મકાનમાલિક અને ભાડૂતો વચ્ચે ભેદભાવ કેમ હોય છે?

01 April, 2023 03:34 PM IST  |  Mumbai | Jigisha Jain

કાનૂની રીતે મકાનમાલિક અને ભાડૂતના હકો કે નિયમોમાં ખાસ અંતર હોતું નથી પરંતુ પોતાની વ્યવસ્થા જળવાઈ રહે અને સોસાયટીમાં કોઈ ન્યુસન્સ ઊભું ન થાય એ માટે સોસાયટીઓ ભાડૂતો માટે વધુપડતી તકેદારીઓ રાખે છે, જેને કારણે ઘણી વાર ભાડૂતોને સવલતો અને સન્માન..

પ્રતિકાત્મક તસવીર


મકાનમાલિક ઘરની બહાર લૉબી એરિયામાં પાર્ટીનો જમણવાર રાખે તો ચાલે પરંતુ ભાડૂત ઘરની બહાર એક કૂંડું તો ઠીક, ચંપલ પણ ન રાખી શકે. 
મકાનમાલિક વર્ષોથી મેઇન્ટેનન્સ ન ભરતા હોય તો એક સામાન્ય નોટિસ સિવાય કોઈ પગલાં ન ભરાય, પરંતુ ભાડૂતથી ભૂલથી પણ લિફ્ટ ગંદી થઈ જાય તો એમના પર ફાઇન થોપવામાં આવે.
મકાનમાલિક જિમ, સ્વિમિંગ-પૂલ, ઓપન પાર્કિંગ જેવી બિલ્ડિંગની દરેક વ્યવસ્થા વાપરી શકે; જ્યારે ભાડૂત બિચારો આ બધામાંથી બાકાત. 
બિલ્ડિંગમાં ઊજવાતા દરેક તહેવારમાં ફક્ત ઘરના માલિકો જ આવકાર્ય, ભાડૂતોને આવવું હોય તો અલગથી પરમિશન લેવાની. 

આવા તો કેટકેટલા વણકહ્યા નિયમો છે જે મકાનમાલિક અને ભાડૂતને અલગ-અલગ કૅટેગરીમાં મૂકે છે. દરેક સોસાયટીના પોતાને ત્યાં આવનારા ભાડૂત લોકો માટે ઘણા જુદા-જુદા નિયમો હોય છે જે એ પોતે નક્કી કરતી હોય છે. આ નિયમો કાયદાકીય રીતે હોતા નથી પરંતુ વ્યવસ્થા જળવાઈ રહે એના નામે દરેક સોસાયટી ભાડૂતો માટે નિયમો ઘડે છે જ. મુંબઈમાં ઘર ખરીદવું દરેકના બસની વાત નથી. એટલે મોટા ભાગે લોકો ભાડે રહેતા હોય એ સહજ છે. આ ઉપરાંત મુંબઈમાં અસ્થાયી લોકો પણ ઘણા રહે છે એટલે મુંબઈમાં ઘર ખરીદવાની અને ઇન્વેસ્ટ કરવાની ઇચ્છા બધાને હોય એવું જરૂરી નથી. એક એવો વર્ગ પણ હાલમાં ઊભો થઈ રહ્યો છે જે ઘર ખરીદવાને યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ માનતો ન હોવાથી આવક હોવા છતાં એ ઘર ખરીદતો નથી. આ બધાને કારણે સોસાયટીઓમાં ઍવરેજ ૨૫થી લઈને ૬૦ ટકા સુધી ભાડૂત રહે છે. આટલી મોટી સંખ્યામાં ભાડે રહેનારા લોકોને શું સરળતાથી ઘર ભાડે મળી રહે છે એ એક મોટો પ્રશ્ન છે. બીજું એ કે મુંબઈનાં ઘરો સસ્તાં નથી તો અહીંનાં ભાડાં પણ ઓછાં નથી. મહિને ૨૫,૦૦૦થી લઈને ૭૫,૦૦૦ ભાડું ભરતી વ્યક્તિને પૂછીએ કે જે સહુલિયત અને સન્માન ઘરધણીને મળતું હોય છે એ તમને મળે છે ખરું? તો એનો જવાબ હકારમાં જ મળે એ વધુપડતી અપેક્ષામાં ખપે. શા માટે મકાનમાલિક અને ભાડૂત બંને માટેના રહેવાના નિયમો અલગ-અલગ હોય છે. એની ખરેખર જરૂર છે ખરી? આ બાબતને જરા ઊંડાણથી સમજવાની કોશિશ કરીએ. 

ભૂતકાળના ખરાબ અનુભવો 

દરેક સોસાયટી જે અમુક પ્રકારના કાયદા બનાવતી હોય છે એ પોતાના ભૂતકાળના અનુભવો પરથી બનાવતી હોય છે એમ જણાવતાં અંધેરીના વીરા દેસાઈ રોડ પર આવેલી પ્રથમેશ ઝેનેડુ સી વિન્ગ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ચૅરમૅન આશિત ઠક્કર કહે છે, ‘મારા આ બિલ્ડિંગમાં બે ફ્લૅટ છે અને બંને ભાડે જ દીધેલા છે. પહેલાં અમે નૉર્મલ ફૉર્માલિટીઝ પૂરી કરતા હતા પરંતુ એક વખત મને ખૂબ કડવો અનુભવ થયો હતો. એક છોકરીને ઘર ભાડે આપેલું. એ છોકરીએ રાત્રે દારૂ ઢીંચીને બિલ્ડિંગમાં ખૂબ બૂમબરાડા કર્યા. એને કન્ટ્રોલ કરવી જ મુશ્કેલ બની ગઈ હતી. સોસાયટીમાં રહેતા બધાને થયું કે આ કેવી રીતે ચલાવી લેવાય. મારા કૉન્ટ્રૅક્ટમાં વકીલની સલાહથી મેં પહેલેથી જ એક શરત દાખલ કરેલી કે આવું કંઈ પણ થશે તો ૨૪ કલાકની અંદર ઘર ખાલી કરવું જ પડશે. એ શરત મુજબ અમે તેને કહ્યું કે તું ઘર ખાલી કરી આપ. તેણે કહ્યું, તમારે જે કરવું હોય એ કરો, હું ઘર ખાલી નહીં કરું. મારે પોલીસને જાણ કરવી પડી. પોલીસ વચ્ચે પડી છતાં તે ઘર છોડીને ન જ ગઈ ત્યારે અમે તેની પાસેથી લેખિતમાં લીધું કે કંઈ પણ થાય તો અમે જવાબદાર નથી. એના પછી પોલીસના કહેવા મુજબ તેને ફરજિયાત અમારે ૧૫ દિવસનો સમય આપવો પડ્યો.’ 

જયેશ વોરા અને આશિત ઠક્કર તથા વિનોદ ગડા

સ્પષ્ટતા જરૂરી છે
આ બનાવે તેમને સમજાવ્યું કે ગમે તેટલાં લેખિત કાગળિયાં હોય પણ જો કોઈ અયોગ્ય ભાડૂત આવી જાય તો એ ઘરધણી માટે કે બિલ્ડિંગમાં રહેતા બીજા લોકો માટે પણ મુસીબત બની જાય છે. એટલે આ સોસાયટી પોલીસ વેરિફિકેશન, ભાડૂતના લીગલ ડૉક્યુમેન્ટસ, કૉન્ટ્રૅક્ટ લૉકિંગ પિરિયડ એટલે કે તમે ૧૧ મહિનાનો કૉન્ટ્રૅક્ટ કરીને બે મહિનામાં ભાગી જાઓ એવું નહીં ચાલે જેવા કાનૂની નિયમો બાબતે અત્યંત સજાગ છે. આ ઉપરાંતના નિયમો વિશે  જણાવતાં આશિતભાઈ કહે છે, ‘ભાડૂત રહેવા આવે એ પહેલાં તેનું બૅકગ્રાઉન્ડ અમે ખાસ ચકાસીએ છીએ. બૅચલર્સને અમે ના નથી પાડતા, પરંતુ કોઈ પણ પ્રકારનું ગેરવર્તન નહીં જ ચાલે એની સ્પષ્ટતા અમે ચોક્કસ કરીએ છીએ.’

માન્યતા  
પણ જો આવું કોઈ ગેરવર્તન મકાનમાલિકો કરે તો શું? આ પ્રશ્નનો જવાબ આપતાં આશિતભાઈ કહે છે, ‘એ હકીકત છે કે મુંબઈમાં કોઈ 
પણ જગ્યાએ મકાનમાલિક કોણ છે, તેનું બૅકગ્રાઉન્ડ શું છે, તેને કોઈ ખોટી આદતો છે કે નહીં આવી કોઈ નૈતિક તપાસ ક્યારેય થતી નથી. ઘણા લોકો ૧૦-૨૦ વર્ષ સુધી મેઇન્ટેનન્સ નથી ભરતા. તેમને નોટિસ આપવા સિવાય કોઈ ઍક્શન લેવાતી નથી. જો મકાનમાલિક કોઈ ન્યુસન્સ ફેલાવે તો તેને રિક્વેસ્ટ કરી શકાય કે આ વસ્તુ બરાબર નથી. છતાં કંઈ વધારે ખરાબ થાય તો પોલીસની મદદ મળે પણ એના સિવાય કશું થાય નહીં. એ હકીકત છે કે આપણે ત્યાં માની લેવામાં આવે છે કે મકાનમાલિક બધા સારા જ હોય અને ભાડૂતોનો કોઈ ભરોસો નથી. હકીકતે સાવ એવું પણ નથી હોતું.’

સામાજિક કાયદાઓ  
કાયદાકીય રીતે અપરિણીત કપલ કે લિવ-ઇનમાં રહેતાં કપલ્સ  કે અમુક ધર્મના લોકો કે અમુક ખાસ પ્રોફેશનના લોકોને ઘર નહીં આપવાનું યોગ્ય નથી. આવો ભેદભાવ કાયદાકીય રીતે ક્યાંય ચાલવો ન જોઈએ. પરંતુ મુંબઈમાં લગભગ દરેક સોસાયટીમાં આ પ્રકારના અમુક સામાજિક કાયદાઓ છે. એક ધર્મના લોકો બીજા ધર્મના લોકોને પોતાની સોસાયટીમાં રહેવા દેવા માગતા નથી, જે દર્શાવે છે કે સંવિધાનના કાયદાઓ જુદા અને સામાજિક કાયદાઓ જુદા હોય છે. 

 

ઘણી જગ્યાએ મકાનમાલિકને પાર્કિંગ મળે છે પરંતુ ભાડૂતને પાર્કિંગ આપવામાં આવતું નથી. ભાડૂતો માટે પાર્કિંગ ન મળવું એ એક મોટી સમસ્યા બની જતી હોય છે. એ વિશે સમજાવતાં કલ્પતરુ ઑરા-૧ A,B,C,D સોસાયટી, ઘાટકોપરના ચૅરમૅન વિનોદ ગડા કહે છે, ‘આ બાબતે ફક્ત એક જ નિયમ કામ કરે છે, એ છે જગ્યાનો અભાવ. જો બિલ્ડિંગમાં પાર્કિંગ પૂરતું હોય તો ભાડૂતને પાર્કિંગની સુવિધા મળે છે. બાકી મકાનમાલિકને પણ પાર્કિંગ ખરીદવાનું રહે છે એટલે એમને પૂરતી સુવિધા મળે છે. ભાડૂત જે ઘરમાં રહે છે એ ઘરના મકાનમાલિકનું પાર્કિંગ વાપરવાની તેને પૂરી છૂટ હોય જ છે. બાકી અમારે ત્યાં વિઝિટર્સ પાર્કિંગ પણ મોટું છે એટલે અમે એ સુવિધા બધાને આપી શકીએ છીએ. જ્યાં પાર્કિંગ નાનાં છે, જગ્યા જ નથી ત્યાં એમની પાસે છૂટકો જ નથી એટલે પાર્કિંગ આપવાની ઇચ્છા કરે તો પણ ન આપી શકાય.’ 

સૌહાર્દ જરૂરી 
વિદ્યાવિહાર વેસ્ટમાં આવેલા સ્કાયલાઇન ઓએસિસમાં દસ વર્ષ સુધી ચૅરમૅન પદ સાંભળનારા જયેશ વોરા કહે છે, ‘અમારી સોસાયટીમાં મકાનમાલિકો અને ભાડૂતો વચ્ચે નિયમો અને હકો બંનેમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી. જે નિયમો માલિકને લાગુ પડે એ જ ભાડૂતોને. સમજવાની વાત એ છે કે સોસાયટીમાં એકને હક મળે, કારણ કે તેણે એ પ્રૉપર્ટી ખરીદી છે તો બીજો પણ એ પ્રૉપર્ટીનું પૂરતું ભાડું આપી રહ્યો છે. તો બંનેના હકો જુદા-જુદા ન હોવા જોઈએ. અંતે બંને પાડોશી છે. અમારે ત્યાં ભાડૂત આવે તો સોસાયટીના સદસ્યો સાથે એક ઇન્ફૉર્મલ મીટીંગ પૂરતી રહે છે. અમે તેમને ખોટી હેરાનગતિ ન થાય એનું ધ્યાન રાખીએ છીએ. સોસાયટીની દરેક પ્રૉપર્ટી પણ બંને વાપરી શકે છે. હકીકતે સોસાયટી બિલ્ડિંગનું જિમ હોય કે ક્લબ હાઉસ હોય, એ મકાનમાલિકોની પ્રાઇવેટ પ્રૉપર્ટી નથી. એમને વાપરવા મળે અને ભાડૂતને નહીં એ તો અન્યાય કહેવાય. બંનેને જ એ વાપરવાનો હક હોવો જોઈએ. જો પ્રૉપર્ટી ડેમેજ થવાની બીક હોય તો જે ડૅમેજ કરે એ જ એને રિપેર કરાવે. બાકી બધા તહેવારોમાં પણ અમે સાથે જ તહેવારો ઊજવીએ છીએ. એનાથી સૌહાર્દ જળવાઈ રહે છે, જે કોઈ પણ સોસાયટી માટે જરૂરી છે.’

columnists Jigisha Jain mumbai