લૉકડાઉન આવશે કે નહીં?:પૂછવા કરતાં પરિસ્થિતિને જાણવા-સમજવાનો પ્રયાસ કરો

19 November, 2020 09:22 PM IST  |  Mumbai | Manoj Joshi

લૉકડાઉન આવશે કે નહીં?:પૂછવા કરતાં પરિસ્થિતિને જાણવા-સમજવાનો પ્રયાસ કરો

પ્રતીકાત્મક તસવીર

હા, આ પ્રકારના કોઈ પ્રશ્નની ચર્ચા કે પછી એના પર વિચારણા કરવાને બદલે બહેતર છે કે પરિસ્થિતિને જાણવાનો, એને સમજવાનો પ્રયાસ કરો. જો લૉકડાઉન આવે તો એની માટે પણ તમે જ જવાબદાર ગણાશો અને ધારો કે લૉકડાઉન નથી આવતું તો એનો જશ પણ તમારા શિરે ગણાશે. હા, લૉકડાઉન આવે તો પણ તમે દોષિત અને જો લૉકડાઉન ન આવે તો એનો જશ તમને.
થોડા સમય પહેલાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે એવી અનાઉન્સમેન્ટ કરી હતી કે લૉકડાઉન નહીં આવે. એટલે એવી કોઈ અફવા પર ધ્યાન આપવું નહીં, પણ આ અનાઉન્સમેન્ટ પછી જે પ્રકારે કોરોના દિલ્હીમાં ફેલાયો એ જોઈને ૪૮ કલાક પહેલાં અરવિંદ કેજરીવાલે આંશિક લૉકડાઉન અનાઉન્સ કરવાનો વારો આવ્યો. દિલ્હીની અમુક માર્કેટ બંધ કરી દેવાનો આદેશ આપ્યો અને આ આદેશથી વાત પૂરી પણ નથી થતી. હવે એક કમિટી બનાવી છે, જે કમિટી નક્કી કરશે કે નવા સ્ટેજમાં લૉકડાઉન ક્યાં લાગુ કરવું.
લૉકડાઉન સરકાર પોતાની મુનસફીથી નથી આપતી. લૉકડાઉન કોવિડના આંકડાઓને જોઈને આપવામાં આવે છે અને આ કોવિડ જો વધે તો આપે છે. અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે એ જોતાં કહેવાનું મન થાય કે મુંબઈકર જોખમ લેવાની દિશામાં આંધળી દોટ મૂકીને બેઠા છે. હજુ સુધી લોકલ શરૂ થઈ નથી અને ત્યાં જ આખું મુંબઈ રસ્તા પર આવી ગયું છે. એવી રીતે બધા બહાર છે કે જાણે કોવિડ આ દેશમાંથી નીકળી ગયો હોય. કોવિડની બીક હવે કોઈને રહી નથી. ભાઈ, ડરના જરૂરી હૈ.
સારવાર કરતાં સાવચેતી શ્રેષ્ઠ અને વેન્ટિલેટર કરતાં માસ્ક ઉત્તમ. આઇસીયુમાં જવા કરતાં ઘરમાં રહેવું હિતાવહ અને ક્વૉરન્ટીન થઈને માનસિક પરિતાપ સહન કરવા કરતાં ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે નિરાંતે સમય પસાર કરવો બેસ્ટ. બહાર જેણે જવાનું છે, જેની માટે કમ્પલસરી છે, અનિવાર્ય છે એની માટે બહાર નીકળવાની કોઈ મનાઈ છે જ નહીં, પણ તોરણ લેવા માટે બહાર નીકળવું અને સાથિયાના સ્ટીકર લેવા માટે બહાર જઈને જાતને જોખમમાં મૂકવી એના કરતાં તો સારું એ છે કે રંગોળીને બદલે કંકુનો સાથિયો કરીને લક્ષ્મીજીને આવકારી લો. માન્યું કે તહેવાર ગયા છે, પણ હવે તો કન્ટ્રોલ કરતાં શીખો, હવે તો ઉન્માદ પર કાબૂ લઈ આવો. હવે તો જાતને રોકવાનું કામ કરો.
ગઈ કાલે સવારે પણ જુહુ ચોપાટી પર જે રીતે માનવમહેરામણ હતો એ જોઈને ખરેખર અફસોસ થતો હતો કે આ શું ચાલી રહ્યું છે અને શું કામ ચાલી રહ્યું છે. કુદરત ફરી એકવાર પોતાની અડફેટે લેવાના શરૂ કરે ત્યારે જ આપણને ગંભીરતા સમજાશે, એ જ સમયે આપણે ડાહ્યા થશું અને એવા સમયે જ આપણે પગ વાળીને ઘરમાં બેસીશું? લૉકડાઉન અનિવાર્ય સંજોગોનું હથિયાર છે અને એક પણ સરકારને, મહારાષ્ટ્ર સરકારને કે પછી કેન્દ્ર સરકારને લૉકડાઉનમાં દિલચશ્પી નથી, પણ જો એ લાવવું પડશે તો એની માટે જવાબદાર તમે હશો. લૉકડાઉન માટે પણ જવાબદાર અને જરૂરિયાતમંદને પણ પરાણે ઘરમાં બેસાડીને એની રોજી-રોટીને નુકસાન પહોંચાડવાના જવાબદાર પણ તમે હશો. ભૂલતા નહીં.

manoj joshi columnists