવું વાતાવરણ હોય છે જ્યાં તમે શાંતિથી કોઈ પણ જાતની ખલેલ વગર તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. એક ખાસ સેટ-અપને લીધે તમે વધુ પ્રોડક્ટિવ થઈ શકો છો. તમારી આજુબાજુ એવા માણસોનું ટોળું હોય છે જેમની પાસે તમે ક્યાંક અટકો ત્યારે મદદ મેળવી શકો છો. 
ઘરેથી કામ કરવાને લીધે ઑફિસના લોકો સાથે તમારો પર્સનલ ટચ રહેતો નથી. બધું વર્ચ્યુઅલી થાય છે. સામસામે બેસીને કરેલી અને ફોન પર કરેલી વાતચીતમાં ઘણો ફરક પડી જતો હોય છે. કામમાં થયેલી ભૂલ સહકર્મચારીઓને લીધે તરત સુધારી લેવાનો અવકાશ રહે છે. અમુક ક્લાયન્ટ્સ સાથે પણ પર્સનલ સંપર્ક રાખવાનો શક્ય નથી બનતો. આવા વખતે વિડિયો કૉલ રાહત આપે, પણ પ્રત્યક્ષ મળવાની કમીને તો પૂરી ન જ કરી શકે. 

ઘરેથી જ કામ કરતા હો એટલે વર્ક-લાઇફ પણ બૅલૅન્સ નથી રહેતી. એક વાર ઑફિસમાંથી નીકળ્યા પછી તમે તમારા પરિવાર માટે સમય ફાળવી શકો છો, પણ ઘરેથી કામ કરવાને લીધે સમયે-કસમયે તમારો ફોન કામ માટે રણકતો રહે છે. લોકો ધારી લે છે કે તમે ઘરે છો એટલે 24 x 7 કામ માટે અવેલેબલ છો. એને લીધે સતત માથા પર લટકતી તલવાર રહે છે અને મેન્ટલ પ્રેશર રહે છે. ન્યુ નૉર્મલ લાઇફમાં આપણે દરેક બાબતે સમાધાન કરીએ, પણ વ્યક્તિગત અને કંપનીના વિકાસ માટે વર્ક ફ્રૉમ હોમનું ચલણ કાયમી ન જ રહેવું જોઈએ. 

 ઘરેથી જ કામ કરતા હો એટલે વર્ક-લાઇફ પણ બૅલૅન્સ નથી રહેતી. ઑફિસમાંથી નીકળ્યા પછી તમે તમારા પરિવાર માટે સમય ફાળવી શકો છો, પણ ઘરેથી કામ કરવાને લીધે સમયે-કસમયે ફોન રણકતો રહે છે અને સતત મેન્ટલ પ્રેશર રહે છે

columnists