ઝઘડતી વખતે ઘાંટા અને પ્રેમ વખતે વ્હિસ્પર કેમ?

06 September, 2020 06:57 PM IST  |  Mumbai | Kana Bantwa

ઝઘડતી વખતે ઘાંટા અને પ્રેમ વખતે વ્હિસ્પર કેમ?

પ્રતીકાત્મક તસવીર

બે વ્યક્તિ જ્યારે ઝઘડે છે ત્યારે ઘાંટા પાડીને, ઊંચા અવાજે બોલે છે અને જ્યારે પ્રેમ કરે છે ત્યારે એ જ બે વ્યક્તિ એકદમ મૃદુ, હળવા અવાજે વાત કરે છે. તમે એવાં કેટલાંય દંપતી જોયાં હશે જેના ઝઘડા આજુબાજુનાં બે-ત્રણ ઘર સુધી સંભળાતા હોય. એવાં યુગલ ભાગ્યે જ જોયાં હશે જેની લડાઈ બીજાનાં મન સુધી પણ ન પહોંચે એવી ધીમી હોય. ઝઘડા વખતે, કંકાસ વખતે શું બને એવું સમજતાં હશે કે સામેવાળી વ્યક્તિ ધીમા અવાજમાં નહીં સમજે? એવું લાગતું હશે કે ધીમા અવાજે બોલીશ તો નબળી ગણાઈ જઈશ કે નબળો ગણાઈ જઈશ? અવાજ તાકાતનું પ્રતિનિધિત્વ કરતો હોય છે? મેં એવા માણસોને પણ જોયા છે જેઓ સામાન્ય રીતે મૃદુભાષી હોય, પણ જ્યારે ઝઘડવા બેસે ત્યારે તેનું રૂપ અલગ જ હોય. એવી સ્ત્રીઓ પણ જોઈ છે જે લડવા વળગે પછી તેની ભાષા સાંભળીને તેના સ્ત્રીત્વ તરફ શંકા જાય. એવા પુરુષો જોયા છે જેને બાખડતા જોયા પછી  કે તેની ભાષા સાંભળ્યા પછી તેના તરફનું માન સદંતર ઊતરી જાય.

  ક્રોધિત વ્યક્તિ કદાચ પોતે જ ઓછું સાંભળતો થઈ જતો હશે. ક્રોધ વખતે આંખ, કાન, જીભ વગેરે ઇન્દ્રિયો પરનો કાબૂ ઓછો થવા માંડે છે. સેન્સિઝ બુઠ્ઠી થઈ જાય છે. વિવિધ હૉર્મોનનો ધસમસતો પ્રવાહ લોહીમાં ભળે છે. એડ્રિનાલિન, નોરએડ્રિનાલિન, કોર્ટિસોલ વગેરે હૉર્મોન ગુસ્સાને કારણે પેદા થાય છે અને આ હૉર્મોન ગુસ્સો તો વધારે જ છે, માણસને આક્રમક બનાવે છે, તેનો અવાજ ઉંચો કરે છે, શરીરમાં લોહીનો પ્રવાહ વધારી દે છે, રૂંવાડાં ઊભાં કરી દે છે, શરીરમાં પેઇનકિલર હૉર્મોન પેદા થાય છે જેનાથી પીડાનો અહેસાસ ઓછો થાય છે. તમારા વિચારો તમારા મનમાં ગુસ્સાને ઉછેરતા હોય છે, સ્ટ્રેસને ઉછેરતા હોય છે. તમે શું વિચારો છો, કેટલું વિચારો છો, કેવું વિચારો છો એના પર તમારી શાંતિ કે તમારા ક્રોધનો આધાર રહે છે. જેનું મન કાબૂમાં રહે છે તેઓ સામાન્ય રીતે ગુસ્સે થતા નથી. એવા કેટલાય માણસો આપણે જોયા હોય છે જે સાવ ટાઢું ટબૂકલું હોય છે. તેને રીસ ચડે જ નહીં કે તે કોપાયમાન થાય જ નહીં. એવું નથી હોતું કે આવી વ્યક્તિ ક્રોધ કરવા અસમર્થ હોય છે. એવા માણસ જ્યારે ક્રોધિત થાય ત્યારે ગમે તેવાને ડગાવી દે.

  માણસ જ્યારે પ્રેમ કરે છે ત્યારે તેનો અવાજ ધીમો થઈ જાય છે. એવા કેટલાય લોકોનો પરિચય છે જેઓ પોતાના પ્રિય પાત્ર સાથે મોબાઇલ પર વાત કરતા હોય ત્યારે બાજુમાં ઊભેલો માણસ પણ કશું સાંભળી કે સમજી શકે નહીં. પ્રેમમાં આનંદ છે, શાંતિ છે, નિરાંત છે. એમાં કોઈને હરાવવાનું નથી, કોઈને જીતવાનું નથી. ખરેખર તો બન્ને પક્ષ હારવા માટે તત્પર હોય ત્યારે પ્રેમ એની સર્વોચ્ચતાએ હોય છે, કારણ કે પ્રેમમાં હારનાર જીતે છે અને જીતનાર પણ જીતે છે. આ એક એવો કોયડો છે જેમાં બન્ને બાજુએથી જવાબ સમાન જ આવે છે. ખરેખર તો જ્યાં હાર-જીતનું અસ્તિત્વ જ રહેતું નથી ત્યાં પ્રેમ મહોર્યો હોય છે. એટલે જ પ્રેમીઓની લડાઈ અદ્ભુત હોય છે. એ લડાઈ જય-પરાજય માટે નથી લડાતી, પ્રેમ માટે લડાય છે. પ્રેમમાં પડેલો માણસ મૃદુ બની જાય છે. ભલભલો જડસુ પણ જ્યારે લવેરિયાનો ભોગ બને ત્યારે એકદમ મોળો બની જાય છે. મૃદુતા વગરની, સરળતા વગરની ભૂમિમાં પ્રેમ પાંગરતો નથી. મૃદુતા પહેલી શરત છે એટલે પ્રેમની વાત ઊંચા અવાજે ન થાય. પ્રેમનાં ગીતો ગાઈ શકાય, ઘાંટા ન પાડી શકાય. પ્રેમમાં વ્હિસ્પર હોય છે, કાનમાં કહેવાતું હોય છે ત્યારે શબ્દો મહત્ત્વના રહેતા નથી. પ્રેમ અને ગુસ્સામાં આ જ તો ભેદ છે. ગુસ્સામાં શબ્દો મહત્ત્વના બની જાય છે. એટલે જ ગુસ્સામાં કહેલા શબ્દો વધુ યાદ રહે છે.

  ઘણા લોકો કહેતા હોય છે કે ગુસ્સામાં ન કહેવાના શબ્દો કહેવાઈ ગયા, એ વખતે શું બોલતો હતો એનું મને ભાન જ નહોતું, મારા પોતાના પર મારો કાબૂ નહોતો એટલે આવા શબ્દો નીકળી ગયા. ખરેખર એવું બનતું હોય છે? ગુસ્સામાં જે બોલાય છે એ  વિચાર્યા વગર જ બોલાય છે? ના. એવું નથી. એ વખતે પણ વિચારીને જ બોલવામાં આવે છે, પણ લાંબું વિચાર્યા વગર બોલાય છે. પરિણામનો વિચાર કર્યા વગર, ગણતરી માંડ્યા વગર બોલાય છે એ સમયે મનમાં જે હોય એ એટલા માટે જીભે આવી જાય છે કે એ પૂરું વિચાર્યા વગર બોલાયેલું હોય છે. એ સમયે મન પરનો કાબૂ ઘટ્યો હોય છે ખરો. ગુસ્સામાં માણસ દલીલો પણ આપે છે. તર્ક પણ આપે છે. ગાળો પણ આપે છે. હકીકતમાં જ્યાંથી તર્ક તકલાદી બને ત્યાંથી ગાળો શરૂ થાય છે. દલીલમાં જ્યારે પરાજય થાય ત્યારે શબ્દોનું ઔચિત્ય ઘટવા માંડે છે. જે માણસ સાદી ભાષામાં, ધીમા અવાજમાં પોતાની વાત વજનપૂર્વક કરી શકતો હોય, એ વાતની પાછળ સત્યનું વજન હોય, મજબૂત તર્કનો ટેકો હોય તેને ઊંચા અવાજે કહેવાની જરૂર જ નથી હોતી. ઘણી વખત ગુસ્સાનો ઉપયોગ સામેની વ્યક્તિને ન કહેવા જેવું કહી દેવાની તક તરીકે પણ થતો હોય છે. પતિ-પત્ની અથવા કોઈ પણ સંબંધથી બંધાયેલા લોકો જ્યારે ઝઘડે ત્યારે એવી-એવી બાબતો ગુસ્સામાં એકબીજાને કહી દે છે જે સામાન્ય સંજોગોમાં ક્યારેય કહી શકાતી નથી.

  ગુસ્સામાં માણસ કશુંક કરી બેસે, કોઈ પર હુમલો કરી બેસે એવું બને ત્યારે પણ તેના પોતાના પર તેનો કાબૂ રહેતો નથી. હકીકતમાં ત્યારે મન પરનું નિયંત્રણ ઓછું થઈ જ ગયું હોય છે. ગુસ્સામાં માણસ પોતાના સ્વજનોની હત્યા કરી બેસે છે એને ‌‌ફીટ ઑફ ઍન્ગરમાં કરેલું કૃત્ય કહેવાય છે. હકીકતમાં ગુસ્સા વખતે આક્રમકતા વધારતાં હૉર્મોન્સ વધે છે અને લાંબું વિચારવાની શક્તિ ઘટે છે એટલે આવું થાય છે.

  જ્યારે શારીરિક કે માનસિક પીડા થાય, એ પીડાને વિચારનું બળ મળે ત્યારે ગુસ્સો આવે એવું આધુનિક સાઇકોલૉજી કહે છે. જોકે ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણએ ગુસ્સાને અને મનને અદ્ભુત રીતે સમજાવ્યાં છે. કૃષ્ણએ આખી સિક્વન્સ આપી છે. તેઓ કહે છે કે મનની ઇચ્છા પૂરી નહીં થવાથી ક્રોધ પેદા થાય છે. વાત સાચી છે. અપેક્ષા પૂરી ન થાય એટલે ક્રોધ આવે અને એ પછી તો ચેઇન રીઍક્શશન ચાલે. ગુસ્સામાં જે હૉર્મોન ઝરે છે એમાં સ્ટ્રેસ હૉર્મોન પણ હોય છે. આ હૉર્મોન તાણ વધારે છે, પણ અંતે એને કારણે જ ગુસ્સે થયેલો માણસ શિથિલ, શાંત થાય છે. આપણો મૂળ મુદ્દો ગુસ્સો નહોતો, ગુસ્સે થયા પછી ઊંચા અવાજે બોલવામાં આવે છે, પ્રેમ કરતી વખતે મૃદુ અવાજે વાત થાય છે એ હતો. પણ, ગુસ્સાને સમજ્યા વગર એ મુદ્દો પૂરો સમજી શકાયો હોત નહીં. તમે ક્યારેય નોંધ્યું છે? પ્રેમમાં પોતાની વાત બહુ જ ઓછા શબ્દોમાં કહી દેવાતી હોય છે, સામેની વ્યક્તિ બહુ જ ટૂંકમાં કહેવાયા છતાં વાત સમજી જતી હોય છે. પ્રેમીઓ લાંબી-લાંબી વાતો કરે છે પણ, જ્યારે કોઈ મુદ્દો સમજવાની વાત આવે છે, કોઈ પૉઇન્ટ પર ચર્ચા થાય છે ત્યારે તેઓ બહુ જ ઝડપથી એકબીજાના પૉઇન્ટ્સને સમજી લે છે. ઘણી વાર તો શબ્દોની જરૂર જ નથી પડતી. પ્રેમમાં એવી સ્થિતિ આવે છે જ્યારે એકબીજાનાં મન એટલાં બધાં એકબીજામાં ગૂંથાઈ ગયાં હોય છે કે સરખું જ વિચારે છે. પ્રેમીઓ હંમેશાં એ બાબતનો અનુભવ કરે છે. જે સામેની વ્યક્તિએ વિચાર્યું એવું જ પોતે વિચાર્યું હોય છે. હકીકતમાં સામેની વ્યક્તિની કાળજી એટલીબધી લેવામાં આવે છે કે તેના જેવા જ વિચાર કરતાં થઈ જાય છે બન્ને પાત્રો. જે દંપતી વચ્ચે ખૂબ જ પ્રેમ હોય તે મોટા ભાગની વાતો કહ્યા વગર સમજી જાય છે. આવાં દંપતીઓ ઝઘડતાં નથી એવું નથી, તેમની પાસે ઝઘડાનાં બીજાં કારણો હોય છે. પ્રેમમાં મનના તાર જોડાઈ જાય એને આપણે દિલના તાર જોડાયા એવું કહીએ છીએ. ખરી કમાલ એમાં પણ મનની જ હોય છે. મન ત્યારે પોતાની પૂર્વશક્તિથી કામ કરતું હોય છે અને મન જ્યારે પૂરી તાકાત વાપરે ત્યારે જગતનાં તમામ કમ્યુનિકેશનનાં સાધનોને ઝાંખાં પાડી દે. એના અનુભવો ગજબના હોય છે. એટલે પ્રેમીઓને વાણીની જરૂર હોતી નથી. વાણી તો તેમને માટે વ્યક્ત થવાનું એક સાધન જ રહી જાય છે, વ્યક્ત થવાનાં અન્ય કેટલાંય સાધનો પણ પ્રેમીઓ પાસે હોય છે. પ્રેમની ભાષા શબ્દોની મોહતાજ નથી. પ્રેમની ભાષા તો સ્પર્શ, દૃષ્ટિ, હાવભાવ, સ્મિત એવું કેટલુંય આવે છે. એટલે જેટલો ઉત્કટ પ્રેમ આધુનિક સમાજનો માણસ કરી શકે એટલો જ ઉત્કટ પ્રેમ જંગલમાં વસતો આદિવાસી પણ કરી શકે. પ્રેમ ત્યારે પણ અસ્તિત્વ ધરાવતો હતો જ્યારે ભાષાનો આવિષ્કાર પણ નહોતો થયો એટલે ભાષા પ્રેમ માટે ગૌણ છે. ગુસ્સા માટે ભાષા ક્યારેક ગૌણ હશે, પણ હવેના સમયમાં માણસે ગુસ્સાને અકુદરતી બનાવી દીધો છે એટલે તેને ભાષાની જરૂર પડવા માંડી છે. હવે તમે કોઈને ઝઘડતા સાંભળો ત્યારે એનું અવલોકન કરજો. તમને ગુસ્સાની સાઇકોલૉજી વધુ સમજાશે.

columnists kana bantwa