પુરુષ શા માટે સ્ત્રીને સમજી શકતો નથી?

08 March, 2020 07:48 PM IST  |  Mumbai Desk | Kana Bantwa

પુરુષ શા માટે સ્ત્રીને સમજી શકતો નથી?

સ્ત્રી હોવું એટલે શું? કોઈની પત્ની બનવું? કોઈની પ્રેમિકા બનવું? કોઈનાં સંતાનો પેદા કરવાં? કોઈનું ઘર ચલાવવું? કોઈનાં સગાંને સાચવવાં? કોઈની સેવા કરવી? કોઈને સમર્પિત થઈ જવું? કોઈને માટે આખી જિંદગી લખી દેવી? કોઈને સંતોષતા રહેવું? કોઈને વશ રહેવું? કોઈની કાળજી રાખવી? કોઈને લાગણી આપવી? કોઈને સંગાથ આપવો? આ કોઈ એટલે પુરુષ જને? અને આટલાં કાર્યો પછી સ્ત્રીની જિંદગીમાં બીજું બધું આવે. આવી શકે. નોકરી પણ આ બધા પછી ગૌણ સબ્જેક્ટ તરીકે આવે. વ્યવસાય તો ક્યારેક જ ગણનામાં આવે. સ્વતંત્ર પ્રોફેશનલ પણ પાછળ આવે. પોતાની જાત માટે કશું કરવાનું, પોતાની ઇચ્છા મુજબ જીવવાનું, એકલા ફરવા જવાનું, પોતાને ફાવે એવાં કપડાં પહેરવાનું, ફાવે ત્યાં રહેવાનું એ બધું પ્રાયોરિટીમાં ન આવે. પ્રાયોરિટી તો પેલા ‘કોઈ’ની જ હોય અને એ ‘કોઈ’ નામે ‘પુરુષ’ આદિકાળથી કહેતો આવે કે સ્ત્રીને સમજવી અસંભવ છે. એ કોઈએ હજારો વર્ષથી તેને ગુલામ રાખી છે. તેના અધિકારો છીનવ્યા છે. સ્ત્રીની પ્રાયોરિટી તેણે પોતે નક્કી નથી કરી આપી, સમાજે નક્કી કરી દીધી છે, પુરુષોએ નક્કી કરી છે. સ્ત્રીને જે-જે બંધનોમાં બાંધવામાં આવી છે એ તમામનાં રૂડાં-રૂપાળાં નામ આપ્યાં છે. એ બંધનોને ગ્લૉરિફાય કર્યાં છે, એનાં વખાણ કર્યાં છે, એ બંધનોને સદ્ગુણ તરીકે સ્થાપિત કરી દેવામાં આવ્યાં છે, સ્ત્રીનાં ઘરેણાં સાબિત કરી દેવામાં આવ્યાં છે. એનાં એટલાં ગુણગાન ગવાયાં છે કે એ પવિત્ર પ્રસ્થાપિત થઈ ગયાં છે. એની વિરુદ્ધ બોલવું તો ઠીક, વિચારવું એ પણ ગુનો ગણાય એટલાં પવિત્ર બનાવી દેવામાં આવ્યાં છે સ્ત્રીનાં બંધનોને. અને પરાપૂર્વથી એ બંધનો ચાલ્યાં આવતાં હોવાથી સ્ત્રીઓએ પણ એને આભૂષણ તરીકે, ગુણ તરીકે સ્વીકારી લીધાં છે. આ બંધનો સાથે જોડાયેલા શબ્દોને પણ એવી જ પવિત્રતા બક્ષી દેવામાં આવી છે. એનાથી વિરુદ્ધાર્થી શબ્દોને નેગેટિવ સાબિત કરી દેવામાં આવ્યા છે. મર્યાદા શબ્દ આમ તો પૉઝિટિવ અર્થનો નથી, પણ સ્ત્રીની બાબતમાં તદ્દન પૉઝિટિવ છે.

પુરુષે સ્ત્રીને પુરુષની જ નજરે જોઈ છે. પુરુષની પ્રથમ નજરે સ્ત્રી વ્યક્તિ નહીં, વસ્તુ હોય છે. ઉપભોગની ચીજ હોય છે અને એટલે જ પુરુષોએ સ્ત્રી માટે વાપરવાના શબ્દોનું વિશાળ શબ્દભંડોળ બનાવ્યું છે. મજાની વાત એ છે કે પુરુષે સ્ત્રી માટે જેટલાં પૉઝિટિવ નામ શોધ્યાં છે એટલાં જ નેગેટિવ નામ પણ શોધ્યાં છે. કામિની, કામા, કાન્તાની સામે કભારથી, કંકાસણી, કુલાંગના છે. કમલનયની, કામ્યા વગેરેની સામે કુલક્ષણી પણ છે. ગૃહલક્ષ્મીની સામે ગોઝારણ, ચપલાની સામે ચૂડેલ, પદમણીની સામે પનોતી, પ્રમદા, પ્રેમદા, પ્રોષિતભર્તૃકાની સામે પાપિણી, પતિતા, ભામાની સામે બૈરી, વામાની સામે વઢકણી. પુરુષે સેંકડો નામ આપ્યાં છે સ્ત્રીને. અને સ્ત્રીના એક–એક અંગના, અંગભંગિમાના, શરીરશૌષ્ઠવનાં, શૃંગારનાં, રતિના રસ ટપકતાં, રસિક વર્ણનો કર્યાં છે અને આ નજરે સ્ત્રીને સમજવાનો પ્રયત્ન સદીઓથી થતો આવ્યો છે. પુરુષે સદા સ્ત્રીની પ્રશંસા સામે તેની બદબોઈ પણ એટલી જ કરી છે. એનું કારણ એ છે કે સ્ત્રી તેને સમજાતી નથી એ ભાવ લઘુતાગ્રંથિ પેદા કરે છે.

સ્ત્રી ક્યારેય નથી કહેતી કે પુરુષને સમજવો મુશ્કેલ કે અશક્ય છે. સ્ત્રી તો માને છે અને કહે છે કે પુરુષને સમજવો એકદમ સરળ છે. પુરુષના મનને સ્ત્રી બહુ સ્પષ્ટ વાંચી લે છે, કારણ કે પુરુષ સ્ત્રીમાં જે શોધે છે એ બહુ ઉપરછલ્લું છે, સ્થૂળ છે. સ્ત્રીનો દેહ પુરુષ માટે સૌથી મોટી ઇચ્છાપૂર્તિ છે. પુરુષ સતત કહેતો રહે છે કે સ્ત્રી સમજાતી નથી. સ્ત્રીનું મન કળવું અસંભવ છે વગેરે. કારણ કે સ્ત્રીને પુરુષમાં જે જોઈએ છે એ સ્થૂળ ઉપરાંત સૂક્ષ્મ છે. એને માટે પુરુષનો દેહ મહત્ત્વનો છે, પણ એ જ ઇતિશ્રી નથી. પુરુષને એ ક્યારેય નથી સમજાતું કે દેહથી અધિક મહત્ત્વનું કશું હોઈ શકે. એટલે જ શરીરમાં સુખ શોધવાની પુરુષની મથામણનો ક્યારેય અંત નથી આવતો, સંતુષ્ટિ નથી આવતી કે તે તૃપ્ત નથી થતો. સ્થૂળ વસ્તુઓ હંમેશાં મર્યાદામાં બંધાયેલી હોય છે. જેનું માપ છે એને મર્યાદા છે, એની સીમા છે. એનો અંત જોઈ શકાય છે, એની શરૂઆત જોઈ શકાય છે. સૂક્ષ્મને અનંત સુધી લંબાવી શકાય. એને અમર્યાદ પામી શકાય. એમાં સીમોલ્લંઘન સંભવ છે, એમાં તૃપ્તિની પણ સીમા પાર થઈ શકે છે, એમાં સંતુષ્ટિને મર્યાદાથી પણ આગળ લઈ જઈ શકાય છે. એટલે પુરુષ મોટા ભાગે અતૃપ્ત રહે છે, સ્ત્રી બહુધા સંતુષ્ટ થઈ શકે છે. સ્ત્રી અને પુરુષ બન્નેમાંથી જાતીય સંબંધમાં ‘કોને વધુ સંતુષ્ટિ મળે’ એ પ્રશ્ન પુછાતો રહ્યો છે અને જવાબ હંમેશાં ‘સ્ત્રી’ આવ્યો છે. દુનિયાના લગભગ તમામ પુરાતન કથાસાહિત્યમાં આ વિષયની વાર્તાઓ છે એમાંથી બે જરા ટૂંકમાં જાણીને પછી આગળ વધીએ...

ગ્રીક માઇથોલૉજીમાં ટિરેશિયસની કથા છે જે ૭ વર્ષ સુધી સ્ત્રી તરીકે જીવ્યો હતો. યુવાન ટિરેશિયસ એક વખત જંગલમાંથી પસાર થતો હતો ત્યારે તેણે રસ્તાની વચ્ચે કામક્રીડામાં મગ્ન સર્પનું જોડું જોયું. તેણે લાકડી મારીને એ પ્રણયરત સર્પ-બેલડીને અલગ પાડી દીધી. દેવી હેરાએ ટિરેશિયસના આ કૃત્ય વિશે જાણ્યું ત્યારે તે ગુસ્સે થયાં અને ટિરેશિયસને સ્ત્રી બની જવાનો શાપ આપ્યો. સ્ત્રી બની ગયેલો ટિરેશિયસ હેરાદેવીની પૂજારણ તરીકે રહ્યો અને હેરાના પુત્ર સાથે લગ્ન કર્યાં, તેનાં સંતાનોની માતા પણ બની. ૭ વર્ષ પછી  સ્ત્રી ટિરેશિયસ જંગલમાંથી પસાર થતી હતી ત્યારે ફરીથી સાપના જોડાને પ્રણયરત જોયું. તેણે ફરી લાકડીથી બન્નેને અલગ કર્યા અને ફરીથી પુરુષ બની ગયો. એક દિવસ હેરા અને તેના પતિ ઝિયસ વચ્ચે વાદવિવાદ થયો કે સ્ત્રી અને પુરુષમાં સૌથી વધુ સુખ કોને મળે? હેરાનું કહેવું હતું કે પુરુષને અને ઝિયસનું કહેવું હતું કે સ્ત્રીને. તેમણે ટિરેશિયસને બોલાવ્યો, કારણ કે તે એકમાત્ર એવી વ્યક્તિ હતો જે સ્ત્રી અને પુરુષ બન્ને તરીકે જીવ્યો હતો. તેમણે ટિરેશિયસને પૂછયું, ‘જાતીય સંસર્ગમાં કોણ વધુ સુખ મેળવે, સ્ત્રી કે પુરુષ?’ એક ક્ષણ પણ અચકાયા વગર ટિરેશિયસે કહ્યું, ‘૧૦ ભાગમાંથી પુરુષ એક જ ભાગ સુખ પામી શકે છે. સ્ત્રીને ૧૦માંથી ૯ ભાગમાં સુખ મળે છે.’

બીજી કથા મહાભારતમાં છે. અનુશાસન પર્વમાં જ્યારે રાજા યુધિષ્ઠિર બાણશય્યા પર પડેલા ભીષ્મને આવો સવાલ પૂછે છે ત્યારે ભીષ્મ ભંગાશ્વન નામના એક રાજાની કથા કહે છે. ભંગાશ્વન રાજાએ પુત્રપ્રાપ્તિ માટે અગ્નિદેવનો યજ્ઞ કર્યો. એનાથી તેને ૧૦૦ પુત્રો થયા, પણ માત્ર અગ્નિ માટે યજ્ઞ કર્યો એટલે ઇન્દ્ર કોપાયમાન થયા. રાજા કોઈ વાંકમાં આવે એની ઇન્દ્ર રાહ જોતા રહ્યા. ભંગાશ્વન રાજા એક દિવસ જંગલમાં એક તળાવમાં નાહવા પડ્યા. ઇન્દ્રની શક્તિથી જળમાં પડેલો રાજા સ્ત્રી બની ગયો. તેનું શરીર સુંદર સ્ત્રીનું થઈ ગયું. સ્ત્રીરૂપથી શરમાયેલો ભંગાશ્વન રાજપાટ છોડીને જંગલમાં ચાલ્યો ગયો. ત્યાં એક તાપસની સેવા સ્ત્રી ભંગાશ્વન કરવા માંડ્યો. આ ઋષિથી તેને ૧૦૦ પુત્રો જન્મ્યા. એ ૧૦૦ પુત્રો લઈને તાપસી ભંગાશ્વન પોતાના રાજ્યમાં ગયા અને જઈને અગાઉના ૧૦૦ પુત્રો સાથે મિલાપ કરાવીને કહ્યું કે ‘તમે બધા ભાઈઓ છો, હળીમળીને રાજ્ય ભોગવો‍.’ બધા પુત્રો સંપથી રાજ કરવા લાગ્યા એટલે ઇન્દ્રનો રોષ વધ્યો. તેમણે ભંગાશ્વન પુરુષ હતો ત્યારે પેદા થયેલા અને સ્ત્રી હતો ત્યારે પેદા થયેલા પુત્રો વચ્ચે દ્વેષ કરાવ્યો. પુત્રો ઝઘડ્યા અને માર્યા ગયા. આ સાંભળીને સ્ત્રી બની ગયેલા ભંગાશ્વન ખૂબ રડે છે. ત્યારે ઇન્દ્રએ તેમની પાસે આવીને કહ્યું કે તેં માત્ર અગ્નિનું આવાહ્‍ન કરીને યજ્ઞ કર્યો એટલે મારો ગુનો કર્યો છે. એનું વેર લેવા મેં આ બધું કર્યું  છે. હવે હું તારા પર પ્રસન્ન છું. તું કહે તો ૧૦૦ પુત્રોને હું જીવિત કરીશ. તું પુરુષ હતો ત્યારના ૧૦૦ પુત્રોને સજીવન કરું કે સ્ત્રી છે ત્યારે પેદા થયેલા? ભંગાશ્વને તરત ઉત્તર આપ્યો, ‘સ્ત્રી તરીકે મેં જન્મ આપ્યો એ પુત્રો જીવતા થાય.’ ઇન્દ્રને આશ્ચર્ય થયું. તેમણે કારણ પૂછ્યું તો જવાબ મળ્યો કે ‘મેં મા તરીકે જે પુત્રોને જન્મ આપ્યો એ પુત્રો મને વધુ વહાલા છે.’ ઇન્દ્રએ વધુ એક વરદાન આપ્યું કે ‘તને હું પસંદગી આપું છું કે પુરુષ બનવું હોય તો તું બની શકે છે. બોલ, સ્ત્રી તરીકે રહેવું છે કે પુરુષ બનવું છે?’ ભંગાશ્વનનો જવાબ હતો, ‘હવે સ્ત્રી જ રહેવું છે.’ ઇન્દ્રને કુતૂહલ થયું કે આ રાજા સ્ત્રી બની રહેવા ઇચ્છે છે શા માટે? તેમણે કારણ પૂછ્યું એટલે ભંગાશ્વને કહ્યું, ‘સ્ત્રિયાં: પુરુષસંયોગે પ્રીતિરભ્યધિકા સદા. સ્ત્રી અને પુરુષના મિલનમાં સ્ત્રીને વધુ સુખ મળે છે એ મારો અનુભવ છે. એટલે હું સ્ત્રી રહેવા માગું છું, હે ઇન્દ્ર.’

ભંગાશ્વન કે ટિરેશિયસ સ્ત્રીને સમજી શક્યા સ્ત્રી બનીને. તેમને માતૃત્વ સમજાયું, તેમને પ્રેમ સમજાયો, તેમને સુખ સમજાયું, તેમને લાગણી સમજાઈ. સૌથી મહત્ત્વની વાત તો એ કે તેને સ્ત્રીત્વ સમજાયું. તેણે ઇન્દ્ર પાસે માગ્યું ત્યારે સ્ત્રીત્વ માગ્યું હતું. સ્ત્રીત્વમ એવ શક્ર ત્વયિ વાસવ: અર્થાત્ હું સ્ત્રીત્વનું વરણ કરું છું. સ્ત્રી હોવું એ પોતાનામાં એક અદ્ભુત ઘટના છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે.’

kana bantwa international womens day womens day columnists weekend guide