કલ્યાણજી-આણંદજીની સૂઝ-બુઝનો ફાળો Hope 86ના બે મેગા શોની સફળતા

14 April, 2019 03:35 PM IST  |  | વો જબ યાદ આએ - રજની મહેતા

કલ્યાણજી-આણંદજીની સૂઝ-બુઝનો ફાળો Hope 86ના બે મેગા શોની સફળતા

કલ્યાણજી - આણંદજી સાથે રાજ કપૂર અને દિલીપ કુમાર

સંત કવિ તુલસીદાસની પંક્તિ છે, ‘તુલસી ઇસ સંસાર મેં, ભાત ભાત કે લોગ.’ રોજબરોજની જિંદગીમાં, દરેકને જાત જાતના લોકો સાથે પનારો પડતો હોય છે. કવિ ઉમાશંકર જોશી એટલે તો કહે છે, ‘આ દુનિયામાં આપણે ધૂર્ત અને મૂર્ખ, બન્ને સાથે જીવવાનું હોય છે.’ શો બિઝનેસમાં અનેક લોકોના સંપર્કમાં આવનાર આણંદજીભાઈ થોડા ‘ઓફબીટ’ માણસો સાથેના પ્રસંગો શૅર કરતાં કહે છે:

‘અલાહબાદથી એક ભાઈ આવ્યા. મને કહે, ‘મારે એક શો કરવો છો. તમે કયા ક્યા કળાકારોને તમારી સાથે લાવી શકો એમ છો?’ મેં કહ્યું, ‘શું પ્રસંગ છે? બર્થડે પાર્ટી છે? મૅરેજ છે? એ પ્રમાણે કળાકારો સિલેક્ટ કરીએ અને પછી બજેટનું નક્કી થાય.’ તો કહે, બજેટની ચિંતા ન કરો. બસ, તમારો એક મોટો શો કરવો છે.’ મારા મનમાં થયું, વાહ સંગીતના મોટા ચાહક લાગે છે. સહજ મેં પૂછ્યું, ‘પણ ઓકેસન શું છે એટલે અમને ખબર પડે કે કોને-કોને સાથે લાવવા.’ પછી તેમણે ફોડ પાડ્યો.’ મારો ઈંટનો બહુ મોટો બિઝનેસ છે. મને એવી સલાહ મળી છે કે પ્રૉફિટ ઍડજસ્ટ કરવો હોય તો એક મોટો શો કરો અને એમાં લોસ બતાડો એટલે ટૅક્સમાં ઘણો ફાયદો થાય.’

આવો જ એક બીજો કિસ્સો છે. એક દિવસ રાયપુરથી એક ભાઈ મળવા આવ્યા. કહે, ‘પરસોં હમારે ઘર મેં શાદી હૈ. આપકા શો કરના હૈ.’ મેં કહ્યું, ‘બે દિવસમાં કલાકારોને અને મ્યુઝિશિયન્સ ભેગા કરીને ત્યાં પહોંચવું મુશ્કેલ છે. પ્લેનની ટિકિટ પણ ન મળે.’ મને કહે, ‘એની ચિંતા ન કરો. અમે એ.સી. બસની વ્યવસ્થા કરી આપીશું.’ મેં કહ્યું, ‘એ બરાબર, પરંતુ બસમાં અમને અગવડ પડશે.’ તો કહે, ‘ચિંતા ન કરો. અમારો માણસ સાથે આવશે અને તમારું ધ્યાન રાખશે, અને તમે એનું ધ્યાન રાખજો.’ મને થોડી નવાઈ લાગી. મેં પૂછ્યું, ‘અમારી સાથે તમારો માણસ શું કામ આવે છે?’ત્યારે અસલી વાતની ખબર પડી. તે કહે, ‘સાહેબ, વાત એમ છે ને કે અમારે ઘેર લગ્નપ્રસંગ છે. અહીંથી મોટી રકમ અને સોનું લઈ જવાનું છે. તમારી સાથે હોય તો વાંધો ન આવે.’ મેં કહ્યું, ‘માફ કરજો, અમે આવું કામ નથી કરતા.’

બસમાં ટ્રાવેલ કરતા કલ્યાણજીભાઈ, અમજદ ખાન, અનુરાધા પૌડવાલ અને આશા ભોસલે

આણંદજીભાઈની આ વાત સાંભળી મનમાં થાય કે તમારી પાસે કેટલો પૈસો છે એ મહત્વનું નથી, તમે તે કઈ રીતે વાપરો છો; તેના પરથી તમારું કૅલિબર નક્કી થાય છે. પૈસો દરેક વસ્તુ ખરીદી શકતો હશે, પણ સંસ્કાર નથી ખરીદી શકતો. અમુક વ્યક્તિઓ માટે એમ કહેવાય કે તે ગર્ભશ્રીમંત છે. શક્ય છે એમાંના કોઈક ગર્ભદરિદ્ર પણ હોઈ શકે. દુનિયાદારીની દૃષ્ટિએ ગરીબ, પરંતુ ભીતરથી સમૃદ્ધ; એવા એક સંતોષી મનુષ્યે ઈશ્વરને કહ્યું, ‘ભગવાન, આ દુનિયામાં તેં એવા એવા લોકોને પૈસાદાર બનાવ્યા છે, જેને જોઈને મને ખાતરી થઈ છે કે તારે મન પૈસાની કંઈ જ કિંમત નથી; કારણ કે એ લોકો એટલા ગરીબ છે કે તેમની પાસે પૈસા સિવાય બીજું કંઈ જ નથી.’

સો વાતની એક વાત. પૈસાનું મહત્વ કોઈ નકારી ન શકે. તેનું મમત્વ કેટલી હદ સુધી હોય તે દરેકનો અંગત પ્રશ્ન છે. એના પરથી માણસને માપવાનો ન હોય. મહત્વ માણસનું છે, પૈસાનું નહીં. અહીં સુરેશ દલાલની પંક્તિઓ યાદ આવે છે:

ના, ના, નહીં ધિક્કારવા જેવો

માણસ અંતે ચાહવા જેવો

ખૂણા-ખાંચા હોય છતાંય

માણસ એ તો મન મૂકીને, ગીત ગઝલમાં ગાવા જેવો

માણસ અંતે ચાહવા જેવો

કલ્યાણજી-આણંદજીના જીવનમાં આવા અનેક પ્રસંગો આવ્યા હશે. જોકે તેમના જીવનની ફિલોસૉફી એવી છે કે આવી ઘટનાઓને તેમણે કદી ગંભીરતાથી લીધી નથી. આણંદજીભાઈ આ વાતનું સમાપન કરતાં કહે છે, ‘દરેક વ્યક્તિ તમને કંઈક શીખડાવતી જાય છે. ઘણીવાર એવું બન્યું હોય કે નક્કી કરેલી રકમને બદલે ઓછી રકમ મળી હોય. તેવા સમયે કોઈની પ્રત્યે દુર્ભાવ રાખ્યો નથી. શક્ય છે તેની નીયત ખરાબ ન હોય, તેના સંજોગો એવા હોઈ શકે. આપણા નસીબમાંથી કોઈ લઈ જતું નથી. ઘણી વખત એવું બન્યું હોય કે વર્ષો બાદ અમુક વ્યક્તિ, આપણા ઉછીના પૈસા યાદ કરીને પાછા આપી જાય. આટલાં વર્ષો દરમ્યાન, અને હજી પણ, સંગીતપ્રેમીઓનો એવો પ્રેમ મળ્યો છે કે વાત ન પૂછો. ઇન્દોરમાં એક મહેશ શર્મા નામના સંગીતપ્રેમી છે. અઢળક પૈસો છે, પરંતુ એટલા સૉફ્ટ સ્પોકન છે કે ખબર ન પડે. ત્યાં જઈએ ત્યારે એવી આગતાસ્વાગતા કરે કે વાત ન પૂછો. એક વાર અમને ત્યાંના ચાહકો સ્ટેશન પરથી હારતોરા પહેરાવી, વાજતેગાતે, સરઘસ કાઢી, હોટેલ સુધી લઈ ગયા હતા. ૧૫ મિનિટનો રસ્તો કાપતાં અમને ૩ કલાક લાગ્યા હતા. એક વાર મન્ના ડેને લઈને રાયપુર ગયા હતા. સ્ટેશન પર એટલી ભીડ જમા થઈ કે અમારે આગલા સ્ટેશને ઊતરી જવું પડ્યું. આવા તો અનેક કિસ્સાઓ છે.’

હિન્દી ફિલ્મસંગીતના ચાહક તરીકે મેં અનેક લાઇવ શો જોયા છે, જેમાં મહાન સંગીતકારો અને ગાયક કળાકારોએ પર્ફોર્મ કર્યું હોય. જોકે આ શોમાં શિરમોર કહી શકાય એવો શો હતો, ‘Hope 86’’ સવારના ચાર વાગ્યા સુધી ચાલેલો આ શો આજ સુધી હું ભૂલ્યો નથી. ફિલ્મઇન્ડસ્ટ્રીના વર્કર્સના લાભાર્થે યોજાયેલા આ શોમાં, પહેલી વાર ચાર સંગીતકારો સાથે પૂરી ફિલ્મઇન્ડસ્ટ્રી હાજર હતી. આ પ્રકારનો મેગા શો આ પહેલાં કદી થયો નહોતો. આ શોની પરિકલ્પના કલ્યાણજી-આણંદજીની હતી. એ વિશે વાત કરતાં આણંદજી ભાઈ કહે છે,

‘ઇન્ડસ્ટ્રીના વર્કર્સના વેલ્ફેર માટે કંઈક કરવું જોઈએ એવી વાતો લાંબા સમયથી થતી હતી, પરંતુ કોઈ નક્કર યોજના બનતી નહોતી. આ પહેલાં સલીલ ચૌધરી, શંકર જયકિશન અને બીજા સંગીતકારો મહેનત કરતા હતા, પરંતુ વાત આગળ વધતી નહોતી, કારણ કે આ બહુ મોટું આયોજન હતું. સ્ટેજ શોની અમારી હથોટી સારી હતી એટલે અમે નક્કી કર્યું કે આજ સુધી ન થયો હોય એવો શો થવો જોઈએ, જેથી વધુમાં વધુ પૈસા ભેગા કરી શકાય. પૂરી ઇન્ડસ્ટ્રી આ શોમાં સક્રિય ભાગ લે એવું અમે આયોજન કર્યું.

નક્કી એમ થયું કે ચાર સંગીતકારો, લક્ષ્મીકાંત -પ્યારેલાલ, રાહુલ દેવ બર્મન , બપ્પી લહેરી અને કલ્યાણજી-આણંદજીનાં ગીતોની રજૂઆત ટોચના સિંગર્સ દ્વારા થાય. દરેક સંગીતકાર એક કલાક પર્ફોર્મ કરે. તે દરમ્યાન ટોચનાં હીરો-હિરોઇન સ્ટેજ પર આવે. એક સંગીતકારનો વારો પૂરો થાય તે પછી ફીલર તરીકે નુક્કડ, હમલોગ તે સમયની પ્રખ્યાત સિરિયલ અને બીજી સ્કિટ રજૂ થાય અને પછી બીજા સંગીતકાર સ્ટેજ પર આવે. આવા બે શો કરવાનું નક્કી થયું. એક મુંબઈ, બ્રેર્બોન સ્ટેડિયમમાં અને બીજો કોલકાતા, સોલ્ટ લેક સિટીમાં. મુંબઈમાં શો કરવાની બહુ ચિંતા નહોતી, પરંતુ પૂરી ઇન્ડસ્ટ્રીને કલકત્તા લઈ જવી તે ભગીરથ કામ હતું.

અનેક પ્રશ્નો હતા. દરેકને પ્લેનમાં લઇ જવાના હતા. કોણ આગળ બેસે અને કોણ પાછળ? હોટેલમાં ઉતારો આપવાનો તો કોને મોટા રૂમમાં રાખવા અને કોને નાના રૂમમાં?

જવા-આવવા માટે કોને કઈ ગાડી આપવી? ઇન્ડસ્ટ્રીના મોટા કળાકારો સાથે હોય એટલે દરેકના ઈગોને સાચવવો એ લગભગ અશક્ય હતું. અમે રસ્તો કાઢ્યો. નક્કી એમ કર્યું કે પ્લેનમાં વર્કર્સ સૌથી આગળ બેસે. હોટેલમાં દરેકને એકસરખા રૂમ આપવાના. દરેકે એ.સી. બસમાં ટ્રાવેલ કરવાનું. જમવા માટે દરેકે નીચે આવીને જમવાનું. સૌને આ વિચાર ગમી ગયો. એ સમયે આખી ઇન્ડસ્ટ્રીએ ખેલદિલીથી આ વ્યવસ્થામાં સાથ આપ્યો. વર્કર્સ પણ ખુશ હતા. એક ફૅમીલીની જેમ નાના-મોટા સૌ સાથે રહ્યા એ ઘટના આજે પણ લોકો યાદ કરે છે.

અમારો આશય હતો કે આ પ્રકારનો શો ભાગ્યે જ થાય એટલે વર્કર્સ માટે વધુમાં વધુ પૈસા ભેગા કરવા જોઈએ. શું ભાવની, કેટલી ટિકિટ રાખવી, તેની ચર્ચા થતી હતી. અમે કહ્યું, ‘અમિતાભ બચ્ચન આવે છે એટલે અમે ૫૦૦૦ રૂપિયાવાળી ૧૦૦ ટિકિટ લઈશું. ‘એ દિવસોમાં ૫૦૦૦ની કિંમત હતી. સૌ વિચારમાં પડી ગયા. ગણતરી કરે કે કેટલા પૈસા થાય. અમે અમારા સર્કલમાં લોકોને કહ્યું, ‘આવો શો બીજી વાર થશે નહીં. દિવાળીના દિવસોમાં સાહેબોને ગિફ્ટ આપો છો એને બદલે આ શોની બે ટિકિટ ગિફ્ટ આપશો તો ખુશ થ‘ જશે .’ દરેકના મનમાં આ વાત બેસી ગઈ. પછી તો ડિમાન્ડ વધી ગઈ અને અમે લગભગ ૪૦૦ ટીકીટ લીધી. શોની હવા એટલી જામી ગઈ કે ગ્રાઉન્ડમાં એક્સ્ટ્રા સોફા મૂકવા પડ્યા

સાંજે સાત વાગ્યે શો શરૂ થયો. દરેક સંગીતકારને એક પછી પોતાનાં ગીતોની રજૂઆત કરવાની હતી. અમારો વારો છેલ્લો હતો. પૂરી ઇન્ડસ્ટ્રી ત્યાં હાજર હતી. જે ગીતોની રજૂઆત થતી હતી તે દરમ્યાન; તે ફિલ્મોના કલાકરોની સ્ટેજ પર એન્ટ્રી થતી. દરેક મૂડમાં હતાં. લોકો પણ ખૂબ એન્જૉય કરતા હતા .જે રીતે શો ચાલતો હતો; એે જોઈને અમને થયું કે કદાચ અમારો વારો નહીં આવે. કારણ કે રાતના ૧૨ વાગ્યાની લિમિટ હતી. મુંબઈના પોલીસ કમિશ્નર ત્યાં હાજર હતા. મેં તેમને ટાઇમ લિમિટ બાબત પૂછ્યું તો કહે, ‘તમારાં ગીતો સાંભળવા આવ્યો છું. સમયની કોઈ ચિંતા નથી’. એટલે મેં કહ્યું કે આ પ્રશ્ન હું સ્ટેજ પરથી કરીશ તો સંભાળી લેજો. લગભગ ૧૨ વાગવા આવ્યા એટલે મેં સ્ટેજ પર જઈને એમને પ્રશ્ન કર્યો, ‘સર, ક્યા કરે, કિતને બજે ખતમ કરના હૈ? એમણે જવાબ આપ્યોï, ’’ફિકર મત કરો, આપ સબને ઇતની મહેનત કી હૈ તો સબ કો મૌકા મિલના ચાહીએ. ઔર યે સબ નેક કામ કે લિયે હો રહા હૈ. આજ સમય કી કોઈ પાબંદી નહીં હૈ.’ પબ્લિક એક્દમ ખુશ થઈ. રાતના અઢી વાગ્યે અમારો વારો આવ્યો. અમે જયારે ‘ડમ ડમ ડિગા ડિગા’ રજૂ કર્યું ત્યારે રાજ કપૂર અને દિલીપ કુમાર સ્ટેજ પર આવી પહોંચ્યા.

આ પણ વાંચો : કલ્યાણજી-આણંદજી પાસે કેવળ મ્યુઝિકલ નહીં, પણ હ્યુમન ઑર્કેસ્ટ્રા કન્ડક્ટ કરવાની પણ કાબેલિયત હતી

આવું દૃશ્ય આજ સુધી કોઈએ જોયું નથી. અમિતાભ બચ્ચનની એન્ટ્રી હજી થઇ નહોતી એટલે સૌ તેની રાહ જોઇને બેઠા હતા, અને અંતમાં જ્યારે ‘મેરે અંગને મેં, તુમ્હારા ક્યાં કામ હૈ’ગીતમાં તેની એન્ટ્રી થઇ ત્યારે લોકોનો જે રિસ્પોન્સ હતો તે જોવા જેવો હતો. કલકત્તામાં પણ આ શો હીટ ગયો. આ બે શો દ્વારા વર્કર્સ માટે એક કરોડ અને ૬૦ લાખ રૂપિયા ભેગા થયા હતા.

columnists