હર્ષદ મહેતાની હયાતી શું કામ જરૂરી છે

24 October, 2020 12:06 AM IST  |  Mumbai | J D Majethia

હર્ષદ મહેતાની હયાતી શું કામ જરૂરી છે

તમે પોતે પણ શૅરબજાર કે બૅન્ક કે કોઈ બીજી જગ્યાએ જરૂર કરતાં વધારે ઉતાવળથી ચાલતા કે દોડતા હશો તો પોરો ખાવાની સમજ આ વેબ-સિરીઝ આપશે.

આપણે વાત કરીએ છીએ ‘સ્કૅમ-1992 ધી હર્ષદ મહેતા સ્ટોરી’ વેબ-સિરીઝની. એટલી સરસ રીતે આ વેબ-સિરીઝ બનાવવામાં આવી છે કે તમે એના રીતસરના ફૅન થઈ જાઓ. હું તો થઈ ગયો છું ફૅન. સિરીઝનો તો ખરો જ, સાથોસાથ બીજા પણ ઘણા લોકોનો એણે મને ફૅન બનાવી દીધો છે. ફૅનના લિસ્ટમાં ગયા શુક્રવારે મેં તમને પહેલું નામ કહ્યું, સુચેતા દલાલ. આ સિરીઝ જેમના પુસ્તક પર આધારિત છે એવાં પદ્‍મશ્રી લેખક-પત્રકાર સુચેતા દલાલ અને તેમને સાથે નૉવેલ લખવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે એ દેબાશિષ બાસુનો પણ. સુચેતા અને દેબાશિષે જો સ્કૅમ ખુલ્લું ન કર્યું હોત તો એ વધારે લાંબો સમય ખેંચાયું હોત અને ઇન્વેસ્ટર્સના બીજા અમુક-તમુક લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા હોત. આ બન્ને ઉપરાંત હું ફૅન થયો હર્ષદ મહેતાના પરિવારના ઘણા સભ્યોનો. તેમણે હિંમતથી આ આખી પરિસ્થિતિનો સામનો કર્યો હશે અને પોતાના વ્યક્તિગત વાંક વગર પણ ઘણું સહન કરવું પડ્યું હશે. સાચું-ખોટું જે હોય એ, આપણે એના પોસ્ટમૉર્ટમમાં નથી જવું, પણ એક વાત તો નક્કી છે કે આ સિરીઝ તમને સમજાવશે કે પરિવારને આગળ લાવવા માટે જે હિંમત તમે દેખાડો છો એને લીધે પરિવારના સભ્યોએ કેવું-કેવું અને કેટલું સહન કરવું પડતું હોય છે. સિરીઝ જોશો ત્યારે તમને સમજાશે કે જે તમે નથી ઇચ્છતા એ બધું પરિવારના સભ્યોએ પણ સહન કરવું પડે છે અને પરિણામ તમને સમજાશે કે કંઈ એવું ખોટું ન કરવું જોઈએ જે તમારી સાથોસાથ તમારા પરિવારના ભવિષ્યને પણ અંધકારમય બનાવે. હું ફૅન થઈ ગયો સિરીઝના ડિરેક્ટર હંસલ મહેતાનો. હંસલે નૉવેલની નાડ જે રીતે પકડી અને સમજી એ કામ બીજું કોઈ ન કરી શકે. કોઈની પણ બાયોગ્રાફી બનાવવામાં ફાયદા અને અડચણ બન્ને સમાન પ્રમાણમાં હોય છે. એમાં ફાયદા છે જ. સાચુકલી સુંદર વાર્તા છે, એવી વ્યક્તિ છે જેનું નામ ખૂબ મોટું અને લોકોમાં જાણીતું છે, પણ એ વાર્તા સાથે જોડાયેલી ચૅલેન્જને પણ ઓળખવી પડે.
જો તમે દરેકેદરેક વ્યક્તિ કે પાત્ર, જગ્યા અને ઘટનાને યોગ્ય રીતે જીવંત ન કરી શકો તો એ સાચુકલી વાર્તા ઑડિયન્સને ખોટી લાગવા માંડે. વાર્તા પણ એમાં આવતાં સાચાં પાત્રો પણ ઑડિયન્સને ખોટાં લાગવા માંડે. એક વખત બધું ખોટું લાગવાનું શરૂ થાય એટલે ધીરે-ધીરે બીજા ગેરફાયદા વધવા માંડે અને એક તબક્કે ઑડિયન્સ તમને રિજેક્ટ કરી નાખે. આવું અનેક બાયપિકમાં બન્યું છે, પણ અત્યારે આપણે એ નામની ચર્ચા નથી કરવી. આપણે અત્યારે વાત કરવી છે હંસલ મહેતા અને તેમની ટીમની. ખૂબ જ સુંદર કામ કર્યું છે તેમણે અને એ તમે પણ સ્વીકારશો.
૧૯૮૦થી લઈને ૨૦૦૧ સુધીની તમારા જીવન સાથે સંકળાયેલી ઘટનાઓ અને એની સાથે જોડાયેલી એકેએક ચીજોનો અનુભવ તમને આ વાબ-સિરીઝ કરાવે છે અને એનો એક અનેરો આનંદ આવે છે. અલગ-અલગ બૅન્ક્સ, સ્ટૉક માર્કેટ, મહેતાપરિવારના ઘાટકોપર, કાંદિવલી અને વરલીના ઘરોથી માંડીને ફિઆટ કારથી લઈને લેક્સસ કાર અને લેક્સસની એક્ઝિટવાળો સીન.
ઓહોહોહોહો...
વાર્તામાંનું ઘણુંબધું કહેવાનું મન થાય છે, પણ મારે કોઈ પણ હિસાબે કન્ટ્રોલ કરીને તમને કશું કહેવાનું નથી. કહેવાનું હોય તો ઘણું બધું લખી શકું છું, પણ ના, તમારો ઇન્ટરેસ્ટ કદાચ બદલાઈ જશે એટલે હું જાતને કાબૂમાં રાખવાનું પસંદ કરું છું, પણ હા, અદ્ભુત કામ કર્યું છે હંસલે, કોઈ શંકા નથી એમાં. હંસલ મહેતાનું નામ જ હર્ષદ મહેતાના નામ જેવું સામ્યતા અને સમાનતા ધરાવતું હતું એટલે હંસલ હર્ષદ મહેતાને ન્યાય આપી શક્યા એવા ફાલતુ સંવાદો હું નહીં લખું, પણ એટલું ચોક્કસ કહીશ કે આ કામ હંસલ જ કરી શકે.
સિરીઝ ખૂબ જ સરસ રીતે લખાયેલી છે. સ્પેશ્યલી એના સ્ક્રીનપ્લે અને ખાસ કરીને ડાયલૉગ્સ, જે કરણ વ્યાસે લખ્યા છે. સ્ક્રીનપ્લે સુમીત પુરોહિત અને સૌરવ ડેએ લખ્યા છે અને સ્ક્રીનપ્લે સારા લખાયા હોવાનું કારણ છે સુચેતાએ લખેલી બુક. કૉસ્ચ્યુમ અને આર્ટ ડિરેક્શન જેમ મેં કહ્યું એમ, ૧૯૮૦થી ૨૦૦૧ સુધીનું ચિત્ર ઊભું કરી દે છે. જોતી વખતે તમને એમ જ લાગશે કે આ બધું તો તમે અગાઉ જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે. એમાં પણ જે શૅરબજાર સાથે સંકળાયેલા હોય અને પહેલાં રિંગમાં કેવી રીતે કામ થતું હતું એ ન જોયું હોય તો તમને મજા પડી જશે. શૅરબજાર સાથે ન સંકળાયેલા હો તો પણ એ સમયે જે રીતે કામ થતું હતું એ જોઈને મજા પડશે, મજા પણ પડશે અને જોઈને અંચબો પણ થશે. બહુ જ ઉમદા વાતાવરણ ઊભું કર્યું છે. વેબ-સિરીઝનું સૌથી મોટું જમા પાસું છે એનું કાસ્ટિંગ.
દરેકેદરેક પાત્રમાં એવા કલાકાર છે જેમનામાં રિયલ લાઇફ સાથેની સામ્યતા અને ઉમદા અભિનય આપવાની ક્ષમતા છે. એકેએક એટલે એકેએક કલાકાર પાત્રને જીવંત કરી દે છે. પૉપ્યુલર હોય કે ઓછો પૉપ્યુલર કે પછી નવોદિત હોય. મોટા કલાકારે નાના પાત્રમાં અને ઘણા નવોદિત કલાકારોએ બહુ મહત્ત્વના પાત્રમાં અદ્ભુત અભિનય કર્યો છે. એમ કહું તો ચાલે કે અભિનય નથી કર્યો, પણ પાત્રને જીવંત કરી દીધાં છે. મને અહીં કહેવું છે કે ઘણા ગુજરાતી કલાકારોએ ઍક્ટિંગનું ધોરણ બે મુઠ્ઠી ઊંચું કરી નાખ્યું છે અને એટલે જ ખાસ આપણા આ ગુજરાતી પેપરમાં હું લખતી વખતે ગર્વ અનુભવું છું. ગુજરાતી ટૅલન્ટ બરાબર ઊભરીને બહાર આવી રહી છે. આ વેબ-સિરીઝના ઍક્ટરોનાં વખાણ કરવા જતાં જો હું કોઈનું નામ ભૂલી જાઉં તો અન્યાય થશે એમ સમજીને નામ લખવા નથી જતો, પણ એકાદ-બે નામ નહીં લઉં તો તેમને અને તેમના જ સાથીકલાકારોને કદાચ ખોટું લાગી શકે છે એટલે તેમનો ઉલ્લેખ કરી લઉં. આ નામોમાં છે પ્રતીક ગાંધી. હર્ષદ મહેતા જેવો ન દેખાતો પણ હવે હર્ષદ મહેતા અને પ્રતીક ગાંધીમાંથી કોણ વધારે હર્ષદ મહેતાને જીવી શકે એમ છે એવો મત લેવાય તો કદાચ સાચુકલા હર્ષદભાઈ હારી જાય એવું અદ્ભુત કામ કર્યું છે પ્રતીક મહેતાએ, સૉરી ગાંધીએ. જુઓ અત્યારે લખવામાં પણ પ્રતીક મહેતા થઈ ગયું. ઓતપ્રોત થઈને પાત્રમાં ઊતરી જવાની ક્ષમતાએ પ્રતીકને આપણે ત્યાંના શ્રેષ્ઠ કલાકારની હરોળમાં ગોઠવી દીધો છે. અદ્ભુત અભિનય. પ્રતીક પછી નામ લેવું પડે સુચેતા દલાલનું પાત્ર નિભાવતી શ્રેયા ધન્વંતરાયનું. અદ્ભુત. આ છોકરીએ જે અભિનય કર્યો છે એમાંથી ઊભી થતી છબિ જોઈને તમને સાચાં સુચેતાબહેને કરેલી હિંમત અને જહેમત માટે માન થશે. મેં કહ્યું એમ, તેમણે આ બધું ખુલ્લું ન પાડ્યું હોત તો આ પ્રક્રિયા વધુ લાંબી ચાલી હોત અને કદાચ હજી વધુ લોકો સંડોવાયા હોત અને કદાચ થોડા લાખ-કરોડો ઇન્વેસ્ટરના રૂપિયા વધારે ધોવાયા હોત, પણ આપણે એ વાત અત્યારે છોડીએ, કારણ કે હું આ વાતને સાચા-ખોટાની દિશામાં લઈ જવા નથી માગતો. એ ભૂતકાળ છે અને એ વિશે હું કંઈ કહું એ યોગ્ય પણ નથી. બાકી, તમારી જાણ ખાતર મઝદાના શૅર્સ મારી પાસે પણ હતા.
હા... હા... હા...
મઝદાની એ આખી સ્ટોરી જુદી છે એટલે હું એમાં કશું કહેવા નથી માગતો, પણ હું મારા વાચકમિત્રોને એટલું જ કહેવા માગું છું કે આ વેબ-સિરીઝમાં તમને ઘણું જોવા અને જાણવા મળશે. છાપાની હેડલાઇન વાંચીને આપણે શું સમજતા હોઈએ અને એ હેડલાઇન પાછળ કેવી ઘટનાઓ ઘટી હોય કે ઘટતી હોય એની આપણામાંથી ઘણાને જાણ નથી અને જાણ છે તો એ અધૂરી હોય છે છતાં આપણે એક ઓપિનિયન બાંધીને ચાલતા રહીએ છીએ. આ જ વાત હર્ષદ મહેતા માટે પણ લાગુ પડે છે.

હર્ષદ મહેતા સાચા કે ખોટા એ પણ હું કહેવા નથી માગતો, પણ આ સિરીઝ તમને દેખાડશે કે તેમનો પરિવાર સાથેનો અને પત્ની સાથેનો વ્યવહાર, ભાઈઓ માટેનો પ્રેમ, બચ્ચાંઓ સાથેની વાતો કેવાં હતાં. એ સિવાય પણ સમજાશે કે માણસ ગમે એટલો બિઝી હોય, સફળ હોય, નિષ્ફળ હોય, પરિવાર સાથે તે કેવી રીતે વર્તે છે? તમને મજા આવશે. સમજાશે કે લોકો શા માટે તેમને શૅરબજારનો બિગ બુલ અને અમિતાભ બચ્ચન કહેતા? તેમની પૉઝિટિવ ક્વૉલિટીમાં તેમનામાં કેવી હિંમત હતી એ દેખાશે તો અતિમહત્ત્વાકાંક્ષાની ઝડપ કેવા અકસ્માત કરાવી શકે એ પણ જોવા મળશે. દેશની સિસ્ટમ કઈ હદ સુધી કરપ્ટ થઈ શકે છે એ જોઈને તમે ચોંકી જશો, સાથોસાથ તમે પોતે પણ શૅરબજાર કે બૅન્ક કે કોઈ બીજી જગ્યાએ જરૂર કરતાં વધારે ઉતાવળથી ચાલતા કે દોડતા હશો તો પોરો ખાવાની સમજ આ વેબ-સિરીઝ આપશે. સાચું અને ખોટું ઉદાહરણ અને એની સમજ આપતા હર્ષદભાઈને આપણી પાસે, આપણી વચ્ચે રાખવા જ રહ્યા. તેમણે કરેલું કશું હવે બદલાશે નહીં, પણ એમાંથી લોકો શીખીને પોતપોતાનો માર્ગ તો બદલી જ શકશે અને માટે જ તેમને હંમેશાં આપણી વચ્ચે જીવંત રાખવા જ રહ્યા અને તેઓ રહેશે પણ જીવંત.
(એક સ્પષ્ટતા- આ આર્ટિકલ-સ્ટોરી સોની લિવ પર આધારિત ‘સ્કૅમ-1992 ધી હર્ષદ મહેતા સ્ટોરી’ જોઈને લખી છે. મારી કોઈ વાત તેમના પરિવાર કે સભ્યોને દુઃખ થાય એવા આશયથી નથી લખી. તેમના કોઈ એવા ઇન્વેસ્ટર જેમને હર્ષદ મહેતાને કારણે નુકસાન થયું હોય અને ઘરમાં ટ્રૅજેડી થઈ હોય તેમને પણ જો મારો કોઈ શબ્દપ્રયોગ કે વાક્યપ્રયોગ દુઃખ પહોંચાડનારો લાગ્યો હોય તો મને સૂચિત કરે. હું મારા જ આર્ટિકલમાં એના વિશે સ્પષ્ટતા કરીને વાતને સુધારી લઈશ. આ સ્પષ્ટતા સાથે પણ કહું છું, આ સિરીઝ એક વાર જરૂર જોજો.)

JD Majethia columnists