સોનં ઘ્યા સોનં...

25 October, 2020 06:23 PM IST  |  Mumbai | Varsha Chitaliya

સોનં ઘ્યા સોનં...

પ્રતીકાત્મક તસવીર

યુદ્ધમાં વિજયી થઈને આવેલા મરાઠા લડવૈયાઓની યાદમાં દશેરાના દિવસે મહારાષ્ટ્રમાં કદંબના વૃક્ષનાં પાન વહેંચીને શુભેચ્છા આપવાની અનોખી પ્રથા છે. મરાઠી બહેનો આ પાનને સમૃદ્ધિનું પ્રતીક માને છે. રામાયણના એક પ્રસંગમાં સીતાજીને કદંબપ્રિયા કહ્યાં છે. ભાગવત પુરાણ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણએ કાલીય મર્દન વખતે કદંબના ઝાડ પર ચડીને યમુનાના ઝેરી પાણીમાં કૂદકો માર્યો હતો. આવી તો અનેક માન્યતાઓ અને દંતકથાઓ કદંબના વૃક્ષ સાથે સંકળાયેલી છે. અનેક જગ્યાએ પૂજા-પાઠમાં કદંબનું પાન મૂકવાની પરંપરા અસ્તિત્વમાં છે. ચાલો ત્યારે દશેરાના તહેવાર અને શુભ કાર્યોમાં વપરાતા આ વૃક્ષ સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણીએ...

ભારતભરમાં દશેરાની ઉજવણીમાં વિવિધતા જોવા મળે છે. બંગાળમાં સિંદૂર ખેલા ને ઉત્તર પ્રદેશમાં રાવણદહન મુખ્ય આકર્ષણ છે, તો ગુજરાતીઓ જલેબી-ફાફડા ખાઈને દશેરાની ઉજવણી કરે છે. જોકે આપણી કર્મભૂમિ મહારાષ્ટ્રમાં આ શુભ પર્વને વિશિષ્ટ રીતે ઊજવવાની પ્રથા છે. સોનાના ભાવ આસમાનને આંબી રહ્યા છે, પરંતુ દશેરાના દિવસે મરાઠી બહેનો સોનાના અલંકાર અથવા સિક્કાઓની ખરીદી અચૂક કરે છે. સોનાને તેઓ સમૃદ્ધિનું પ્રતીક માને છે. સોનું ખરીદવા ઉપરાંત આ દિવસે તેઓ આપ્ટેનાં પાન એકત્રિત કરે છે. પાનની સંખ્યા વધે એમ વૈભવમાં વધારો થાય છે એવી માન્યતા છે.

 

દશેરાના વિજય મુહૂર્તમાં મહારાષ્ટ્રમાં આપ્ટેનાં પાન વહેંચીને શુભેચ્છા આપવાની જૂની પરંપરા છે. સોનેરી કિનારીવાળી નવવારી લીલી સાડી પહેરીને મરાઠી બહેનો એકબીજાને સુવર્ણના બદલે આ પાન આપીને ‘સોનં ઘ્યા સોનં’ કહીને શુભકામના આપે છે ત્યારે સોનાના ભાવને લઈને અંદરોઅંદર પ્રતીકાત્મક રમૂજ થતી હોય છે. ઉત્સવમાં હળવી મજાક અને આનંદ ઉત્સાહમાં વધારો કરે છે. ઘણી બહેનો આપ્ટેના વૃક્ષને સોનાપત્તા પણ કહે છે. આજે આપણે મરાઠીમાં આપ્ટે, ગુજરાતીમાં કદંબ અને સંસ્કૃતમાં કદંબિકા તરીકે ઓળખાતા તેમ જ શુભ કાર્યોમાં સુવર્ણ જેવું ઊંચું સ્થાન ધરાવતા આ વૃક્ષ સાથે સંકળાયેલી રસપ્રદ માન્યતાઓ વિશે વાત કરીશું...

કદંબનાં પાન સોનાનાં કેમ?

પૌરાણિક કથા અનુસાર અયોધ્યામાં રહેતા કૌતષ નામના યુવાને પોતાના ગુરુને દક્ષિણા આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ગુરુ વરાતનટુએ દક્ષિણાની ના પાડી હતી, પરંતુ કૌતષે વારંવાર આગ્રહ કરતાં ગુરુએ તેમની પાસે એક કરોડ સોનાના સિક્કા માગ્યા. ત્યાર બાદ કૌતષ અયોધ્યાના રાજા શ્રીરામ પાસે ગયા. ભગવાન રામે તેમને વિશાળ કદંબના વૃક્ષ નીચે ઈશ્વરનું સ્મરણ કરવાનું કહ્યું. ત્રણ દિવસ બાદ ધનના દેવ કુબેરે કદંબના વૃક્ષનાં પાનને સુવર્ણમાં ફેરવી દીધાં હતાં. આ પાનની સંખ્યા તેમની જરૂરિયાત કરતાં અનેકગણી વધારે હતી. ગુરુદક્ષિણા જેટલાં પાન રાખી કૌતષે બાકીનાં પાન અયોધ્યાની પ્રજામાં વહેંચી દીધાં. ધનકુબેર જે રીતે કૌતષને ફળ્યાં એવાં સૌને ફળે અને વૈભવ પ્રાપ્ત થાય એવી ભાવના હતી. ત્યાર થી શુભ કાર્યોમાં સુવર્ણની જગ્યાએ કદંબનાં પાન અર્પણ કરવાની પરંપરા અસ્તિત્વમાં આવી હોવાની માન્યતા છે.

ભારતીય તહેવારોમાં ધાર્મિક કથાઓ અને માન્યતાઓ મોટો ભાગ ભજવે છે. આગુ સે ચલી આ રહી પ્રથાને આપણે સૌ શ્રદ્ધાપૂર્વક અનુસરીએ છીએ. મહારાષ્ટ્ર સાથે સંકળાયેલી દંતકથા અનુસાર અન્ય સામ્રાજ્ય પર વિજય પ્રાપ્ત કરીને પાછા ફરેલા મરાઠા યોદ્ધાઓ તેમની સાથે સુવર્ણનો ખજાનો લાવ્યા હતા. સોનાના અલંકારો અને સિક્કાઓને ભગવાનના ચરણમાં મૂકીને પૂજા કર્યા બાદ એને નજીકના સ્વજનોને વહેંચી દેવામાં આવ્યા હતા. મરાઠા લડવૈયાઓની યાદમાં વિજયા દશમીના દિવસે સોનાના પ્રતીક તરીકે ઓળખાતાં આપ્ટેનાં પાન આપવાની પ્રથા શરૂ થઈ હતી. 

ગ્રંથો-પુરાણો શું કહે છે?

કદંબ પ્રાચીન વૃક્ષ છે, પરંતુ વૈદિક પુરાણોમાં એનો ખાસ ઉલ્લેખ નથી. જોકે રામાયણ, મહાભારત, ભાગવત જેવા ગ્રંથો અને સાહિત્યોમાં એનું સુંદર વર્ણન છે. રામાયણના કિષ્કિંધાકાંડના શ્લોકોમાં સીતાજીને કદંબપ્રિયા વિશેષણ આપવામાં આવ્યું છે. વિરહી રામ કદંબના વૃક્ષને પૂછે છે કે, ‘હે કદંબ, મારી કંદબપ્રિયાને ક્યાંક જોઈ છે?’ રાવણ સાથે યુદ્ધ કરવા શ્રીરામ આતુર નયને શરદઋતુની પ્રતીક્ષા કરી રહ્યા છે. એવામાં વર્ષાઋતુનું આગમન થતાં મલ્ય પર્વત પરથી નીકળતા જળપ્રવાહમાં કદંબનાં ફૂલો વહેવા માંડે છે. પર્વતમાં રહેલા ધાતુ અને કદંબના ફૂલનું મિલન થતાં જળનો રંગ રાતો થઈ ગયો હોવાનું શ્લોકમાં કહેવાયું છે. અન્ય એક શ્લોકમાં વરસાદને કારણે કમળરજ ખરી જતાં ભમરાઓ કમળનો ત્યાગ કરી કદંબનાં ફૂલો સાથે ગાન કરી રહ્યા હોવાનો ઉલ્લેખ છે. કવિ કાલિદાસે પોતાના સાહિત્યસર્જનમાં નીપ (સ્ત્રી) કદંબ, રક્તકદંબ અને માલતી માધવમ્ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. કદંબ વૃક્ષનાં પુષ્પોને તેમણે પ્રેમની અનુભૂતિ સાથે સરખાવ્યાં છે.

શ્રીકૃષ્ણની બાળલીલા વિશે વાત કરતી વખતે હૃદયમાં ગોકુળ, વૃંદાવન, યમુનાનો કાંઠો અને કદંબના વૃક્ષનાં ચિત્રો અંકિત થઈ જાય. ગુજરાતી ભાષામાં લખાયેલી અનેક કવિતાઓ, દોહાઓ અને ગીતોમાં કદંબના વૃક્ષનું વર્ણન છે. રહીમે તેમના દોહામાં કહ્યું છે કે ‘કાશ, હું ગોકુળનો ગ્વાલ હોત, કૃષ્ણની ધેનુ હોત, યમુનાના કાંઠે ઝૂકેલી કદંબની ડાળ હોત.’ બાળકૃષ્ણને કદંબનું વૃક્ષ અતિપ્રિય હતું. યમુનાના તીરે આવેલા કદંબના વૃક્ષ નીચે ઊભા રહી તેઓ વાંસળીના સૂર રેલાવતા. યમુનાના જળમાં સ્નાન કરવા ઊતરેલી ગોપીઓનાં વસ્ત્રો આ જ વૃક્ષની ડાળીએ મૂકી તેઓ મરક-મરક મલકાતા. કદંબના પાનનો દડિયો બનાવી ગોપીઓ પાસેથી ચોરેલું માખણ ખાતા એટલે જ પાન ઊલટી દિશામાં વળેલાં હોવાની કલ્પના કરવામાં આવી છે. ભાગવત પુરાણના દસમા સ્કંધમાં કાલીય મર્દન પ્રસંગનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. કદંબની સૌથી ઊંચી ડાળી પર ચડીને કૃષ્ણએ યમુનાના ઝેરી પાણીમાં કૂદકો માર્યો હતો. ગ્રંથો કહે છે કે રાધાજીને કદંબનાં પુષ્પો પ્રત્યે પ્રીતિ અને આકર્ષણ હતાં.

જૈન સાહિત્યમાં પણ કદંબનાં વૃક્ષોનો ઉલ્લેખ છે. શત્રુંજય તીર્થક્ષેત્રમાં આવેલા ૨૧ પર્વતો પર કદંબનાં વૃક્ષોનાં વન આવેલાં છે. ગુજરાતમાં રેવાને કાંઠે વસ્તી ભીલ જાતિના લોકો કદંબમાં ખૂબ આસ્થા ધરાવે છે. ઇંદ્રોત્સવ યાત્રા મેળામાં તેઓ કદંબની ડાળી રોપીને પૂજા કરે છે. દક્ષિણ ભારતના મદુરાઈના મીનાક્ષી મંદિરની કથા પણ આ વૃક્ષ સાથે સંકળાયેલી છે. આ મંદિરના પરિસરમાં આવેલા પ્રાચીન કદંબના વૃક્ષને હજી જાળવી રાખવામાં આવ્યું છે.

વૃક્ષની વિશિષ્ટતા

ઍન્થ્રોસિફેલસ કદંબા કે ઍન્થ્રોસિફેલસ ઇન્ડિકા જેવું વૈજ્ઞાનિક નામ ધરાવતા કદંબને અંગ્રેજીમાં બરફ્લાવર કહે છે. આ વૃક્ષ મુખ્યત્વે દક્ષિણ એશિયાના દેશોમાં મળી આવે છે. કદંબ એક ઊંચા કદનું વિશાળ વૃક્ષ છે. ૬થી ૭ વર્ષમાં ૧૪૮ ફુટ જેટલું ઊંચું વધી શકે છે. કદંબના ઘણા પ્રકાર છે. નીપ અને રાજકદંબ સ્ત્રીકદંબ કહેવાય છે. ધૂળી કદંબ અને ભૂમિ કદંબ જેવી અન્ય જાતો પણ છે. આ વર્ષાઋતુનું વૃક્ષ છે. વરસાદની મોસમમાં વૃક્ષ પર એકસાથે તમામ ફૂલો ખીલે છે. ફુલોનો આકાર સંપૂર્ણ ગોળાકાર અને રંગ રાતો (કેસરી) તેમ જ પીળાશ પડતો હોય છે. એની વિશેષતા એ છે કે ફૂલ ખીલતાં પહેલાં કળીનો આકાર પણ ગોળાકાર હોય છે. ફૂલોમાં ભરપૂર માત્રામાં પરાગરજ જોઈ શકાય છે. ફૂલને સૂંઘો ત્યારે આ પરાગરજ નાકને ચોંટી જાય છે. એની સુગંધ ખૂબ જ માદક હોવાથી ભ્રમરને આકર્ષે છે. વૃક્ષની ફરતે પણ મધમાખીઓનું ટોળું ગુંજારવ કરે છે. કદંબના વનને ગંધઘટા જેવું ઉપનામ આપવામાં આવ્યું છે. ફૂલોની સુગંધ આક્રમક હોવાથી અત્તર બનાવવામાં એનો ઉપયોગ થાય છે. જોકે ફૂલોની મોસમ જલદી પૂરી થઈ જાય છે. જ્યારે પાંદડાં બારેમાસ લીલાંછમ રહે છે અને એટલે જ કવિઓએ કહ્યું છે કે ફૂલો પુરબહારમાં ખીલ્યાં હોય ત્યારે એની સુંદરતાને માણી લેવી જોઈએ. આ વૃક્ષની છાલ અને પાનનો મેડિકલ ઉપયોગ પણ છે. દેખાવમાં સુંદર અને શીતળતા આપનારું હોવાથી અનેક ઠેકાણે સુશોભન માટે કદંબનાં વૃક્ષો વાવવામાં આવે છે.

ઔષધીય ગુણો

- આયુર્વેદમાં રાજ કદંબ અને ધૂળી કદંબનો ઉલ્લેખ છે. દૂબળું શરીર ધરાવતી વ્યક્તિ દરરોજ પાણી સાથે રાજકદંબનાં ફળોનું ચૂર્ણ લે તો શરીર તંદુરસ્ત થાય છે.

- ખાટો, તૂરો, મધુર, શીતળતાનો ગુણધર્મ ધરાવતા કદંબના ફળને દવાની જેમ લેવામાં આવે તો પિત્ત અને કફ દૂર કરે છે. ધૂળી કદંબ લોહીના વિકારનો નાશ કરે છે.

- કદંબના વૃક્ષની છાલનો અર્ક કપાળ પર લગાવવાથી માથાના દુખાવામાં રાહત થાય છે.

- સોજો મટાડવા માટે છાલની તાજી પેસ્ટ બનાવીને મલમની જેમ ચોપડી શકાય છે.

- વારંવાર આંખ આવતી હોય કે આંખો લાલ રહેતી હોય એવી વ્યક્તિએ આંખોની આસપાસ કદંબની છાલનો રસ ચોપડવો.

- કદંબના વૃક્ષના અંકુરમાં રક્તપિત્ત, અતિસાર અને અરુચિને દૂર કરવાની ક્ષમતા છે. પાકાં ફળ વાતનાશક છે. 

-  મોઢું આવી ગયું હોય ત્યારે કદંબનાં પાનને ઉકાળીને કોગળા કરવાથી ફાયદો થાય છે.

- તાવ આવતો હોય ત્યારે તુલસીનાં પાન અને કદંબની છાલને ભેળવીને કાઢો બનાવીને પીવાથી તાવ ઊતરી જાય છે.

દશેરાના દિવસે આયુધપૂજન અને શમી પૂજન કેમ કરવામાં આવે છે?

દશેરાના દિવસે રાવણદહનનું જેવું મહત્ત્વ છે એવું જ મહત્ત્વ શમીવૃક્ષની પૂજાનું છે. જેમ વડ, પીપળો, તુલસી અને બિલીના વૃક્ષની પૂજા થાય છે એવી જ રીતે દશેરાના દિવસે શમી પૂજન થાય છે. આ વૃક્ષને ખીજડો પણ કહેવાય છે. ખાસ કરીને ક્ષત્રિયો માટે ખૂબ જ મહત્ત્વની છે આ પૂજા. દશેરાના દિવસે શસ્ત્રોનું પૂજન કેમ થાય છે એનું રહસ્ય પણ આ જ વૃક્ષ સાથે સંકળાયેલું છે.

મહાભારતની કથા મુજબ પાંડવોએ અજ્ઞાતવાસ દરમ્યાન પોતાની ઓળખ છુપાવવા માટે થોડાક સમય માટે હથિયારોનો ત્યાગ કર્યો હતો. તેમણે હથિયાર શમી વૃક્ષની ડાળીઓમાં સંતાડી દીધી હતા.  દશેરાના દિવસે તેમણે શમી વૃક્ષની પૂજા કરીને એ આયુધો પાછા મેળવ્યા હતા અને પછી યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. આ જ કારણોસર દશેરાના દિવસે આયુધ, હથિયાર અને મશીનરીની પૂજા કરવામાં આવે છે. વાત યુદ્ધની હોય કે વેપારધંધાની, એમાં તમે હરીફને પરાસ્ત કરીને જીત મેળવી શકો એ માટે જરૂરી સાધનોને આ દિવસે પૂજવાનું મહાત્મ્ય છે.

બૃહદ સંહિતા ગ્રંથમાં શમી વૃક્ષની વનસ્પતિ તરીકેની ગુણવત્તાનો ઉલ્લેખ છે. શમીની પાંદડીઓ ગ્રીષ્મમાં સુકાઈ જાય છે અને એને પીળાં ફૂલ બેસે છે. એનાં મૂળ જમીનમાં બહુ ઊંડે સુધી પાણી ખેંચે છે. એને કારણે જો ખેતરમાં આ વૃક્ષ વાવ્યું હોય તો જમીનમાં પાણીનું સ્તર ઊંચું આવે છે અને જમીન બહુ જલદી સુકાતી નથી. આ વૃક્ષના લાકડા ઇંધણ અને હવનમાં સમિધા તરીકે ઉપયોગમાં આવે છે. ઘર કે ફૅક્ટરીના આંગણામાં ક્યાંય શમી વૃક્ષ હોય તો એને રોજ પાણી રેડીને દીવો પ્રગટાવી પૂજા કરવાથી શત્રુ પર વિજય અને લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. ‍

columnists Varsha Chitaliya dussehra