મુંબઈનું નંબર વન ગોવિંદા પથક આ વર્ષે દહીહંડીમાં પોતાનો જ રેકૉર્ડ તોડી શકશે?

25 August, 2024 12:25 PM IST  |  Mumbai | Ruchita Shah

‘ટૉલેસ્ટ હ્યુમન પિરામિડ’નો વર્લ્ડ રેકૉર્ડ ધરાવતું ‘જય જવાન ગોવિંદા પથક’ ૧૦ થરના હ્યુમન ટાવરનો ગોલ સફળતા સાથે પૂરો કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે.

૨૦૧૨માં સ્પેનનો વર્લ્ડ રેકૉર્ડ તોડીને ‘ટૉલેસ્ટ હ્યુમન પિરામિડ’નો રેકૉર્ડ બનાવ્યો એ સમયની તસવીર અને ગોવિંદા પ્રો લીગની બીજી સીઝનમાં ૧૬ ટીમમાંથી પ્રથમ ક્રમાંકે આવેલા આ પથકને મળ્યું હતું ૨૫ લાખનું ઇનામ.

‘ટૉલેસ્ટ હ્યુમન પિરામિડ’નો વર્લ્ડ રેકૉર્ડ ધરાવતું ‘જય જવાન ગોવિંદા પથક’ ૧૦ થરના હ્યુમન ટાવરનો ગોલ સફળતા સાથે પૂરો કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ૯ લેયર અને ૪૩ ફુટની હાઇટ સાથે ૩૦થી વધુ વાર મટકી ફોડી ચૂકેલા આ ગ્રુપે મુંબઈના ગોવિંદા-કલ્ચરને નવી પાંખ આપવાનું કામ કર્યું છે. પરંપરાગત દહીહંડીને ઑર્ગેનાઇઝ્‍‍ડ સ્પોર્ટ‍્સનું સ્વરૂપ આપવા મથી રહેલા અને આ વર્ષે પચીસમી વર્ષગાંઠ મનાવી રહેલા આ ગ્રુપની ખાસિયત અને કાર્યપ્રણાલી શું છે, ૫૦૦થી વધુ ઍક્ટિવ ગોવિંદાઓ ધરાવતા ગ્રુપની તૈયારી ક્યારથી શરૂ થાય છે અને કેવા-કેવા લોકો એના સભ્યો છે જેવા પ્રશ્નોના ‘મિડ-ડે’એ મેળવેલા ફર્સ્ટ હૅન્ડ જવાબ પ્રસ્તુત છે અહીં...

૨૦૧૨ની ૧૦ ઑગસ્ટે થાણેના TMC સ્કૂલ ગ્રાઉન્ડ પર એક ઇતિહાસ રચાયો હતો જે ગોવિંદા ઉત્સવ અત્યાર સુધી માખણચોર ભગવાન શ્રીકૃષ્ણની લીલાના ભાગરૂપે ઊજવાતો હતો એ દેશ માટે વિશ્વવિક્રમ બનાવવામાં નિમિત્ત બન્યો. ‘ટૉલેસ્ટ હ્યુમન પિરામિડ’નું ટાઇટલ ભારતના શિરે આવ્યું. એ ટાઇટલ છેક ૧૯૮૧ની ૨૫ ઑક્ટોબરે સ્પેનને મળ્યું હતું. એ પછી એ વર્લ્ડ રેકૉર્ડ ૩૩ વર્ષ સુધી કોઈ તોડી નહોતું શક્યું. ૩૯ ફુટની ઊંચાઈ સાથેના હ્યુમન પિરામિડના વર્લ્ડ રેકૉર્ડને તોડવાનું સાહસ દેખાડ્યું જોગેશ્વરીના જય જવાન ગોવિંદા પથકે. ૪૩.૭૯ ફુટની હાઇટ સાથે ૯ લેયરના હ્યુમન પિરામિડ બનાવનાર આ ગ્રુપને માત્ર એની હાઇટ માટે જ નહીં પણ અફલાતૂન પ્રેઝન્ટેશન અને કાબિલેદાદ ટીમવર્ક માટે પણ આ સન્માન મળ્યું હતું. ૨૦૧૨ની એ ઘટના પછી આ ગ્રુપ અત્યાર સુધીમાં ગોવિંદાના દિવસે ૩૦થી વધુ વાર ૯ સ્તરનો માનવ પિરામિડ બનાવીને મટકી ફોડી ચૂક્યું છે. છેલ્લાં પાંચેક વર્ષથી ૯માંથી હવે ૧૦ લેયર પર પહોંચીને માનવથર બનાવવાની જદ્દોજહદ આ ગ્રુપ દ્વારા સતત થઈ રહી છે. તનતોડ મહેનત, અકલ્પનીય નિષ્ઠા અને અવર્ણનીય શિસ્ત સાથે લગભગ પ૦૦ જેટલા ગોવિંદાઓ ટીમવર્ક, આત્મવિશ્વાસ અને પરસ્પર વિશ્વાસ સાથે પ્રયાસ કરી રહ્યા છે જેથી દસમા લેયર સુધી પહોંચીને મટકી તો ફોડાય જ, પણ સાથે એટલું જ સ્મૂધલી નીચે પણ ઊતરાય. આ એ જ ગ્રુપ છે જે ગયા અઠવાડિયે પ્રો ગોવિંદા લીગમાં પચીસ લાખ રૂપિયાનું પ્રથમ ઇનામ જીત્યું છે. ૧૬ ટીમમાંથી પહેલા ક્રમે આવેલા આ ગ્રુપની શરૂઆત કેવી રીતે થઈ એની પાછળની સ્ટોરી જેટલી રસપ્રદ છે એટલાં જ ખાસ છે આ મંડળનાં વર્તમાનનાં કાર્યો અને ભવિષ્યનાં અરમાનો. કૃષ્ણ જન્મોત્સવ અને દહીહંડી હવે ગણતરીના કલાકો દૂર છે ત્યારે દરેક મુંબઈકરે જેને માટે પ્રાઉડ લેવું જોઈએ એવું જોગેશ્વરીના ‘જય જવાન ગોવિંદા પથક’ની દુનિયામાં એક લટાર મારીએ.

શરૂઆત જ્યારે થઈ

જોગેશ્વરી મુંબઈના નકશામાં બહુ માનીતા સ્થાને નહોતું એ દિવસોની આ વાત છે. ૧૯૭૫માં જોગેશ્વરીમાં જય જવાન સ્પોર્ટ્સ ક્લબ શરૂ થઈ હતી જેના અંતર્ગત ત્યાંના લોકલ લોકો કબડ્ડી વગેરે રમતા. ૨૦૦૦ની સાલમાં ગોવિંદા પથકની શરૂઆત થઈ એ સમયને યાદ કરતાં આ ગોવિંદા પથકના ફાઉન્ડર અને મુખ્ય કોચ સંદીપ ઢવળે કહે છે, ‘આ એ સમય હતો જ્યારે જોગેશ્વરી બહુ જ સેન્સિટિવ એરિયા મનાતો. અહીં રહેનારા લોકો માટે તકનો અભાવ છે એવું પણ સ્પષ્ટ દેખાતું. નોકરી ન મળે, સારી સ્કૂલમાં ઍડ‍્મિશન ન મળે, લોન પાસ ન થાય. કારણ? તો માત્ર એટલું કે તમે જોગેશ્વરીમાં રહો છો. જોગેશ્વરીના નામ સાથે જોડાયેલી આ છબિ અમારે બદલવી હતી અને અહીં રહેતા લોકો કોઈક રીતે એક થાય અને સશક્ત બને એ માટે કંઈક કરવું હતું અને એમાંથી જ આ ગોવિંદા પથકનું નિર્માણ થયું. મને એટલી ખબર હતી કે ગોવિંદામાં જો લોકો એકસાથે, એક દિશામાં, એક ધ્યેય સાથે ભેગા થવાની માનસિકતામાં હોય તો જ એમાં સફળતા મળે. ટીમ યુનિટી, પરસ્પર વિશ્વાસ અને ફિઝિકલ તથા મેન્ટલ સ્ટ્રેંગ્થ વિના આ સ્પોર્ટ‍્સમાં એક ડગલું પણ આગળ ન વધી શકાય. લગભગ ૧૫ યુવાનો સાથે પથકની શરૂઆત કરી. શરૂઆતનાં વર્ષોમાં તો આજુબાજુના વિસ્તારમાં જ મટકી ફોડવા અમારું ગ્રુપ જતું. મહેનત અને ટ્રેઇનિંગ રંગ લાવી. ત્રણેક વર્ષ સુધી ૬ અને ૭ માનવથરમાંથી આગળ વધતાં-વધતાં ૨૦૦૪માં ૮ થરનું માનવ પિરામિડ રચીને મટકી ફોડી અને અમારી નોંધ લેવાવાનું શરૂ થયું. મુંબઈના અગ્રણી ગોવિંદા પથકમાં સ્થાન મળવાનું શરૂ થયું અને મટકી ફોડવા માટે આવવાનું આમંત્રણ અમને મળવાનું શરૂ થયું. બસ, એ પછી અમે પાછું વળીને જોયું નથી.’

૧૫ યુવાનોથી શરૂ થયેલી અમારી યાત્રા આજે ૫૦૦-૭૦૦ યુવાનો સુધી પહોંચી ગઈ છે એટલું જ નહીં, આખા મુંબઈમાંથી જોગેશ્વરીમાં યુવાનો આવે છે આ ગોવિંદા પથકના મેમ્બર બનવા અને ત્રણ મહિના અગાઉ શરૂ થતી આકરી ટ્રેઇનિંગનો હિસ્સો બનવા.

વર્ષ ૨૦૦૦ અને ૨૦૦૫માં યોજાયેલી દહીહંડીની ઝલક જુઓ.

પહેલેથી જ ઍડ્વાન્સ

આ ગોવિંદા પથકે ગોવિંદાને સ્પોર્ટ‍્સની દૃષ્ટિએ જ જોયું છે અને એ જ રીતે એમાં આગળ વધ્યા છે. કોચ સંદીપ કહે છે, ‘શરૂઆતમાં પૈસા નહોતા ત્યારે અમે અસ્તરનાં કપડાંનાં ટી-શર્ટ બનાવીને અમારા ગોવિંદાઓને આપતા. એ પછી ધીમે-ધીમે ફન્ડ મળ્યું તો ટી-શર્ટ, કમરપટ્ટા સહિતની સુરક્ષાની તમામ સામગ્રીઓ સાથેની કિટ અમારા ગોવિંદાઓને આપવાનું શરૂ કરનારું અમારું પહેલું ગ્રુપ હતું. ગોવિંદા કો-ઑર્ડિનેશન સાથે અમુક પર્ટિક્યુલર ટ્રિક્સ અને ટેક્નિક્સથી સફળ બનાવાય. એ દિશામાં પણ અમે પૂરતું કામ કર્યું. બહારના દેશોમાં હ્યુમન પિરામિડની મેથડ જોઈ પણ એ અમને ફાવી નહીં. અમે જાતે અમારી ટ્રિક્સ અને ટેક્નિક ડેવલપ કરી છે, તો સાથે જ ખેલાડીઓમાં મેન્ટલ અને ફિઝિકલ સ્ટ્રેંગ્થ ડેવલપ કરવાની બાબતમાં પણ ખૂબ કામ કર્યું છે અને સતત કરી રહ્યા છીએ.’

દહીહંડી પહેલાં કોચ દ્વારા ત્રણ મહિના સુધી ગોવિંદાને ટ્રેઇનિંગ અપાય છે.

અહીં ઉલ્લેખનીય છે કે દર વર્ષે ગોવિંદાના ત્રણ મહિના પહેલાંથી જ દરરોજ રાતે ૮થી ૧૨ વાગ્યા દરમ્યાન મુંબઈભરમાંથી જય જવાન ગોવિંદા પથકના સભ્યો જોગેશ્વરીના ગ્રાઉન્ડ પર જઈને કોચ સંદીપના ગાઇડન્સ હેઠળ પ્રૅક્ટિસ કરતા હોય છે. મિલિટરી ટ્રેઇનિંગની જેમ પોતાના કોચના શબ્દોને સર્વોપરી ગણતા ગ્રુપના સભ્યોમાં જબરી યુનિટી છે અને સફળતાનું શ્રેય પણ આ યુનિટી અને વિશ્વાસને જ જાય છે. ગોવિંદાઓની છબિને સુધારવાનું અને બહેતર બનાવવાનું કામ આ ગ્રુપે કર્યું છે એનું પ્રમાણ છે કે ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, પોલીસ, ફાયર-બ્રિગેડ ઑફિસર, વકીલ, બિઝનેસમૅન એમ દરેક પ્રકારના, દરેક કક્ષાના અને દરેક જુદા-જુદા પ્રોફેશનના લોકો આ ગ્રુપના સભ્ય છે. કોચ સંદીપ કહે છે, ‘અમે શરૂ કર્યું ત્યારે મટકી ફોડવા માટે અનેક જગ્યાએ જોવા મળ્યું કે ગોવિંદાઓને બહુ આદરની નજરે નહોતા જોવાતા. ગોવિંદાઓને ટપોરી તરીકે ઉતારી પાડવામાં આવતા. અમે એ છબિ બદલાય એ માટે ગોવિંદાના પોતાના વ્યવહારમાં શાલિનતા રહે એની તકેદારી રાખી અને આ સ્પોર્ટ‍્સ તરીકે લોકોમાં જાણીતી બને એના પ્રયાસ પણ કર્યા. આજે અમને એનું પરિણામ દેખાઈ રહ્યું છે.’

ઑલિમ્પિક્સમાં જઈશું

આકાશ કાસારે, BMCના અધિકારી અને જય જવાનના સભ્ય.

મહેશ સાવંત, ઍડ્વોકેટ અને જય જવાનના સભ્ય.

મુંબઈના નકશામાં જોગેશ્વરીને આગવું સ્થાન મળ્યું છે એ વાતનો જોગેશ્વરીમાં જ રહેતા અને મુંબઈ મહાનગરપાલિકામાં ટ્રાન્સપોર્ટ વિભાગમાં સબ-એન્જિનિયર તરીકે કામ કરતા અને ૨૦૦૮થી આ ગ્રુપ સાથે સંકળાયેલા આકાશ દીપક કાસારેને જબરો સંતોષ છે. તે કહે છે, ‘વિરારથી લઈને ચર્ચગેટ, મુલુંડ અને થાણે સુધીના વિસ્તારોમાં અમારા પથકના ગોવિંદાઓ રહે છે અને ત્રણ મહિના સુધી લાગલગાટ પ્રૅક્ટિસ માટે જોગેશ્વરી આવે છે. સવારે નોકરી માટે ૬ વાગ્યે ઘરેથી નીકળે. સાંજે જૉબ પરથી નીકળીને સીધા પ્રૅક્ટિસ માટે આવે અને છેલ્લી ટ્રેનમાં ઘરે પહોંચે. એ પછી તેમની સાંજની જમવાની વ્યવસ્થા અમે કરીએ. ૨૦૧૨માં ઇન્ટરનૅશનલ ખ્યાતિ મળ્યા પછી હવે આ સ્પોર્ટ‍્સને જોવાનો નજરિયો બદલાયો છે અને એટલે જ અમને પૂરો વિશ્વાસ છે કે એક દિવસ આ ગેમ ઑલિમ્પિક્સ સુધી પહોંચશે અને દેશનું નામ અજવાળશે. આજે આપણા દેશમાં ક્રિકેટ અને કબડ્ડી રમાય છે એમ ગોવિંદા પણ આખા દેશમાં રમાશે. પ્રો લીગ જેવી ઇવેન્ટથી એની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે પણ સ્પેન, બ્રાઝિલ, જપાનમાં આ હ્યુમન પિરામિડને એક સ્પોર્ટ‍્સ તરીકે જ જોવાય છે.’

સામાન્ય રૂટ શું હોય?

નવ લેયર્સનું એક હ્યુમન પિરામિડ બનાવવામાં લગભગ ૪૦૦ લોકો જોઈએ. એ ઉપરાંત સબસ્ટિટ્યુટ અને સપોર્ટર મળીને લગભગ ૧૫૦૦ લોકોનો કાફલો જય જવાન ગોવિંદા પથક વતી ગોવિંદાના દિવસે બાઇક, કાર કે ટ્રકમાં બેસીને મુંબઈની સડકો પરથી પસાર થતો હોય છે. આટલા મોટા ક્રાઉડને મૅનેજ કરવાની સાથે તેમનો રૂટ નક્કી કરવાનો, તેમની જરૂરિયાત મુજબની વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી નિભાવતી એક અલગ મૅનેજમેન્ટ કમિટી આ ગોવિંદા પથકમાં છે. ૨૦૦૬થી ૨૦૧૬ સુધી ગોવિંદામાં માનવથરનો હિસ્સો બનનારા અને હવે મૅનેજિંગ કમિટીમાં જોડાયેલા પ્રોફેશનથી ઍડ્વોકેટ મહેશ સાવંત કહે છે, ‘દહીહંડીના દિવસે સવારે સાડાસાત વાગ્યે જોગેશ્વરીના ગ્રાઉન્ડમાં આવેલા હનુમાનજીના મંદિરે દર્શન કરીને અમારા કોચ અને ટીમ નીકળે એટલે ઍવરેજ મુંબઈની ૧૦ અલગ-અલગ જગ્યાએ મટકી ફોડવાનું આયોજન થાય. અમારે એની પરવાનગી પણ લેવાની હોય, કારણ કે સાથે ઓછામાં ઓછી ૨૦૦ જેટલી બાઇક્સ, પર્સનલ કાર અને ૮થી ૧૦ ટ્રક ભરીને અમારા ગોવિંદા હોય. ગ્રુપનો નિયમ છે કે બધા સાથે રહે અને સાથે જ મટકી ફોડવા પહોંચે. મોટા ભાગના ગોવિંદાઓનો આગલા દિવસે જન્માષ્ટમીનો ઉપવાસ હોય એટલે જે અસામાજિક પ્રવૃત્તિઓ ગોવિંદાના નામે કેટલાંક ગ્રુપ કરતાં હોય એવું અમારા મેમ્બર્સમાં ક્યારેય જોવા નહીં મળે. કદાચ કોઈક એકાદ વ્યક્તિ આટલા ક્રાઉડમાં નીકળે તો એમાં પણ અમારા ગ્રુપના સભ્યો પહેલું કામ તેની પાસેથી અમારું ટી-શર્ટ લઈને તેને ગ્રુપમાંથી બહાર કાઢવાનું કરે, પણ આવું ક્યારેય બન્યું નથી. આગલા દિવસે રૂટ આવે એ રીતે પ્લાનિંગ નક્કી થાય, પરંતુ સામાન્ય રીતે જોગેશ્વરીથી થાણે, થાણેથી પનવેલ, ઘોડબંદર, દહિસર, બોરીવલી, ગોરેગામ, અંધેરી કરતાં-કરતાં પાછા જોગેશ્વરી પહોંચીએ. દાદરની મટકી હોય તો પાછો અમારો રૂટ ફેરવાય. જોકે આખું શેડ્યુલ આગલા દિવસે જ અમને મળેલા ઇન્વિટેશનના આધારે નક્કી કરવામાં આવે.’

આ ગુજરાતી આર્કિટેક્ટ પણ છે ગોવિંદા પથકનો સભ્ય

કાંદિવલી રહેતા ઇન્ટીરિયર ડિઝાઇનર હાર્દિક પટવાગર પણ છેલ્લાં ૭ વર્ષથી જય જવાન ગોવિંદા પથકનો હિસ્સો છે. નાનપણથી મટકી ફોડવાનો ગજબનો શોખ ધરાવતો આ યુવાન કહે છે, ‘આ વર્ષે ખૂબ કામ હોવાથી હું પ્રૅક્ટિસમાં નથી જઈ શક્યો એટલે ઍક્ટિવલી ભાગ તો નહીં લઈ શકું, પણ સપોર્ટર તરીકે હું ૧૦૦ ટકા ટીમ સાથે ગોવિંદાના દિવસે જવાનો છું. નાનપણમાં પપ્પા મારા શોખને કારણે સ્પેશ્યલી અમારી સોસાયટીમાં મટકી બાંધતા હતા. ટેન્થ પત્યું એ દરમ્યાન ફેસબુકના માધ્યમે જય જવાન ગ્રુપ વિશે ખબર પડી અને એ લોકોના સંપર્કમાં આવ્યો. લગભગ પાંચ વર્ષ હું દૂર બેસીને તેમની પ્રૅક્ટિસ જોવા માટે કાંદિવલીથી જોગેશ્વરી દરરોજ ગ્રાઉન્ડ પર જતો. ૨૦૧૭થી મેં પણ પ્રૅક્ટિસ શરૂ કરી અને ગયા વર્ષ સુધી હું પણ માનવથરમાં સામેલ થતો. મટકી ફોડવા માટે એકબીજાના સપોર્ટથી ઉપર સુધી પહોંચવાનું ભારે ચૅલેન્જિંગ છે અને રિસ્કી પણ છે, પરંતુ એમાં જ મજા છે. એકબીજા પર અને ઉપરવાળા પર ટ્રસ્ટ હોય તો એ સંભવ છે.` 

હવે અમારો એક જ ગોલ, એક જ ધ્યેય છે : સંદીપ ઢવળે, જય જવાન ગોવિંદા પથકના ફાઉન્ડર અને કોચ
 
 
પંદર જેટલા પ્રેસ્ટિજિયસ અવૉર્ડ મેળવનારી ફિલ્મ ‘RRR’માં જય જવાન ગોવિંદા પથકની નાનકડી ભૂમિકા હતી અને તેમની હ્યુમન પિરામિડ બનાવવાની અદ્ભુત કળાનું એમાં ફિલ્માંકન થઈ ચૂક્યું છે. એ સિવાય ઘણી બધી જાહેરખબર અને બીજી મોહનકુમારની સાઉથની એક ફિલ્મમાં પણ તેમની આ આર્ટનું પ્રદર્શન થયું હતું. અત્યારે આ ગ્રુપનો એકમાત્ર ટાર્ગેટ છે ૧૦ લેયરનું હ્યુમન પિરામિડ બનાવવાનો અને એને સફળતાપૂર્વક પાર પાડવાનો. કોચ સંદીપ ઢવળેની ટ્રેઇનિંગ સાથે એ માટે છેલ્લાં પાંચ વર્ષથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેઓ કહે છે, ‘આ ટાસ્ક ખરેખર ચૅલેન્જિંગ છે. બધા ખેલાડીઓ અને તેમનો પરિવાર પણ દિલથી એકબીજા સાથે જોડાઈ ગયા છે. એકબીજા પર ભરોસો છે અને પથકના કોઈ પણ સભ્ય પર સંકટ આવે ત્યારે બધા એકબીજા માટે ઢાલની જેમ ઊભા રહી જાય છે. હજી સુધી કોઈ ઍક્સિડન્ટ અમારી સાથે નથી થયો. આ સ્પોર્ટ‍્સના આધારે અમારા ખેલાડીઓને સારી નોકરી મળતી થઈ છે. સાથે જ અમે પણ તેમનાં વેલ્ફેરનાં કાર્યો ઇનામની રકમમાંથી કરીએ છીએ. કૅન્સર પેશન્ટ માટે મદદના પ્રોજેક્ટ ચાલે છે. બાળકો માટે પુસ્તક વિતરણ, બ્લડ કૅમ્પ, કુદરતી આપત્તિ વખતે મદદકાર્યો કરીએ છીએ. અમારા મંડળ થકી એક સારા સમાજની સંરચનામાં યોગદાન અપાય એવા પ્રયાસ છે અમારા.
 
મટકી ફોડવામાં આગળ છે આ ડૉક્ટરસાહેબ પણ
 
 
જોગેશ્વરીમાં પોતાનું ક્લિનિક ધરાવતા ડૉ. સંજય દુબે તેમની પાસે આવતા પેશન્ટથી પ્રભાવિત થયા અને ૬ વર્ષ પહેલાં જય જવાન ગોવિંદા પથક સાથે જોડાઈ ગયા. બાકાયદા મટકી ફોડવા માટે જતા પિરામિડમાં નીચેથી બીજા અથવા ત્રીજા લેયર પર ડૉક્ટરસાહેબનું પોસ્ટિંગ હોય. ટીમના મેમ્બર્સનું મેડિકલ ચેકઅપ કરવું, તેમને ફિઝિયોથેરપી કરાવવા જેવી વધારાની જવાબદારી પણ ડૉ. સંજય નિભાવે છે. ગોવિંદા બનવાનું તેમને કેમ સૂઝ્‍યું એના જવાબમાં ડૉ. સંજય કહે છે, ‘મારી પાસે આ ગ્રુપના ઘણા સભ્યો પેશન્ટ તરીકે આવતા. તેમની વાતો અને તેમના અનુભવો એવાં રોમાંચક હતાં કે મને થયું કે હું પણ તેમનો હિસ્સો બનું. નાનપણથી સ્પોર્ટ્સ રમતો આવ્યો છું એટલે ફિઝિકલ સ્ટ્રેંગ્થ સારી હતી. એ સિવાય પણ પ્રૅક્ટિસ કરું છું. હું મારા અનુભવ પરથી કહું છું કે દહીહંડીના પિરામિડમાં ગ્રુપની સ્ટ્રેંગ્થ સાથે દરેક વ્યક્તિની પોતાની મેન્ટલ સ્ટ્રેંગ્થ અને વિલપાવર પણ મહત્ત્વનાં છે. માનો કે નીચેના લેયર પર રહેલી એક વ્યક્તિનો પગ જો સહેજ પણ હલ્યો એટલે તે આખી ટીમનું સંતુલન બગાડી નાખશે. મારી ભૂલનું પરિણામ બધાને મળશે એવી જ્યારે ખબર પડે ત્યારે મેન્ટલ સ્ટ્રેંગ્થને વધાર્યા વિના આમાં ઊતરી જ ન શકાય એ પણ સ્પષ્ટ થઈ જાય. મારા પોતાના વ્યક્તિત્વમાં આ સ્પોર્ટ‍્સને કારણે મને પારાવાર પૉઝિટિવ ચેન્જ દેખાયો છે.’
columnists gujarati mid-day dahi handi janmashtami mumbai ruchita shah gujaratis of mumbai