'ચૌદ્હવી કા ચાંદ હો'નું રી-રેકૉર્ડિંગ કરવાની ગુરુ દત્તે શા માટે ના પાડી

17 January, 2021 02:27 PM IST  |  Mumbai | Rajani Mehta

'ચૌદ્હવી કા ચાંદ હો'નું રી-રેકૉર્ડિંગ કરવાની ગુરુ દત્તે શા માટે ના પાડી

‘સંકેત’ના કાર્યક્રમમાં રજની મહેતા અને સંગીતકાર રવિ

વહેલી સવારે ઊઠીને ક્રિકેટ, ખાસ કરીને ટેસ્ટ મૅચ જોવાનો નશો જ અલગ હોય છે. સિડની ટેસ્ટમાં ભારતે જે રીતે પોતાનું કૅરૅક્ટર અને ડિટર્મિનેશન દેખાડ્યું એ જોવાની મજા પડી ગઈ. વન-ડે અને ટી૨૦ની ઝાકઝમાળ અને ફટકાબાજીથી દુનિયા અંજાઈ જાય છે, પરંતુ અમારા જેવા ડાઇ હાર્ડ ક્રિકેટચાહકો માટે ટેસ્ટ ક્રિકેટ અલ્ટિમેટ છે. એમાં‍ ખેલાડીની કાબેલિયત સાથે ધીરજ, દૃઢતા અને મજબૂત મનોબળની સાચી કસોટી થાય છે. ખાસ કરીને જ્યારે ક્રિકેટના ગ્લૅમર બૉય્‍સની સરખામણીમાં ઓછા જાણીતા ખેલાડીઓ, જે ટેક્નિકમાં ઊતરતા હોવા છતાં કેવળ પોતાની મર્યાદિત આવડતના સહારે ટીમને બચાવે છે ત્યારે તેમના પ્રત્યેનું માન વધી જાય છે. એ અલગ વાત છે કે ઇતિહાસમાં તેમની ગણના મહાન ખેલાડી તરીકે નથી થતી, પરંતુ હકીકત એ છે કે તેમના ઉલ્લેખ વિના ઇતિહાસ અધૂરો રહી જાય છે.

મને લાગે છે કે મારા બે ગમતા શોખ ક્રિકેટ અને હિન્દી ફિલ્મસંગીતમાં ઘણું સામ્ય છે. બન્નેમાં જાણીતા, લોકપ્રિય નામને વારંવાર યાદ કરાય છે. તેમના વિશે ખૂબ લખાય છે, તેમના કામની  નોંધ લેવાય છે. ક્રિકેટના ઓછા ગ્લૅમર્સ ખેલાડીઓની જેમ અમુક સંગીતકારો એવા છે જેમના કામની યોગ્ય કદર થઈ નથી, જેમના વિશે વધુ લખાયું નથી. ફિલ્મજગતમાં મહાન સંગીતકારોની યાદી મોટી છે ઃ અનિલ બિસ્વાસ, નૌશાદ, સચિન દેવ બર્મન, શંકર-જયકિશન, ઓ. પી. નૈયર, સી. રામચંદ્ર અને મદન મોહન જેવા ધુરંધરો આ શ્રેણીમાં આવે (આ યાદી હિન્દી ફિલ્મોના સુવર્ણયુગ એટલે કે ૧૯૪૫થી ૧૯૬૫ સુધી સીમિત છે, એની ખાસ નોંધ લેવા વિનંતી છે). તમને થશે કે આમાં ઘણાં નામ ખૂટે છે. સાચી વાત છે. હુસ્નલાલ-ભગતરામ, ખૈયામ, હેમંતકુમાર, રોશન, સલિલ ચૌધરી, ચિત્રગુપ્ત અને બીજા. આ દરેક સંગીતકારે યાદગાર ગીતો આપ્યાં. તેમણે ક્વૉન્ટિટીમાં નહીં, ક્વૉલિટીમાં કર્યું, પરંતુ ઇતિહાસ તેમને  મહાન માનવા રાજી નથી. ક્રિકેટની જેમ જ સંગીતના સુવર્ણયુગનો ઉલ્લેખ તેમના યોગદાન વિના અધૂરો રહેશે.

વૃંદાવન ગાર્ડન જઈએ ત્યારે ભાતભાતનાં રંગબેરંગી ફૂલોથી સજાવેલા આ બગીચાને જોઈને દિલ બાગ-બાગ થઈ જાય છે. એમાં તમને ગમતાં અને જાણીતાં ફૂલો સિવાય બીજાં અનેક ફૂલો હોય છે, જે ગાર્ડનની શોભામાં ઉમેરો કરે છે, ભલે પછી એના અસ્તિત્વનો તમે સ્વીકાર કરો કે  ન કરો. અમર ગીતોના આ વૃંદાવન ગાર્ડનના બગીચાના એક એવા સંગીતકાર હતા રવિશંકર શર્મા, જેમને દુનિયા રવિના નામે ઓળખે છે. સીધીસાદી, દિલને સ્પર્શી જતી અનેક ધૂનોના રચયિતાને મહાન સંગીતકારનું બિરુદ ભલે ન મળ્યું, પરંતુ તેમના જેવા ગુણી સંગીતકારે જે કામ કર્યું એ અવિસ્મરણીય છે. હું નસીબદાર છું કે અમારી સંસ્થા ‘સંકેત’ના ઉપક્રમે ૨૦૧૧ની એક રવિવારની સાંજે તેમનું અભિવાદન કરવાનો અમને મોકો મળ્યો. આ પહેલાં અમે સંગીતકાર નૌશાદ, ઓ. પી. નૈયર અને ખૈયામનું અભિવાદન કરી ચૂક્યા હતા. મનમાં હતું કે આયુષ્યના ઢળતા પડાવે પહોંચેલા સંગીતકાર રવિનું સન્માન કરવાનો મોકો મળે તો મજા આવી જાય. પ્રભુકૃપાથી એ ઇચ્છા પણ પૂરી થઈ.

જ્યારે કોઈ રેફરન્સ ન હોય ત્યારે હું પોતે જ સેલિબ્રેટીને ફોન કરીને તેમને મળવા માટેનો સમય માગતો હોઉં છું. પહેલા જ ફોનકૉલ પર તેમણે મને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. આમ ખારમાં તેમના બંગલા ‘વચન’માં તેમની સાથે મારી પહેલી મુલાકાત થઈ. એ દિવસોમાં ગાડીમાં જીપીએસની સિસ્ટમ નહોતી. ડ્રાઇવરને ઍડ્રેસ શોધવામાં થોડી તકલીફ પડી એટલે એક પીસીઓમાંથી મેં તેમને ફોન કર્યો (ટેક્નૉલૉજીની બાબતમાં હું થોડો પછાત છું. એ દિવસોમાં મારી પાસે ઈ-મેઇલ આઇડી કે મોબાઇલ નહોતાં. શબાના આઝમીએ મારા માટે જાહેરમાં કહ્યું હતું, Man without mail and mobile), તેમણે જ ફોન ઉપાડ્યો અને ડાયરેક્શન સમજાવ્યું ત્યારે જ તેમની સહજતા અને સાદગીનો પરિચય મળી ગયો હતો.

ગ્રાઉન્ડ ફ્લોરની વિશાળ મ્યુઝિકરૂમમાં અનેક ટ્રોફી અને ફોટોગ્રાફથી સજાવેલીએ રૂમમાં દાખલ થતાં જ અહેસાસ થાય કે સ્વરસાધના માટે આનાથી ઉત્તમ જગ્યા બીજી કઈ હોઈ શકે? મને આવકાર આપતાં કહે, ‘અમીનસા’બ (અમીન સાયાની) આપકી બહુત તારીફ કર રહે થે. આપને નૌશાદસા’બ, નૈયરસા’બ ઔર દૂસરે લોગોં કા સન્માન કિયા હૈ. આપ ક્યા મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સે જુડે હુએ હૈં?’ મેં જવાબ આપ્યો, ‘નહીં જી, મૈં મ્યુઝિક સે જુડા હુઆ હૂં. મ્યુઝિક ઇઝ માય પૅશન.’

દીવાલ પર અનેક કલાકારો સાથેના તેમના દુર્લભ ફોટો, ખાસ કરીને મોહમ્મદ રફીના ફોટોગ્રાફ્સ જોતાં મનમાં એક પ્રશ્ન આવ્યો. પૂછ્યું, ‘રફીસા’બ કે સાથ આપને લાજવાબ ગાને  બનાએ. ઉનકે બારે મેં કુછ બતાઇએના?’ તેમના ચહેરા પર એક રોનક આવી ગઈ. કહે, ‘તેમના વિશે શું કહું. તેમના જેવો માણસ અને સિંગર આ દુનિયામાં થશે નહીં. આ રૂમમાં તેઓ રિહર્સલ કરવા આવતા. હું આ રૂમને મ્યુઝિક હૉલ નહીં, મ્યુઝિક કિચન કહું છું. જેમ લોકો કિચનમાં ખાવાનું બનાવે એમ અમે અહીં ધૂન બનાવીએ છીએ. રફી, મુકેશ, મન્ના ડે, સાહિર, શકીલ એ દરેક અહીં આવતા. મોહમ્મદ રફી સવારે સાડાઆઠ વાગ્યે આવી જાય. પોતાના ઘરે ચા ન પીએ. આવીને ધીમેકથી ઝહીર (સેક્રેટરી)ને કહે, ‘અંદર જા કે ઝરા ચાય કા બોલો.’ મારા ઘરની ચા તેમને બહુ ભાવતી.’

આ વાત સાંભળીને મને મોહમ્મદ રફીની દીકરીએ મારી સાથે શૅર કરેલી એક વાત યાદ આવે છે. તેમની પસંદગીની ચા કેવી રીતે બનતી એ જાણવા જેવું છે. બે લિટર દૂધને ઉકાળીને એક લિટર કરવાનું. એ દૂધમાં પાણી નહીં નાખવાનું. એમાં ચાયપત્તી, મસાલો, કેસર અને બદામ-પિસ્તા નાખવાનાં. એ ચા ભરેલાં બે થર્મોસ લઈને તેઓ સ્ટુડિયો જાય. પોતે ચા એકલાં ન પીએ. પ્રેમથી બીજાને ઑફર કરે. ભૂલેચૂકેય જો કોઈ ના પડે તો નાના બાળકની જેમ ખોટું લાગી જાય. જો કોઈ સામેથી ચા આપે તો ખુશખુશાલ થઈ જાય. તેમને દૂધ બહુ ભાવે. એ દિવસોમાં બાટલીમાં દૂધ આવતું. ઘણી વાર વહેલાં ઊઠી ગયાં હોય તો ઘરની બહાર જે ત્રણ-ચાર બાટલીમાં દૂધ આવ્યું હોય એમાંની એક બાટલી દૂધ પી જાય.

પહેલી જ મુલાકાતમાં સંગીતકાર રવિએ તેમની સંગીતયાત્રાના અનેક પડાવ, ઉતાર-ચડાવની વાતો શૅર કરી. અમારું આમંત્રણ સ્વીકારીને અભિવાદનના કાર્યક્રમમાં હાજર રહ્યા. એ સાંજે તેમનાં સ્વરબદ્ધ કરાયેલાં ગીતોની સુંદર રજૂઆત સાંભળીને તેઓ ભાવવિભોર થઈ ગયા. અમારા કાર્યક્રમનું ટાઇટલ હતું ‘ચૌદહવી કા ચાંદ હો...’ એ પ્રસંગે સ્ટેજ પરથી તેમણે અનેક સ્મરણો શૅર કર્યાં. એમાં આ લોકપ્રિય ગીત પાછળનો એક રસપ્રદ કિસ્સો હતો જે તેમના શબ્દોમાં પ્રસ્તુત છે...

‘આ ગીતનું રેકૉર્ડિંગ થઈ ગયું, પરંતુ મને મજા નહોતી આવી. મનમાં હતું કે આ ગીત ફરીથી રેકૉર્ડ કરવું જોઈએ. મેં ગુરુ દત્તને વાત કરી. તેમણે કહ્યું, ‘ઠીક છે, હમણાં હું શૂટિંગમાં બિઝી છું. થોડા દિવસ પછી રેકૉર્ડિંગ કરીશું.’ એક દિવસ કહે, ‘મને વહીદાની ડેટ્સ મળી છે. આ ગીતનું પિક્ચરાઇઝેશન કરવું છે.’ મેં કહ્યું, ‘પરંતુ આ ગીત તો રીરેકૉર્ડ કરવાનું છે.’ તો કહે, ‘હમણાં હું કેવળ વહીદાના ક્લૉઝ-અપ્સ લઈ લઉં છું. બાકીના શૉટ્સ પછી લઈશું.’ દિવસો વીતતા જતા હતા. હું તેમને યાદ દેવડાવું. બને એવું કે રફીસા’બની ડેટ મળે તો સ્ટુડિયો ખાલી ન હોય. સ્ટુડિયોની ડેટ મળે તો રફીસા’બ ટૂર પર હોય.

આમ ને આમ પિક્ચરની રિલીઝ-ડેટ નજીક આવતી ગઈ. માર્કેટમાં રેકૉર્ડ મૂકવાની હતી. ગુરુ દત્ત કહે, ‘હમણાં જેમ છે એમ ગીત મૂકી દો, પછીથી નવું રીરેકૉર્ડ કરેલું ગીત માર્કેટમાં મોકલાવી દઈશું.’ આમ રેકૉર્ડ માર્કેટમાં આવી ગઈ. હું તેમને યાદ અપાવું કે આ ગીત ફરી વાર રેકૉર્ડ કરવાનું છે, પરંતુ એ દરમ્યાન (ફિલ્મની રિલીઝ પહેલાં જ) આ ગીત એટલું લોકપ્રિય બન્યું કે ગુરુ દત્ત કહે, ‘અબ બોલો, રીરેકૉર્ડ કરને સે ઇસ સે ભી ઝ્‍યાદા હિટ હો જાએગા?’

આ ફિલ્મમાં રવિની એન્ટ્રી કેવી રીતે થઈ એની પાછળનો ઇતિહાસ જાણવા જેવો છે. ‘ચૌદ્હવીં કા ચાંદ’ એ મુસ્લિમ સોશ્યલ સબ્જેક્ટ ફિલ્મ હતી. મોટા ભાગે ગુરુ દત્ત પોતાની ફિલ્મો માટે  બહારના ડિરેક્ટરને પસંદ નહોતા કરતા. આ જવાબદારી તેઓ પોતે જ નિભાવતા, પરંતુ આ ફિલ્મના ડિરેક્શનની જવાબદારી તેમણે એમ. સાદિકને આપી. ગુરુ દત્તની ફિલ્મોમાં શરૂઆતમાં ઓ. પી. નૈયર અને ત્યાર બાદ સચિન દેવ બર્મનનું સંગીત રહેતું. સમય જતાં સાહિર અને સચિન વચ્ચે મનદુઃખ થયું અને સાહિરે ‘ચૌદહવીં કા ચાંદ’ માટે ના પાડી દીધી. આ તરફ ફિલ્મના પેપરવર્કમાં સમય લાગ્યો. એ દરમ્યાન સચિનદાના હાથમાં બીજી ફિલ્મો આવી ગઈ. એ દિવસોમાં સચિનદા એકસાથે બે ફિલ્મોથી વધારે કામ હાથમાં ન લેતા. પોતે બિઝી હોવા ઉપરાંત ‘ચૌદહવીં કા ચાંદ’ મુસ્લિમ સબ્જેક્ટ હોવાથી તેમણે આ ફિલ્મ માટે ગુરુ દત્તને ના પાડી એટલે ગુરુ દત્ત નવા સંગીતકાર અને ગીતકારની શોધમાં હતા. ત્યારે હેમંતકુમારે (પોતાના એક સમયના અસિસ્ટન્ટ) રવિનું નામ સજેસ્ટ કર્યું. એ દિવસોમાં એ. એ. નડિયાદવાલાની મુસ્લિમ સોશ્યલ ‘મહેંદી’માં રવિનું સંગીત એટલું લોકપ્રિય નહોતું થયું, પરંતુ કર્ણપ્રિય જરૂર હતું (મોહમ્મદ રફી, લતા મંગેશકર અને હેમંતકુમારના સ્વરમાં આ ગીતો ખરેખર માણવા જેવાં છે). એના ડિરેક્ટર એસ. એમ. યુસુફે આ ફિલ્મના ડિરેક્ટર એમ. સાદિક સાથે રવિની ઓળખાણ કરાવી. રવિની ઇચ્છા હતી કે ગુરુ દત્ત જેવા મહાન કલાકાર સાથે કામ કરવા મળે. એમ. સાદિકે કહ્યું કે મુશ્કેલ કામ છે. રવિનો આગ્રહ હતો કે એક મુલાકાત તો કરાવો. બન્નેની મુલાકાત થઈ. ગુરુ દત્ત રાજી થયા અને આમ તેમના કૅમ્પમાં રવિની એન્ટ્રી થઈ.

‘ચૌદ્હવીં કા ચાંદ’ની વાતનું અનુસંધાન સાધતાં રવિ એક એવો જ બીજો યાદગાર કિસ્સો શૅર કરતાં કહે છે, ‘ગુરુ દત્તે મને સ્ટોરી સંભળાવીને પૂછ્યું કે ગીતો કોની પાસે લખાવું?’ મેં કહ્યું, ‘કોઈ અદબી શાયર હોય તો સારું. ઉર્દૂ શેરો-શાયરીના જાણકાર હોય તો સ્ટોરીને પૂરો ન્યાય મળે. તમે જ નક્કી કરો.’ મને કહે, ‘શકીલ બદાયુની કેમ રહેશે?’ મેં કહ્યું, ‘એ તો બહુ સારું લખે છે, પણ તેઓ નૌશાદ અને ગુલામ મોહમ્મદને છોડીને આવશે?’ તો કહે, ‘હું કોશિશ કરી જોઉં.’ બે-ત્રણ દિવસ પછી તેમનો ફોન આવ્યો. ‘શકીલે હા પાડી છે. તમે આવી જાઓ.’ હું ગુરુ દત્તને મળવા ગયો. શકીલ પણ આવ્યા હતા. ગુરુ દત્તે તેમને સ્ટોરી અને સિચુએશન સમજાવી અને અમને કહ્યું કે તમે કામ શરૂ કરો. અમે ત્યાંથી બહાર નીકળ્યા. નક્કી કરતા હતા કે કાલે કેટલા વાગ્યે મળવું છે ત્યાં શકીલ મારો હાથ પકડીને બોલ્યા, ‘મૈંને તો નૌશાદ ઔર ગુલામ મોહમ્મદ કે સિવા કિસી ઔર કે સાથ કામ નહીં કિયા. બસ, આપ સંભાલ લેના.’ તેઓ ભાવુક થઈ ગયા હતા. હું પણ આ સાંભળી ગદ્ગદ થઈ ગયો. આટલા મોટા શાયર, મારાથી સિનિયર, કેટલા સીધાસાદા અને ઑનેસ્ટ વ્યક્તિ હતા. તેમની સાથે મારી એવી જોડી જામી ગઈ કે અમે એકમેકના ખાસ મિત્ર બની ગયા.’

એક દિવસ મેં તેમને કહ્યું, ‘આપ યે હુસ્ન કે પીછે ક્યું પડે હૈં?’ એ થોડા નવાઈ પામી ગયા. કહે, ‘ક્યું, ક્યા હુઆ?’ મેં કહ્યું, ‘આપને મેરે સાથ કિતને ગાને બનાએ. ‘હુસ્નવાલે તેરા જવાબ નહીં (ઘરાના), ‘હુસ્ન સે ચાંદ ભી શરમાયા હૈ’ (દૂર કી આવાઝ), ‘જાને બહાર હુસ્ન તેરા બેમિસાલ હૈ’ (પ્યાર કિયા તો ડરના ક્યા). એ સાંભળીને તેઓ હસવા લાગ્યા. કહે, ‘હુસ્ન ઔર મહોબ્બત કી બાત હી કુછ ઔર હૈ. ઇન્સાન સે મોહબ્બત હૈ, જન્નત સે મોહબ્બત હૈ, મૌત ભી આ જાએ તો ઉસે ગલે લગા લૂં, ક્યોં કિ મૌત આતા નહીં, આતી હૈ.’

અમારા કાર્યક્રમમાં સંગીતકાર રવિ એટલા ખીલ્યા હતા કે આવાં અનેક સ્મરણો શૅર કરવા ઉપરાંત પોતાના સ્વરમાં તેમણે ‘વક્ત સે દિન ઔર રાત, વક્ત સે કલ ઔર આજ’ ગાઈને સંગીતપ્રેમીઓની સાંજ સુધારી નાખી. એ ગીતની રજૂઆત સમયે તેમની જિંદગીમાં જે કરુણ  વાસ્તવિકતા હતી એનું દર્દ છલકાતું હતું. વાત એમ હતી કે એ દિવસોમાં તેમના પુત્ર અજય  અને પુત્રવધૂ વર્ષા ઉસગાવકર (મરાઠી ફિલ્મ-અભિનેત્રી) ‘વચન’ બંગલાની માલિકી માટે તેમની સામે કોર્ટમાં જંગે ચડ્યાં હતાં. વાત એટલી હદે વણસી ગઈ હતી કે તેમણે ગ્રાઉન્ડ ફ્લોર પરની મ્યુઝિક-રૂમમાં જ રહેવું પડતું. ઉપરના ફ્લોર પર આવવાની તેમને મનાઈ હતી. પત્નીની ગેરહાજરીમાં સંતાન સાથે આ ઉંમરે આવી પરિસ્થિતિમાં ઝૂઝવું પડે એની પીડા અસહ્ય હોય છે. એક રાહતની વાત એ હતી કે તેમની દીકરીઓ છાયા અને વીણા તેમનું ધ્યાન રાખતી હતી. ક્યાંક વાંચ્યું હતું...

‘Son is yours till comes his wife

Daughter is yours throughout your life.’

સંગીતકાર રવિના જીવનનાં સંઘર્ષ, સફળતા અને સરાહનાની અનેક વાતો આવતા રવિવારથી.

columnists rajani mehta