13 September, 2026 06:46 PM IST | Mumbai | Rajendra Bhatia
પ્રતીકાત્મક તસવીર
મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરનારા ભારતીયો હવે માત્ર પરંપરાગત ઇન્ડેક્સ ફન્ડ્સ પૂરતા મર્યાદિત રહેવા માગતા નથી. તેઓ એવી નવી રીતો પણ શોધી રહ્યા છે. આવી જ એક રીત છે ફૅક્ટર ફન્ડ્સ અથવા ‘સ્માર્ટ-બીટા’ ફન્ડ્સ.
મ્યુચ્યુઅલ ફન્ડ્સની આ શ્રેણી કેટલી ઝડપથી વધી રહી છે એનો અંદાજ એની ઍસેટ અન્ડર મૅનેજમેન્ટ (AUM) પરથી લગાવી શકાય. ડિસેમ્બર ૨૦૨૨માં સ્માર્ટ-બીટા ઇક્વિટી સ્કીમ્સની AUM લગભગ ૭૨૦૦ કરોડ રૂપિયા હતી, જે માર્ચ ૨૦૨૬ સુધીમાં વધીને ૩૭,૭૦૦ કરોડ રૂપિયા થઈ ગઈ. આમ ૩ વર્ષથી થોડા વધુ સમયમાં ચારગણાથી પણ વધુ વૃદ્ધિ થઈ છે. આ સમયગાળામાં આવી સ્કીમ્સની સંખ્યા પણ સાતથી વધીને ૨૪ થઈ ગઈ છે.
સામાન્ય ઇન્ડેક્સ ફન્ડ્સમાં કંપનીના માર્કેટ કૅપિટલાઇઝેશન પ્રમાણે શૅરનું વેઇટેજ નક્કી થાય છે. ફૅક્ટર ફન્ડ્સમાં વાત થોડી અલગ છે. અહીં અગાઉથી નક્કી કરેલા કેટલાક માપદંડોના આધારે શૅર પસંદ કરવામાં આવે છે. આ માપદંડોને ‘ફૅક્ટર’ કહેવામાં આવે છે.
દાખલા તરીકે મોમેન્ટમ ફન્ડ્સ એવા શૅર પસંદ કરે છે જેમણે તાજેતરમાં સારો ભાવવધારો દર્શાવ્યો હોય. વૅલ્યુ ફન્ડ્સ એવી કંપનીઓ શોધે છે જેના શૅર અન્ય કંપનીઓની તુલનાએ શૅરદીઠ કમાણી, બુકવૅલ્યુ અથવા ડિવિડન્ડ જેવા માપદંડોના આધારે ઓછા ભાવે મળતા હોય. અહીં એવી ધારણા રખાતી હોય છે કે સમય જતાં આ કંપનીઓના વૅલ્યુએશનમાં સુધારો થશે અને એ સામાન્ય સ્તર પર આવશે. ક્વૉલિટી ફન્ડ્સ મજબૂત નફાકારકતા અને સધ્ધર બૅલૅન્સશીટ ધરાવતી તથા સતત કમાણી કરનારી કંપનીઓ શોધીને એમના શૅરમાં રોકાણ કરે છે. લો-વૉલેટિલિટી ફન્ડ્સમાં સામાન્ય રીતે એવા શૅર પસંદ કરવામાં આવે છે જેમાં ભાવની ચંચળતા પ્રમાણમાં ઓછી રહી હોય. આ ઉપરાંત મલ્ટિ-ફૅક્ટર ફન્ડ્સ પણ છે. એમાં વૅલ્યુ, ક્વૉલિટી, મોમેન્ટમ અને લો-વૉલેટિલિટી જેવાં અનેક પરિબળોને એકસાથે ધ્યાનમાં લેવામાં આવે છે.
ફૅક્ટર ફન્ડ્સનો સૌથી મોટો ફાયદો એ છે કે એમાં શૅરની પસંદગી કોઈની લાગણી કે અંદાજના આધારે થતી નથી. અગાઉથી નક્કી કરેલા નિયમો પ્રમાણે રોકાણ થાય છે એટલે રોકાણમાં શિસ્ત રહે છે.
બીજો ફાયદો પારદર્શકતા છે. રોકાણકારને ખબર હોય છે કે કયા માપદંડોના આધારે શૅર પસંદ કરવામાં આવી રહ્યા છે. ઇન્ડેક્સ પોતાની પદ્ધતિ પ્રમાણે સમયાંતરે પોર્ટફોલિયોને રીબૅલૅન્સ પણ કરે છે.
જોકે અહીં એક વાત યાદ રાખવી જરૂરી છે. ફૅક્ટર ફન્ડ કોઈ જાદુઈ ફૉર્મ્યુલા નથી. કોઈ એક ફૅક્ટર લાંબા સમય સુધી સારું પ્રદર્શન ન પણ કરે. ખાસ કરીને બજારનો ટ્રેન્ડ અચાનક બદલાય ત્યારે મોમેન્ટમ અને આલ્ફા જેવી વ્યૂહરચનાઓને નુકસાન થઈ શકે છે.
આવાં ફન્ડ્સ લાંબા ગાળાના અને અનુભવી રોકાણકારો માટે વધુ યોગ્ય ગણાય.
આખરે, ફૅક્ટર ફન્ડ્સ રોકાણકારોને એક વધુ વિકલ્પ આપે છે. નોંધનીય છે કે કોઈ પણ રોકાણની જેમ અહીં પણ ફાયદા સાથે એની મર્યાદાઓ અને જોખમોને સમજવાનું એટલું જ જરૂરી છે.
-રાજેન્દ્ર ભાટિયા