કલ્યાણજી-આણંદજી પાસે હ્યુમન ઑર્કેસ્ટ્રા કન્ડક્ટ કરવાની પણ કાબેલિયત હતી

07 April, 2019 03:30 PM IST  |  | વો જબ યાદ આએ - રજની મહેતા

કલ્યાણજી-આણંદજી પાસે હ્યુમન ઑર્કેસ્ટ્રા કન્ડક્ટ કરવાની પણ કાબેલિયત હતી

કલ્યાણજી-આણંદજી

 

 

કલ્યાણજી -આણંદજીના પરદેશના સ્ટેજ શોની વાતો પર એક આખું પુસ્તક થઈ શકે. એ સ્મરણોને વાગોળતાં આણંદજીભાઈ કહે છે, ‘વષો સુધી પરદેશમાં શો કર્યા છે ત્યારે જે અનુભવ થયા છે, લોકોનો જે પ્રેમ મળ્યો છે તે આજે યાદ કરું છું ત્યારે એમ જ થાય કે ઈશ્વરની આવી કૃપા, નસીબદારને જ મળે .’

અમેરિકાના હ્યુસ્ટનમાં અમારો શો હતો. ત્યાં અમારી મુલાકાત એક એવી વ્યક્તિ સાથે થઈ, જેના દાનવીર સ્વભાવ વિશે હું વાત કરીશ તો તમને સાચું નહીં લાગે. અમારો શો પૂરો થયો એટલે સ્ટેજ પર આવ્યા અને દરેક કલાકારને કંઈ ને કંઈ ભેટ આપી. કોઈને વીંટી તો કોઈ ને ચેન, તો કોઈને ઘડિયાળ... આટલી મોંઘી ચીજો આપતા; આવા કોઈ ચાહકને આજ સુધી અમે કે અમારા કળાકારોએ જોયા નથી. આખા ગ્રુપમાં કોઈ બાકી નહોતું, જેને ગિફ્ટ ન મળી હોય. મને કહે, ‘મારે તમને નિરાંતે મળવા હોટેલ પર આવવું છે.’ જયારે હોટેલ પર આવ્યા ત્યારે પત્ની માટે મોંઘી સાડી અને વીંટી લઈને આવ્યા. મને જોઈને ગળગળા થઈને કહે, ‘તમે મારા ભાઈ છો. મારે તમને રાખડી બાંધવી છે.’ આટલું કહી મારા હાથમાં સોનાનું બ્રેસલેટ પહેરાવ્યું. અમે એટલું જ કહ્યું, ‘આટલી મોંઘી ગિફ્ટ ન લેવાય. તમારો સ્નેહ અને અમારા પ્રત્યેની લાગણીની કદર કરીએ છે. ’ તો રડવા લાગ્યા અને કહે, ‘મારે કોઈ ભાઈ નથી. એક બહેનની આ નાની ભેટ તમારે સ્વીકારવી જ પડશે.’

તેમનું નામ હતું લક્ષ્મીબહેન બેચરદાસ ઠક્કર. સ્વભાવનાં એકદમ સંવેદનશીલ. જે કહે એમાં હા પાડવી જ પડે, નહીંતર તેમની આંખમાં આંસુ આવી જાય. બીજે દિવસે સવારે અમારા ૧૫૦ માણસોના ગ્રુપ માટે ઈડલી-ઢોસા લઈને, હોટેલ પર આવી ગયા. આવો નાસ્તો જોઈને સૌ ગાંડા થઈ ગયા. મસ્તીમાં અમિતાભ કહે, ‘દેખતે ક્યા હો, તૂટ પડો.’ એ દિવસે અમિતાભ બચ્ચનથી માંડીને; નાના, મોટા દરેકે દિલથી દબાવીને ખાધું. ત્યાર બાદ તો જ્યારે પણ હ્યુસ્ટનમાં અમારો શો હોય ત્યારે તે આવી જ રીતે અમારી સરભરા કરે. તેમની સખાવતની ત્યાર પછી તો ઘણી વાતો જાણવા મળી. જાણ્યા, અજાણ્યા, કોઈની પણ મદદ કરે. ત્યાંની હૉસ્પિટલમાં જાય અને અજાણ્યા માણસોને પૈસા આપે; જમાડે, આવા જનરસ સ્વભાવની વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે.

એક સમયે અમે ‘લિટલ વન્ડર્સ’ની ટૂર લઈને ગયા હતા. હ્યુસ્ટન માં શો પતાવી; અમારે ફ્લાઇટ પકડી મુંબઈ આવવાનું હતું. ત્યારે મને કહે, ‘બાળકોને મારે ભેટ આપવી છે.’ મેં કહ્યુ , ‘તમે ઑલરેડી ઘણું આપ્યું છે.’ તો કહે, ‘હવે તમે ક્યારે આવશો એ ખબર નથી. મારે બાળકોને કંઈક આપવું છે.’ તે સમયે બાળકોએ અમેરિકામાંથી થોડી ખરીદી કરી હતી એટલે એક્સ્ટ્રા બૅગની જરૂર હતી. મેં તેમને કહ્યુ, ‘જો તમારે કંઈક આપવું જ હોય તો દરેકને એક બૅગ આપો.’ તે રાજી થઈ ગયાં. બીજે દિવસે દરેકને માટે બૅગ લઈ આવ્યાં, જે અવનવી ગિફ્ટથી ભરેલી હતી. મેં કહ્યું, ‘અમારે સામાન ભરવા ખાલી બૅગ જોઈતી હતી. પૂછવું તો હતું?’ આ સાંભળી પાછાં રડવા લાગ્યાં. ‘ભાઈ, ભૂલ થઈ ગઈ.’ તેમના પ્રેમની આગળ તમારું શું ચાલે? આ કેવું ઋણાનુબંધ હશે કે વર્ષો સુધી તેમની સાથે ઘરોબો રહ્યો.

અમેરિકા, ન્યુ જર્સીમાં સ્વામિનારાયણ માટે એક શો કર્યો હતો. શો પૂરો થયો અને એક ભાઈ આવીને કહે, ‘૧૫ -૨૦ માણસો માટે ખીચડી-કઢી લઈને આવ્યા છીએ.’ અમને નવાઈ લાગી, કહે, ‘મને ખબર છે, તમે હોટેલનું ખાતા નથી. એટલે થયું, સાદું તો સાદું, તમને પ્રેમથી જમાડીએ. તમે આટલે દૂરથી અમારે માટે આવ્યા છો; તો અમારું પણ કંઈ કર્તવ્ય હોય ને?’

આવી જ રીતે વેસ્ટ ઇન્ડીઝમાં એક શો હતો. અમે ગ્રુપ સાથે હોટેલમાં બેઠા હતા. દૂર ટેબલ પર એક ભાઈ બેઠા હતા તે આવીને કહે, ‘હું પણ સ્વામિનારાયણમાં માનું છું.’ અમે કહ્યું, ‘આવો સાથે બેસો.’ તો કહે, ‘ના, વર્ષોથી અહીંયાં રહું છું એટલે નૉન-વેજની આદત પડી ગઈ છે. તમારી સાથે બેસવાની લાયકાત નથી. બસ, તમને મળવા આવ્યો. મને બ્લેસિંગ આપો.’ આટલું કહી નીકળી ગયા. પાછળથી ખબર પડી કે અમારા પૂરા ગ્રુપનું બિલ તેમણે ચૂકવી દીધું હતું. આવા અનેક અનુભવ થયા છે. ઈશ્વર પણ એટલો જ મહેરબાન રહ્યો છે. વેસ્ટ ઇન્ડીધમાં એક શો જે દિવસે હતો ત્યારે વરસાદ બંધ થવાનું નામ ન લે. તે દિવસની ફૉરકાસ્ટ એવી હતી કે ઓપન ઍરમાં શો થાય એવી કોઈ શક્યતા નહોતી. આખો દિવસ હોટેલમાં બેસી રહ્યા. સાંજે શોમાં જવા નીકળ્યા. મનમાં ભગવાન પર શ્રદ્ધા હતી. જેવા વેન્યુ પર પહોંચ્યા અને વરસાદ બંધ થઈ ગયો. શો શરૂ થયો અને જેવો શો પૂરો કરી, પૅક-અપ કરી, ત્યાંથી નીકળ્યા અને ધોધમાર વરસાદ શરૂ થયો. આને ઈશ્વરની અસીમ કૃપા સિવાય બીજું શું કહી શકાય?

પરદેસ શો કરવા જઈએ ત્યારે દરેક સમયે નવા નવા કળાકારોને લઈને જઈએ . ૧૯૮૬માં અમેરિકાની ટૂર નક્કી થઇ. અમારા ઑર્ગેનાઇઝર કિરીટભાઈએ ત્યાં શોની જાહેરાત પહેલેથી શરૂ કરી અને ત્યાંના લોકલ ઑર્ગેનાઇઝર્સ સાથે થોડા શો બુક કરી લીધા. તે ટુરમાં રેખા અને અનિલ કપૂર પહેલી વાર અમારી સાથે આવવાનાં હતાં. સંજોગવશાત્ તેમની વર્ક પરમિટમાં થોડા પ્રૉબ્લેમ થયા. આ તરફ શોની ડેટ નજીક આવતી હતી. કિરીટભાઈ કહે, ‘શો કૅન્સલ ન થવા જોઈએ, ઇજ્જતનો સવાલ છે. એક કામ કરો , તમે સૌ કૅનેડા પહોંચો, ત્યાં વર્ક પરમિટની જરૂર નથી. ત્યાંથી અમેરિકાના વિઝાની ટ્રાય કરીશું.’ અમે ટોરેન્ટો પહોંચી ત્યાંના મેપલ લીફ ગાર્ડનમાં શો કર્યો. શો જબરજસ્ત હિટ ગયો. ચાર-પાંચ દિવસ ત્યાં રોકાવું પડ્યું. નસીબજોગે ત્યાંથી અમેરિકાની વર્ક પરમિટ મળી ગઈ. બીજી તકલીફ એ હતી કે અમારી અમેરિકા આવવાની ડેટ ફિક્સ નહોતી એટલે ત્યાંનું થિયેટર બુક નહોતું કર્યું. અમારે મેડિસન સ્ક્વેરમાં શો કરવો હતો, પણ મહિનાઓ સુધી એ બુક હતો, પણ નસીબના ખેલ જુઓ. એક શનિવારે ત્યાં કોઈનો શો કૅન્સલ થયો અને અમને ચાન્સ મળી ગયો . એ પછી અમેરિકામાં બીજા શો થયા. આવી તો અનેક ઘટના છે, જ્યાં આપણે ધાર્યું ન હોય, ત્યારે આપણું કામ સરળતાથી થઈ જાય. આણંદજીભાઈ એક પછી એક સંભારણાં એવી રીતે યાદ કરતા હતા કે જાણે ગઈ કાલની જ ઘટના હોય. એમ કહેવાય છે કે ÒThere is no business like show business.Ó કોઈ પણ ક્ષેત્રમાં, સતત સફળતા મેળવવી, તે મુશ્કેલ કામ છે. એમાં આ તો શો fબઝનેસ હતો. આ ભગીરથ કાર્ય છે. મનુષ્ય ગમે તેટલો પ્રયત્ન કરે, પણ જો ઈશ્વરકૃપા હોય; તો જ આ શક્ય બને, આ બેનો સમન્વય થાય તો જ સફળતા તમારાં કદમો ચૂમતી આવે. સાથે એક ટેૅગ લઈને આવે કે ÒConditions applied.Ó એમાં શરત એ જ હોય કે તમારે વધુ સફળતા સાથે વધુ સંવેદનશીલ બનવું આવશ્યક છે.

આવો જ એક કિસ્સો શૅર કરતાં આણંદૃજી ભાઈ કહે છે, ‘સાઉથ આફ્રિકાના ડર્બનમાં અમે એક રેકૉર્ડ કર્યો છે. એક જ શહેરમાં, લગાતાર ત્રણ દિવસ, અમારા શો હાઉસફુલ ગયા છે. લગભગ ૧૦૦૦૦થી વધુની કૅપેસિટી ધરાવતું વેન્યુ ઓવરફલો થાય એ જોવા જેવું હતું. સમુદ્રને કાંઠે સ્ટેજ બનાવ્યું હતું અને આગળ, પાછળ, જ્યાં જગ્યા મળે ત્યાં લોકો ઊભા હતા. જે દિવસે અમે પાછા ફરવાના હતા, તે દિવસે સવારથી હોટેલની બહાર; અસંખ્ય લોકો કળાકારોને જોવા અને મળવાની રાહ જોઈને ઊભા હતા. અમે હોટેલની લૉબીમાં આવ્યા અને બહાર જોયું તો કેટલીયે માતાઓ નાનાં છોકરાંઓને તેડીને ઊભી હતી. આ જોઈ અમે બિસ્કિટ, ચૉકલેટ અને બીજો નાસ્તો તેમને આપ્યો. જતી વખતે તે સૌની આંખમાં આંસુ હતાં, પૂછે કે ક્યારે પાછા આવશો. આ દૃશ્ય જોઈને અમારી આંખો પણ ભરાઈ આવી. વતન થી દૂર રહેતા, અને હિન્દી સંગીતને ચાહતા આવા કદરદાનો જ આપણને જીવતા રાખે છે.’

આણંદજીભાઈની વાતો સાંભળીને મને વિચાર આવ્યો કે અલગ અલગ સ્વભાવની , અનેક વ્યક્તિઓને આટલા લાંબા સમય સુધી પરદેશ ટૂર પર લઈ જવાનું કામ સહેલું નથી. કલ્યાણજી-આણંદજીની જોડી એ સંગીતકાર તરીકે, મ્યુઝિકલ ઇન્સ્ટ%મેન્ટની ઑર્કેસ્ટ્રા અનેક વાર કન્ડક્ટ કરી હશે, અહીં તો હ્યુમન ઑર્કેસ્ટ્રાને કન્ડકટ કરવાની વાત હતી. મોટા કલાકારોના મૂડને સાચવવાના, મ્યુઝિુશયન્સની નાની-મોટી ડિમાન્ડ હોય, બીજા પ્રૉબ્લેમ હોય. આ વસ્તુ કેવી રીતે હૅન્ડલ કરતા હશે એ પ્રશ્નના જવાબમાં આણંદજીભાઈ કહે છે:

અમારી સાથે એક વખત કોઈ ટૂરમાં આવે, એટલે તેને ખબર હોય કે અહીં નખરાં નહીં ચાલે ... એક ટૂરમાં અમારો બૅગેજ લેટ આવ્યો. એક ફીમેલ સિંગર કહે, ‘આ શોમાં જે ડ્રેસ પહેર્યો છે તે બીજા શોમાં કેવી રીતે પહેરાય.’ અમે કહ્યું, ‘હવેનો શો બીજી જગાએ છે, ત્યાંના લોકોને શું ખબર પડે કે તે એક જ ડ્રેસ પહેર્યો છે.’’ તેનીમાં સાથે આવી હતી . તેણે ડિમાન્ડ કરી કે નવો ડ્રેસ જોઈએ છે. અમે દાદ ન આપી, એટલું જ કહ્યુ; ‘ઠીક છે. આજે તમે શોમાં પફૉર્મ ન કરતા.’ તેને લાગ્યું કે આમાં તો મારું જ નુકસાન છે . ચૂપચાપ તે રાજી થઇ ગઈ. આવું જ દારૂની બાબતમાં હતું . અમે દરેકને કહેતા કે દારૂ પીને સ્ટેજ પર આવવાની મનાઈ છે. આ શરત પાળી શકતા હો તો જ આવજો. અમારા મ્યુઝિક રૂમ પર અમે કદી કોઈને ડ્રિન્ક સર્વ નથી કર્યું . અમુક શોખીન વ્યક્તિઓ, ઉપર આવતાં પહેલાં, પોતાની ગાડીમાં જ પૅગ પીને આવતા .. એક મુસ્લિમ કવ્વાલ હતો. એ હલાલ મીટ ખાય. એક દિવસ કહે, ‘અહીં હલાલ મીટ નથી મળતું’, એમ કહી ભૂખ્યો રહ્યો. બે દિવસ પછી જે મળ્યું તે ખાવા લાગ્યો થોડા દિવસ પછી હોમ સિક થઇ ગયો. ગળું ખરાબ છે એમ કહીને સ્ટેજ પરથી ગાયા વિના જતો રહે. અમે એ ગાય એવો કોઈ આગ્રહ ન રાખીએ. દરેકના મૂડને સાચવીએ પણ ખોટો ભાવ ન આપીએ.

લંડનમાં એક શો હતો. તે સમયે ખાલિસ્તાનની ચળવળ ચાલતી હતી. અમને કહેવામાં આવ્યું કે કોઈ એકલા બહાર ન જાય. આ ઉપરાંત, બીજા ઑર્ગેનાઈઇઝર કોઈને કિડનેપ કરે અથવા શોના સમયે થોડા સમય માટે ગાડીમાં લઈ જઈને રોકી રાખે, તો તકલીફ થાય. અમે દરેકને સ્ટ્રીક્ટ વૉર્નિંગ આપી: ‘અમારી પરમિશન વિના કોઈએ હોટેલની બહાર જવાનું નથી.’ અમુક મ્યુઝિશિય્નસ નારાજ થયા. એ લોકો પહેલી જ વાર ફૉરેન ટૂર પર આવ્યા હતા. ગણગણાટ કરે, ‘ઐસા થોડી ચલતા હૈ. હમ પ્રિઝનર નહી હૈ.’ આમ કહીને ‘કેટલાક ખાવા, પીવા, હરવા-ફરવા અને શૉપિંગ કરવા, બહાર નીકળી ગયા . અમને ખબર પડી એટલે ગુસ્સો કર્યો અને ખિજાયા. તેમને સાચા કારણ નહીં ખબર પડી. તે પણ ડરી ગયા અને કહે , ‘અમને પહેલાથી હકીકત જણાવી હોત તો અમે ન જાત . અમે કહ્યું, ‘પહેલાં એટલા માટે ન કહ્યું કે વાત સાંભળી દરેક પૅનિકમાં આવી જાય.’ તેમને સમજાવ્યું કે તમે અમારી સાથે આવો છો એટલે અમારી ફરજ છે કે તમારી સલામતીનું અમારે ધ્યાન રાખવું પડે.

મારી એક ટેવ છે. જે ટૂરમાં જઈએ તે ટૂરની વિગતવાર ફાઈલ બનાવું. કઈ વ્યક્તિ, કઈ હોટેલમાં, કયા રૂમમાં હતી, તેનો પાસપોર્ટ નંબર અને બીજી ડીટેલ હોય. ટૂર પૂરી થયા પછી પણ એ રેકૉર્ડ મારી પાસે હોય. અનિલ કપૂર એક ટૂરમાં અમારી સાથે હતો. મુંબઈ આવ્યા બાદ ચાર-પાંચ મહિના પછી મને કહે, ‘મારી એક ચીજ હું હોટેલમાં ભૂલી ગયો હોઉં એમ લાગે છે. ‘મારી પાસેની ફાઈલમાંથી ડીટેલ લઈ હોટેલમાં ફોન કર્યો તો ત્યાં સુરક્ષિત હતી. એ તો ખુશ થઈ ગયો. કહે. યે તો કમાલ હો ગયા.’

આ પણ વાંચો : કલ્યાણજી-આણંદજી : શોનો નિયમ હતો, કાર્યક્રમ દરમિયાન કોઈ દારુ ન પી શકે

આણંદજીભાઈની આ ટેવનો હું સાક્ષી છું. તેમના ખજાનામાં આજની તારીખે, વર્ષોજૂના અસંખ્ય ફોટોગ્રાફ્સ, સોવિનિયર્સ, ફોલ્ડર્સ, ટૂરની ફાઈલ્સ, પોસ્ટર્સ, ઇન્વિટેશન કાડ્સર્‍ અને બીજી અનેક યાદગીરીઓ વ્યવસ્થિત રીતે જળવાઈ છે. અમારી સંસ્થા ‘સંકેત’ના ઉપક્રમે અમે ૨૬ સપ્ટેમ્બર, ૨૦૦૨માં તેમનું અભિવાદન કર્યું હતું તે કાર્યક્રમનું ઇન્વિટેશન કાર્ડ જયારે મેં જોયું ત્યારે હું પણ રોમાંચિત થઈ ગયો. એક કલાકારને માટે, પોતાના ભૂતકાળની મીઠી યાદો જેવી મહામૂલી મૂડી બીજી કોઈ નથી. આ એવી મૂડી છે, જે વર્તમાનને જીવંત બનાવે છે અને ભવિષ્યને આશાસ્પદ.

columnists