આપણે લગ્ન શા માટે કરીએ છીએ?

06 June, 2021 01:23 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જૉનસને બે વાર લગ્નવિચ્છેદ બાદ ત્રીજી વાર લગ્ન કર્યાં અને એ પણ પોતાનાથી ૨૩ વર્ષ નાની યુવતી સાથે. આવાં સંબંધો જોડાય ત્યારે લગ્ન જેવી પાયાની સંસ્થા વિશે કેટલાક સવાલો થાય એ સ્વાભાવિક છે

આપણે લગ્ન શા માટે કરીએ છીએ?

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જૉનસને ૫૬ વર્ષની ઉંમરે પોતાથી ૨૩ વર્ષની નાની એવી ૩૩ વર્ષની વયની સ્ત્રી સાથે હમણાં લગ્ન કર્યાં. આ લગ્ન કંઈ પહેલી વારનાં નથી, આ ત્રીજી વારનાં લગ્ન છે. આ અગાઉ બે  વાર લગ્ન કરી ચૂક્યા છે અને બન્ને વાર લગ્ન વિચ્છેદ કરીને હવે ત્રીજી વાર લગ્ન કર્યાં છે. 
આપણે ત્યાં આ ઘટના જેટલી અજુગતી લાગે એટલી પશ્ચિમના સમાજમાં એ અજુગતું નથી. ઇન્દિરા ગાંધી જ્યારે દેશનાં વડા પ્રધાન બન્યાં ત્યારે અમેરિકાની મુલાકાતે ગયેલાં. અમેરિકી પ્રમુખ સાથે એક સમારંભમાં તેઓ બેઠાં હતાં. પ્રમુખે ઇન્દિરાજીને પોતાની સાથે નૃત્ય કરવા આમંત્રણ આપ્યું. ઇન્દિરાજીએ ત્યારે તેમને કહેલું : ‘મારા દેશમાં મારા નૃત્યની વાત કોઈને નહીં ગમે.’ તેમણે નૃત્યનું આમંત્રણ સ્વીકાર્યું નહીં.
દેશમાં કોઈને નહીં ગમે
ઇન્દિરાજીએ અમેરિકી પ્રમુખને જે કહ્યું હતું એ શબ્દો સમજવા જેવા છે. નૃત્ય કરવામાં ઇન્દિરાજીને પોતાનો કોઈ અણગમો નહોતો પણ કરોડો દેશવાસીઓ પોતાના વડા પ્રધાનને આ રીતે નૃત્ય કરતા જુએ તો તેમને એ ન જ ગમે. નૃત્ય કરવું એમાં કશું ખોટું નથી, પણ સામાજિક સ્તરે જે સ્વીકાર-અસ્વીકાર થતા હોય એની ઉપરવટ જવું એ સહજ નથી હોતું. આ સામાજિક સ્વીકાર-અસ્વીકાર બહુ મહત્ત્વની ભૂમિકા છે.
લગ્ન એક વ્યક્તિગત પ્રશ્ન છે. બ્રિટિશ વડા પ્રધાનની જેમ જ બીજા એક અમેરિકી પ્રમુખ કેનેડીનાં પત્ની જૅકલીન કેનેડીએ પુનઃલગ્ન કર્યાં ત્યારે આપણા દેશમાં એના વિશે ઘણું લખાયું હતું. કેનેડી લોકપ્રિય હતા અને તેમનાં આ પત્ની જૅકલીન યુવાન અને સુંદર તો હતાં જ પણ તેમના પતિની જેમ જ ભારતમાં લોકપ્રિય હતાં. આ જૅકલીને પતિની હત્યા પછી ૭૦ વરસની વયના અબજોપતિ ઓએસિસ સાથે પુનઃલગ્ન કર્યાં ત્યારે અમેરિકી પ્રજા કરતાં આપણી પ્રજાને વધારે આંચકો લાગ્યો હતો. જૅકલીન અને ઓએસિસ વચ્ચે પણ વયનો ગાળો ઘણો મોટો હતો.
લગ્ન એટલે શું?
સ્ત્રી અને પુરુષનાં લગ્ન વચ્ચે વયનો ગાળો કેટલો હોવો જોઈએ એ વિશે કોઈ ચોક્કસ સમજણ ક્યાંય આપવામાં આવી નથી. બાળલગ્નના સંખ્યાબંધ કિસ્સાઓમાં ૧૦ વરસની કન્યા હોય અને ૩૦ વર્ષનો વરરાજા હોય એવું આપણે જોયું જ છે. સામાન્ય રીતે કન્યા એટલે કે સ્ત્રી વરરાજા કરતાં નાની વયની હોય એવું ધારવામાં આવે છે અને એવું જ સ્વીકારવામાં આવે છે કેટલીય વાર કન્યાની ઉંમર વર કરતાં વધારે હોય ત્યારે એને છુપાવવામાં આવે છે અને વર જ બે વરસ, ચાર વરસ મોટો છે એવું જ દેખાડવામાં આવે છે. સામાન્ય રીતે લગ્ન એટલે એક પુરુષ અને સ્ત્રી વચ્ચેના આજીવન દૈહિક સંબંધને સામાજિક, ધાર્મિક અને કેટલાક સમાજમાં આધ્યાત્મિક સ્વીકૃતિ માનવામાં આવે છે. વાસ્તવમાં સ્ત્રી-પુરુષ સંબંધ બાળકના જન્મ સાથે જ શરૂ થાય છે. બાળક કે બાળકી માતાના ઉદરમાંથી બહાર આવે છે એ જ ક્ષણથી એનો સંબંધ પરિવારજનો સાથે શરૂ થાય છે. આ પરિવારજનોમાં માતા-પિતા, ભાઈ-બહેન, ભાઈ-ભાઈ કે બહેન-બહેન હોય છે. આમ હોવાથી સ્ત્રી-પુરુષ નિકટતા હોય એમાં કશું નવું નથી. પણ જ્યારે આ બાળક કે બાળકી લગ્ન કરીને પરિવારની વિજાતીય વ્યક્તિ સાથે જોડાય છે ‍ત્યારે દૈહિક સંબંધોનાં પ્રકરણ શરૂ થાય છે અને લગ્નજીવનને ગમે તેટલું ધાર્મિક કે આધ્યાત્મિક સ્વરૂપ આપીએ તો પણ એના પાયામાં રહેલો દૈહિક સંબંધનો હિસ્સો બોલવા જેવો નથી.
લગ્ન એક વ્યવસ્થા છે?
વિજાતીય સંબંધો પ્રાણીમાત્ર કે જીવનમાં એક અનિવાર્ય પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને માણસે પોતાના જીવનમાં ઉચિત સ્થાન આપવું જોઈએ. આ સ્થાનનાં પરિમાણો સામાજિક જીવનનું ઘડતર કરે છે. માણસે પોતાની સંસ્કૃતિ અને સમાજને સુદૃઢ અને સુગ્રથ‌િત રાખવા માટે નિયમો ઘડ્યા હોય છે. આ નિયમોમાં લગ્નજીવનને એક ચોક્કસ સ્થાન આપવામાં આવ્યું છે. લગ્નજીવનની અંદર અને બહાર એવી રેખા પર દોરવામાં આવી છે. આ રેખા માણસનું સંસ્કૃતિક જીવન સ્વચ્છ અને સંસ્કારી બનેલું રહે એવી ખેવના હોય છે. આમાં એવું જરૂર બને છે કે સ્થળ-કાળના સંદર્ભમાં આ ખેવના આગળ-પાછળ થતી રહે, પણ મૂળભૂત રીતે એનો પાયો તો એક જ રહે છે.
આમ જુદા-જુદા સમાજમાં જુદી-જુદી નજરે આ વ્યવસ્થા ગોઠવાયેલી હોવા છતાં માણસ પોતાની વ્યવસ્થાને વધારે સારી અને તંદુરસ્ત રાખે છે. ૧૦ કે ૧૫ વરસની કન્યા ૩૦ કે ૪૦ વરસના પુરુષને પરણે અને બીજા વરસે વિધવા થાય તો પણ તેણે આજીવન વૈધવ્ય ભોગવવું એને આપણે ત્યાં એક સમયે આદર્શ માનવામાં આવતું. પુરુષ માટે આવો કોઈ પ્રતિબંધ નહોતો. પુરુષ અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કરીને સામાજિક સ્થાન મેળવી શકતો. આમ લગ્નને પણ પુરુષપ્રધાન ગોઠવણ કહી શકાય.
સ્ત્રી-પુરુષ સંબંધ અને જાતીયતા
પુરુષ એટલે કોઈ ચોક્કસ આકૃતિ જ માત્ર નથી. એના હોવામાં કેટલાક પાયાનાં પૌરુષી રસાયણો હોય છે. આ રસાયણો કોઈક વિશેષ પ્રકારનાં ખૂટતા રસાયણોની શોધમાં હોય છે. એ જ રીતે સ્ત્રી એટલે કોઈ પણ વિશેષ આકાર નહીં પણ કેટલાંક સ્ત્રૈણ રસાયણોનું સંમેલન. આ રસાયણોને કેટલાંક પૌરુષી રસાયણો પ્રાપ્ત થાય તો એક સંપૂર્ણ આકૃતિ પ્રાપ્ત થાય છે. આ સંપૂર્ણ આકૃતિ પ્રાપ્ત થવી સહેલી નથી. હકીકતે આ સંપૂર્ણ આકૃતિને પરસ્પરની જે રસાયણોની ખેવના હોય છે એને સમજવાનું સામાજિક સ્તરે સહેલી વાત નથી. આપણે કોઈ પણ સ્ત્રી કે પુરુષને પરસ્પર નિકટ આવતાં કે પછી સહજ ભાવે સ્નેહ દાખવતાં જોઈએ ત્યારે તરત જ આપણી સમજદારીની પરીક્ષા થાય છે. આપણે આવી કોઈ પણ નિકટતાને સહજતાથી સ્વીકારી શકતા નથી. હકીકતે એમ પણ કહી શકાય કે આવી સમજદારી કેળવી પણ શકતા નથી.
લગ્નજીવનમાં અપેક્ષા પરસ્પર ખૂટતાં રસાયણોની શોધ છે. આવી શોધ જ્યારે થઈ શકે ત્યારે જૉનસન, ઇન્દિરાજી, જૅકલીન કેનેડી આ બધાની વાત 
સમજાઈ જશે.

columnists dinkar joshi