ક્યારે શું થશે અને ક્યારે શું બનશે એ નક્કી નથી, તો ચિંતા શાની કરવાની?

19 September, 2020 01:15 PM IST  |  Mumbai | Sanjay Raval

ક્યારે શું થશે અને ક્યારે શું બનશે એ નક્કી નથી, તો ચિંતા શાની કરવાની?

પ્રતીકાત્મક તસવીર

નસીબ કોને કહેવાય, નસીબની વ્યાખ્યા શું?

આમ તો આ સવાલનો જવાબ અઘરો છે, પણ જો ધ્યાનથી કેટલીક વાતની નોંધ લઈને જવાબ આપવાનો હોય તો એ જવાબ જરા પણ અઘરો નથી. ભગવાન શ્રીરામનો રાજ્યાભિષેક થવાનો હતો, રાજા બનવાની બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી અને તેમને ૧૪ વર્ષનો વનવાસ થયો. આ નસીબ છે. ભગવાન શ્રીકૃષ્ણએ આટલા વધ કર્યા, આટલી ચાલાકી દેખાડી અને અઢળક યુદ્ધો જીત્યા, પણ તેમને ક્યારેય કોઈ જાતની ઈજા ન થઈ અને છેલ્લે એક ઝાડ નીચે આરામ કરતા હતા ત્યારે પારધીના નાનકડા તીરે તેમનો જીવ લઈ લીધો. આ નસીબ છે. મહાત્મા ગાંધીને ગોળી મારવામાં આવી એ સમયે આખો દેશ બાપુને સર-આંખો પર રાખતો હતો, તેમનો એકેક શબ્દ બ્રહ્મવાક્ય હતો, પણ એમ છતાં તેમને એક વ્યક્તિ આવીને ગોળી મારી ગઈ. આને નસીબ કહેવાય.

આવા તો અસંખ્ય કિસ્સા છે અને આ કિસ્સાઓથી જ એક વાત નક્કી થાય છે કે નસીબ સામે કોઈનું ચાલતું નથી અને એટલે જ મનમાં એક પ્રશ્ન થાય કે જેની સામે આપણું ચાલતું નથી એવા આ નસીબનું કરવું શું?

ચાલો જાણીએ, શું કરવાનું આવા નસીબનું, જે ગમે ત્યારે દગો આપવાનું કામ પણ કરી લે છે.

ઘણા લોકો એવું કહે છે કે એ તો નસીબનો બળિયો છે, તેને તો હંમેશાં નસીબ સાથ આપે છે. ઘણી વાર કોઈના મોઢે સાંભળ્યું હશે કે મારાં તો નસીબ જ ખરાબ છે, હું કંઈ કરવા જાઉં ને બધું ઊલટું થઈ જાય છે. આ બાબતનાં પણ અસંખ્ય ઉદાહરણો છે કે માણસ કરવા ધારે કંઈ અને થઈ જાય કંઈક અવળું. સરસમજાનો ધંધો શરૂ કરવાનો હોય, બધી તૈયારીઓ થઈ ગઈ હોય અને સાવ છેલ્લી ઘડીએ બધું ઠપ થઈ જાય. કોઈ જાતની તૈયારી વિના એક્ઝામ આપવા ગયા હો અને ફર્સ્ટ ક્લાસ આવી જાય કે પછી લગ્ન કરવાં જ નથી એવું મનોમન નક્કી કરીને ખાલી માબાપનું મન રાખવા છોકરી જોવા ગયા હો અને એટલી સરસ છોકરી મળે કે લગ્ન માટે આપોઆપ હા પડી જાય. એકદમ સલામત નોકરી હોય અને અહીં જ રિટાયરમેન્ટ ફાઇનલ છે એ ખબર જ હોય અને એ પછી પણ અચાનક એ નોકરી છોડવી પડે અને એ પણ સાવ જ ફાલતુ કારણ સાથે. આ બધાનો જવાબ ક્યાંથી લાવવો? આ બધાનો જવાબ આપે પણ કોણ?

નસીબ કે પછી બીજું કોઈ?

નસીબને જો સરળ શબ્દોમાં સમજવું હોય તો એમ કહેવાય કે તમે જે કર્મો કર્યાં છે અને તમે જે કર્મો કરો છો એનાં લેખાંજોખાં સાથે નક્કી થાય એનું નામ નસીબ. તમે સારાં કર્મો કરો અને સારી રીતે સાચા રસ્તે કામ કરતા રહો તો નસીબ પણ સાથ આપશે અને તમને સારું પરિણામ મળશે. લોકો નસીબ શબ્દનો ઉપયોગ બહુ કરે છે. મને આ વાત સામે બહુ વાંધો પણ છે. મારું માનવું છે કે આવું કામ એ જ કરે જે સામાન્ય છે, ઍવરેજ પ્રકારના છે અને કાં તો એ કરે, જેને પોતાના પર વિશ્વાસ નથી, પોતાની શક્તિ પર ભરોસો નથી. આ પ્રકારના લોકો જ નસીબ પર બધું છોડે છે. આવા લોકો નસીબ બદલવાના પણ ક્યારેય કોઈ પ્રયાસ નથી કરતા. સ્કૂલ જતાં સાઇકલમાં પંક્ચર પડ્યું અને નસીબને દોષ આપ્યો. કૉલેજમાં આવ્યા, પણ સરખું ભણી ન શકાયું એટલે સારી નોકરી ન મળી, જેને માટે નસીબને દોષ આપી દીધો. કૉલેજમાં ગમતી હતી એ છોકરી સાથે મૅરેજ ન થયાં એટલે નસીબનો વાંક કાઢી લીધો. મૅરેજની ઉંમર વીતી ગઈ અને નસીબને જવાબદાર ગણી લીધું. હવે તમે જ કહો જોઈએ કે આ બધામાં નસીબનો શું વાંક અને નસીબને શું કામ દોષ આપવો જોઈએ?

આપણે ત્યાં એક સર્વસામાન્ય પ્રથા રહી છે, જ્યારે તમને ગમતું ન થાય ત્યારે એનો બધો દોષ નસીબને આપી દેવાનો અને પછી એના પર પૂર્ણવિરામ મૂકી દેવાનું‍. જવાબ શોધવાનો પ્રયાસ પણ નહીં કરવાનો. નસીબનું નામ આપીને બિટ્વીન ધ લાઇન્સમાં મનને મનાવી લેવાનું કે મેં જે કર્યું એમાં મારો કોઈ વાંક નથી. બસ, મારું નસીબ જ ખરાબ છે એટલે મારા ભાગે ભોગવવાનું લખ્યું છે. હકીકત જુદી છે. હકીકત તો એ છે કે નસીબને નામે કે નસીબના વાંકે તમારા પ્રયત્નો ક્યારેય ખૂટવા ન જોઈએ. જો આ જ નસીબને અજમાવવાનું આવે તો લોકો પાછીપાની કરી દે છે. નહીં કરો આવું. તમે પહેલાં પ્રયત્નો કરો, મહેનત કરો અને એ પછી પણ જો તમે ફેલ જાઓ તો એને માટે નસીબનો વાંક કાઢવાને બદલે નવેસરથી અને વધારે મહેનત સાથે પ્રયત્ન કરો અને જે ઇચ્છા છે કે પછી જે ધાર્યું છે એ કરીને દુનિયાને દેખાડો. જે દિવસે કરી બતાવશો એ દિવસે કહેજો કે જોયું મારું નસીબ, કેવો સાથ આપે છે મને.

સામા પ્રવાહે કોઈને જવું નથી અને નસીબને દોષ આપીને છટકી જવું છે. નસીબ જેવું કંઈ હોતું નથી એવું મારું કહેવું નથી, પણ નસીબમાં સફળતા અને નિષ્ફળતા બન્ને લખાયેલી હોય છે અને એ બન્નેનું પરિણામ તમને તમારી મહેનતના આધારે મળતું હોય છે. નસીબ બધાનાં સરખાં હોય એવું પણ નથી અને એટલે જ એવું પણ કહી શકાય કે નસીબ ક્યારેય ખરાબ પણ નથી હોઈ શકતાં.

મેં બનાવેલી પહેલી ગુજરાતી ફિલ્મ ‘વિટામિન સી’ રિલીઝ થવાની હતી ત્યારે ‘મિડ-ડે’માં મેં એક લેખ વાંચ્યો હતો, જેની એક લાઇન મને આજે પણ યાદ છે...

‘અટક તમારી બચ્ચન હોય એટલે તમે અમિતાભ બચ્ચન નથી થઈ જતા.’

જો નસીબને જોડીને જ વાત કરીએ તો પહેલો પ્રયત્ન કરનાર ક્યારેય નસીબને દોષ નથી આપતો, કારણ કે તેને ખ્યાલ છે કે તે કંઈક નવું અને અલગ કરી રહ્યો છે. તમે પણ જો કંઈક નવું અને નોખું કરવાના હો તો ક્યારેય નસીબને દોષ નહીં આપતા, કારણ કે તમે જ્યારે આ નવા કામમાં સક્સેસ જશો ત્યારે લોકો તમારા આ નવા કામની સફળતા માટે તમારા નસીબને જ જશ આપવાના છે. હું તો કહું છું કે નસીબ જેકંઈ આપે એ સ્વીકારવાની તૈયારી રાખવાની છે અને આગળ વધવાનું છે. સતત અને સખત મહેનત કરીને નસીબનો હીરો ચમકાવવાનો છે. તમે જયારે ફેલ થાઓ ત્યારે પ્રયત્ન છોડવાને બદલે નસીબનો આભાર માનવાનો અને ફરીથી વધારે સારી રીતે પ્રયત્ન કરવાના.

ગાંધીજીએ અંગ્રેજોને એક વાર કહ્યું, વિનંતી કરી અને અંગ્રેજો દેશ છોડીને જતા રહ્યા હતા એવું જરા પણ નહોતું અને આપણે બધા જાણીએ છીએ કે ગાંધીજીએ જ્યારે ‌પહેલી વાર વિનંતી કરી અને અંગ્રેજોએ એ ઠુકરાવી દીધી ત્યારે જ ગાંધીજીએ જે પરિણામ છે એને સ્વીકારી લીધું હોત અને ધારી લીધું હોત કે તેમનું અને ભારતનું નસીબ ખરાબ છે તો આજે પણ આપણને આઝાદી મળી ન હોત. ગાંધીજીએ એ સમયે નસીબનો આભાર માન્યો હશે કે સારું થયું કે મને જ આફ્રિકામાં ટ્રેનમાંથી નીચે ફેંકી દીધો જેથી હું આઝાદીની આ ચળવળમાં આગેવાની લઈ શક્યો. મિત્રો આનું નામ જ નસીબ છે. ક્યારે શું થવાનું છે અને ક્યારે શું બનશે એ નક્કી નથી તો પછી ચિંતા શાની કરવાની.

તમારે બસ એક જ કામ કરવાનું છે. સારામાં સારાં કર્મ કરવાનાં અને સારામાં સારા, સાચામા સાચા રસ્તે મહેનત કરવાની છે. નસીબ આપોઆપ તમને સાથ આપશે એ ગૅરન્ટી હું તમને આપું છું. યાદ રાખજો કે તમારે નસીબના જોરે બળિયા નથી થવાનું, પણ તમારી મહેનતના જોરે નસીબને બળિયું બનાવવાનું છે.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists Sanjay Raval