માબાપ કા દિલ જીત લો, કામયાબ હો જાઓગે વરના સારી દુનિયા જીતકર ભી તુમ હાર જાઓગે!

22 December, 2021 06:06 PM IST  |  Mumbai | Pravin Solanki

માબાપ એ ભગવાનનું સ્વરૂપ છે. દુનિયામાં ભગવાનને માનનારી, ઈશ્વરી શક્તિમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખનારી, પરમપિતાની ભક્તિ ને પૂજા કરનારી વ્યક્તિઓની જનસંખ્યા બહોળી બહુમતી ધરાવે છે.

માબાપ કા દિલ જીત લો, કામયાબ હો જાઓગે વરના સારી દુનિયા જીતકર ભી તુમ હાર જાઓગે!

થોડા દિવસ પહેલાં એક સમાચાર વાંચ્યા. આગરામાં રહેતા ૯૦ વર્ષના એક વૃદ્ધ ગણેશ શંકર પાંડેની કહાણી. નામમાં ગણેશ અને શંકર. બબ્બે ભગવાન, પણ ભગવાને દીધેલાં પાંચેપાંચ સંતાનો શૈતાન નીવડ્યા. પાંચ-પાંચ પુખ્ત વયનાં સંતાનો હોવા છતાં ગણેશ શંકર હાલમાં પોતાના ત્રણ ભાઈઓ સાથે આગરાના પીપલમંડી વિસ્તારમાં રહે છે. ગણેશ શંકર કહે છે, ‘મારાં સંતાનો મારી સાથે કોઈ વ્યવહાર નથી રાખતાં, વાત નથી કરતાં, અને જ્યારે વાત કરે છે ત્યારે ખૂબ જ ઉદ્ધતાઈથી વાત કરે છે. મને માન નથી આપતાં એનું મને કોઈ દુઃખ નથી, પરંતુ તેઓ વારંવાર મારું અપમાન કરે છે.’ 
ગણેશ શંકરને બે પુત્રો અને ત્રણ પુત્રી છે. એવું નથી કે તેમને ખાવાના સાંસા છે, હાલત કંગાળ છે. કરોડોની સંપત્તિ છે તેમની પાસે. નોટ ને નાણાં ચિક્કાર છે, પણ લોહીના સંબંધો વચ્ચે ધિક્કાર છે એટલે કોઈ બાપ ભાગ્યે જ પગલું લે એવું પગલું ગણેશ શંકરે લીધું છે. તેમણે એ રીતનું વસિયતનામું કર્યું છે કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી મારી બધી સંપત્તિનો માલિક હું રહીશ અને મારા મૃત્યુ બાદ બધી સંપત્તિ સરકારને જશે. વધુમાં તેઓ વસિયતનામામાં લખે છે કે હું કોઈ પણ પ્રકારના દબાણ વગર, પૂરેપૂરા હોશમાં આ પગલું ભરી રહ્યો છું. 
પંદરેક દિવસ પહેલાં બૉમ્બે હાઈ કોર્ટના ન્યાયાધીશ ગૌતમ પટેલ અને ન્યાયાધીશ જામદારની    બેન્ચે આપેલો ચુકાદો અને કરેલું નિરીક્ષણ પણ ખૂબ વિચારવા જેવું છે. ૯૪ વર્ષના પિતાએ  દીકરી શ્વેતા સામે પોતાનો ફ્લૅટ ખાલી કરાવવા માટે કેસ માંડ્યો હતો. શ્વેતાની દલીલ એ હતી કે પિતાની મિલકતમાં પોતાનો હક છે. બેન્ચે ચુકાદો પિતાની તરફેણમાં આપ્યો એના  કરતાં વધારે મહત્ત્વના ચુકાદાના શબ્દો છે, ‘અમારો અનુભવ છે કે શહેરમાં, ખાસ કરીને શ્રીમંતોમાં વરિષ્ઠ નાગરિકો અને વયસ્ક માતાપિતાને જિંદગીનાં પાછલાં વર્ષોમાં તમામ પ્રકારની સતામણીનો સામનો કરવાનો વારો આવે છે. દરેક કેસમાં સંતાનો તરફથી થતી  સતામણી વરિષ્ઠ નાગરિકોની મિલકતને હડપ કરવા માટે જ હોય છે. તેમના માનસિક અને શારીરિક આરોગ્ય પર થનારી અસરનો વિચાર પણ કરવામાં આવતો નથી.’ 
બૉમ્બે હાઈ કોર્ટે કરેલું નિરીક્ષણ - ‘શ્રીમંત કુટુંબનાં સંતાનો વૃદ્ધ માબાપની બહુ સતામણી કરે છે એમાં કેટલું તથ્ય લાગે છે? એટલું તો સાચું જ છે કે કજિયાનું મૂળ માલ-મિલકત રૂપિયા  અને ઘરેણાં-દાગીના જ હોય છે.’ 
આ જ વિષય પર, આ જ અરસામાં બનેલા કેસનું એક વધુ ઉદાહરણ : સંયુક્ત કુટુંબની  નામશેષ થતી જતી પ્રથા વિશે ચિંતા દર્શાવી નાગપુરની હાઈ કોર્ટે ચુકાદો આપ્યો કે વડીલોએ સંતાનોને પ્રૉપર્ટી આપવા કરેલી ગિફ્ટ ડીડ રદ થઈ શકે છે. નાગપુરના ૭૭ વર્ષના  એક ગૃહસ્થે પોતાની પત્ની, બે પુત્રી અને પુત્રો વિરુદ્ધ નોંધાવેલી પિટિશનની સુનાવણી દરમ્યાન એવી ટિપ્પણી કરી હતી કે વૃદ્ધાવસ્થા એક મોટી સામાજિક સમસ્યા બની ગઈ છે. 
પ્રશ્ન એ છે કે માબાપની ઉપેક્ષા શું ફક્ત આજે જ થઈ રહી છે? ભૂતકાળમાં નહોતી થતી?   આજના બધા યુવાનો શૈતાન છે? ભૂતકાળમાં બધા યુવાનો ભગવાન હતા? શું શ્રીમંત નબીરાઓ જ માબાપને હડધૂત કરે છે? ગરીબ યુવાનો બધા માબાપના પગ પૂજે છે? આવા પ્રશ્નના ઉત્તર માટે પારદર્શક દૃષ્ટિથી વિચાર કરવો ઘટે. 
હકીકત એ છે કે માબાપ સાથેના ગેરવર્તનની વાતો મીડિયામાં વધારે આવે છે, ચગાવી-વધારીને આવે છે. જ્યારે સદ્‍વર્તનની વાતો બહુ ઓછા પ્રમાણમાં જાહેર થાય છે, કેમ કે એ કોઈ  ઘટના કે બનાવ નહીં, ફરજના ભાગરૂપે એની ગણના થાય છે. પાપનાં પડઘમ વાગે અને પુણ્યની પીપૂડી એ પરંપરાગત રહ્યું છે. 
પૌરાણિક કાળમાં નજર કરીશું તો માબાપની ઉપેક્ષાના અસંખ્ય દાખલા જોવા મળશે. ઇતિહાસ  વાંચશો તો દીકરાએ બાપને કેદ કર્યાના કે બાપની હત્યા કર્યાના દાખલા જોવા મળશે. માતા સાથે છળ કે માતાની અવગણનાના દાખલા પણ મળશે. 
વડીલોની ઉપેક્ષા કે અવગણના કે અપમાન નિદંનીય છે. એનું બયાન કોઈ રીતે ન થઈ શકે. દુઃખ ત્યારે થાય છે કે આજે પણ ખરા દિલથી માબાપની સેવા કરનારા, માબાપ માટે માન  અને જાન આપનારાં સંતાનો છે જ, પણ એની નોંધ નથી લેવાતી. રાવણનાં પૂતળાં બાળવાની  અને જટાયુની અવગણના કરવાની આપણી પુરાણી આદત છે. 
માબાપ એ ભગવાનનું સ્વરૂપ છે. દુનિયામાં ભગવાનને માનનારી, ઈશ્વરી શક્તિમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખનારી, પરમપિતાની ભક્તિ ને પૂજા કરનારી વ્યક્તિઓની જનસંખ્યા બહોળી  બહુમતી ધરાવે છે. આસ્તિકો અપાર છે, નાસ્તિકો અલ્પ છે. જે વર્તન અને વાણી દ્વારા પોતાની  જાતને નાસ્તિકોમાં ગણાવે છે એમાંથી મોટા ભાગના અંદરથી અંતરથી ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતા જ હોય છે. આ વાત પરથી શું એ સાબિત નથી થતું કે માબાપની ઉપેક્ષા કરનારાઓની સંખ્યા લઘુમતીમાં છે? 
હું જાણું છું કે મારા વિચારો સાથે ઘણા લોકો સહમત નહીં જ થાય. હું એ પણ જાણું છું કે  માબાપને તરછોડવાના અને અપમાનિત કરવાના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે છતાં એ પણ સત્ય તો છે જ કે વડીલો પણ સમય પ્રમાણે સ્વભાવ નથી બદલતા. જૂની પરંપરા અને જીદને વળગી રહે છે. ખેર, દરેક સિક્કાની બે બાજુ હોય છે. મેં તો કોરોનાકાળના વ્યાપક  અનુભવોના આધારે તારણ કાઢ્યું છે. કોરોનાકાળમાં મેં એવા અસંખ્ય દાખલા જોયા છે કે સંતાનોએ વડીલોને જીવના જોખમે સાચવ્યા હોય. 

columnists Pravin Solanki