મન્ના ડેની પ્રશંસા કરતાં લતા મંગેશકરે તેમની સરખામણી કોની સાથે કરી?

17 October, 2021 11:42 AM IST  |  Mumbai | Rajani Mehta

‘કમબખ્ત, કભી બેસુરી નહીં હોતી.’ પાકિસ્તાનીઓની વર્ષોજૂની ઑફર જગજાહેર છે, ‘હમેં લતા મંગેશકર દે દો, ઔર કશ્મીર લે જાઓ.’

મન્ના ડેની પ્રશંસા કરતાં લતા મંગેશકરે તેમની સરખામણી કોની સાથે કરી?

પૂ. લ. દેશપાંડે કહે છે, ‘બ્રહ્માંડમાં ત્રણ ચીજ એવી છે જે જીવવા માટે પર્યાપ્ત છે; સૂર્ય, ચંદ્ર અને લતાનો અવાજ.’ ફિલ્મ ‘અનારકલી’નું લતા મંગેશકરે ગાયેલું ‘યે ઝિંદગી ઉસી કી હૈ, જો કિસી કા હો ગયા, પ્યાર હી મેં ખો ગયા’ સાંભળીને બડે ગુલામ અલી ખાં બોલી ઊઠ્યા, ‘કમબખ્ત, કભી બેસુરી નહીં હોતી.’ પાકિસ્તાનીઓની વર્ષોજૂની ઑફર જગજાહેર છે, ‘હમેં લતા મંગેશકર દે દો, ઔર કશ્મીર લે જાઓ.’
સંગીતપ્રેમીઓએ નક્કી કંઈક એવાં પુણ્ય કર્યાં હશે કે ઈશ્વરે લતા મંગેશકર નામનું વરદાન આપ્યું. તેમને યાદ કરતાં મન્ના ડે આત્મકથામાં લખે છે, ‘મને એ દિવસો યાદ છે જ્યારે લતા સામાન્ય સુતરાઉ સાડી અને સૅન્ડલ પહેરીને સ્ટુડિયોમાં આવતી. તે એટલી સીધીસાદી હતી કે ભાગ્યે જ કોઈ તેની નોંધ લેતું. લોકો એટલું જાણતા કે તે નવી-નવી સિંગર બની છે. બહુ ઓછા લોકોને એ વાતનો વિશ્વાસ હતો કે તેનામાં અદ્ભુત સિન્ગિંગ ટૅલન્ટ છે. પ્રતિભા, દૃઢ નિશ્ચય અને કામ પ્રત્યેની નિષ્ઠા તેનામાં ભારોભાર છલકાતાં હતાં. તેણે તનતોડ મહેનત કરીને ‘હિન્દુસ્તાનની બુલબુલ’નો ખિતાબ મેળવ્યો છે. સંગીતક્ષેત્રે જે ઊંચાઈ તેણે હાંસલ કરી છે ત્યાં પહોંચવું લગભગ અશક્ય છે. 
૧૯૫૧માં લતા સાથે મારી સંગીતયાત્રાની શરૂઆત થઈ. ફિલ્મ ‘આવારા’નું ‘તેરે બિના આગ હૈ ચાંદની’ આજે પણ એટલું જ લોકપ્રિય છે. મેં તેની સાથે અનેક બંગાળી ડ્યુએટ્સ ગાયાં છે. એક દિવસ તેણે મને કહ્યું, ‘દાદા, તમને ખબર છે? આપણે ૧૦૭ ડ્યુએટ રેકૉર્ડ કર્યાં છે.’ મને આ રેકૉર્ડની ખબર નહોતી, કારણ કે હું મારાં ગીતોની ગણતરી કરતો નથી. મારું કામ કેવળ ગાવાનું છે. મેં હિન્દી અને બંગાળી ઉપરાંત મલયાલમ, ભોજપુરી, ગુજરાતી, આસામી, ઉરિયા, તામિલ અને તેલુગુ ભાષામાં ગીત ગાયાં છે. આ બધાં ગીતોનો રેકૉર્ડ રાખવો એ મારા બસની વાત નથી. હા, મને એટલી ખબર છે કે ભોજપુરી ભાષામાં મારાં સૌથી વધુ ગીતો રેકૉર્ડ થયાં છે.
તારીફનાં ફૂલ બાંધવાનું કોઈ લતા પાસેથી શીખે. એક દિવસ મને કહે, ‘દાદા, તમે દુલ્હનનો શ્રુંગાર કરનાર બ્યુટિશ્યન જેવા છો. ગમે એ ગીત હોય, તમે ટ્યુનને એવી રીતે અરેન્જ કરો છો કે ફાઇનલ પ્રોડક્ટ હિટ જ હોય.’ શબ્દોના ઉચ્ચારણ બાબત હું બહુ ચોક્કસ છું. એક દિવસ તેણે કહ્યું, ‘દાદા, તમે વિદ્વાન મરાઠી બ્રાહ્મણ કરતાં પણ સારી રીતે મરાઠી ભાષા બોલો છો.’ દેશ-વિદેશના અનેક કાર્યક્રમમાં અમે સાથે કામ કર્યું છે. તેનાં માતા-પિતા મને ખૂબ પ્રેમ કરતાં. મને એ બન્ને માટે ખૂબ આદર હતો. જીવતાં હતાં ત્યાં સુધી લતાનાં માતાજી મને દરેક વીક-એન્ડમાં ઘરે બોલાવતાં. 
મારી કરીઅરની શરૂઆતમાં નૂરજહાં અને લતા મંગેશકર બન્ને ટોપનાં સિંગર હતાં. પાર્ટિશન થયા બાદ લતા નંબર-વન સિંગર બની. સમય જતાં આશા ભોસલે અને ગીતા દત્તનું નામ થયું. પરંતુ વર્ષો સુધી લતાએ એકચક્રી રાજ કર્યું.’
મન્નાદા સાથેની મારી મુલાકાતમાં લતા મંગેશકર વિશે ઘણી વાતો થઈ હતી. એ વાત કોઈથી છાની નથી કે કવિ જગદીશ જોષીની પંક્તિ ‘વાતે વાતે તારે વાંકું પડ્યું અને વાતોની કુંજગલી છોડી દીધી’ને સાર્થક કરતાં હોય એમ લતા મંગેશકરને અનેક સાથે વાંકું પડ્યું હતું. એમાં મોહમ્મદ રફી, રાજ કપૂર, સચિન દેવ બર્મન અને બીજા અનેક મહારથીઓનો સમાવેશ હતો. જોકે એ અણબનાવ લાંબા ન ટક્યા અને દરેકે એકસૂરે તેમના સામ્રાજ્યનો રાજીખુશીથી સ્વીકાર કર્યો. મંગેશકર મૉનોપોલીના અનેક કિસ્સાઓ છે. મન્નાદા એ વિશે વાત કરતાં મને કહે છે, ‘એક વાતનો સ્વીકાર કરવો જ રહ્યો કે જો સંગીતકાર પાસે લતા જેવો દૈવી અવાજ હોય તો પછી બીજા કોઈને તે શા માટે પસંદ કરે? દરેકે પોતાની કાબેલિયત અને ક્ષમતાના જોરે જ આગળ આવવું જોઈએ. એ પણ હકીકત છે કે ગમે એવો મોટો કલાકાર હોય, તેનામાં માનવસહજ નબળાઈ હોય જ. મારા હિસાબે આ ક્ષતિઓને નજરઅંદાજ કરવી જોઈએ.’
પોતાના સમકાલીન પુરુષ ગાયક કલાકારોને યાદ કરતાં મન્નાદા લખે છે, ‘મારી કારકિર્દીની શરૂઆતના દિવસોમાં જી. એમ. દુરાની, મોહમ્મદ રફી, મુકેશ અને તલત મેહમૂદ જેવા સિંગર્સ સામે મારે નામ એસ્ટૅબ્લિશ કરવાનું હતું. મોહમ્મદ રફીનાં ગીતોમાં એવી તાજગી હતી કે હર કોઈ તેમના ચાહક હતા. હું પણ તેમનો મોટો ચાહક છું. તેમની સાથે કામ કરવાના મને ઘણા મોકા મળ્યા. એ દરમ્યાન મને ઘણું શીખવા પણ મળ્યું. 
તલત મહેમૂદ એક મખમલી અવાજના માલિક હતા. મને એ વાતનો અફસોસ છે કે તેમણે પોતાની ગાયકીને બહુ ગંભીરતાથી ન લીધી. તેમના સ્વરમાં રહેલાં દર્દ અને કંપન અદ્ભુત હતાં. શા માટે તેમણે આટલું વહેલું ગાવાનું છોડી દીધું એની મને ખબર નથી. 
જો કોઈ અવાજ તમને મનની શાંતિનો અહેસાસ કરાવે તો એ અવાજ હતો મુકેશનો. તેઓ સરળતાથી અને સહજતાથી ગીતને નિભાવતા. શાંત અને હસમુખા મુકેશ એક ઉમદા મનુષ્ય હતા. એમ કહેવાતું કે સંગીતકારોએ તેમની પાછળ મહેનત કરવી પડતી, પરંતુ એક વાર જો તેઓ ગીતને આત્મસાત્ કરી લે ત્યાર બાદ તેમની ગાયકીમાં ભાગ્યે જ કોઈ ભૂલ કાઢી શકે.’
મન્નાદાની વાત સાંભળી મને મુકેશના અવાજની મર્યાદા વિશે સંગીતકાર નૌશાદ, ખૈયામ, પ્યારેલાલ, ઓ. પી. નૈયર અને બીજાએ મારી સાથે શૅર કરેલા અનેક કિસ્સા યાદ આવે છે. તેમના સ્વરની મીઠાશ અને તેમની ‘રેન્જ’ની મર્યાદા એ બન્ને એકમેકની પૂરક હતી. ત્યાં સુધી કે તેમની મર્યાદા જ તેમની વિશિષ્ટતા બની ગઈ. 
મારી સાથેની મુલાકાતોમાં ઓ. પી. નૈયરે એક એવો કિસ્સો શૅર કર્યો જે આ વાતને પુષ્ટિ આપે છે. ‘ચેહરે સે ઝરા આંચલ જબ આપને સરકાયા, દુનિયા યે પુકાર ઊઠી લો ચાંદ નિકલ આયા’ (એક બાર મુસ્કુરા દો)નું રેકૉર્ડિંગ ચાલતું હતું. કોણ જાણે કેમ, મુકેશ (અને હું પણ) તેમની ગાયકીથી સંતુષ્ટ નહોતા. વારંવાર રીટેક થતા હતા (મોટા ભાગે ઓ. પી. નૈયર પહેલા કે બીજા ટેકમાં જ ગીત ઓકે કરતા. તેમનું માનવું હતું કે જે તાજગી પહેલા કે બીજા ટેકમાં હોય એવી પાછળના ટેકમાં નથી હોતી). કંટાળીને મુકેશે મને કહ્યું, ‘નૈયરસા’બ, મેરે સે નહીં હોગા, આપ કિસી ઔર સે ગવા લિજિયે.’ મેં કહ્યું, ‘મુકેશચંદ, યે ગાના મૈંને આપકો ધ્યાન મેં રખકર કમ્પોઝ કિયા હૈ. અગર આપ નહીં ગાઓગે, તો યે ગાના કૅન્સલ કર દૂંગા.’ આટલું કહી તેમને થોડી ધરપત આપી. છેવટે ગીત રેકૉર્ડ થયું. ફાઇનલ ટેક એટલો સુંદર હતો કે દરેક જણ ખુશ થઈ ગયા. પર્સનલી મારાં ફેવરિટ ગીતોમાંનું એક ગીત આ છે.’
દરેક કલાકાર પર તે જેને આદર્શ માનતો હોય એ કલાકારની શૈલીનો પ્રભાવ હોય છે. કિશોરકુમાર અને મુકેશના શરૂઆતનાં ગીતોમાં કે. એલ. સૈગલનો પ્રભાવ દેખાઈ આવે. શરૂઆતમાં કલાકાર એનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરીને સફળતા મેળવવાની કોશિશ કરે છે. સફળ એ જ થાય છે જે એ પ્રભાવમાંથી બહાર નીકળીને પોતાની સ્વતંત્ર ઓળખ બનાવે. મોહમ્મદ રફીની શરૂઆતની ગાયકી પર જેનો પ્રભાવ હતો એ હતા જી. એમ. દુરાની. તેમને યાદ કરતાં મન્ના દા લખે છે...
‘તેમના અવાજની ફ્લેવર જ કંઈક અલગ હતી. તેમની મોટામાં મોટી ખામી એ હતી કે તેઓ પ્રૅક્ટિકલ નહોતા. ઇન્ડસ્ટ્રીમાં ટકવા માટે તમારી પાસે એક ‘ટેમ્પરામેન્ટ’ હોવું જોઈએ. દુરાનીજી એ બાબતમાં થોડા ઊણા ઊતર્યા. તેમની નિષ્ફળતામાંથી હું ઘણું શીખ્યો છું. પ્રોડ્યુસર જ્યારે લખલૂટ ખર્ચ કરીને ફિલ્મ બનાવતો હોય ત્યારે તેની અપેક્ષા હોય છે કે દરેક જણ તેને સહકાર આપે. એનો અર્થ એવો થયો કે ગમે તેવા સંજોગોમાં તમારે તમારું ઉત્તમ યોગદાન આપવું જ રહ્યું. જો એમ ન થાય તો દુનિયા તમને ગુમનામીના એવા અંધકારમાં ફેંકી દે જ્યાંથી પાછા ફરવું લગભગ અશક્ય બની જાય. તેમની કરીઅરમાં આવું જ બન્યું. મને એ વાતનું દુઃખ છે.’ 
આજની તારીખમાં પણ ઍક્ટિવ રહીને રેકૉર્ડિંગ કરતાં સિંગર આશા ભોસલેને યાદ કરતાં મન્નાદા લખે છે, ‘ઇન્ડસ્ટ્રીમાં આશાને સૌ માન અને પ્રેમથી ‘આશાતાઈ’ કહીને બોલાવે છે. અમારી વચ્ચે સારો તાલમેલ છે. હું એ દિવસોથી તેને ઓળખું છું જ્યારે તે નવી-નવી આવી હતી અને ઇન્ડસ્ટ્રીમાં એસ્ટૅબ્લિશ થવાના પ્રયત્ન કરતી હતી. પરિવારની ઇચ્છા વિરુદ્ધ તેણે ગણપત ભોસલે સાથે લગ્ન કર્યાં. એ દિવસોમાં પણ મેં તેની સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. ભોસલેથી છૂટા પડ્યા બાદ તેણે પંચમ સાથે બીજાં લગ્ન કર્યાં અને તેને સાચું સુખ મળ્યું. એ સમયે મેં તેને દિલથી શુભેચ્છા આપી હતી. સ્વાભાવિક છે કે જેને હું નાની બહેન માનતો હોઉં તેની ખુશીમાં જ મારી ખુશી સમાયેલી હોય. 
મને આશાની એક ક્વૉલિટી જો સૌથી વધુ ગમતી હોય તો એ છે તેના અવાજની વિવિધતા. તે એક વર્સેટાઇલ સિંગર છે. ગાયકીમાં તે નવા-નવા પ્રયોગ કરવામાં જરાય ગભરાતી નથી. એક કલાકાર માટે આ ક્વૉલિટી અનિવાર્ય છે. તે પોતાના ફીલ્ડમાં ‘ઑલરાઉન્ડર છે. અમે અનેક ડ્યુએટ સાથે રેકૉર્ડ કર્યાં છે.’
મન્નાદા સાથે વાતો કરતાં એક દિવસ મેં કહ્યું કે એક ઇન્ટરવ્યુમાં આશા ભોસલેએ કહ્યું હતું કે ‘ચંદ્ર પર પહેલાં પગલાં પાડનાર નીલ આર્મસ્ટ્રૉન્ગને દુનિયા યાદ કરે છે, જ્યારે તેની પાછળ ઊતરનાર બીજા અવકાશયાત્રી (બઝ ઓલ્ડરિન)ને ભાગ્યે જ કોઈ યાદ કરે છે (પેટ કોનર્ડ નામનો ત્રીજો અવકાશયાત્રી ચંદ્રયાનમાં બેઠો હતો). બન્નેની સિદ્ધિ સરખી છે. કેવળ વયમાં મોટા હોવાને કારણે લતાદીદીના યોગદાનને યાદ રાખવું અને મને ભૂલી જવું અન્યાય છે.’
અંગત રીતે હું માનું છું કે આ વાતમાં દમ છે. જોકે બન્નેની રેસમાં બહુ નજીવા તફાવતથી મોટી બહેન બાજી મારી જાય એ પણ હકીકત છે. મન્નાદા મારી વાત સાથે સંમત થતાં કહે છે, ‘આશા પણ એટલી જ વર્સેટાઇલ સિંગર છે. બન્ને બહેનો વચ્ચે સરખામણી થાય એ સહજ છે. હમણાં-હમણાં તેના માથા પર રિમિક્સની ધૂન સવાર થઈ છે. પોતાનાં જૂનાં ગીતોને તે રિમિક્સ કરે છે. મારા હિસાબે કોઈ પણ સિંગર માટે આ સારી વાત નથી. એક દિવસ એક અરેન્જર મારી પાસે આવ્યો. મને કહે, ‘મન્નાદા, તમારાં ગીતોને રિમિક્સ કરોને?’ મેં કહ્યું, ‘એમાં એક્ઝૅક્ટલી કરવાનું શું?’ તો કહે, ‘બહુ સિમ્પલ વાત છે. તમારે ગીતનો ટેમ્પો બદલી નાખવાનો. આજનાં જુવાન છોકરા-છોકરીઓને ફાસ્ટ ટેમ્પોવાળાં ગીતો બહુ ગમે છે.’ આટલું કહીને મારા એક ગીતનું મુખડું તેણે ફાસ્ટ ટેમ્પોમાં ગાઈ સંભળાવ્યું.
હું તો ડઘાઈ ગયો. મારાં જ ગીતોને મારીમચડીને રજૂ કરવાનું આ સૂચન એટલું વાહિયાત હતું કે એ માની જ ન શકાય. કેવળ પૈસા માટે મારી કળાને મારા જ હાથે ભરબજારે વેચવાનું કામ હું કદી ન કરું અને આવો વિચાર પણ મને ન આવે.’

columnists rajani mehta