શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ પર મને રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ

16 June, 2019 02:09 PM IST  |  | રજની મહેતા - વો જબ યાદ આએ

શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ પર મને રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ

વો જબ યાદ આએ

કલ્યાણજી-આણંદજી એક એવી સંગીતકાર જોડી હતી જેમનો સંપર્ક ફિલ્મી દુનિયા સાથે હતો, જીવનના અલગ-અલગ ક્ષેત્રના માણસો સાથે પણ હતો. જીવનમાં ઘણા નિયમો કેવળ સ્કૂલમાંથી નહીં, પણ અનુભવીઓ પાસેથી શીખવા મળે છે. દરેક વ્યક્તિ પાસે કંઈક એવી વાત હોય છે જે આપણને જીવન તરફનો દૃષ્ટિકોણ બદલવા માટે વિચારતા કરી મૂકે છે. આવી થોડી વાતો આણંદજીભાઈના શબ્દોમાં પ્રસ્તુત છે...

‘જ્યારે જયપ્રકાશ નારાયણ જસલોક હૉસ્પિટલમાં હતા ત્યારે દેશભરના રાજકારણીઓ તેમની ખબર કાઢવા આવતા હતા. તેઓમાંના ઘણા સંગીતશોખીનો ત્યાંથી અમારા મ્યુઝિક-રૂમ પર આવતા. એ સમયે સરકારને આત્મસમર્પણ કરનાર વિખ્યાત ડાકુઓ જેવા કે જગ્ગા ડાકુ, લાખન સિંહ અને બીજા અનેક ડાકુઓ તેમને મળવા હૉસ્પિટલમાં આવતા. તમને નવાઈ લાગશે કે તેઓમાંના ઘણા ફિલ્મસંગીત ઉપરાંત ભક્તિસંગીતમાં ઊંડો રસ ધરાવતા હતા. એ લોકો પણ મ્યુઝિક-રૂમની અચૂક મુલાકાત લેતા.

આ દરેકની સાથે જાતજાતની વાતો અને ચર્ચાઓ થાય. તેમની સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે આ દરેક ડાકુ નિયમિત સવારે રામાયણ વાંચે, પૂજા-પાઠ કરે. આપણા તહેવાર ધામધૂમથી ઊજવે અને દાન-ધર્મ કરે. અમારી વાતો થતી હતી ત્યારે તેઓમાંના એકને મેં પ્રશ્ન પૂછ્યો કે જ્યારે કોઈને મારવા માટે તેના પર ગોળી છોડો ત્યારે તમારા મનમાં શું વિચાર આવે? એ સમયે મનમાં કોઈ દ્વિધા ન થાય કે આ શું કરીએ છીએ? પેલાએ જવાબ આપ્યો, ‘હમ કૈસે કિસીકો માર સકતે હૈં? જનમ-મરન તો વિધિ કે હાથ મેં હૈં. લાખનને ઇતની ગોલિયાં ખાઈ હૈ કિ ઉસકા હિસાબ હી નહીં, પર અબ તક વો બચ ગયા હૈ. આદમી કે નસીબ મેં જબ મરના હોતા હૈ તબ હી વો મરતા હૈ. કિસી કી મૌત કે લિએ હમ જિમ્મેદાર નહીં હૈ. હમ સિર્ફ અપના કર્મ કરતે હૈં. હમેં ઇસ બાત કા બિશ્વાસ હૈ વરના હમ ડાકુ નહીં બન સકતે થે.’

આટલું સાંભળીને આપણા મનમાં વિચાર આવે કે આની વાતમાં દમ છે.

જગ્ગા ડાકુએ એક હૃદયસ્પર્શી કિસ્સો કહ્યો હતો : ‘અમે એક ઘરે છાપો માર્યો. અમને ખબર હતી કે ઘરમાં લગ્નપ્રસંગ છે એટલે સારો માલ મળશે. રોકડ રકમ અને દાગીના લૂંટીને અમે નીકળવાની તૈયારી કરતા હતા ત્યાં દુલ્હન આવીને મારી સામે ઊભી રહી ગઈ. રડતાં-રડતાં કહે, ‘ભૈયા, મેરે હાથ કે યે દો કંગન બચે હૈં વો ભી લેતે જાઓ.’ આટલું કહીને તેણે મારા હાથમાં બે બંગડી મૂકી દીધી. મારું દિલ પીગળી ગયું. મેં કહ્યું, ‘તુમને મુઝે ભૈયા કહા, મૈં અબ કૈસે યે છીન શકતા હૂં.’ અને સાથીઓને હુકમ કર્યો, ‘સબ વાપસ રખ દો, એ બહન કા ઘર હૈ.’ અને દુલ્હનને કહ્યું, ‘હમ તેરી શાદી મેં આયેંગે.’ થોડા દિવસ બાદ અમે દરેકે તેનાં લગ્નમાં ઘરના સ્વજનની જેમ ભાગ લીધો હતો.‘

જગ્ગા ડાકુની આવી તો કેટલીયે વાતો છે જેના આધારે વિખ્યાત નવલકથાકાર હરકિસન મહેતાએ ‘જગ્ગા ડાકુનાં વેરનાં વણામણાં’ નામની લોકપ્રિય નવલકથાના ચાર ભાગ લખ્યા છે. દરેક વ્યક્તિ પાસેથી આવી વાતો જાણવા મળે ત્યારે એ વ્યક્તિ પ્રત્યે આપણો જે પૂર્વગ્રહ હોય એ બદલાઈ જાય. એક વખત અમે ઇન્દોરથી ભોપાલ જતા હતા. અમારી ગાડીનો ડ્રાઇવર મુસ્લિમ હતો. અમે અલકમલકની વાતો કરતા હતા એમાં ધર્મની વાત આવી. અમારી વાત સાંભળી પેલો ડ્રાઇવર કહે, ‘મને એક મુનિએ મંત્ર આપ્યો છે. જ્યારે હું એ બોલું છું ત્યારે દિલને શાંતિ મળે છે.’ એ સાંભળીને કલ્યાણજીભાઈએ કહ્યું, ‘અમને પણ એ મંત્ર આપ.’ તો પેલો કહે, ‘એ કોઈને આપવાની ના પાડી છે.’ એટલે અમે વધારે આગ્રહ ન કર્યો. પછી પોતાની મેળે જ તે બોલ્યો, ‘વો આપકે હિન્દુ સાધુ હૈ. હમેશાં સફેદ કપડે પહેનતે હૈં. જબ ભી કોઈ તકલીફ આતી હૈ તો મૈં મંત્ર પઢતા હૂં. મેરી બહુત ગાડિયાં ચલતી હૈ. કુછ પ્રૉબ્લેમ આતા હૈ તો મેરે ડ્રાઇવર મુઝે ફોન કરતે હૈં કિ અબ ક્યા કરે? તો હું કહું કે મને દસ મિનિટ આપ અને પછી જ્યાં હોઉં ત્યાં આ મંત્ર બોલું એટલે મારો પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જાય.’

અમને થયું કે આ કેવો મંત્ર હશે એ જાણીએ તો ખરા? એટલે અમે તેને કહ્યું, ‘અમે પણ હિન્દુ છીએ. અમને એ મંત્ર આપીશ તો તને કંઈ નુકસાન થોડું થવાનું છે?’ આટલું સાંભળીને ગાડી ઊભી રાખીને તે નીચે ઊતર્યો. અમને નવાઈ લાગી. નીચે ઊતરીને નમાજ પઢતો હોય એમ પહેલાં વજુ કર્યું અને પછી બોલવા લાગ્યો, ‘નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં.’ જે તન્મયતાથી અને શ્રદ્ધાથી તે નવકારમંત્રનું સ્મરણ કરતો હતો એ જોઈને અમને તેને માટે માન થઈ આવ્યું. મનમાં એ જ વિચાર આવતો કે આપણે આ જ વસ્તુ સાવ મિકેનિકલી કરતા હોઈએ છીએ જેમાં નથી ભાવ હોતો કે નથી હોતી ભક્તિ, જ્યારે એક પરધર્મી કેટલા વિશ્વાસથી મંત્રસ્મરણ કરે છે.

આણંદજીભાઈની વાત સાંભળીને સ્વામી વિવેકાનંદની એક વાત મને યાદ આવી ગઈ. તેઓ કહે છે, ‘જૂના ધર્મો એમ માને છે કે જેને પ્રભુમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. નવો ધર્મ કહે છે કે જેને પોતાનામાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે.’ શાયર ગની દહીંવાળાની યાદગાર પંક્તિઓ આ જ વાતનો પડઘો પાડે છે...

શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ પર મને
રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ

મંદિરમાં જઈએ ત્યારે માથું ગમે તે દિશામાં હોય, હૃદય સાચી દિશામાં હોવું જોઈએ. મંદિરમાં જ્યારે પથ્થરની પ્રતિમાને નમન કરીએ છીએ ત્યારે આપણી શ્રદ્ધા જ એમાં પ્રાણપ્રતિષ્ઠા કરે છે. આપણે એ પ્રતિમાને નહીં, પરંતુ સદીઓ પહેલાં એ મૂર્તિમાં જે પ્રજાએ શ્રદ્ધા મૂકી છે એ શ્રદ્ધાને નમન કરતા હોઈએ છીએ એટલે તો જલન માતરી કહે છે...

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી

આ પહેલાં હું લખી ચૂક્યો છું કે ધર્મની બાબતમાં આણંદજીભાઈ રૂઢિચુસ્ત નથી. આમ પણ પ્રેમ અને ધર્મ એ બે એવા અંગત વિષયો છે જેના વિશે વ્યક્તિગત ટિપ્પણી કરવાનો કોઈને હક નથી. મોટા ભાગે આપણે ધર્મને ક્રિયાકાંડના વાડામાં બાંધી દઈને એને ખૂબ સંકુચિત બનાવી દીધો છે. આણંદજીભાઈનો જીવન પ્રત્યેનો જે પૉઝિટિવ અને રેશનલ અભિગમ છે એને કારણે જૈન, વૈષ્ણવ, સ્વામીનારાયણ અને બીજા અનેક સંપ્રદાયના સાધુઓ સાથે તેમની ગોષ્ઠિ થાય છે. આવો એક કિસ્સો તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે...

એક જૈન મુનિ મને કહે, ‘તમે ફિલ્મલાઇનમાં છો છતાં નૉન-વેજ ખાતા નથી એ સારી વાત છે. જોકે આ લાઇનમાં છો એટલે પીવાનું તો થતું હશે.’

મેં થોડા સિરિયસ થઈને કહ્યું, ‘હા હું તો પીઉં છું.’

એટલે મને કહે, ‘એ સારી વાત નથી. તમારે ન પીવું જોઈએ,’

મેં હળવેકથી ખુલાસો કરતાં કહ્યું , ‘હું તો પાણીની વાત કરું છું.’

મારા મજાકિયા સ્વભાવની તેમને જાણ હતી. મેં તેમને મારી સમજણ મુજબ ધર્મની વ્યાખ્યા શું છે એની વાત કરી, ‘કોઈ પીતું હોય તો આપણને શું વાંધો હોઈ શકે. દરેક પોતાના સંસ્કાર પ્રમાણે જીવે છે. અમે નાનપણથી નૉન-વેજ ખાધું નથી કે દારૂને હાથ અડાડ્યો નથી. સાચો ધર્મ માનવધર્મ છે. વ્યક્તિ શું ખાય-પીએ છે એના પરથી તેના વિશે અભિપ્રાય બાંધવો યોગ્ય નથી.’

અમારી વાતો ચાલતી હતી ત્યાં ïતેમણે મને બીજો પ્રશ્ન પૂછ્યો, ‘તમે સ્ત્રીઓ પાસે ગાયન ગવડાવો છો ત્યારે તેમની સામે બેસો કે બાજુમાં?’

મેં જવાબ આપ્યો, ‘બાજુમાં બેસીને.’

‘એટલે તમારો સ્પર્શ પણ થતો હશેને?’ તેમણે પૂછ્યું.

‘અરે, સારું ગાય તો અમે તેને ભેટી પણ પડીએ.’ મારો જવાબ સાંભળીને થોડા ચિંતાભર્યા અવાજે કહે, ‘આ સારું ન કહેવાય. આ બધાથી દૂર રહેવું જોઈએ.’

મેં વાત બદલીને તેમને એક પ્રશ્ન પૂછ્યો, ‘આખા દિવસમાં કેટલા મુમુક્ષોએ તમારાં દર્શન કર્યાં એ મને કહો અને હાં એમાં કેટલા પુરુષો અને કેટલી સ્ત્રી હશે એ પણ કહો.’

આ પણ વાંચો : રાજનીતિના ચાણક્ય અમિત શાહ શેરો-શાયરી અને સંગીતના શોખીન છે

‘આ કંઈ યાદ રાખવા જેવી વાત છે? આ તો સહજ વાત છે. આનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી.’ તેમનો આ જવાબ સાંભળીને મેં કહ્યું, ‘હું આ જ વાત કહેવા માગું છું. સાથે કામ કરતી વખતે સ્ત્રીનો સ્પર્શ થાય એ સહજ વાત છે. એ યાદ રાખવા જેવું નથી. આને જ સહજભાવ કહેવાય. જીવનના દરેક કાર્યમાં, મનમાં કોઈ ખરાબ ભાવ લાવ્યા વિના જે વ્યક્તિ સહજભાવથી કર્મ કરે છે એ જ ધર્મના સાચા માર્ગ પર છે.’

columnists weekend guide