એક તરફ બીમાર પિતા, બીજી તરફ કમિટમેન્ટ, બિગ બીએ આ રીતે સાચવ્યો વાયદો

24 March, 2019 03:12 PM IST  |  | રજની મહેતા

એક તરફ બીમાર પિતા, બીજી તરફ કમિટમેન્ટ, બિગ બીએ આ રીતે સાચવ્યો વાયદો

ડાબેથી આણંદજીભાઈ, શાંતાબહેન, અમિતાભ અને જયા બચ્ચન.

વો જબ યાદ આએ

અમેરિકામાં પહેલા શોથી જ કલ્યાણજી-આણંદજીનું નામ થઈ ગયું. પહેલા જ વર્ષે તેમના શોને જે સફળતા મળી તેના પરિણામે દુનિયાભરનાં અનેક શહેરોમાં તેમના શોની ડિમાન્ડ વધી ગઈ. અમિતાભ બચ્ચન સાથેના આ શો; આજે પણ પ્રેક્ષકો અને કલાકારો યાદ કરે છે તે દિવસોને યાદ કરતાં આણંદજીભાઈ કહે છે:

‘અમારા સ્ટેજ શો એક ફૅમિલી પિકનિક જેવા હતા. નાનો, મોટો દરેક કલાકાર અમારી સાથે પરદેશમાં સ્ટેજ શો કરવા માટે આતુર હતો, કારણ કે અમારી સાથે આવેલા લોકો પાસેથી જે કિસ્સાઓ બીજા સાંભળે; ત્યારે તેને એમ જ થાય કે આ ટૂર દરમ્યાન મનોરંજન સાથે જીવનમાં શીખવા જેવું બીજું ઘણું મળશે.’

‘૧૯૯૫માં અમે સાઉથ અમેરિકાની ટૂર પર ગયા હતા. બ્રિટિશ ગુયાનામાં જ્યૉર્જ ટાઉનમાં એક શો હતો. ત્યાં વેજ ફૂડનો પ્રૉબ્લેમ હતો. હોટેલવાળા જે થોડુંઘણું વેજ ખાવાનું બનાવે એ સરસવના તેલમાં બનાવ્યું હોય એટલે બહુ મજા ન આવે. અમે સૌ કંટાળી ગયા. બેત્રણ દિવસ તો જેમ તેમ ચલાવ્યું. મારાં પત્ની દરેક ટૂરમાં અમારી સાથે જ હોય, તે કહે કે અમે રસોઈ બનાવીએ. મેં હોટેલના મૅનેજર સાથે વાત કરી એટલે તેણે કીચનનો અડધો ભાગ અમારા માટે ખાલી કરી આપ્યો. એટલે મારાં પત્ની, મારા કઝિનનાં વાઇફ, સાધના (સરગમ), અલકા (યાજ્ઞિક), ફરાહ ખાન અને ડાન્સર ગ્રુપની લેડીઝ મેમ્બર; દરેકે કિચનનો કબજો લઈ લીધો. પહેલાં તો દરેક વાસણો ઘસી-ઘસીને ધોઈ નાખ્યાં. માર્કેટમાં બાફેલા છોલે મળે તે લઈ આવ્યા. લોટ મળ્યો પણ પૂરી વણવા માટે વેલણ ન મળે. ત્યાં કોઈએ ભેજું લડાવ્યું. બિયરની ખાલી બૉટલને વેલણની જેમ વાપરી. હોટેલનો મૅનેજર આ બધું જોયા કરે. પૂરી તળાઈને ઉપસે એ જોઈ એને બહુ નવાઈ લાગે. એ પૂછે, ‘આમાં ગૅસ કેવી રીતે ભરાયો?’ લોકોને એટલું હસવું આવે કે વાત ન પૂછો. ત્યાં દહીં સરસ મળે. એ ઉપરાંત નારિયેળના પાણીની બૉટલ તૈયાર મળે. એટલે એ પાણી, દહીંમાં નાખી છાશ ‘કચ્છી બિયર’ બનાવીએ. અનિલ કપૂર હાથમાં થાળી લઈ ‘ગરમ પૂરી, ગરમ પૂરી’ બોલતાં બોલતાં દરેકને પીરસે. અનુપમ ખેર અને બીજા પણ કામે લાગી જાય. એક એવું વાતાવરણ હોય કે જાણે પિકનિક પર આવ્યા હોઈએ. સ્વિમિંગ પૂલમાં નહાતાં, નહાતાં, કચ્છી બીયર પીતાં પીતાં, અમે જે જલસા કર્યા છે તે આજ સુધી લોકો ભૂલ્યા નથી.

ત્યાં આગળ ચોખા મળે, પણ તે બહુ જાડા હોય. દરેકને બાસમતી ભાતની આદત હતી. ત્યાંનું ઇન્ડિયન પૉપ્યુલેશન અમિતાભ બચ્ચન પાછળ પાગલ. એ લોકો ઍટોગ્રાફ માટે પડાપડી કરે. અમે એક યુક્તિ કરી. જાહેર કર્યું કે જે વ્યક્તિ એક કિલો બાસમતી ચોખા લઈ આવશે તેને અમિતાભ ઑટોગ્રાફ આપશે. અને જે બે કિલો આપશે તેની સાથે અમિતાભ ફોટો પડાવશે. બસ, પછી તો લાંબી લાઇન લાગી ગઈ. એક પછી એકને આગળ જવા દઈએ. ‘યે એક વાલા હૈ, યે દો વાલા હૈ.’ અને આમ અમારા ૧૦૦ માણસોના યુનિટ માટે ચોખાની વ્યવસ્થા થઈ ગઈ.

આ શોમાં અનેક જાતના અનુભવ થાય. ટ્રિનિડાડમાં એક શો હતો. એક વયસ્ક માણસ વારંવાર સ્ટેજ પર આવીને અમિતાભ બચ્ચન સાથે નાચવા લાગે. થોડી બાલિશ હરકતો કરે; રડવા લાગે. તેની ઉંમરને કારણે સિક્યૉરિટીના માણસોને અમે કહ્યું કે સમજાવટથી કામ લો. આવું બે-ત્રણ વાર થયું એટલે તેનાં પત્ની તેને સમજાવીને નીચે લઈ ગયાં. અમારી માફી માગીને કહે, ‘તેમનું આ વર્તન શા કારણે છે એ તમને શો પૂરો થાય ત્યારે સમજાવીશ.’ મોડી રાતે શો પૂરો થયો એટલે તે અમને કહે, ‘થોડા સમય પહેલાં જ અમારા દીકરાનું અવસાન થયું છે. તે અસલ અમિતાભ બચ્ચન જેવો દેખાતો હતો. જ્યારથી તમારા શોનું નક્કી થયું ત્યારથી અમે તમારી સૌની રાહ જોતા હતા. પ્લીઝ, તમે અમારા ઘેર આવો તો અમારા જીવને શાંતિ મળશે. ‘મેં અમિતાભ બચ્ચનને આ વાત કરી. ખૂબ થાકેલા હોવા છતાં; એક મા-બાપના સેન્ટિમેન્ટને માન આપી તેમણે હા પાડી. લગભગ એક કલાકની ડ્રાઇવ પછી અમે તેમના ઘેર પહોંચ્યા. તેમના પુત્રનો ફોટો જોયો તો ડુપ્લિકેટ અમિતાભ બચ્ચન જેવો. ત્યાં તેમણે અમારી ધામધૂમથી આગતાસ્વાગતા કરી, ગીતો ગાયાં. ‘આજ મેરા બેટા વાપસ આયા’ પોતના હાથે અમિતાભ બચ્ચનને જમાડ્યા. તેમની ખુશીનો પાર નહોતો. અમિતાભ બચ્ચનની માનવીય સંવેદનાનું એક અલગ પાસું તે દિવસે જોવા મળ્યું.

લંડનમાં એક શો હતો. અમે જે હોટેલમાં ઊતર્યા હતા તેની નીચે એક ફલાવર શૉપ હતી. અમિતાભ બચ્ચન ફૂલોના શોખીન છે. એક દિવસ શૉપમાં જઈને ફૂલ જોતા હતા. જોતાં જોતાં એક નવી ટાઇપનું ફૂલ જોયું એટલે તેમણે હાથમાં લીધું. આ જોઈ માલિક ગુસ્સે થયો અને તેણે કહ્યું, ‘ડોન્ટ ટચ માય ફલાવર’ સૉરી એટલું કહી, બીજું કંઈ પણ બોલ્યા વિના અમિતાભ બચ્ચન ત્યાંથી નીકળી ગયા. ઉપર જઈને મૅનેજરને કહ્યું કે બહારની શૉપમાં જેટલાં ફૂલ છે તે ખરીદીને પોતાની રૂમમાં મોકલાવી દે. જ્યારે માલિકને આ વાતની જાણ થઈ કે આ તો ઇન્ડિયન સુપરસ્ટાર છે. ત્યારે ભાગતો ભાગતો ઉપર આવીને માફી માગવા લાગ્યો. ‘સર, આઇ મિસબિહેવડ વિથ યુ’. અમિતાભ બચ્ચને એટલું જ કહ્યું, ‘ભૂલ મારી હતી. તમારી રજા લીધા વિના હું ફૂલને હાથ ન લગાડી શકું.’

અમિતાભ બચ્ચન એક સ્ટાર હતા, પરંતુ દરેક સાથે તે સહજતાથી વર્તન કરતા. પોતે મોટા સ્ટાર છે એ વાતનો તેમણે કદી ભાર રાખ્યો નથી. બોલે ઓછું, પરંતુ તેમની નજર એકદમ ચકોર. એક દિવસ એવું થયું કે મોટા ભાગના આર્ટિસ્ટ અને મ્યુઝિશિયન પ્લેનમાં બેસી ગયા હતા. તે પાછળથી પ્લેનમાં આવે. આવતાં આવતાં દૂરથી જોયું હશે કે અમુક બૅગ્સ હજી ત્યાં જ પડી હતી. મને કહે, ‘આપણો અમુક સામાન હજુ લૉડ નથી થયો.’

વેસ્ટ ઇન્ડિઝ અમે વારંવાર જતા. જોકે અમારી પહેલાં ત્યાં બાબલાભાઈના ઘણા સ્ટેજ શો ત્યાં થયા હતા. તે એટલા ફેમસ હતા કે જ્યારે અમે પહેલાં સ્ટેજ શો ત્યાં કર્યો ત્યારે અમારી અનાઉન્સમેન્ટ એ રીતે થઈ કે ‘હિયર કમ્સ ધ એલ્ડર બ્રધર ઑફ બાબલા, આણંદજી ઍન્ડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન.’ તેમની રિધમના વેસ્ટ ઇન્ડિયન ફૅન્સ દીવાના હતા. એક વાર આવો શો હતો ત્યારે અમિતાભ બચ્ચન કહે, ‘આજ કુછ નયા કરતે હૈ.’ પોતાની આઇટમ રજૂ કરતાં, ગાતાં અને નાચતાં જાય અને એક પછી એક પહેલાં ગૉગલ્સ; પછી માથા પરની હૅટ; પછી કોટ; ઓડિયન્સમાં ફેંકતા જાય, પબ્લિક તો ગાંડી થઈ ગઈ, લોકો સીટ પર ઊભા થઇને નાચે અને કિકિયારી પાડે. કેટલાક તો સ્ટેજ પર ચડવાનો પ્રયત્ન કરતા હતા. અમિતાભ પણ મૂડમાં હતા. અંતમાં તેમણે શર્ટ કાઢીને ફેંક્યું અને પછી તો જે ધમાલ થઈ. થોડી છોકરીઓ, કોણ જાણે કેવી રીતે, સ્ટેજ પર પહોંચીને અમિતાભ બચ્ચનને વળગી પડી. તેમના માટે આ અણધાર્યું હતું. છૂટવાનો પ્રયત્ન કરે, પણ કોઈ છોડે નહી. એકે તો ઝનૂનમાં આવીને તેમના ગળા પર બચકું ભરી લીધું. સિક્યૉરિટીએ મહામુસીબતે તેમનો પીછો છોડાવ્યો. જયા બચ્ચન તો બૅક સ્ટેજમાં આ બધું જોઈને ગભરાઈ ગયાં. પાછળથી અમિતાભને મીઠો ઠપકો આપતાં કહે, ‘અગર દૂસરી બાર ઐસા કરોંગે તો મૈં સ્ટેજ પર જાઉંગી,’ અને આ સાંભળી અમને નવો આઇડિયા આવ્યો. ઘણી વખત જ્યારે અમિતાભ સ્ટેજ પરથી ‘મેરે અંગને મેં’ ગાતા હોય ત્યારે ‘જિસકી બીવી છોટી’ ગાવાનું શરૂ કરતાં પહેલાં જયાને સ્ટેજ પર બોલાવે અને ગીત ગાતાં તેમને ઊંચકી લે. તે દૃશ્ય લોકો માટે અલભ્ય હતું.

જાણકાર લોકો કહે છે કે કલ્યાણજી-આણંદજીના સ્ટેજ શો જેવા સ્ટેજ શો; આજ સુધી થયા નથી અને કદાચ થશે પણ નહીં. કલ્યાણજી-આણંદજીની જોડીએ કિશોરકુમાર અને અમિતાભ બચ્ચન જેવા બે મહારથીઓ સાથે અનેક સ્ટેજ શો કર્યા છે. એક ‘ગાયકીના સુપરસ્ટાર તો બીજા અભિનયના. આ બન્ને સાથે તેમનો નિકટનો સંબંધ હતો. અમિતાભ બચ્ચનની કારકિર્દી ઘડવામાં તેમનો મહત્વનો ફાળો હતો એ વાત આગળ લખી ચૂક્યો છું. સ્ટેજ શો કરતા તે દરમ્યાન તેમના વ્યક્તિત્વના બીજાં અનેક પાસાંનો જે અનુભવ થયો તેની વાત કરતાં આણંદજીભાઈ કહે છે, ‘એક પુત્ર તરીકે અમિતાભ બચ્ચન કેટલા સંવેદનશીલ હતા તેની બહુ ઓછાને ખબર છે. એક સમય એવો હતો કે તેમના પિતા હરિવંશરાય બીમાર હતા. આ તરફ સળંગ દોઢ મહિનો અમારે અમેરિકા અને કૅનેડામાં શો કરવાના હતા. તેમનો જીવ મુંબઈમાં હતો. કમીટમેન્ટના પાક્કા એટલે શો કૅન્સલ ન કર્યા. વીકએન્ડમાં શુક્ર, શનિ અને રવિવારના શો કરી મુંબઈ જવા રવાના થઈ જાય. ગુરુવારે મુંબઈથી નીકળી શુક્રવારે પાછા આવીને વીકએન્ડમાં શો કરે. ક્યાંય જેટ લેગ ન હોય, થાક ન હોય, ફરિયાદ ન હોય. શોમાં દિલથી પર્ફોર્મ કરે. લગભગ છ અઠવાડિયાં સુધી તેમણે આ ક્રમ જાળવી રાખ્યો. તેમની કર્તવ્યનિષ્ઠા માટે માન થાય. તેમની માતાને પણ આટલો આદર આપતાં મેં જોયા છે. આજના જમાનામાં આવું કોણ કરે છે. અમે વખાણ કરીએ તો એટલું જ કહે, ‘બાબુજી કે લિયે કમસે કમ ઇતના તો મૈં કર સકતા હૂં’ ઇસમેં કોઈ બડી બાત નહીં હૈ.’ મને યાદ છે, ‘જે દિવસે તેમના પિતાનું અવસાન થયું ત્યારે સ્મશાનમાં અગ્નિદાહ આપીને તે ભાંગી પડ્યા હતા તે દિવસે જમીન પર બેસીને આંસુ સારતાં અમિતાભ બચ્ચનને મેં જોયા છે.’

આણંદજીભાઈ સાથે ‘ડાઉન મેમરી લેન’ વાતો થતી હોય ત્યારે તેમની સંકટ સમયની સાંકળ એટલે શાંતાબહેન. તેમને વિગતવાર સ્થળ અને સમય સાથે દરેક ઘટના યાદ હોય. કહેવાય છે કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. ઘર હોય કે બહાર, શાંતાબહેન તેમના દરેક કામમાં પોતાની કોઠાસૂઝ વડે આણંદજીભાઈનો જમણો હાથ બનીને ઊભાં હોય. અમારી વાતો લાંબી ચાલે. થોડા થોડા સમયે, ચા અને નાસ્તો આવ્યા જ કરે. વાતોમાં ક્યાં સમય નીકળે તે ખબર ન પડે. જવાનો સમય આવે અને હું રજા લઉં તો કહે,’ જમવાનો સમય થઈ ગયો છે, જમીને જજો. ઘાટકોપર પહોંચતાં હજી કલાક થશે.’ બેત્રણ વખત તો એવું થયું કે જમ્યા પછી પણ વાતોનો દોર એટલો લાંબો ચાલ્યો કે રાતના ૧૧ વાગી ગયા. અમિતાભ બચ્ચનની વાતો ચાલતી હતી એટલે શાંતાબહેન તે દિવસોને યાદ કરતાં કહે છે.

‘મોટા ભાગે જયા બચ્ચન અમારી સાથે ટૂરમાં આવતાં. સ્કૂલમાં વેકેશન હોય તો અભિષેક અને શ્વેતા પણ સાથે હોય. અમિતાભ બચ્ચન એક સંનિષ્ઠ પુત્ર હતા તે સાથે એક પ્રેમાળ પિતા અને કમ્પ્લીટ ફૅમિલી મૅન હતા. એક દિવસ સવારે હોટેલમાં મારી રૂમમાં તેમનો ફોન આવ્યો.‘આપ કે પાસ ઘર કા ખાના હૈ? આજ જયા કા કરવા ચૌથ કા વ્રત હૈ. ઇસ લિયે બાહર કા ખાના નહીં ચલેગા.’ એમને ખબર હતી કે અમે ક્યાંય પણ જઇએ. અમારી સાથે ઘરનો નાસ્તો હોય જ. એ ઉપરાંત દેશ, વિદેશના અનેક ચાહકો, અમને મળવા આવે ત્યારે, પોતાના ઘરની વાનગીઓ લઈને આવે. મોટા ભાગે અમારે હોટેલનું ખાવાનો સમય જ ન આવે. અમારી સાથે એક ઇલેક્ટ્રિક સગડી હોય તેના પર ખીચડી બનાવીએ. દહીં તો દરેક જગ્યાએ મળે. ખાખરા, સેવમમરા, ચણા, અથાણું, આ પૂરતા પ્રમાણમાં હોય એટલે કોઈ ચિંતા ન હોય.’

બોસ્ટનમાં એક શો હતો. તે સમયે પૂરો બચ્ચન પરિવાર અમારી સાથે હતો. એક દિવસ અમિતાભ બચ્ચન આવીને કહે, ‘બચ્ચે રોઝ હોટેલ કા ખાના ખાકે બોર હો ગયે હૈ. ઘર કા ખાના મિલેગા? તેમની સાથે અને જયા સાથે એવો ઘરોબો થઈ ગયો હતો કે નાનીમોટી કંઈ પણ તકલીફ હોય તે અમારી પાસે આવે. બન્નેને એટલી ખાતરી હોય કે અહીં સૉલ્યુશન્સ મળી જશે. અભિષેક બચ્ચન આજે પણ આ વાત ભૂલ્યો નથી. થોડા સમય પહેલાં એક શોમાં અમને મળી ગયો. એક આર્ટિસ્ટ, બીજાને પૂછતો હતો, ‘યાર, લગતા હૈ યહાં ખાને કા કોઈ ઇન્તઝામ નહીં હૈ.’ આ સાંભળીને અભિષેક તરત બોલ્યો, ‘યે કોઈ કલ્યાણજી-આણંદજી કા શો નહીં.’

એક ટૂરમાં એવું થયું કે ઠંડીને કારણે અમિતાભ બચ્ચનને ગળાની તકલીફ ઊભી થઈ ત્યારે તેમને તજ, લવિંગ અને મસાલો નાખીને દૂધ વિનાનો દેશી કહાવો પીવડાવ્યો હતો. એનાથી કફ શરદી મટી ગયાં હતાં. ત્યાર બાદ, જ્યારે શો હો ત્યારે થરમૉસમાં આ કહાવો હું સાથે જ રાખું. અવાજની જરા પણ તકલીફ હોય તો અમિતાભ બચ્ચન તરત પૂછે, ‘ભાભી, કાઢા મિલેગા?’ માથાની, પેટની કોઈ પણ જાતની બીજી તકલીફ હોય, તો હું સૂંઠનો લેપ બનાવી આપું. આ બધી આમ તો નાની વાત છે, પરંતુ અમારી સાથે તેમની અને જયાની જે આત્મીયતા હતી તે આજે પણ બરકરાર છે.’

આ પણ વાંચો : જ્યારે અમિતાભ પર ફેંકાયા ઈંડા, ટમેટાં

‘એક સુપરસ્ટાર હોવા છતાં, અમિતાભ બચ્ચન હંમેશાં કલ્યાણજીભાઈને ખૂબ જ માન આપતા. આજે પણ જ્યારે મુલાકાત થાય ત્યારે તેમને યાદ કરતાં કહે, ‘ભાઈ કી બહુત યાદ આતી હૈ.’ પેડર રોડ પર, લતા મંગેશકરના ઘરની નજીક કલ્યાણજીભાઈના નામનો ચોક બનાવ્યો છે. તેના ઉદ્ઘાટનમાં વહેલી સવારે પહોંચી ગયા હતા. તેમનાં માતાજી તેજી બચ્ચનના નિધન વખતે અમે ત્યાં ગયા તો મને જોઈ ગળગળા થઈ ગયા. ‘બસ, અબ આપ હી માં કી જગહ હો.’ તેમને ત્યાં અંગત પ્રસંગ હોય ત્યારે અચૂક અમને બોલાવે. ફોન પર એટલું જ કહે, ‘સિર્ફ ઘર કે લોગો કો હી બુલાયા હૈ.’ દીકરી શ્વેતાનું વેવિશાળ હતું ત્યારે તેમના ઘેર, અમારા સિવાય ઇન્ડસ્ટ્રીના કોઈને આમંત્રણ નહોતું. એક અવૉર્ડ ફંકશનમાં અવૉર્ડ લઈને સ્ટેજ પરથી નીચે ઊતરીને અમને પગે લાગ્યા ત્યારે સૌ જોતા રહી ગયા હતા. તેમના જેવો ઉમદા મનુષ્ય ભાગ્યે જ કોઈ જોવા મળે.’

amitabh bachchan columnists weekend guide