મન્ના દા કેમ સંગીતકાર અનિલ બિસ્વાસની સામે પર્ફોર્મ કરવામાં અચકાતા હતા?

09 May, 2021 11:19 AM IST  |  Mumbai | Rajani Mehta

ભારતી સાથે ગુજરાતી ડિશની વાત કરતાં મન્ના દા કહે, ‘મને તમારું ઊંધિયું ખૂબ ભાવે છે. એ કેવી રીતે બનાવો છો એની રેસીપી આપો.’ ભારતી કહે, ‘તમે ઘરે જમવા આવશો ત્યારે ઊંધિયું જમાડીશ અને રેસિપી પણ આપીશ.’ તો કહે, ‘એ તો આવીશ, પણ મારે એ જાતે બનાવવું છે.’

મન્ના ડે અને પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે મહેતા પરિવાર

‘માણ્યું એનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું...’

આ લખી રહ્યો છું ત્યારે રાજવી કવિ કલાપીની આ પંક્તિઓનું સ્મરણ થાય છે. મનગમતી એક ઘટના બને છે ત્યારે એની ખુશી એક ધોધની જેમ વહેતી હોય છે. જેમ-જેમ વર્તમાન અતીત બનતો જાય છે એમ-એમ એ વહેણ સુકાતું જાય છે, પરંતુ એ ભેખડોની ભીતર એ ઝરણાંની ભીનાશ રહી જાય છે. વર્ષો બાદ એ સ્થાને જવાનું સદ્ભાગ્ય મળે ત્યારે સ્મૃતિઓ ભૂતકાળના એ મનોરમ્ય દૃશ્યને ફરી એક વાર હૂબહૂ જીવંત કરી દે છે. આજે ૨૩ વર્ષ પહેલાં થયેલા મન્નાદાના કાર્યક્રમનું રેકૉર્ડિંગ સાંભળીને ફરી પાછો હું એ સુરીલા વાતાવરણની અનુભૂતિ કરી રહ્યો છું.

હું એ બાબતમાં નસીબદાર રહ્યો છું કે દરેક દિગ્ગજ કલાકારોએ મને પોતાના કાર્યક્રમનું રેકૉર્ડિંગ કરવાની પરવાનગી આપી છે. એ દિવસોમાં ટેક્નૉલૉજી આજની જેમ આંગળીના ટેરવે નહોતી એટલે આ લાઇવ રેકૉર્ડિંગ્સ અલભ્ય ગણાતાં. કલાકારને હું ભરોસો આપતો કે આ રેકૉર્ડિંગ્સનો કોઈ કમર્શિયલ ઉપયોગ નહીં થાય. એ કેવળ મારા પર્સનલ કલેક્શન માટે છે.  

મન્નાદા સાથેની મુલાકાતોમાં તેમના સંગીતમય પાસાનો અનુભવ થયો, પરંતુ તેમની સાથેના બે કાર્યક્રમ દરમ્યાન તેમનાં અનેક માનવીય પાસાંના અનુભવ થયા એની વાતો શૅર કરવી છે. આપણે જોયું કે પહેલો કાર્યક્રમ પૂરો થયો ત્યારે કેટલી ખેલદિલીથી તેમણે મને બિરદાવ્યો અને બીજા કાર્યક્રમ માટે આવવાની હા પાડી. આ તો થઈ તેમણે મને આપેલા કૉમ્પ્લીમેન્ટ અને કમિટમેન્ટની વાત, પરંતુ તેમણે એક ફરિયાદ પણ કરી હતી, એ શું હતી?

વાત એમ બની કે જે દિવસે કાર્યક્રમ હતો એ દિવસે સવારે શીલા વર્માએ કહ્યું કે  સંગીતકાર અનિલ બિસ્વાસ મુંબઈમાં જ છે. તેમને ઇન્વાઇટ કરવા હોય તો કરી શકાય. મેં કહ્યું, ‘નેકી ઔર પૂછ પૂછ. આ તો સોનામાં સુગંધ ભળશે.’ પરંતુ રમેશ વર્મા (આ પહેલાં તેમનું નામ રાજેશ લખાયું હતું એ બદલ ક્ષમાયાચના)એ યાદ દેવડાવ્યું કે મન્નાદાને પૂછવું પડશે, કારણ કે તેમના કાર્યક્રમમાં કોઈ સિનિયર આર્ટિસ્ટ આવે તો તેમને જાણ કરવી જરૂરી છે. મોટે ભાગે તેઓ ના જ પાડે છે. મને થયું કે એવું શા માટે? પણ એનો જવાબ મને પછીથી મળી ગયો.  

અહીં હું થોડો સ્વાર્થી બની ગયો. મનમાં થયું કે અનિલ બિસ્વાસ એટલે હિન્દી ફિલ્મસંગીતના ભીષ્મ પિતામહ. તેમની ઉપસ્થિતિ હોય તો મહેફિલમાં ચાર ચાંદ લાગી જાય. આવો મોકો બીજી વાર નહીં મળે, એટલે મેં થોડી વાણિયાબુદ્ધિ વાપરી. મેં કહ્યું, ‘મન્નાદાને પૂછીશું તો ના પાડશે. એમ કરો, તેમને આમંત્રણ આપો.’ રમેશ વર્મા કહે, ‘પણ મન્નાદા ગુસ્સે થઈ જશે તો?’ મેં કહ્યું, ‘મન્નાદા નારાજ થઈને ગુસ્સે થશે તો તેમનો ગુસ્સો સર આંખો પર. તમારું નામ નહીં આવે. આ બાબત તમે સાવ અજાણ્યા છો એમ જ વાત રાખજો. બાકી બધું હું સંભાળી લઈશ.’

રમેશ વર્માએ અનિલદાને કાર્યક્રમમાં લઈ આવવાની વ્યવસ્થા કરી. અમે નક્કી કર્યું કે તેમને મન્નાદા સાથે મુલાકાત કરાવ્યા વિના જ સીધા ઑડિટોરિયમમાં બેસાડી દઈશું. આમ આખો પ્લાન ફિક્સ કરી નાખ્યો. જોકે રમેશ વર્માએ ફરી એક વાર મને ચેતવ્યો કે મન્નાદા  શૉર્ટ ટેમ્પર છે. જો કાંઈ ગડબડ થાય તો તમે સંભાળી લેજો. કોણ જાણે કેમ, મને વિશ્વાસ હતો કે વાંધો નહીં આવે. મન્નાદાનો ગુસ્સો સોડાવૉટર જેવો છે. થોડી વારમાં ઊભરાઈને શાંત થઈ જશે.   ‍                                                                                                શીલા વર્માએ કાર્યક્રમની શરૂઆત કરી અને હું ગ્રીનરૂમમાં આવ્યો અને મન્નાદાને કહ્યું, ‘દાદા, એક સારા સમાચાર છે. અનિલદા આવ્યા છે. મીના કપૂર (પ્લેબૅક સિંગર) પણ સાથે છે. બન્ને  ઑડિયન્સમાં બેઠાં છે.’ આ સાંભળીને એક નાનું બાળક પ્રિન્સિપાલ આવવાના સમાચાર મળે અને ગભરાઈ જાય એમ બોલ્યા, ‘આપને ઉન્હેં ક્યું ઇન્વાઇટ કિયા? મુઝે પૂછના તો ચાહિએ?’ આ મારા માટે ફરિયાદ તો હતી પણ એમાં આક્રોશ ઓછો અને ચિંતા વધુ હતી. મેં સાવ અજાણ્યા થઈને  નિર્દોષભાવે કહ્યું, ‘દાદા, મુઝે ભી પતા નહીં થા. હમારે એક દોસ્ત ઉન્હેં સાથ મેં લે આયે હૈં. અબ ક્યા હો સકતા હૈ? વો આયે હૈં યે તો અચ્છી બાત હૈ.’ એટલે તેઓ બોલ્યા, રજનીભાઈ, You don’t know him. He is a hard task master. વો મેરે સિનિયર હૈ ઔર આજ ભી ઉનકે સામને ગાતે હુએ મૈં કમ્ફર્ટેબલ નહીં હૂં. પતા નહીં મેરા ગાના સુનકર ક્યા કમેન્ટ કરેંગે. I respect him so much that I avoid singing in front of him.’ હવે મને સમજાયું કે શા માટે તેઓ ડિસ્ટર્બ થઈ ગયા હતા. એક વડીલની જેમ મેં સધિયારો આપતાં કહ્યું, ‘દાદા, આપ ક્યોં ટેન્શન લેતે હો. વો  બરસોં પુરાની બાત હૈ. મુઝે તો લગતા હૈ ઇતને સાલોં કે બાદ આપકો મિલકે ઔર આપકા ગાના સુનકર વો ખુશ હોંગે.’ મારી વાત સાંભળીને તેઓ ઢીલા પડ્યા. મને કહે, ‘ઠીક હૈ, પર ઉનકો સ્ટેજ પર મત બુલાના. હમ ઇન્ટરવલ મેં મિલેંગે.’ મેં કહ્યું, ‘આપ બેફિકર રહિએ. મૈં ઉન્હેં સ્ટેજ પર ઇન્વાઇટ નહીં કરુંગા.’ વાત સાંભળીને તેમને ધરપત થઈ. અમારું સહિયારું નિર્દોષ કાવતરું કામિયાબ રહ્યું.   

એટલે જ કાર્યક્રમની શરૂઆત કરતાં પાણી પહેલાં પાળ બાંધતા હોય એમ અનિલદાને રિસ્પેક્ટ આપતાં તેમણે કહ્યું, ‘અનિલદા પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે. તેઓ એક મહાન સંગીતકાર છે અને મારા સિનિયર છે. તેમની સામે પર્ફોર્મ કરવું એ મારા માટે ઓનર છે. મને ખબર છે કે કાર્યક્રમ પૂરો થશે એ પછી તેઓ મારી ખામી કાઢીને કહેશે કે તેં બરાબર નથી ગાયું.’

ઇન્ટરવલમાં ગ્રીનરૂમમાં જ્યારે આ બે દિગ્ગજ કલાકારોની મુલાકાત થઈ ત્યારે તેમના વચ્ચેની આત્મીયતા જોવા જેવી હતી. મન્નાદાએ એકરાર કરતાં કહ્યું, ‘તમે હતા એટલે હું બહુ કૉન્શિયસ હતો.’ અનિલદાએ કહ્યું, ‘જો ભી હો, આજ ભી તુ વો હી મન્ના હૈ જો બરસોં પહલે થા. ચા પીતાં આ બન્નેએ ભૂતકાળનાં અનેક સ્મરણોને વગોળ્યાં. આ કાર્યક્રમમાં ગુજરાતી સુગમ સંગીતના વિખ્યાત કલાકાર સૂરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાય પણ હાજર હતા. તેમની સાથે પણ મન્નાદાએ ગુજરાતી ગીત-સંગીતના જૂના દિવસોનાં સ્મરણ તાજાં કર્યાં.                                                                    

ગ્રીનરૂમમાંથી બહાર નીકળીને અનિલદાએ વિદાય લીધી. મેં તેમનો આભાર માન્યો. જતાં-જતાં તેમણે મને કહ્યું, ‘તમે બહુ સારું કામ કર્યું છે. મન્નાદા જેવા કલાકાર બીજા નહીં થાય. ક્લાસિકલ હોય કે કૉમેડી, રોમૅન્ટિક હોય કે સિરિયસ, દરેક ગીતોમાં તેમનો જવાબ નથી. કમનસીબે આ ઇન્ડસ્ટ્રીએ તેમના પૂરા પોટૅન્શિયલનો લાભ નથી લીધો.’ અનિલદા ગયા એ વાત જ્યારે મેં મન્નાદાને કરી ત્યારે લિટરલી તેમણે રાહતનો શ્વાસ લીધો. એક ટોચ પર પહોંચ્યા બાદ પણ પોતાના સિનિયર માટે આટલું માન-સન્માન મન્નાદા જેવા કલાકાર જ આપી શકે.

તો આ હતી મન્નાદાની મારા માટેની ફરિયાદ. કાર્યક્રમ દરમ્યાન તેમની સેન્સ ઑફ હ્યુમરના અનેક ચમકારા જોવા મળ્યા. ગીતો દરમ્યાન સતત સંગીતપ્રેમીઓની ફરમાઈશ આવ્યા કરતી હતી. કોઈકે મોટેથી કહ્યું, ‘દાદા, લાગા ચુનરી મેં દાગ’ તો તરત જવાબ આપ્યો, ‘વો બાદ મેં લગાઉંગા.’ ‘યે રાત ભીગી ભીગી’ પૂરું થયું અને તરત ફરમાઈશ આવી, ‘આજા સનમ  મધુર ચાંદની મેં હમ’ તો કહે, ‘લગતા હૈ આજ પૂનમ હૈ.’ રાત વીતતી જતી હતી. મેં કહ્યું કે દાદા મૂડ આવે ત્યારે ગુજરાતી ગીતો રજૂ કરજો. તો કહે, ‘અભી તો ગાને કા નહીં, ખાને કા મૂડ બન રહા હૈ.’

***

મેં પહેલાં કહ્યું એમ, He was a big foodie. હું અને ભારતી તેમના ઘરે ગયાં હતાં. ઍઝ યુઝ્‍વલ, અમે નાસ્તો અને મીઠાઈ લઈને ગયાં હતાં. ભારતી સાથે ગુજરાતી ડિશની વાત કરતાં કહે, ‘મને તમારું ઊંધિયું ખૂબ ભાવે છે. એ કેવી રીતે બનાવો છો એની રેસીપી આપો.’ ભારતી કહે, ‘તમે ઘરે જમવા આવશો ત્યારે ઊંધિયું જમાડીશ અને રેસિપી પણ આપીશ.’ તો કહે, ‘એ તો આવીશ, પણ મારે એ જાતે બનાવવું છે.’ અને તેમણે ડિટેલમાં એના વિશે પૂછ્યું. એ પછી તેમણે ‘ઊંબાડિયું’ શું છે એની પણ જાણકારી માગી. એ દિવસે તેઓ એવા મૂડમાં હતા કે તેમને  કેટલી અલગ-અલગ ડિશ બનાવતાં આવડે છે એની ખબર પડી.     

***

હવે ફરી પાછા કાર્યક્રમની વાત કરીએ. ઇન્ટરવલમાં તેમણે કેવળ ચા પીધી. કાર્યક્રમ પૂરો થયો અને એક નાના બાળકની જેમ મને કહે, ‘રજનીભાઈ, મુઝે ભૂખ લગી હૈ.’ નસીબજોગ બફર સ્ટૉકમાં અમે થોડું ફરસાણ અને રસગુલ્લા રાખ્યાં હતાં એ તેમણે એટલા પ્રેમથી આરોગ્યાં કે મજા પડી ગઈ. મન્નાદાને કોઈ ચીજ ગમે તો દિલથી એની પ્રશંસા કરે. મજાક કરતાં બોલ્યા, ‘યે ઇન્ટરવલ મેં લિયા હોતા તો ગાને કા ઔર મઝા આતા.’

કલાકાર જ્યારે પર્ફોર્મ કરે ત્યારે તે એક અલગ ‘ઝોન’માં હોય છે. એક વાર ત્રણ-ચાર ગીતો ગયા પછી અચાનક કહે, ‘I am totally spent up.’ હું સામે જ બેઠો હતો. મને કહે, ‘અરે રજનીભાઈ, આપ તો કુછ બોલ હી નહીં રહે હૈં?’ આ સાંભળીને હું સ્ટેજ પર આવ્યો જેથી તેમને પાંચ મિનિટ બ્રેક મળે, પણ હું ઉપર પહોંચું એ પહેલાં તો તેમણે મૂડમાં આવીને ગાવાનું શરૂ કરી દીધું. ભૈરવીનો આલાપ ગાયો, એક ગીત શરૂ કર્યું, એક પંક્તિ ગાઈ અને  કહે, I have sung so many bhairavis that I always mix up.’ આટલું કહીને તેમણે બીજું ગીત શરૂ કર્યું.

આ હતો મન્નાદાના અતરંગી સ્વભાવનો કેલિડોસ્કોપ. કલાકાર એક નાના બાળક જેવો હોય છે. તેના મૂડને સાચવીને એને સ્વીકારી લો તો એનું ઉત્તમ પરિણામ મળે. એ રાતે અમે સૌએ મન્નાદાને દિલ ભરીને માણ્યા છતાં પ્યાસ અધૂરી રહી. આ કાર્યક્રમનો હૅન્ગઓવર લાંબો સમય રહ્યો. અનુભવીઓ કહે છે કે નશો કર્યા બાદ હૅન્ગઓવર જલદી ન ઊતરે તો એનો એક જ ઉપાય છે, ફરીથી નશો કરવો. એટલે જ લગભગ બે વર્ષ બાદ ખબર પડી કે મન્નાદા હંમેશ માટે મુંબઈ છોડીને બૅન્ગલોર સેટલ થવાના છે ત્યારે નક્કી કર્યું કે એ દિવસની અધૂરી પ્યાસ પૂરી કરવાનો અને હૅન્ગઓવર ઉતારવાનો એક જ ઉપાય છે કે ફરી એક વાર તેમનો કાર્યક્રમ કરવો. એ વાત આવતા રવિવારે.

columnists rajani mehta