બૅડ બૉય બિલ્યનર્સ: આ ડૉક્યુમેન્ટરીને શું કામ દાદ દેવી પડે?

30 October, 2020 10:40 AM IST  |  Mumbai | Manoj Joshi

બૅડ બૉય બિલ્યનર્સ: આ ડૉક્યુમેન્ટરીને શું કામ દાદ દેવી પડે?

બૅડ બૉય બિલ્યનર્સનું પોસ્ટર

આ વેબ-સિરીઝ છે, પણ કાલ્પનિક એટલે કે ફિક્શનલ સબ્જેક્ટ નથી. આ હકીકત પર આધારિત ડૉક્યુમેન્ટરીની સિરીઝ છે અને આ સિરીઝમાં એવા બૅડ બૉય્‍સનો સમાવેશ કરવામાં આવ્યો છે જેણે ભારતની બૅન્ક કે પછી ભારતના મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ધોળે દિવસે તારા દેખાડ્યા છે. વેબ-સિરીઝ રિલીઝ થયા પછી હવે અચાનક જ દેકારો મચ્યો છે અને વેબ-સિરીઝમાં જેકોઈને સમાવવામાં આવ્યા છે તેમણે ડિમાન્ડ શરૂ કરી છે કે આ ડૉક્યુમેન્ટરી અમારા કેસને નબળો પાડી શકે છે, કોર્ટને ખોટી દિશામાં ડ્રાઇવ કરી શકે છે એટલે એને બૅન કરવામાં આવે.

બૅન થશે કે નહીં એ તો દૂરની વાત છે, પણ એટલું નક્કી છે કે એ બૅન થઈ જાય એ પહેલાં ચોક્કસ જોઈ લેવી જોઈએ. વિજય માલ્યાથી લઈને ગુજરાતી નીરવ મોદીએ કઈ રીતે બૅન્કને મૂર્ખ બનાવી અને એની પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લઈને સામાન્ય માણસે સેવિંગ્સમાં મૂક્યા હોય એવા પૈસા પર ઐયાશી કરી. કેસ સાથે જોડાયેલા કે પછી વ્યક્તિ સાથે જોડાયેલા લોકોના ઇન્ટરવ્યુ પણ કરવામાં આવ્યા અને તેમની પાસેથી પણ સત્ય હકીકત જાણવાની કોશિશ કરવામાં આવી.

ઘણા એવા મિત્રો છે જેમણે આ વેબ-ડૉક્યુમેન્ટરી જોઈને એવું કહ્યું કે આ હિંમતનું કામ છે પણ ના, એવું નથી. હકીકત તો એ છે કે આ અફસોસની વાત છે. ડૉક્યુમેન્ટરી બનાવવાનું કામ અમેરિકાની એક કંપનીએ કર્યું, અમેરિકાની જ એક કંપનીએ એ ડૉક્યુમેન્ટરી માટે ડિજિટલ પ્લૅટફૉર્મ પૂરું પાડ્યું. ડૉક્યુમેન્ટરી બની પણ અંગ્રેજીમાં જ અને એ પછી એને હિન્દીમાં ડબ કરવામાં આવી. તમારા આરોપી, તમારા ગુનેગાર અને તેમને ખુલ્લા પાડીને લોકોને સરળ ભાષામાં સમજાવવાનું કામ બહારના લોકો કરી જાય એનાથી મોટો અફસોસ બીજો કયો હોઈ શકે? ધાર્યું હોત તો આ કામ ભારતમાં પણ થઈ શક્યું હોત અને ભારતીય પ્રોડક્શન-હાઉસ પણ આ કામ કરી શક્યું હોત, પણ એ નથી થયું અને એની પાછળનું કારણ પણ આપણું ન્યાયતંત્ર અને રિલેશનશિપ મૅનેજમેન્ટ છે. જો વિજય માલ્યાએ ખોટું કર્યું હોય, નીરવ મોદી અને સહારા ગ્રુપના સુબ્રતો રયે કંઈ ખોટું કર્યું હોય, કોર્ટે તેમને જવાબદાર જાહેર પણ કરી દીધા હોય ત્યારેતેમના વિશે કશું કહેવામાં, બનાવવામાં કે પછી લખવામાં તકલીફ શાની પડવી જોઈએ?

આ જે તકલીફ પડે છે, આ જે મુશ્કેલી આવે છે અને આ જે સંકોચ થાય છે એને માટે જ નાછૂટકે આપણે ડૉક્યુમેન્ટરીના પ્રોડ્યુસરને દાદ દેવી પડે છે. શ્રેષ્ઠ કામ થઈ શકતું હોય એવા સમયે કેવી રીતે ગાડી પાટા પરથી ઊતરી જાય અને કેવી રીતે માણસ ખોટા રસ્તે ચાલવા માંડે એનું બેસ્ટ એક્ઝામ્પલ આ ડૉક્યુમેન્ટરી છે, જે ખરેખર સૌકોઈએ જોવી જ રહી. ખાસ કરીને આજની યંગ જનરેશને અને સાથોસાથ એ સૌએ જેઓ ઊડવા માટે તલપાપડ થઈ રહ્યા છે. સપનાંઓને કેવો આકાર આપવો અને મનસૂબાઓને કેવો શેપ ન આપવો એની સમજણ આ ડૉક્યુમેન્ટરીથી મળશે એ નક્કી છે.

columnists manoj joshi web series netflix