દેશનું ભવિષ્ય વ્યસનયુક્ત કેમ થઈ ગયું છે?

15 October, 2021 06:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુવાન પોતાની જાતને બદલવા તૈયાર નથી થતો માટે અમુક સમય બાદ તેને સમજાવવાનો ફાયદો થતો નથી

મૃદુતા અતુલ સોલંકી

વ્યસન ખરાબ છે એવી સૌને ખબર છે અને છતાં એનું પ્રમાણ વધી રહ્યું છે. દિવસે-દિવસે ખાસ કરીને યંગસ્ટરોમાં વ્યસનયુક્ત બનવાનું પ્રમાણ વધી રહ્યું છે. રાધર, વ્યસન રાખવું એ ટ્રેન્ડ બની ગયો છે. જો આવો જ ટ્રેન્ડ રહ્યો અને યુવાનોનું નશીલી ચીજોની ચુંગાલમાં ફસાવાનું ચાલુ રહ્યું તો દેશનું ભવિષ્ય ખરેખર જોખમમાં છે. ચિંતા એ વાતની છે કે નશાના બંધાણમાં ઘડીની મજા લેવામાં યુવાનોનું સંપૂર્ણ જીવન પણ અંધકારમય બની જઈ શકે છે. યંગસ્ટર્સે થોડુંક આત્મચિંતન કરવાની જરૂર છે. વધતા જતા આ નશાના ટ્રેન્ડનું કારણ શું છે? શું માત્ર એની ખરાબ દોસ્તી અને સંગત જવાબદાર છે? કે પછી એ જોવાનું ભૂલી ગયો છે કે એને શું કરવું જોઈએ. યોગ્ય અને અયોગ્યની સમજણ તો છે, પણ સમજણના રસ્તે ચાલવું નથી. યુવાન ક્લબમાં બેસીને ધુમાડા ઉડાડવાનો જ વિચાર કરી રહ્યો છે. સ્મોકિંગ, હુક્કો અને અંતે ડ્રગ્સના નશામાં પોતાની જાતને ફેંકી દેતો નજરે પડે છે. તેને પોતાની જાત પ્રત્યેની કોઈ જ પ્રકારની જવાબદારી દેખાતી નથી.

યુવાનને નશાની દુનિયામાં ધક્કો મારવા માટે માત્ર બહારની દુનિયા જ જવાબદાર નથી. ઘણે ઠેકાણે મા-બાપ જ સોસાયટીમાં સ્ટેટસ જાળવવામાં એટલા ઘેલા થયાં છે કે બિયર પાર્ટી, હુક્કા પાર્ટીની લત લગાડનારા તેઓ પોતે જ હોય છે. આવા પ્રકારની પાર્ટીમાં જવું તેમના માટે સ્ટેટસ વધારનાર લાગતું હોય છે અને પરિણામે યંગસ્ટરોમાં પણ ધીરે-ધીરે નાની-નાની લતની શરૂઆત થઈ જાય છે.

સરકારે કેટલાંક પગલાં લીધાં છે એ સારું છે, પરંતુ એની અસર ઓછી જોવા મળે છે. યુવાન પોતાની જાતને બદલવા તૈયાર નથી થતો માટે અમુક સમય બાદ તેને સમજાવવાનો ફાયદો થતો નથી. સ્કૂલ અને કૉલેજમાં પણ બાળક ખોટી દિશામાં ન જાય માટે એવા વિષયો અને ઓરિયેન્ટેશન રાખવામાં આવે છે. પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવે છે જેથી બાળક વ્યસનમુક્ત બને, પરંતુ જ્યાં સુધી તેને પોતાના ઘર, સમાજ, રાષ્ટ્ર કે દેશ પ્રત્યે જવાબદારીનું ભાન નહીં થાય ત્યાં સુધી યુવાનોને વ્યસનમુક્ત કરવા ખૂબ જ અઘરું કાર્ય છે. મારે ખાસ દરેક મા-બાપને કહેવું છે કે હજી સમય છે જાગી જાઓ અને મૉડર્નનીતિ પાછળ ઘેલા બની વેસ્ટર્ન કલ્ચરને એટલું ન અપનાવી લો કે તમારા બાળકનું સ્ટ્રક્ચર જ ભાંગી પડે. દારૂ-બિયર અને હુક્કા પાર્ટીથી વટ પડે એવા ખોટા ભ્રમથી બહાર નીકળો અને તમારાં બાળકોને સંબંધો સાથે હળવા-ભળવાનો નશો લગાડો જેથી એ નશો તેમના ઘડતરને સ્વસ્થ અને સમૃદ્ધ કરશે.

 

શબ્દાંકન : ભાવિની લોડાયા

બિન્દાસ બોલ

મૃદુતા અતુલ સોલંકી

૧૯ વર્ષ (બોરીવલી), સ્ટુડન્ટ

columnists