વિઝા માટે રીજનલ સેન્ટરમાં રોકાણ કરવા તૈયાર છું, પણ ખેતીની આવક રોકડમાં છે એટલે વાઇટના પૈસા નથી

24 March, 2023 09:03 PM IST  |  Mumbai | Sudhir Shah

પાંચ-સાત વર્ષ પછી એ આઠ લાખ ડૉલર જ્યારે પાછા મળશે ત્યારે ડૉલરનો ભાવ નક્કી સોથી સવાસો રૂપિયા થઈ ગયો હશે. એ તેમનો ફાયદો. ઉપરથી મને અમેરિકામાં કાયમ રહેવા માટે ગ્રીન કાર્ડ મળશે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારા ફાધર ખેડૂત છે. ખેતીવાડીની ઊપજમાંથી તેમની કમાણી અઢળક છે. વર્ષના છ-સાત કરોડ રૂપિયા તેઓ કમાય છે. ખેતીવાડીની ઊપજ ટૅક્સ-ફ્રી હોવાને કારણે તેઓ આઇટી રિટર્ન નથી ભરતા. આટલી બધી કમાણી કંઈ અમે ખર્ચતા નથી એટલે મારા ફાધર પાસે તેમના કબાટમાં દસ-વીસ કરોડ રૂપિયા રોકડામાં પડ્યા છે. મારે અમેરિકા કાયમ રહેવા જવું છે. મને એક વિઝા કન્સલ્ટન્ટે ઈબી-૫ પ્રોગ્રામ વિશે જાણકારી આપીને કહ્યું છે કે જો મારા ફાધર મારા વતીથી અમેરિકાની સરકારે માન્ય કરેલા રીજનલ સેન્ટરમાં આઠ લાખ ડૉલરનું રોકાણ કરે અને એ રીજનલ સેન્ટરને પંચોતેર હજાર ડૉલર ઍડ્મિનિસ્ટ્રેટિવ ફીના આપે, તેમના ઍટર્નીને વીસ હજાર ડૉલર પ્રોફેશનલ ફીના આપે અને અમેરિકાની સરકારને ફાઇલિંગ ફીના જે ડૉલર હોય એ આપે તો મને ત્રણ-ચાર વર્ષની અંદર ગ્રીન કાર્ડ મળી જાય. એ દરમિયાન જો હું લગ્ન કરું તો મારી વાઇફને પણ મારી સાથે ગ્રીન કાર્ડ મળી જાય. મારા માટે જે રોકાણ કરવામાં આવ્યું હોય એ આઠ લાખ ડૉલર મારું ગ્રીન કાર્ડ કાયમનું થાય એટલે કે લગભગ પાંચ-સાત વર્ષ પછી મને પાછું મળે. જોકે રોકાણની રકમ વાઇટની હોવી જોઈએ. મારા ફાધર પાસે એ નથી. તેઓ મારા વતી રોકાણ કરવા તૈયાર છે, કારણ કે આજે ડૉલરનો ભાવ ૮૨ રૂપિયા છે. પાંચ-સાત વર્ષ પછી એ આઠ લાખ ડૉલર જ્યારે પાછા મળશે ત્યારે ડૉલરનો ભાવ નક્કી સોથી સવાસો રૂપિયા થઈ ગયો હશે. એ તેમનો ફાયદો. ઉપરથી મને અમેરિકામાં કાયમ રહેવા માટે ગ્રીન કાર્ડ મળશે. જોકે તેમની પાસેના બધા પૈસા રોકડા છે. એ વાઇટના છે એ તેઓ કેવી રીતે દેખાડી શકે? પુરવાર કરી શકે?

 તમારા જેવી જ સમસ્યા અનેક લોકોની છે. ભારતના સેંકડો લોકો અમેરિકાનું સપનું ધરાવે છે. એ પૂરું કરવા તેઓ ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર છે, પણ તેમની આગળ જે પૈસા છે એ બધા રોકડા છે. તમારા ફાધર તેમની જે જમીન છે એનાં કાગળિયાં, ૭/૧૨ના ઉતારાઓ, તેઓ જે ઊપજ કો-ઑપરેટિવ સોસાયટીને વેચતા હશે એનાં પ્રમાણપત્રો ઉપરાંત તેમણે જે પ્રૉપર્ટીઓ ખરીદી હશે એ સઘળું દેખાડી શકે છે. તમારા ફાધરની કમાણી વાઇટની છે એટલે એ બૅન્કના ખાતામાં જમા કરાવી શકે છે. આઇટી ઇન્કવાયરી આવે તો એનો જવાબ આપી શકે છે. તમે કોઈ સારા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની આ બાબતમાં સલાહ લો. તમારા ફાધરનું નેટવર્થ સર્ટિફિકેટ તેમની આગળ તૈયાર કરાવો. ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ તમે જરૂરથી રોકાણ કરી શકશો. તમારા ફાધરની ઇન્કમ કાયદેસરની છે એ પણ દેખાડી શકશો. 

એક વાત યાદ રાખજો. રોકાણ કરતાં તમારા લાભ માટે જે ગ્રીન કાર્ડની પિટિશન દાખલ કરવામાં આવશે એ હેઠળ વિઝા મેળવવા માટે તમારે ત્રણ-ચાર વર્ષની રાહ જોવી પડશે. ઇમિગ્રન્ટ વિઝા મેળવીને તમે અમેરિકામાં પ્રવેશશો એટલે તમને બે વર્ષની મુદતનું કન્ડિશનલ ગ્રીન કાર્ડ આપવામાં આવશે. એકવીસ મહિના પછી તમારે અરજી કરીને તમે જે રોકાણ કર્યું છે એ પાછું ખેંચી લીધું નથી એ દેખાડતાં તમારું ગ્રીન કાર્ડ કાયમનું કરવામાં આવશે. એને પણ ચાર પાંચ-વર્ષ લાગશે. ત્યાર બાદ રીજનલ સેન્ટર રોકાણની રકમ પાછી આપશે. એટલે તમારે રોકાણ લગભગ આઠથી દસ વર્ષનું કરવાનું રહેશે. આ ઉપરાંત રીજનલ સેન્ટરે પણ અમુક શરતોનું પાલન કરવાનું રહે છે. આ બાબતમાં તમે યોગ્ય કાયદાકીય સલાહ મેળવો અને તમારું અમેરિકાનું સપનું સાકાર કરો.

columnists