દિલ અભી ભરા નહીં... દિલ કભી ભરા નહીં

08 November, 2020 05:30 PM IST  |  Mumbai | Kana Bantwa

દિલ અભી ભરા નહીં... દિલ કભી ભરા નહીં

પ્રતીકાત્મક તસવીર

એક રાજાના દરબારમાં એક સાધુ પધાર્યા. દાનવીર રાજાએ સાધુનો આદર-સત્કાર કર્યા પછી પૂછ્યું, ‘મહારાજ શું આપું?’ ‘વધુ કશું જોઈતું નથી, માત્ર મારી આ નાનકડી ઝોળી ભરી દે.’ સાધુએ રાજાની દાન આપવાની તત્પરતા અને અભિમાન જોઈને જવાબ આપ્યો. સાધુની નાનકડી માગણીથી રાજા હસીને બોલ્યો, ‘મહારાજ માગી માગીને બસ આટલું જ માગ્યું? મારો ખજાનો અખૂટ છે, તમે જોઈએ એટલું માગી લો, અચકાશો નહીં.’ રાજાનો ખજાનો ખરેખર એટલો મોટો હતો કે તેને અક્ષત કહેવાતો. કયારેય ખૂટે નહીં એવો. રાજ્યની સમૃદ્ધિ પણ એવી કે કોઈ વાતે ઓછપ નહીં. રાજાએ વધુ માગવાની ઑફર કરી પણ સાધુએ એને સ્વીકાર્યા વગર જ કહ્યું કે ‘રાજા, બસ, મારી આ ઝોળી સિક્કાઓથી ભરી દે એટલું જ મારે તો જોઈએ છે.’ રાજાએ ખજાનચીને હુકમ કર્યો, ‘સિક્કાઓ જ નહીં, સોનામહોરો અને હીરા-મોતી પણ લાવો. સાધુમહારાજની આ ઝોળી છલોછલ ભરી દો.’ ખજાનચી સિક્કા, સોનામહોર, હીરા-રતનોનો થાળ ભરીને આવ્યો. એમાંથી મુઠ્ઠી ભરીને સાધુની ઝોળીમાં સોનામહોર-રત્નો નાખ્યાં. ખોબો ભરીને નાખ્યાં પણ ઝોળી ભરાઈ નહીં. આખો થાળ ઊંધો વાળી દીધો, ઝોળી ખાલી ને ખાલી. બધા આશ્ચર્યમાં ડૂબી ગયા. ખજાનામાંથી વધુ સોનામહોર મગાવવામાં આવી. હીરા-મોતી-રત્નો મગાવવામાં આવ્યાં. ઝોળીમાં નાખતાં જ બધું અદૃશ્ય, બધું ઓહિયાં. આખો ખજાનો ખાલી થઈ ગયો, પણ ઝોળી ભરાઈ નહીં. રાજા પેલા સાધુના પગમાં પડી ગયો અને ક્ષમાયાચના સાથે પૂછ્યું, ‘મહારાજ, મને માફ કરો, પણ એ જણાવો કે આપની આ ઝોળી ભરાતી કેમ નથી? ખાલી ને ખાલી જ કેમ રહે છે?’  હવે હસવાનો વારો સાધુનો હતો. તેમણે મર્માળ હાસ્ય સાથે કહ્યું, ‘રાજા, આ ઝોળી માણસના હૃદયમાંથી બનાવેલી છે. માણસને ક્યારેય સંતોષ થતો નથી. તેનું દિલ ક્યારેય ભરાતું નથી. ગમે તેટલું મળે તેને ઓછું જ પડે છે.’

દિલ અભી ભરા નહીં... કેમ ક્યારેય ભરાતું નથી આ દિલ? ગમે એટલું આપો, ઓછું જ પડે. ગમે તેટલું મળે, અધૂરું જ લાગે. યે દિલ માંગે મોર. વધુ ને વધુ. હજી વધુ, હજી વધુ. પ્રેમ મળ્યો છે, જેટલો મળ્યો એટલો ઓછો છે, હજી વધુ જોઈએ. સરવાણી જેટલો જ મળ્યો છે, ઝરણાં જેટલો જોઈએ. ઝરણાં જેટલો જ મળ્યો છે, નદી જેટલો જોઈએ. નદી જેટલો જ મળ્યો છે સમુદ્ર જેટલો જોઈએ. અસીમ, અફાટ, અનંત. સુખ મળ્યું છે? એક ખોબો જ મળ્યું છે. ફાંટ ભરીને જોઈએ. ગોદામ ભરીને જોઈએ. સમૃદ્ધિ મળી છે, સમગ્ર વિશ્વની નહીં, સમસ્ત બ્રહ્માંડની જોઈએ. માણસના લોભને સંતોષવા આખા બ્રહ્માંડની દોલત પણ ઓછી જ પડે. રૂપ મળ્યું છે, વધુ જોઈએ. ભુવનમોહન, સર્વાંગ સુંદર તિલોત્તમા જેવું રૂપ જોઈએ. (તિલોત્તમાની વાર્તા અદ્ભુત છે. સુંદ અને ઉપસુંદ નામના બે અસુરોને મારવા માટે દેવો પણ સક્ષમ નહોતા, એ બન્ને વચ્ચે એટલો સંપ, એટલો સ્નેહ હતો કે તેને મારી શકાય એમ નહોતા. બ્રહ્માએ વિશ્વકર્માને જગતની સૌથી સુંદર કન્યા બનાવવાનો આદેશ આપ્યો. વિશ્વકર્માએ વિશ્વની તમામ સુંદર ચીજોમાંથી તલ તલ ભાર સૌંદર્ય લઈને એક કન્યા બનાવી. તેનું શરીર તલ તલ ભાર સૌંદર્ય રત્નોથી બનેલું હોવાથી નામ તિલોત્તમા આપ્યું, જેને જોઈને ઇન્દ્રની હજાર આંખો ફાટી ને ફાટી જ રહી ગઈ હતી. આ તિલોત્તમાને પામવા રાક્ષસો આપસમાં લડ્યા અને મરી ગયા. ઇન્દ્રએ તિલોત્તમાને અપ્સરા બનાવી. સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા તિલોત્તમા ગણાય છે. સ્વર્ગે ગયા પછી આ તિલોત્તમાને પામી શકાય એવું આપણને પંડિતોએ સમજાવ્યું છે (સાચું-ખોટું એ લોકો જાણે). જે કશું મળ્યું છે એ હંમેશાં ઓછું પડે છે.

ધરાતું કેમ નથી આ દિલ? સંતુષ્ટ, તૃપ્ત થઈને ઓડકાર કેમ ખાતું નથી? માણસ માત્રનો આ સ્થાયી ભાવ છે. એ બદલતો નથી અને એ જ માણસના ઊર્ધ્વીકરણની ચાવી છે, વિકાસની ચાવી છે. માણસ માત્ર માણસ તરીકે જન્મીને સંતોષ માની લેતો નથી. તેનું દિલ ભરાતું નથી. તે માણસની સાથે જ પક્ષી પણ બનવા માગે છે. ઈ્રઊડવા માગે છે એટલે વિમાન બનાવ્યાં. માછલી પણ બનવા માગે છે. તરવા માગે છે એટલે નૌકા બનાવી. શક્તિશાળી પ્રાણી પણ બનવા માગે છે એટલે હથિયારો શોધ્યાં. માણસને માત્ર મહામાનવ જ નથી બનવું, માણસને બધુ જ બનવું છે. માણસની અંતિમ મહેચ્છા શું છે જાણો છો? અંતિમ આકાંક્ષા સર્વશક્તિમાન બનવાની છે, ઈશ્વર બનવાની છે. મનુષ્ય પૃથ્વીપતિ તો બની જ ગયો છે. પૃથ્વી પર માત્ર માનવીનું જ રાજ છે, અન્ય પ્રાણીઓ એની દયા પર જીવે છે. માણસ ધીમે-ધીમે બધું જ પોતાના નિયંત્રણમાં લેતો જાય છે. જે ચીજો પર કુદરત કે ઈશ્વર કે સર્વોચ્ચ શક્તિનો જ એકાધિકાર હતો એ ચીજો પણ માણસ પોતાના હાથમાં લેવા માંડ્યો છે. માણસ ટેસ્ટટ્યુબ બેબી જન્માવી શકે છે. ક્લોન પ્રાણીઓ બનાવી શકે છે. નર અને માદાના સંયોગ વગર જીવ વિકસાવી શકે છે. જન્મ પર માનવનું નિયંત્રણ આવી ગયું છે. સર્વ શક્તિમાન બનવાના ધ્યેયનું અંતિમ પગથિયું મૃત્યુ પર પણ નિયંત્રણ મેળવવાનું હશે.

મનુષ્યનો આ સ્થાયી ભાવ છે એટલે માણસ સામાન્ય બાબતોથી ક્યારેય ધરાશે નહીં. ઝૂંપડામાં રહેનારને મહેલની મહેચ્છા સતાવશે અને મહેલમાં રહેનારને શાંતિની ઇચ્છા પરેશાન કરશે. સતત કશુંક ખૂટતું હોવાનો ભાવ જ માણસને સતત દોડતો રાખે છે. નવ્વાણુંની પાણ જેવું ચક્કર છે આ. પણ વેઇટ. આ અસંતોષ, આ સતત વધુ ને વધુ માગવાની એષણા, આ અતૃપ્તિ નેગેટિવ નથી. ભલે અસંતોષને નેગેટિવ ગણાવી દેવામાં આવ્યો હોય, હકીકતમાં માનવવિકાસ માટે તે પૉઝિટિવ ફૅક્ટર છે. ગુરુઓ, બાબાઓ, ધર્મવેત્તાઓ સતત કહેતા રહે છે કે સંતોષી નર સદા સુખી. આ બાબાઓ, બાવાઓ, ધુરંધરોના જ ફીલ્ડની વાત કરીએ તો પણ અસંતોષી માણસ જ ઈશ્વરની ખોજ કરવા માટે નીકળે. જેને પોતે માણસ તરીકે જન્મ્યો એનો સંતોષ હોય તેને તો પોતાના અસ્તિત્વનો અર્થ શોધવા જવાની ઇચ્છા પણ ન થાય. તેને પ્રશ્ન જ કેમ થાય કે હું કોણ છું? તેને ક્યારેય એવી લાલસા ન જાગે કે હું સ્વની ખોજ કરું કે ઈશ્વરની ખોજ કરું કે સત્યની ખોજ કરું. ખોજમાં તો તેઓ જ નીકળ્યા છે જેમને જે સ્થિતિ છે એનાથી સંતોષ નથી થતો. જેઓ સ્વીકારી નથી લેતા કે જે છે એ બરાબર જ છે, પૂર્ણ છે, સત્ય છે, આખરી સત્ય છે. એવા લોકોએ જ ધર્મનું સંવર્ધન કર્યું છે, વિજ્ઞાનનું સંવર્ધન કર્યું છે, માનવજાતનું સંવર્ધન કર્યું છે. જે સંતોષ માનીને બેસી ગયા છે તેમણે નથી કર્યું. જેમણે હાથમાં જે છે એને અધૂરું માન્યું છે, જેણે પ્રશ્નો કર્યા છે, જે વ્યવસ્થાની સામે ચાલ્યા છે તેમણે પરિવર્તન આણ્યું છે. સંતોષી નર સદા સુખી એ વાક્ય પૂર્ણ સત્ય નથી. સંતોષી માણસ સુખી હશે, પણ સાચો સંતોષી માણસ મળવો મુશ્કેલ છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે, ‘સંતુષ્ટો યેનકેનચિત.’ ગમે તે સ્થિતિમાં સંતુષ્ટ રહે તે ભક્ત મને પ્રિય છે એવું બારમા અધ્યાયમાં કહ્યું છે. માણસ જો પૂર્ણ સંતુષ્ટ થઈ જાય તો ઈશ્વરસમ બની જાય છે અને એ પણ એની અસંતુષ્ટિને કારણે જ સંભવ બને છે! માણસ તૃપ્ત થતો નથી, દિલ ભરાતું જ નથી, કારણ કે તેનામાંની એ અધુરપ જ તેની તાકાત છે. અભાવ સામે લડવાનો સ્વભાવ જ માણસને આટલો સામર્થ્યવાન બનાવે છે, પણ એનો અર્થ એવો નથી કે દરેક બાબતની અધુરપ સારી જ હોય. લોભને થોભ હોવો જોઈએ. કંઈક વધુ મેળવવાની ભાવના અને લોભ વચ્ચેનું અંતર સમજાઈ જાય એ માણસ ખરો સુખી.

columnists kana bantwa