પહેલાંના સમયમાં દીકરી સાસરેથી પોસ્ટકાર્ડ શું કામ લખતી?

28 December, 2018 09:00 AM IST  |  | જે ડી મજેઠિયા

પહેલાંના સમયમાં દીકરી સાસરેથી પોસ્ટકાર્ડ શું કામ લખતી?

પ્રતીકાત્મક તસવીર

જેડી કૉલિંગ  

બાબુલ કી દુઆએં લેતી જા,

જા તુઝ કો સુખી સંસાર મિલે

આ ગીત વાગે અને બધા રડવાના શરૂ થાય અને મારા મનમાં પ્રશ્ન પણ એ જ ઘડીએ જન્મે કે આ બધા રડે છે શું કામ. મેં તમને લાસ્ટ વીક કહ્યું એમ મારું હુલામણું નામ બાબુલ અને એને લીધે મને થયા કરે કે મારા આર્શીવાદ લેવામાં આ બધાને રડવું શું કામ આવે છે. આ હું કોઈ જોક નથી કરતો, ખરેખર મને એવું થતું કે આ બધા મારા નામના ગીતમાં શું કામ રડે છે. બહુ નાનો હતો હું ત્યારે. પછી સમજણો થયો એટલે સમજી ગયો કે બાબુલ એટલે બાપુજી, પિતાજી, પપ્પા અને એટલે કન્યાવિદાય વખતે એ બધાને રડવું આવી રહ્યું છે. ઘણા સાચું રડે અને ઘણા ખોટું પણ રડે. ખોટું રડે એટલે એમ કે પોતાને રડવું ન આવતું હોય એટલે આંખો ચૂંચી કરીને આંખો ચોળવા માંડે અને પછી રડવાનો અવાજ કાઢે, કોરસમાં, બધાની સાથે. એટલે કોઈને ખબર પણ ન પડે અને પછી એવું લાગે કે હવે બધાનું ધ્યાન પોતાના પર જાય છે એટલે એ ભાઈ કે બહેન ત્યાંથી સરકી જાય અને દૂર એકાંતમાં જઈને પાણી પીને એવી રીતે પાછા આવે કે જાણે હવે એ મક્કમ થઈ ગયા છે.

નાનો હતો ત્યારે મને સમજાતું નહીં કે બધા રડે શું કામ અને રડવું આવે પણ શું કામ. એયને આપણને બીજાના ઘરે રહેવા જવા મળે, દરરોજ બા-બાપુજીની કોઈ કટકટ નહીં, ભાઈઓની પણ ચિંતા નહીં અને જો નાના ભાઈઓ હોય તો તેની હેરાનગતિ નહીં. નવું ઘર મળે, નવો રૂમ મળે. મસ્તમજાની રીતે બધા સાચવે, લાડ કરે તો પછી એમાં રડવાનું શું કામ? ઘણાં લગ્ન તો ગામમાં ને ગામમાં જ હોય. અરે, કાંદિવલીમાં ને કાંદિવલીમાં જ લગ્ન હોય અને એ પછી પણ વિદાય વખતે રડવું આવે. આવું તે કેમ ચાલે? થોડા સમય પછી મારા ધ્યાન પર બધાને રડાવી દેનારાં બે કારણો પકડાયાં. એક, જેની વાત મેં અગાઉ કરી. બાબુલ કી દુઆએં લેતી જા...

બીજું કારણ ખાસ આપણી ગુજરાતી કમ્યુનિટીને લાગુ પડે છે. આ બીજું કારણ, બેના રે, સાસરિયે જાતાં જો જો આંખ્યું ના ભીંજાય, દીકરી તો પારકી થાપણ કહેવાય.

આ ગીતોના શબ્દો અને એની ટ્યુન એવાં કરુણ કે ભલભલાને રડવું આવી જાય. હું તો કહીશ કે પથ્થરદિલનો હોય તે પણ જ્યારે આવા માહોલમાં આ ગીતો સાંભળે તો તેની આંખો પણ ભીંજાઈ જાય. મારે એક વાત કહેવી છે, એ સમયના અને આજના આ માહોલની. એ સમયે માનસિકતા હતી કે દીકરી તો પારકી થાપણ જ કહેવાય. દીકરી સાસરામાં સુખી હોય કે દુ:ખી હોય, હેરાન થતી હોય કે આનંદની લહેરો પર લહેરાતી હોય; પણ તેણે રહેવાનું તો ત્યાં જ અને સાચવીને રહીને બધાને એટલે કે વર, વરના કુટુંબીઓને સૌને સાથે લઈને ચાલવાનું. આજે જે રીતે દીકરીઓ ફટાક દઈને ઘરે આવી શકે છે એવું પહેલાં નહોતું એટલે એ કન્યાવિદાય અને એ કન્યાવિદાયમાં રહેલી તીવþતા સાચી હતી એવું હું કહીશ ખરો.

એ દિવસોમાં કમ્યુનિકેશન પણ વીક હતું. કાગળ લખવાનો જમાનો હતો. દીકરીના કાગળની કાગડોળે રાહ જોવાતી. સાહેબ, તમે માનશો નહીં પણ એ દિવસોમાં પોસ્ટમૅન શેરી-ગલી કે સોસાયટીમાં આવે એટલે મા દોડતી પોસ્ટમૅનની સામે જતી અને પૂછતી કે અમારી દીકરીનો કાગળ આવ્યો? જો કાગળ આવ્યો હોય તો મા બિચારી એવી હરખઘેલી થઈ જાય કે પોસ્ટમૅનનું મોઢું મીઠું કરાવે. જો ન આવ્યો હોય તો બિચારો પોસ્ટમૅન પોતે રડવા જેવો થઈ જાય. કહે પણ ખરો કે બહેન કાગળ આવશે તો હું સામેથી પહેલાં તમારા ઘરે આવીશ. લાંબો સમયથી રાહ જોવાતી હોય અને કાગળ આવે તો પોસ્ટમૅન પણ સાચે જ એવો દોડતો હર્ષ વ્યક્ત કરવા આવે કે તમને એમ જ લાગે કે કાગળ આવ્યો કે પછી પોસ્ટમૅનના ઘરે બાબો આવ્યો? ઘરના દરવાજા પાસે આવીને જોર-જોરથી બોલે, બહેન, શીરો બનાવો શીરો, દીકરીનો કાગળ આવ્યો છે. આજે હવે આ બધી વાતો હાસ્યાસ્પદ લાગે કે હસવું પણ આવે. પણ ના, આ હસવાની વાત નથી. આવો સમય હતો અને આવો સમય અડધી દુનિયાએ જોયો છે.

અમુક સાસરાવાળા પણ ઉસ્તાદ હતા. વહુને તેના ઘરે કાગળ લખવાનો હોય તો પોસ્ટકાર્ડ જ આપે અને એમાં જ તે કાગળ લખે એવો આગ્રહ કરે. કારણ તો તમે સમજી જ ગયા હશો કે દીકરીનો કાગળ સાસુ વાંચી શકે અને એના માટે તેણે મહેનત ન કરવી પડે એવી ગણતરીઓ રહેતી. સાસરેથી કાગળ આવે તો પણ બેચાર વળી એવાં મહેણાં મારી દે કે એવું તે શું ખાનગી-ખાનગી લખવાનું કે એની માટે આમ બંધ પરબીડિયું મોકલવું પડે. બેચાર વાર બોલે એટલે દીકરી જ તેની માને કહેવડાવી દે કે જે કંઈ લખ એ બધું પોસ્ટકાર્ડમાં જ લખજે. મા પણ સમજી જાય અને પછી પોસ્ટકાર્ડ પર જ વ્યવહાર ચાલતો રહે, જેમાં બન્ને પક્ષ પોતપોતાની ખુશખબર જ આપ્યા કરે. આ ખુશખબર આપવાની આદત એટલી લાંબી ચાલે કે પછી માત્ર ખુશખબર જ આપતા રહેવાની આદત પડી જાય. દીકરી ઘરે આવે એવું તો બહુ સમય પછી બનતું એટલે ત્યાં સુધીમાં તો દુ:ખ વર્ણવવાની ભાવના અને એ લાગણીઓ અલોપ થઈ જાય અને એકબીજાને ભ્રમમાં રાખવાની આદત પડી જાય. મિત્રો, જીવનમાં કેટલાક ભ્રમ જરૂરી છે એવું મને લાગે છે. જો ભ્રમ સાથે જીવવામાં આવતું હોય તો એ ભ્રમ તમને એક આદત પાડવાનું શરૂ કરી દે અને લગ્ન પછી દીકરીને પણ એક આદત પડી જતી હોય છે, પોતાના પિયરથી કપાઈ જવાની આદત. સાચું કહું તો આ ખરાબ વાત હતી, પણ એનો એક આડકતરો ફાયદો પણ હતો. દીકરી સાસરામાં બરાબર સેટ થઈ શકતી. આજની દીકરીઓ સેટ નથી થઈ શકતી એની પાછળ જવાબદાર કારણોમાં એક કારણ આ પણ છે કે આજે પિયરપક્ષ દીકરી સાથે એટલું જ ઇન્વૉલ્વ રહ્યા કરે છે. માસા આવ્યા છે, મોકલજોને ઘરે. બહેન આવી છે, મોકલજોને બન્નેને જમવા. પિક્ચરમાં જવાના છીએ, મોકલો બન્નેને સાથે.આવી બધી વાતોને લીધે દીકરીઓ બેમાંથી એક પણ પક્ષની રહેતી નથી અને એને લીધે અંતર વધવાને બદલે એવાં ગૂંચવણવાળાં બની જાય છે કે કયો રસ્તો કઈ દિશામાં જાય છે એની ખબર જ ન રહે. આ એક જુદો વિષય છે એટલે એની ચર્ચા આપણે ક્યારેક નિરાંતે કરીશું, પણ અત્યારે તો એ જ કે એ સમયે દીકરી વળાવતી વખતે આંખમાં આવતાં આંસુઓ સાચાં હતાં અને એમાં રહેલી પીડા સાચી હતી. દીકરી જોવા મળતી જ નહીં. ફોટોમાં પણ જોવા મળતી નહીં, કારણ કે ઘરમાં કૅમેરા જ ન હોય. વિડિયો કૉલ હતા નહીં એટલે એમ પણ દીકરી જોવા મળતી નહીં. જિઓ કે વોડાફોનનો તો જન્મ જ નહોતો થયો અને લ્વ્D-ભ્ઘ્બ્ મોંઘા હતા. દીકરીને સાસરે સાચી રીતે વળાવવામાં આવતી અને એટલે તેની વિદાય વખતે આંખમાં જે આંસુ હતાં એ સાચાં હતાં. આજે આ વિદાયની તીવþતા ઘટી છે અને એ ઘટેલી તીવþતા વચ્ચે પણ આંસુ આવી રહ્યાં છે, પણ એ આંસુની ખારાશ હવે થોડી ઓછી થઈ છે. દીકરી સાસરે જઈને અડધા કલાક પછી બે ફોટો પાડીને વૉટ્સઍપ કરે છે અને દર બીજા દિવસે દીકરી શાક લેવા નીકળે ને મમ્મીના ઘરે આંટો મારતી આવે. આમાં ક્યાંથી દીકરીવિદાયની તીવþતા અકબંધ રહે મારા ભાઈ!

(લગ્નની આવી જ કેટલીક વધુ રસપ્રદ વાતો માણીશું આવતા વીકમાં)

columnists