કલ્યાણજી-આણંદજી : શોનો નિયમ હતો, કાર્યક્રમ દરમિયાન કોઈ દારુ ન પી શકે

31 March, 2019 11:00 AM IST  |  | રજની મહેતા

કલ્યાણજી-આણંદજી : શોનો નિયમ હતો, કાર્યક્રમ દરમિયાન કોઈ દારુ ન પી શકે

કલ્યાણજી આનંદજી શો

વો જબ યાદ આએ

કલ્યાણજી-આણંદજીની જોડીએ કરેલા પરદેશના શોમાં જનારા કલાકારો એક વાતનો એકરાર કરતાં આજે પણ કહે છે કે આવા શો આજ સુધી થયા નથી. આ શોમાં થયેલા યાદગાર અનુભવોની વાત કરતાં આણંદજીભાઈ કહે છે,

‘અમારા સ્ટેજ શોમાં માસ્ટર ઑફ સેરેમની તરીકે અમીન સયાની, કાદર ખાન અને બીજા ફિલ્મજગતના જાણીતા એનાઉન્સર આવતા. એક શોમાં એવું થયું કે સંજોગવશાત્ આમાંથી કોઈ હાજર નહોતું. સૌ ટેન્શનમાં હતા કે હવે શું કરવું. મેં એક રસ્તો કાઢ્યો. અનિલ કપૂરને કહ્યું, ‘શરૂઆત તારાથી થશે. તારે હાથમાં એક બૅગ રાખવાની. સ્ટેજ પર નહીં જેવી લાઇટ રાખીશું. કંઈ પણ બોલ્યા વિના; તારી સ્ટાઇલથી, ધીમે ધીમે, તું સ્ટેજ પર ગોળ ગોળ ફરજે.’ અને પછી શું કરવું તે આખો પ્લાન મેં દરેક કલાકારને સમજાવી દીધો.

શોની શરૂઆત થઈ. અનિલ કપૂર આછા પ્રકાશમાં સ્ટેજ પર ફરતો હતો. પ્રેક્ષકોમાં ગણગણ શરૂ થઈ. ‘અરે, આ તો અનિલ કપૂર લાગે છે.’ થોડી વારમાં સૌ તેના નામની બૂમ પાડવા લાગ્યા. બે-ત્રણ રાઉન્ડ મારીને અનિલ કપૂર સ્ટેજના સેન્ટરમાં આવીને ઊભો રહ્યો. એક મિનિટ શાંતિ છવાઈ ગઈ અને પછી ‘ઝકાસ’ એટલું બોલ્યો અને ફુલ લાઇટ્સ ઑન થઈ. એટલામાં તો ધમાલ થઈ ગઈ. સ્ટેજ પરથી તેણે મને ‘થમ્સ અપ’નો ઇશારો કર્યો; અને પ્રેક્ષકોને કહ્યું, ‘દૂર દૂરથી તમે સૌ અહીં આવ્યા છો એ માટે તમારો આભાર. તમારું મનોરંજન કરવા માટે મારી સાથે અનેક કલાકારો આવ્યા છે. અમને સૌને તમે આ મોકો આપ્યો તેનો આનંદ છે. હવે તમારી સમક્ષ હું રજૂ કરીશ.’ આટલું કહી તેણે બીજા કલાકારને સ્ટેજ પર ઇન્ટ્રોડ્યુસ કર્યો. એ કલાકાર પોતાની આઇટમ રજૂ કરીને આગળ બીજાને ઇન્ટ્રોડ્યુસ કરતો જાય. રેખા, સપના મુખરજી, અલકા યાજ્ઞિક, સાધના સરગમ, નીતિન મુકેશ અને બીજા કલાકારો માટે આ એક નવો અનુભવ હતો. દરેકને પોતાની રીતે બીજા કલાકારને રજૂ કરવાની છૂટ હતી એટલે તેમના માટે આ આખો અનુભવ એકદમ થ્રીલિંગ હતો. આ રીતે આખો કાર્યક્રમ અમે પૂરો કર્યો.

અમેરિકાના મિયામીમાં એક શો હતો. વેન્યુ નાનું હતું. લગભગ ૩૦૦૦ માણસોની કૅપેસિટીમાં ૬૦૦૦થી વધુ લોકો આવી ગયા. દરેકને બેસવાની જગ્યા નહોતી. ગમે તેમ કરીને જેટલા બેસી શકે એટલાને બેસાડ્યા. બાકીના ઊભા રહેવા તૈયાર હતા. અમુકને સ્ટેજ પર બેસાડ્યા. ત્યાંની પોલીસ કહે, ‘આ રીતે અમે કાર્યક્રમ ન થવા દઈએ. અમે કહ્યું, આ દરેકને શો જોવો છે. ઇન્ટરવલ સુધી આમ ચાલવા દો.’ ઇન્ટરવલ પછી અમે ત્રણ આઇટમ ભેગી કરીને એક ધમાલ આઇટમ શરૂ કરી અને ત્યાંની લેડી પોલીસ ઑફિસર (જે આફ્રિકન અમેરિકન હતી) તેને સ્ટેજ પર ઇનવાઇટ કરી. તે મસ્તીમાં આવીને નાચતી જાય અને એન્જૉય કરે. શો પૂરો થયો એટલે મને કહે, ‘ળ્ou people are very shrewd. તમે મારી ડ્યુટી ભુલાવી દીધી.’

સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં એક શોમાં પણ આવું થયું. ટિકિટો વેચાઈ તેના કરતાં વધુ પ્રેક્ષકો આવી ગયા. અમુક તો સ્ટેજ પર બેસી ગયા. એક જણની ૧૦૦ ડૉલરની ટિકિટ હતી. તેની સીટ પર બીજું કોઈ બેસી ગયું હતું, તે એકદમ નારાજ હતો. અમે તેને સ્ટેજ પર બોલાવ્યો. તેની સાથે વાતચીત કરીને જાણી લીધું કે તેને મુકેશનાં ગીતો પસંદ છે. એટલે તેને કહ્યું કે ‘તમારા અવાજમાં એક મુકેશનું ગીત ગાવ.’ મૂળ તે ઇન્ડિયન હતો એટલે અમે સજેસ્ટ કર્યું કે આપણી ‘અતિથી દેવો ભવ’ની પરંપરા છે તો આ ગીત કેવું રહેશે? આટલું કહી તેની પાસે ‘હોઠો પે સચ્ચાઈ રહેતી હૈ’ ગવડાવ્યું. ગાતાં ગાતાં ‘મહેમા જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ.’ એ સમયે તે એટલો ભાવવિભોર થઈ ગયો કે અમને કહે, કે ‘આપકો તકલીફ દેને કે લિયે માફી ચાહતા હૂં.’

દેશ હોય કે પરદેશ, અચાનક આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ધીરજ અને કળથી કામ લેવું પડે. આવા સમયે બાપુજીની શિખામણ અને સલાહ યાદ આવે. નાનપણમાં દુકાને બેસતા ત્યારે બાપુજી કહેતા, ‘કસ્ટમર ઇઝ કિંગ. કોઈ પણ ગ્રાહક આપણી દુકાનેથી નારાજ થઈ ન જવો જોઈએ. ‘બસ આ જ સિદ્ધાંત અમે શો બિઝનેસમાં અપનાવ્યો હતો.’

આણંદજીભાઈની વાતોમાં જીવનઘડતરના અનેક પાઠ આપણને શીખવા મળે. હોશિયાર હોવું, સ્માર્ટ હોવું, તે એક વાત છે, પરંતુ મગજ ગુમાવ્યા વિના, મૌલિક બનીને સમસ્યાનો નિવેડો લાવવો તે મહત્વની વાત છે. દરેક નવી સમસ્યા એક નવી ચૅલેન્જ લઈને આવે છે. એને માટે એક જ ફૉમ્યુર્લા કામ નથી કરતી. કહેવાય છે ને કે ‘when going gets tough, tough gets going’ આવી જ એક ઘટનાની યાદ તાજી કરતાં આણંદજીભાઈ કહે છે:

એક સમયે વિનોદ ખન્ના, સંગીતા બિજલાની, ચંકી પાંડે અને બીજા રેગ્યુલર આર્ટિસ્ટ સાથે અમે અમેરિકા શોઝ માટે ગયા હતા. ત્યાંના એક ઑર્ગેનાઇઝરને પૈસા કમાવાની વિચિત્ર આદત હતી. પોતે શો બુક કરે, ઇન્શ્યૉરન્સ કરાવે, અને પછી પોતાના જ માણસો દ્વારા ધમાલ કરાવીને, શો કૅન્સલ કરાવે. પોતાને ઇન્શ્યૉરન્સના પૈસા મળી જાય, પણ આર્ટિસ્ટને પૈસા ન આપે. અમુક સમયે એવું પણ કરે કે મેઇન આર્ટિસ્ટને ક્યાંક રોકી રાખે. મ્યુઝિશિયન્સનાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ શોના સમયે, હોટેલમાંથી ગુમ કરી નાખે. જાણીતા લોકો તેની સાથે શો ન કરે, પરંતુ નવા નવા અનેક ફસાઈ જાય. આ રીતે તેને પૈસા કમાવાની આદત પડી ગઈ હતી.

અમારા ઑર્ગેનાઇઝરની ચૅલેન્જ હતી કે આની સાથે શો કરી બતાવો તો માનું. આપણે તો ચૅલેન્જ સ્વીકારી લીધી. તેની સાથે એક શો નક્કી કર્યો. તેણે જે વૅન્યુ પસંદ કર્યું ત્યાં આર્ટિસ્ટ માટે ડ્રેસ બદલવા માટે સેપરેટ રૂમ નહોતો. અમારા આર્ટિસ્ટ બાથરૂમમાં ડ્રેસ ચેન્જ કરે. સામાન્ય રીતે સમયસર શો શરૂ ન થાય. અમે સમયસર શો શરૂ કર્યો. શરૂઆતમાં સુદેશ ભોસલેની એન્ટ્રી થઈ અને તેણે ધમાલ કરી. ત્રણ-ચાર ગીતો એવાં ગાયાં કે પબ્લિક ખુશ થઈ ગઈ. તેણે લગભગ એક કલાક લોકોને સ્ટેજ પર બોલાવી ડાન્સ કરાવ્યા. એ પછી બીજા આર્ટિસ્ટ આવ્યા. વિનોદ ખન્નાની એન્ટ્રી થઈ ત્યારે લોકો ખુશ થઈ ગયા. આ તરફ ઑર્ગેનાઇઝરને સમાચાર મળ્યા કે શો હિટ થઈ ગયો છે (તે શો જોવા આવ્યો જ નહોતો. તે માનતો હતો કે તેના માણસો થોડી ધમાલ કરશે અને શો ફ્લોપ જશે). આ તરફ અમે એક પછી એક આઇટમ રજૂ કરતા ગયા અને ધીમે ધીમે આર્ટિસ્ટને હોટેલ પર પાછા મોકલી આપ્યા. છેવટે કેવળ મ્યુઝિશિયન્સ પોતાનાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ સાથે સ્ટેજ પર હતા અને હિટ ગીતો વગાડતા હતા. આ તરફ ઑર્ગેનાઇઝર આવ્યો. અમને કહે, ‘તમે તો સમયસર શો શરૂ કરી દીધો.’ અમે તેને અભિનંદન આપતાં કહ્યું, ‘વાહ, શું તમારી અરેન્જમેન્ટ છે.’ એ શું બોલે? દરેકને પેમેન્ટ આપવું પડ્યું. આ તરફ અમારા ઑર્ગેનાઇઝર કિરીટભાઇ કહે, ‘ક્યા બાત હૈ, માન ગયે ઉસ્તાદ.’ અમે એટલું જ કહ્યું, ‘ગમે તેવા કપરા સંજોગોમાં હિંમત ન હારવી જોઈએ.’

કિરીટભાઈ પણ એક કમાલની વ્યક્તિ હતા. કામ કઢાવવાની તેમની અજબની આવડત હતી. ૧૦૦થી ૧૫૦ માણસોનું અમારું ગ્રુપ હોય તેની સગવડ સાચવવી તે ખાવાના ખેલ નહોતા. એની યુક્તિ-પ્રયુક્તિ ગજબની હતી. એલેવેટરની લાંબી લાઇન લાગી હોય તો આઇડિયા કરે. અચાનક ચક્કર આવે છે એમ કહીને પડી જાય એટલે લોકો આઘાપાછા થઈ જાય. લાઇન તૂટી જાય એટલે અમારા ગ્રુપના મૅન આર્ટિસ્ટ લિફ્ટમાં જતા રહે. હોટેલમાં રૂમની કી લેવાની લાંબી લાઇન હોય એટલે રિસેપ્શન ડેસ્ક પર શૅમ્પેનની બૉટલ મૂકીને કહે, ‘આજે અમારા પ્રખ્યાત કળાકારનો બર્થડે છે. સ્ટાફ માટે તેમણે શૅમ્પેનની બૉટલ મોકલાવી છે, પ્લીઝ, તેમની પાર્ટીની તૈયારી કરવાની છે, એમની ફૅમિલીની રૂમ્સ આપી દો ને?’ એટલે ત્રણ ચાર રૂમની ચાવી મળી જાય. તેમની મસ્તી-મજાકના અનેક કિસ્સા છે. એક દિવસ ક્રૉસિંગ પર રેડ લાઇટ હતી અને તેમણે ગાડી ચલાવી. પોલીસે પક્ડયા એટલે બચાવમાં કહે, ‘અમે ઇન્ડિયાથી આવ્યા છીએ. અહીંની સિસ્ટમ સમજાતી નથી. બધું ઊલટું છે. અમે રાઇટ હૅન્ડ ગાડી ચલાવીએ, અહીં લેફટ હૅન્ડ ડ્રાઇવ છે. સ્વિચ પણ નીચે કરીએ તો બંધ થાય. મને એમ કે અહીં રેડ લાઇટ થાય ત્યારે જવાનું હશે. સૉરી, બીજી વાર ભૂલ નહીં થાય.’ તમે માનશો, પોલીસે પેલાએ વૉનિંર્ગ આપી જવા દીધા.

વર્ષો સુધી પરદેશમાં શો કર્યા તે દરમ્યાન અનેક વ્યક્તિઓ સાથે જે અનુભવ થયા, તે આજે યાદ કરું છું ત્યારે ભાવુક બની જવાય છે. એક કાર્યક્રમમાં એક ઇંગ્લિશ મૅન આવીને કહે, ‘My wiશ્e wants to meet your wiશ્e.’ મને નવાઈ લાગી. મોટા ભાગે લોકોની ફરમાઇશ હોય કે અમારે શ્રીદેવી કે રેખાને મïળવું છે. તેમનાં પત્ની એકદમ ગ્લૅમરસ હતાં. અમને મળ્યાં અને મેં કારણ પૂછયું તો કહે, ‘અમે જોઈએ છીએ કે આટલી ગ્લૅમર વચ્ચે તમારાં પત્ની, સીધાંસાદાં, સિમ્પલ સાડીમાં દરેકનું કેટલું ધ્યાન રાખે છે.’ ‘આપણા રીતિ-રિવાજ અને પરંપરાની વાતો સાંભળી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા.

અમે એક નિયમ બનાવ્યો હતો. કોઈ પણ કલાકાર સ્ટેજ શો દરમ્યાન દારૂ ન પી શકે. શરૂઆતમાં લોકોને તકલીફ પડતી, પરંતુ પાછળથી સૌ ટેવાઈ ગયા હતા. રિશી કપૂર પહેલી વાર જ્યારે અમારી સાથે આવ્યા ત્યારે સાઉથ આફ્રિકામાં ઠંડી હતી. ટૂરમાં આવતાં પહેલાં અમે તેમને આ વાત કરી હતી. તો કહે, ‘કોઈ બાત નહીં. મૈ કૅફી પીઉન્ગા પર આપકે સાથ સ્ટેજ શો કરના હૈ.’ જોકે એક બનાવ એવો બન્યો ત્યારે મને અહેસાસ થયો કે કલાકારોના દિલમાં અમારા માટે કેટલું માન છે.

અમેરિકામાં ઓપન ગ્રાઉન્ડમાં એક શો હતો. તે દિવસે ઠંડો પવન ફૂંકાતો હતો. સ્ટેજ પર કલાકારો ધ્રૂજતા હતા. મને થયું કે આજે દવા તરીકે દારૂની જરૂર છે. મેં સામેથી દરેકને ઑફર કરી કે આજે તમે ડ્રિંક લો, હું તમને સર્વ કરીશ, પણ કોઈ માને નહીં. મને કહે, ‘તમે આટલી ઠંડીમાં ડ્રિંક લીધા વિના સ્ટેજ પર ઊભા છો તો અમે કેમ લઈ શકીએ.’ મારી એક વાત તેમણે માની નહીં. આવો આદર અને પ્રેમ નસીબદારને જ મળે.

આ પણ વાંચો : એક તરફ બીમાર પિતા, બીજી તરફ કમિટમેન્ટ, બિગ બીએ આ રીતે સાચવ્યો વાયદો

અમેરિકાની મશહૂર ટી. વી. એશિયા ચૅનલના માલિક એચ. આર. શાહની ઓળખાણ અમારા શો દરમ્યાન થઈ, એક દિવસ અમને હોટેલમાં મળવા આવ્યા. ત્યાં ઇલેક્ટ્રિક સગડી જોઈ એટલે પ્રશ્ન કર્યો. અમે કહ્યું, ‘અમને હોટેલનું જમવાનું માફક નથી આવતું એટલે આના પર ખીચડી બનાવી લઈએ છીએ.’ આ સાંભળી અમને કહે, ‘હવે પછી તમારા માટે ઘરનું જમવાનું મોકલાવીશું.’ ઘણી વખત તો પૂરા ગ્રુપ માટે વેજ ફૂડની વ્યવસ્થા કરતા. તેમના બીજા અનેક બિઝનેસ હતા. દરેક મોટા ફિલ્મસ્ટાર્સ સાથે તેમના સંબંધ, પણ કોઈને ઘેર ન બોલાવે. અમને આગ્રહપૂર્વક તેમના ઘેર બોલાવે. ખૂબ જ સિમ્પલ માણસ. ઍરપોર્ટ પર લેવા આવે તો મારી બૅગ ઊંચકી લે. એક વખત અમારા માટે હોટેલમાં મોંઘામાં મોંઘો રૂમ બુક કરાવ્યો. અમને કહે, ‘તમારી પાસેથી ઘણું શીખવા મળ્યું છે . . . એના બદલામાં આ તો મારી નાનકડી ભેટ છે.’

columnists