વિજુ શાહે હાર્મોનિયમ પર નાગિનની ધૂન વગાડીને વાહ-વાહ મેળવી હતી

03 March, 2019 02:12 PM IST  |  | રજની મહેતા

વિજુ શાહે હાર્મોનિયમ પર નાગિનની ધૂન વગાડીને વાહ-વાહ મેળવી હતી

સ્ટેજ-શોમાં હાર્મોનિયમ વગાડતા (જમણે) વિજુ શાહ અને (ઊભેલા) અમીન સયાની, કલ્યાણજીભાઈ અને બાબલા

વો જબ યાદ આએ

લગ્ન બાદની પહેલી સવારે ઊઠીને બકો તેની બાને પ્રશ્ન કરે છે, ‘મારા બેડરૂમમાં પેલી અજાણી છોકરી શું કરે છે?’

જવાબ મળ્યો, ‘એ તો તારી વહુ છે. કાલનો મેકઅપ તેના ચહેરા પરથી ઊતરી ગયો છે એટલે તને અજાણી લાગે છે.’

વૉટ્સઍપ પર વાંચેલી આ મજાક આમ તો ક્રૂડ છે, પણ ‘રીડ બિટ્વીન ધ લાઇન્સ’ સમજાય તો હકીકતનો ઇનકાર ન થઈ શકે. સાવ સીધીસાદી સ્ત્રી માયરામાં વધારે સુંદર લાગે છે જો તેણે યોગ્ય માત્રામાં શણગાર કર્યો હોય તો. જીવનનાં અનેક ક્ષેત્રોમાં પ્રમાણભાનમાં થતો અતિરેક ખટકતો હોય છે. સંગીત પણ એમાંથી બાકાત નથી. સંગીતકાર સચિન દેવ બર્મન હંમેશાં કહેતાં, ‘એક ગીતને સુરીલું બનાવવા માટે જરૂરતથી વધારે વાજિંત્રોની જરૂર નથી. આજકાલ હેવી ઑર્કેસ્ટ્રાનું ચલણ વધતું જાય છે. એક સ્ત્રીને સુંદર બનાવવા માટે જે આભૂષણો અનિવાર્ય છે એનો ઉપયોગ સમજી શકાય, પરંતુ તેના કપાળે એક નાની બિંદીની જગ્યાએ થાળી જેવડો મોટો ચાંદલો કરો તો શું થાય એની સમજ હોવી જોઈએ.’

ફિલ્મસંગીતમાં ગીતને સુંદર બનાવવામાં (જે બેઝિક ધૂન બની છે એને સ્વરોથી શણગારવામાં) સંગીતકારની સાથે તેમના અસિસ્ટન્ટ અને અરેન્જરનો મહત્વનો ફાળો હોય છે. આ બન્નેના કામ વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે. મોટા ભાગના સફળ સંગીતકારો એ વાતનો સ્વીકાર કરે છે કે તેમની સફળતામાં તેમના અસિસ્ટન્ટનું મહત્વનું યોગદાન છે. સમય જતાં આ અસિસ્ટન્ટો પોતે જ એક સફળ સંગીતકાર બન્યા હોય એવા અનેક દાખલા છે. સંગીતકાર હેમંતકુમાર તેમની સાથે કામ કરતા કલ્યાણજીભાઈને કહેતા, ‘અબ મુઝે લગતા હૈ કિ તુમ્હે અકેલે સંગીત દેના ચાહિએ.’ અપવાદરૂપે એમ પણ બન્યું છે કે અમુક અસિસ્ટન્ટ-અરેન્જર સ્વતંત્ર સંગીતકાર તરીકે લોકપ્રિય નથી થયા. સામા પક્ષે એમ પણ બન્યું છે કે અમુક અસિસ્ટન્ટ-અરેન્જર તેઓ જેમની સાથે કામ કરતા હતા એ સંગીતકારો કરતાં વધુ લોકપ્રિય બન્યા હોય.

આ ભૂમિકા બાંધવાનું કારણ એટલું જ કે સંગીતકાર કલ્યાણજી-આણંદજીના અસિસ્ટન્ટ તરીકે એકથી વધુ મ્યુઝિશ્યન્સે કામ કર્યું છે. આ વિશે વાત કરતાં આણંદજીભાઈ કહે છે, ‘ગીતની ધૂન તૈયાર થઈ જાય પછી અમે અસિસ્ટન્ટ સાથે બેસીને ડિસ્કસ કરીએ કે આ ગીતની શું સિચુએશન છે? કયાં અને કેટલાં વાજિંત્રોનો ઉપયોગ કરવાનો છે? પહેલા અંતરા પછીનું મ્યુઝિક, ઇન્ટરલ્યુડ, નોટેશન, હાર્મની અને બીજી બાબતોની ચર્ચા થાય. શરૂઆતમાં સૅબેસ્ટિયન અને જયકુમાર પાર્ટે અમારા અસિસ્ટન્ટ હતા. સૅબેસ્ટિયનની કમાલ એવી હતી કે તે ઘણા સંગીતકારોના અસિસ્ટન્ટ હોવા છતાં દરેક ગીતને એવી રીતે સજાવતા જેનાથી જે-તે સંગીતકારની અલગ ઓળખ જળવાઈ રહે. ત્યાર બાદ લક્ષ્મીકાંત અને પ્યારેલાલ અમારી સાથે જોડાયા. સમય જતાં બાબલા જોડાયા જે ખાસ રિધમ સેક્શન સંભાળતા. ફ્રૅન્ક ફર્નાડ, અનિલ મોહિલે, કેરસી લૉર્ડ આ દરેકે અમારી સાથે કામ કર્યું છે અને લાસ્ટ બટ નૉટ લીસ્ટ, કલ્યાણજીભાઈના પુત્ર વિજુ અમારી સાથે જોડાયા. હકીકતમાં વિજુને મેં જ્યારે નાનપણમાં હાર્મોનિયમ વગાડતાં જોયો ત્યારે જ મેં કલ્યાણજીભાઈને કહ્યું હતું કે જે રીતે તેની આંગળીઓ ફરે છે એ બતાવે છે કે તે મોટો થઈને સફળ મ્યુઝિશ્યન બનશે.’

સમય આવ્યે આણંદજીભાઈની ભવિષ્યવાણી સાચી પડી. વિજય શાહને સંગીતની દુનિયા વિજુ શાહ તરીકે જાણે છે. વર્ષો સુધી કલ્યાણજી-આણંદજીના અસિસ્ટન્ટ તરીકે કામ કર્યા બાદ ફિલ્મ ‘ત્રિદેવ’થી તેમની અલગ ઓળખ બની. એક પુત્ર તરીકે તેમના સંગીતકાર પિતા કલ્યાણજીભાઈનાં સ્મરણો કેવાં છે એ જાણવા હું તેમના મ્યુઝિકરૂમ પર ગયો. પિતા-પુત્રના અંતરંગ સંબંધો અને બંધનોની સાથે વિજુ શાહની સંગીતયાત્રાની આ રસપ્રદ વાતો તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે...

***

આમ જુઓ તો નાનાપણથી મેં સંગીતની એવી કોઈ પદ્ધતિસરની તાલીમ નહોતી લીધી. હા, પપ્પાની એવી ઇચ્છા ખરી કે પાંચ દીકરામાંથી એકાદ દીકરો પણ જો સંગીતના ક્ષેત્રમાં આવે તો સારું. ઘરમાં સંગીતનું વાતાવરણ હતું એટલે સૂર સાથે જાણે-અજાણે ક્યારે નાતો બંધાયો એની ખબર નથી. મને હાર્મોનિયમ વગાડવું ગમતું. એ સમયે મનમાં એવો કોઈ વિચાર નહોતો કે મોટા થઈને સંગીતના ક્ષેત્રે જ આગળ વધવું છે. ત્યારે ખ્યાલ નહોતો કે સંગીત જ મારી ડેસ્ટિની છે.

૧૯૬૫માં ‘હિમાલય કી ગોદ મેં’ માટે સિને મ્યુઝિક ડિરેક્ટર અસોસિએશનનો અવૉર્ડ કલ્યાણજી-આણંદજીને મળ્યો હતો. એ ફંક્શનમાં ઇન્ડસ્ટ્રીના બધા સંગીતકારો હાજર હતા. હું પૃથ્વીરાજ કપૂરના ખોળામાં સૂઈ ગયો હતો. ત્યાં મને ઉઠાડ્યો અને સ્ટેજ પરથી મેં નાગીનનું બીન વગાડ્યું. મને ખૂબ તાળીઓ મળી. લોકોની વાહ-વાહ સાંભળી, પણ મને સમજણ નહોતી કે એ મારા માટે હતી. એ મારો પહેલો સ્ટેજ-પર્ફોર્મન્સ હતો. એ સમયે હું પાંચ-છ વર્ષનો હોઈશ એટલે હાર્મોનિયમની ધમણ બીજું કોઈ દબાવતું હતું. એ પછી ઘણા સ્ટેજ-શોમાં હાર્મોનિયમ પર હું આ ધૂન વગાડતો. થોડાં વર્ષો બાદ સિને મ્યુઝિશ્યન્સ અસોસિએશનની હડતાળ પડી ત્યારે રેકૉર્ડિંગ માટે મ્યુઝિશ્યન્સ મળતા નહોતા. એ સમયે નૌશાદ, સી. રામચન્દ્ર, શંકર-જયકિશન અને બીજા સંગીતકારોએ પૅરૅલલ ગ્રુપ ‘બ્યુરો’ બનાવ્યું જેમાં નવા મ્યુઝિશ્યન્સ એન્રોલ થતા હતા. ત્યાં આ દિગ્જ્જો સામે મેં નાગીનની ધૂન અને ક્લાસિક્લ ધૂન વગાડી. આ સાંભળીને મજાકમાં એ લોકો કહેતા કે દેખો, એક ઔર મ્યુઝિશ્યન આ ગયા.

આમ ૧૧-૧૨ વર્ષનો હોઈશ ત્યારે મારી સંગીતની ખરી તાલીમ શરૂ થઈ. રામપ્રસાદ શર્મા (સંગીતકાર પ્યારેલાલના પિતા)ને ત્યાં હું શીખવા જતો. તેમની અગાસીમાં ટાંકી પર મારા જેવા અનેક છોકરાઓ પ્રૅક્ટિસ કરતા હોય. દરેક પાસે તે મારાં વખાણ કરતા : દેખો, નયા લડકા આયા હૈ, અચ્છા બજાતા હૈ.

૧૯૭૪માં સિન્થેસાઇઝર (કી બોર્ડ) માર્કેટમાં આવ્યું. મને એનો સાઉન્ડ એટલો ગમ્યો કે અમે એ ખરીદી લીધું. હું એ સમયે પોપટની જેમ વગાડતો, પણ એમાંથી જે અવનવા સાઉન્ડ આવતા એ મને રોમાંચિત કરી દેતા.

પપ્પા મને કહેતાં કે તારે અલગ-અલગ લોકો પાસેથી નવી-નવી ટેક્નિક શીખવી જોઈએ જેથી અમારી જેમ કોઈના પર આધાર ન રાખવો પડે. હું ઉસ્તાદ પાસે હાર્મોનિયમની તાલીમ લેવા જતો. સની કેસ્ટોલિન નામના એક પિયાનિસ્ટ હતા. સવારના સાત વાગ્યે છેક બાંદરા તેમની પાસે પિયાનો શીખવા જતો. તેમના મોંમાંથી દારૂની એટલી વાસ આવતી કે વાત ન પૂછો. મેં પપ્પાને ફરિયાદ કરી કે મને નહીં ફાવે. તેમણે જે શિખામણ આપી એ આજ સુધી ભૂલ્યો નથી. તેમણે કહ્યું, ‘જો આપણે તેમની પાસેથી કંઈ લેવાનું છે. તે જે આપે એ લઈ લે. બીજી વાત ભૂલી જા. થોડી અગવડ વેઠીને જે મળશે એ બહુ મૂલ્યવાન છે.’

તેઓ હંમેશાં કહેતાં કે દરેકમાં કશું પૉઝિટિવ હોય છે અને કશું નેગેટિવ, આપણે કેવળ પૉઝિટિવ જોવાનું અને લેવાનું.

સૌથી પહેલી વાર ફિલ્મો માટે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક-પીસ મેં ફિલ્મ ‘હરિ-દર્શન’માં વગાડ્યો. બન્યું એવું કે નવરંગ સ્ટુડિયોમાં રેકૉર્ડિંગ હતું. કેરસી લૉર્ડનો માણસ સિન્થેસાઇઝર લઈને આવી ગયો હતો, પરંતુ કેરસી લૉર્ડ ન આવી શક્યા એટલે પપ્પાએ મને કહ્યું કે તું વગાડ. આમ મારી શરૂઆત થઈ. એ પછી ૧૫ વર્ષની ઉંમરે ડૉનના ‘યે મેરા દિલ, પ્યાર કા દીવાના...’માં એક સોલો પર્ફોર્મર તરીકે મને મોકો મળ્યો. એ દિવસે કેરસી લૉર્ડ અને બીજા દિગ્ગજ મ્યુઝિશ્યન્સ મને જોતા હતા કે આ છોકરો કેવું વગાડશે.

આમ એક મ્યુઝિશ્યન તરીકેની મારી સફર શરૂ થઈ. ઓ. પી. નૈયર, આર. ડી. બર્મન, લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ, આનંદ-મિલિન્દ અને બીજા અનેક સંગીતકારો સાથે મેં કામ કર્યું છે. પપ્પા એક રીતે ખુશ હતા કે હું મારા ફીલ્ડમાં આગળ વધતો હતો અને તેમની સાથે એક અસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. એમ છતાં તેમની એક ફરિયાદ રહેતી. મને ડિરેક્ટર ન કહે પણ મમ્મીને કહે, ‘વિજુ મારી સાથે (શીખવા) બેસતો નથી. મારે સંગીતની બીજી અનેક બારીકીઓ તેને શીખવવી છે.’

કોઈ વખત તેમને હું કહેતો, ‘આઇ હૅવ અ રાઇટ ટુ બી ડિફરન્ટ.’ અને એ વાતનો ત્ોઓ સ્વીકાર કરતા. એ સમયે યુવાનીનો નશો હતો. ફિલ્મ-સંગીતની પૅટર્ન બદલાતી હતી. ઍક્શન ફિલ્મોનો દોર શરૂ થયો હતો. એ દિવસોમાં બાબલા કાકા રિધમ સેક્શન સંભાળતા. અમારી ટીમે કલ્યાણજી-આણંદજીના સંગીતને મૉડર્ન ટચ આપ્યો એની ખુશી પપ્પાને હતી.

***

વિજુભાઈની વાતો સાંભળતાં મને રજનીશજીની એક વાત યાદ આવી ગઈ. તે કહેતા, ‘મા-બાપ હંમેશાં એમ ઇચ્છતાં હોય કે પોતાનાં સંતાનો પોતાની કાર્બન કૉપી જેવાં હોવાં જોઈએ. આ અપેક્ષા જ દુ:ખનું કારણ બને છે. ઈશ્વરે દરેક વ્યક્તિને પોતાનું અલગ વ્યક્તિત્વ આપ્યું છે. બાળકો પોતાનો માર્ગ પોતે જ નક્કી કરશે. પોતાની ઇચ્છાઓ અને માન્યતા બાળકો પર લાદવાની ભૂલ સમજદાર માણસો કદી કરતા નથી.’

મા-બાપે સંતાનોને ઊડતાં શીખવીને આસમાનમાં છૂટાં મૂકી દેવાં જોઈએ. જીવનમાં એક તબક્કો એવો આવે છે જ્યારે પિતાને અધિકાર અને પુત્રને હક જોઈતો હોય છે. એમ કહેવાય છે કે Adults are mostly outdated children. કલ્યાણજીભાઈ રજનીશના મોટા ચાહક તો હતા જ, સાથે તેમની વિચારસરણી સંકુચિત નહોતી. તેઓ માનતા કે સંતાનોને ખૂલવામાં અને ખીલવામાં શક્ય એટલો સહયોગ આપવો જોઈએ. આ જ કારણે વિજુ શાહ પોતાની અલગ ઓળખ બનાવવામાં કામિયાબ રહ્યા.

***

ફિલ્મ ‘ત્રિદેવ’ વિજુ શાહના જીવનનો ટર્નિંગ પૉઇન્ટ હતો. એ સમયને યાદ કરતાં વિજુ શાહ કહે છે, ‘ફિલ્મ ‘યુદ્ધ’માં ૧૯૮૫માં કલ્યાણજી-આણંદજીનું સંગીત હતું. પ્રોડ્યુસર ગુલશન રાયના પુત્ર રાજીવ રાય એના ડિરેક્ટર હતા. અમે બન્ને સરખી ઉંમરના એટલે અમારું ટ્યુનિંગ સારું હતું. ગીતના સીટિંગ માટે હું કી-બોર્ડ લઈને તેની સાથે બેસું. તેનું સાંભળવાનું મૉડર્ન. તે નજીકમાં જ રહે એટલે અમે ઘણી વાર રાતના બેસીએ. હું રિધમ બૉક્સ લઈને નવા સાઉન્ડ સાથે ધૂન સંભળાવું. એક ધૂન તેને ખૂબ ગમી. એ ધૂન પરથી આધારિત એક ફાઇનલ ધૂન બની અને અમિતકુમાર અને અલકા યાજ્ઞિકના સ્વરમાં એ ગીત રેકૉર્ડ થયું. ‘ડંકે પે ચોટ પડી હૈ, સામને ફૌજ ખડી, યુદ્ધ કર.’

એ પછી ફિલ્મ ‘ત્રિદેવ’ (૧૯૮૯)માં ફરી એક વાર અમારી ટીમ બની. રાજીવ રાય કહે, ‘તુ ગાના બના, પપ્પા કો સુનાએંગે.’ એ સમયે મારા મનમાં મ્યુઝિક-ડિરેક્ટર બનવાનો કોઈ વિચાર નહોતો. ‘મૈં તેરી મહોબ્ાત મેં, પાગલ હો જાઉંગા...’ની ધૂન મેં બનાવીને પપ્પાને સંભળાવી. તેમણે કહ્યું, ‘સારી છે. આમાં આટલો ફેરફાર કર’ એમ કહીને એક-બે ચેન્જિસ સજેસ્ટ કર્યા. મેં જોયું કે ગીતનો કલર ઔર રોમૅન્ટિક અને મેલડિયસ થઈ ગયો. અમે આ ગીત મોહમ્મદ અઝીઝ અને સાધના સરગમના અવાજમાં રેકૉર્ડ કર્યું. આ ફિલ્મનાં ગીતોમાં મારો મહત્વનો ફાળો હતો એટલે રાજીવ કહે કે આ ફિલ્મના સંગીતકાર તરીકે સ્ક્રીન પર તારું નામ આવવું જોઈએ. મેં કહ્યું, ‘મને કંઈ ફરક પડતો નથી. મારું નામ આવે કે ન આવે.’ તેણે પપ્પા સાથે વાત કરી. તેમને કોઈ વાંધો નહોતો. જોકે છેવટે ટાઇટલમાં સંગીતકાર તરીકે કલ્યાણજી-આણંદજીનું નામ આવ્યું અને ‘મ્યુઝિક કન્ડક્ટેડ બાય વિજુ શાહ’ કહીને મને ક્રેડિટ આપવામાં આવી. રાજીવનું કહેવું હતું કે વિજય નામ ઇન્ડસ્ટ્રીમાં ઘણું કૉમન છે અને દરેક મને વિજુ કહીને બોલાવતા એટલે વિજય શાહને બદલે વિજુ શાહ લખાય તો એ થોડું અલગ અને મૉડર્ન લાગશે.’

બીજી એક ઘટના એ બની કે સેન્સર બોર્ડે ‘ત્રિદેવ’ને પાસ કરવાને બદલે રિવિઝન કમિટીમાં મોકલી આપી. રિલીઝની તારીખ ફિક્સ થઈ ગઈ હતી, પરંતુ હવે રિલીઝ લંબાઈ ગઈ. આ દરમ્યાન રેકૉર્ડ માર્કેટમાં આવી ગઈ અને ફિલ્મનું મ્યુઝિક હિટ થઈ ગયું. જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે જબરદસ્ત હિટ ગઈ. દરેક મને અભિનંદન આપતાં કહે, ‘વાહ, કમાલ કા મ્યુઝિક દિયા હૈ.’ મારો પ્રતિભાવ હતો. ‘આ તો સંગીત હિટ થયું એટલે. બાકી જો નિષ્ફળ ગયું હોત તો લોકો ગાળો આપત.’ જીવન પ્રત્યે મારો અભિગમ એકદમ ફિલોસૉફિકલ છે. સફળતા, નિષ્ફળતા, આ બધું નસીબની વાત છે. બસ, આપણે મહેનત કરવાની. ક્યારે કંઈ ચીજ ચાલશે અને કંઈ નહીં, એની કોઈને ખબર નથી.

આમ જુઓ તો સ્વતંત્ર સંગીતકાર તરીકેની મારી પહેલી ફિલ્મ હતી ૧૯૯૦માં ‘મુકદ્દર કા બાદશાહ’. એ સમયે મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે આવનારા દિવસોમાં મારાં સ્વરબદ્ધ થયેલાં ગીતો ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવશે. કલ્યાણજી-આણંદજી પૅટર્નથી અલગ પ્રકારનું સંગીત આપીને મારી એક અલગ ઓળખ બની એ માટે પપ્પાનું, બાબલાકાકાનું અને આણંદજીકાકાનું જે યોગદાન હતું એ ઋણ હું કદી નહીં ભૂલું. નાનો હતો ત્યારે મોટા ભાઈ દિનેશ હાર્મોનિયમ વગાડતા. તેમનાં વખાણ થાય એટલે ચડસાચડસીમાં મેં પણ શરૂ કર્યું. પહેલાં હાર્મોનિયમ પર હું પર્ફોર્મ કરતો. ૧૯૭૪માં બાબલાકાકા સાથે સ્ટેજ-શો કરવા વેસ્ટ ઇન્ડીઝ ગયો હતો. ત્યાં તેમણે મને પહેલી વાર કી-બોર્ડપ્લેયર તરીકે ઇન્ટ્રોડ્યુસ કર્યો. મને કહે, ‘તારે હવે આના પર ધ્યાન આપવાનું છે.’ તે મને ખૂબ પ્રોત્સાહન આપતા. આણંદજીકાકા મને ફિલ્મોના બૅકગ્રાઉન્ડ મ્યુઝિક માટે સાથે રાખતા અને એની બારીકીઓ શીખવતા. તેમની પાસેથી ઝીણી-ઝીણી ટેક્નિક શીખવા મળી. આજે જે કંઈ નામ મળ્યું છે એની પાછળનાં ત્રણ મુખ્ય કારણ છે પપ્પાનો મારા પરનો ભરોસો, બાબલાકાકાનું પ્રોત્સાહન અને આણંદજીકાકાનું ગાઇડન્સ.

આ પણ વાંચો : કલ્યાણજી આણંદજી: પરિવાર સાથે સમય વિતાવવા શશી કપૂર કદી રવિવારે શૂટિંગ નહોતા કરતા

અહીં મને આણંદજીભાઈએ કહેલી વાત યાદ આવે છે. તેમણે મને કહ્યું હતું, ‘વિજુની સફળતાએ અમને એક વાતનો સંતોષ અને આનંદ આપ્યો કે પરિવારની સંગીતની પરંપરા આગળ વધશે. સમય, સંગીત અને સંજોગ એવા હતા કે અમે નક્કી કર્યું કે આપણો સમય પૂરો થયો. હવે આપણે ખસી જઈને નવી પેઢીને રસ્તો આપવો પડશે. લોકોનો ટેસ્ટ અને માગણી બદલાયાં હતાં. આવું પહેલેથી થતું આવ્યું છે. અમે નવા હતા ત્યારે અમે પણ નવા સાઉન્ડ, નવી ટેક્નિક લઈને આવ્યા હતા. પરિવર્તન તો સંસારનો નિયમ છે. સંગીતકાર તરીકે વિજુની સફળતા અમારે માટે ગર્વનો વિષય હતો.’

columnists