કેમ આજના પુરુષોને બાળકો નથી જોઈતા?

20 January, 2020 03:57 PM IST  |  Mumbai Desk | aparna shirish

કેમ આજના પુરુષોને બાળકો નથી જોઈતા?

અમે બે જ અમારું કોઇ નહીં....

ખૂબ ધીમે-ધીમે આગળ વધી રહેલી આ વિચારધારા પાછળ કેવાં-કેવાં પરિબળો કારણભૂત હશે એ નિષ્ણાતો પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ

જનસંખ્યા આટલી વધી રહી છે ત્યારે આપણે શું કામ એમાં હજી વધારો કરવો જોઈએ? આવું કોઈ મજાકમાં કહી દે ત્યારે લોકો એ પુરુષને તું તો ઘેલો છે એવું કહીને હસીમજાકમાં કાઢતા હોય છે. જોકે હકીકત એ છે કે આજના જમાનામાં આ જ વિચારે કે બીજાં કેટલાંક કારણોને લીધે બાળકને દુનિયામાં ન લાવી જવાબદારીઓથી મુક્ત રહેવા માગતા પુરુષોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. એક સમય એવો હતો જ્યાં પુરુષો પોતાના સંતાનને વૃદ્ધત્વની લાકડી તરીકે જોતો અને આજનો સમય એવો છે જ્યાં પુરુષ વિચારવા લાગ્યો છે કે હું આ દુનિયા છોડું ત્યારે પાછળ કોઈ હશે જ નહીં એટલે કોઈ ચિંતા જ નહીં. એક સાઇકોલૉજિકલ વેબસાઇટ પર છપાયેલા રિસર્ચ અનુસાર દુનિયાભરમાં આવા પુરુષોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે અને જનસંખ્યાના દરમાં પણ આને લીધે ઘટાડો જોવા મળ્યો છે. પુરુષો વધુ પ્રૅક્ટિકલ બનીને વિચાર કરવા લાગ્યા છે. પછી ભલે નિઃસંતાન હોવાને લીધે સમાજ તેમના પુરુષત્વ પર આંગળી ઉઠાવે તોય તેમને પરવા નથી. ચાલો જાણીએ આવા વિચારો પાછળની પુરુષોની માનસિકતા અને કારણો શું હોય છે.

કોઈ રોકટોક નહીં
પુરુષો પોતાની લાઇફમાં ખૂબ આગળનો વિચાર કરનારા હોય છે. આ માનસિકતા વિષે સમજાવતાં ક્લિનિકલ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. કેરસી ચાવડા કહે છે, ‘પુરુષો પણ હવે સ્ત્રીઓની જેમ મોડાં લગ્ન કરવાનો કન્સેપ્ટ અપનાવી રહ્યા છે. ૩૦ વર્ષની વય સુધી ફાઇનૅન્શિયલી સેટલ થયેલા યુવાનો પોતાની રીતે આટલાં વર્ષો ખૂબ ફ્રીડમથી જીવ્યા હોય એ પછી તેમને લાઇફમાં કંઈ કરવું હોય ત્યારે બાળકને લીધે પીછેહઠ કરવી પડે એ કબૂલ નથી. દુનિયાભરમાં ટ્રાવેલ કરવું, મનપસંદ જૉબ કરવી અને લાઇફને એન્જૉય કરવી. આ બધામાં બાળકની જવાબદારી આવે અને લાઇફમાં બ્રેક લાગી જશે એ વાતના ખયાલથી જ પુરુષો બાપ બનવા નથી માગતા.’

લાઇફની ફ્રીડમ સિવાય બાળકની જવાબદારીને લીધે આર્થિક પરિસ્થિતિ પર પણ અસર પડશે કે બાળકને સારી લાઇફ આપવા માટે કે તેના શિક્ષણના ખર્ચને લીધે પોતાની ફાઇનૅન્શિયલ ફ્રીડમ ખોરવાશે એ વાતનો ડર પણ આજના પુરુષોને બાળકનો વિચાર કરતાં અટકાવે છે. અહીં મહત્ત્વની વાત એ કે આવા પુરુષો બીજાં બાળકોને કે જરૂરિયાતમંદોને મદદ કરવામાં પણ અવ્વલ હોય છે પણ પોતાની લાઇફમાં કોઈ બાંધછોડ કરવી પડે એ તેમને કબૂલ નથી.

ખરાબ અનુભવો
કેટલીક વાર પોતાને થયેલા કે પોતાના મિત્રોને થયેલા અનુભવો પ્રમાણે લોકો પોતાની લાઇફમાં નિર્ણયો લેતા હોય છે. અહીં પુરુષો ફ્રેન્ડ્સને બાળક આવ્યા બાદ લાઇફમાં ઍડ્જસ્ટમેન્ટ કરતા જુએ ત્યાર બાદ એ કારણ પોતાના બાળકમુક્ત રહેવાના નિર્ણયને જસ્ટિફાય કરવા માટે આપે છે. મિત્રનાં સારી રીતે વર્તણૂક ન કરતાં બાળકો જુએ કે પછી બાળકો આવ્યા બાદ પર્સનલ લાઇફ અને સેક્સ લાઇફ ખોરવાઈ ગઈ છે એવું મિત્રો પાસેથી સાંભળે ત્યારે તેઓ બાળકને લીધે પર્સનલ લાઇફ રહેશે જ નહીં એવું વિચારી બેસે છે. આ વિષે ડૉ. કેરસી ચાવડા કહે છે, ‘ફક્ત મિત્રો જ નહીં, જો પોતાની લાઇફમાં પણ પિતાનો અનુભવ સારો ન રહ્યો હોય કે પિતા હોવા છતાં તેમનો જોઈએ એવો પ્રેમ ન મળ્યો હોય તો એવા યુવાનો હું પણ સારો બાપ નહીં જ બની શકું કે બાળકને નહીં સાચવી શકું એવી લઘુતાગ્રંથિ બાંધી લેતા હોય છે અને બાળકમુક્ત રહેવાનો નિર્ણય લઈ લે છે.’

જુદા બનવાની ચાહત
ભીડમાં જુદા તરી આવવાની ઇચ્છા બધાને જ હોય છે. પોતાને મૉડર્ન અને નૉન-ટ્રેડિશનલ ગણાવતા પુરુષો દુનિયાથી કે પરિવારના બાકીના સભ્યોથી કંઈક જુદું કરવાની ચાહતને લીધે પણ બાળકથી દૂર રહેવા માગે છે. ‘મારા ભાઈઓએ લગ્ન કર્યાં અને તરત જ બાળકને દુનિયામાં લાવી દીધું એટલે જરૂરી નથી કે હું પણ એવું જ કરું. તેમને બહુ ઉતાવળ હતી, મારે આવું કરવું જ નથી’ આવું વિચારનારા યુવાનો આજે ઘણા છે. એ સિવાય લાઇફમાં લગ્ન-જૉબ-ફૅમિલી-બાળકો આ કન્સેપ્ટ કરતાં કરીઅરમાં કંઈક અનોખું કે હટકે કરી દેખાડવાની ચાહત પણ બાળક સાચવવાની પળોજણમાં ન પડવા માટેનું મોટું કારણ છે.

દુનિયાનો ડર
આજે રોજ ઊઠીને જ્યારે બાળકો પર થતા અત્યાચાર, ગ્લોબલ વૉર્મિંગ, ઓવરપૉપ્યુલેશન અને આવા અનેક પ્રશ્નો સામે આવે ત્યારે આટલી ખરાબ થઈ રહેલી દુનિયામાં શું એક બાળકને લાવી તેના જીવન સાથે રમત કરવી યોગ્ય રહેશે? રિસર્ચમાં કેટલાક પુરુષોએ આ દુનિયામાં બાળક સેફ નથી અને એટલે જ તેઓ બાળક પેદા નથી કરવા માગતા એવું કહ્યું હતું. આ વિષે ડૉ. કેરસી ચાવડા કહે છે, ‘મારી પાસે આવતાં કપલ્સ અને યુવાનો ત્યાં સુધી વિચારે છે કે દુનિયામાં પૉપ્યુલેશન વધી રહ્યું છે ત્યારે તેઓ એમાં હજી વધારો નથી કરવા માગતા. વધુમાં તેઓ એ ચીજને પોતાની નૈતિક જવાબદારી ગણાવતાં એમ પણ કહે છે કે જો કેટલાંક વર્ષો પછી બાળક જોઈએ છે એવી ઇચ્છા થઈ તો કોઈ જરૂરિયાતમંદ કે અનાથ બાળકને ખોળે બેસાડશે, પણ જનસંખ્યામાં વધારો તો નહીં જ કરે.’
સ્કોપ હજીયે છે

રિસર્ચ કહે છે કે બાળકમુક્ત રહેવા માગતા પુરુષો પાછલી જિંદગીમાં એકલવાયા થઈ જાય છે. તેમ જ ઘણી વાર કોઈ સપોર્ટ સિસ્ટમ ન હોવાને કારણે આત્મહત્યા કરવા પ્રેરાય છે. આ રિસર્ચ દરમિયાન જ્યારે પુરુષોને શું તમને લાઇફમાં ક્યારેય બાળક નથી જોઈતું એવો સવાલ પૂછવામાં આવ્યો હતો તેમણે એનો જવાબ ‘ના’માં આપ્યો હતો, પણ તેમણે આ જવાબ સો ટકા ખાતરીપૂર્વક આપ્યો હોય એવું નહોતું લાગ્યું અને એટલે જ સાઇકોલૉજિસ્ટોને લાગે છે કે પુરુષોની માનસિકતા બદલાશે એમાં હજીયે થોડો સ્કોપ દેખાઈ રહ્યો છે.

નિર્ણય એકલા પુરુષનો નથી
લગ્ન બાદ બાળકને દુનિયામાં લાવવું કે નહીં એ ફક્ત પુરુષનો નિર્ણય નથી અને માટે જ જો કોઈ પુરુષ બાળક ન ચાહતો હોય તો તેણે એ વાતનો ખુલાસો લગ્ન કરતાં પહેલાં જ કરી નાખવો જોઈએ. આ વિષે સમજાવતાં ડૉ. કેરસી કહે છે, ‘મારી પાસે આવેલા કેટલાક કેસ એવા પણ છે જેમાં લગ્ન પહેલાં તો બાળક દુનિયામાં ન લાવવાનો નિર્ણય પતિ-પત્ની બન્નેનો હોય, પણ લગ્નનાં કેટલાંક વર્ષો પછી બેમાંથી એક પાર્ટનરને બાળકની ઇચ્છા થઈ જાય અને પછી એ વાત ડિવૉર્સ સુધી પહોંચી જાય. એટલે આવા નિર્ણયો બન્ને પાર્ટનર્સ પ્રૅક્ટિકલ અને નિર્ણય પર ઠામ રહેવાના હોય તો જ લેવા જોઈએ.’

‘દુનિયા બદલાઈ રહી છે અને એ જ પ્રમાણે સામાજિક વૅલ્યુ સિસ્ટમ પણ પૂર્ણપણે ઘટી રહી છે. લગ્નને બાળક બાંધીને રાખે એ કન્સેપ્ટ હતો ત્યાં હવે બાળક જોઈતું નથી એવું લોકો વિચારવા લાગ્યા છે. એ સિવાય ૧૫-૧૬ વર્ષના છોકરાઓ પણ મારે લગ્ન નથી કરવાં એ નિર્ણય જણાવી દેતા હોય છે. લાઇફને મૅક્સિમમ એન્જૉય કરવાની ઇચ્છા ધરાવતા આ યુવાનોના નિર્ણયો પર જો કોઈ સવાલ કરે તો એ તેમને જજમેન્ટલ લાગે છે. બાળકની જવાબદારી ન હોય એટલે યુગલોને પોતાની લાઇફ મુક્ત લાગે છે. બાળકને લીધે સેક્સ લાઇફ પર અસર થશે એવો વિચાર હોય છે. અને આ જ મુક્ત લાઇફને લીધે આજના સમયમાં પ્રેમલગ્ન કર્યા બાદ પણ એકાદ વર્ષની અંદર ડિવૉર્સ થઈ જાય એવા કેસ વધી રહ્યા છે. - ડૉ. રાજ બ્રહ્મભટ્ટ, સેક્સોલૉજિસ્ટ

મારી પાસે આવતાં કપલ્સ અને યુવાનો ત્યાં સુધી વિચારે છે કે દુનિયામાં પૉપ્યુલેશન વધી રહ્યું છે ત્યારે તેઓ એમાં હજી વધારો નથી કરવા માગતા. વધુમાં તેઓ એ ચીજને પોતાની નૈતિક જવાબદારી ગણાવતાં એમ પણ કહે છે કે જો કેટલાંક વર્ષો પછી બાળક જોઈએ છે એવી ઇચ્છા થઈ તો કોઈ જરૂરિયાતમંદ કે અનાથ બાળકને ખોળે બેસાડશે, પણ જનસંખ્યામાં વધારો તો નહીં જ કરે. - ડૉ. કેરસી ચાવડા, સાઇકિયાટ્રિસ્ટ

columnists